ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ – હેમલ વૈષ્ણવ 34


૧. કુમળી કળી..

પેટમાં છ મહિનાના બાળક સાથે ભૂખથી બેહાલ જીવી સોસાયટીના છેડે આવેલા બંગલાના ઝાંપાને અઢેલીને ઉભી રહી. પાછળની સડક પાસે બંધાતા બહુમાળી મકાનના મુકાદમે આજે જ જીવીના ઉપસેલા પેટ તરફ જુગુપ્સાભરી નજર નાખીને કહ્યું હતું કે “આજથી તારો હિસાબ પૂરો, હવે તારાથી ઇંટો ઉપાડવાનું કામ નહિ થાય.”

ઝાંપાની બીજી તરફ બંગલાના માલિક અને શહેરના નામાંકિત સમાજસેવિકા ચારુબેન પોતાના માળી રઘુને સૂચનાઓ આપી રહ્યા હતા. જીવી ઉપર નજર પડતા જ તેઓ તાડુકી ઉઠ્યા, “પાછી પેટ ઉપાડીને હાલી આવી? તમને લોકોને પોસાતું નથી તો સરકારી દવાખાને જઈને બાળક પડાવી કેમ નથી નાખતા? બે મિનીટ ખમ હવે, ડોક્ટરને હું જ ચિઠ્ઠી લખી આપું છું.” પીઠ ફેરવીને ચારુબેને માળીને સૂચના આપવાનું ચાલુ રાખ્યું, “રઘુ, જો પેલા ગુલાબના છોડવાળા કુંડાને છાંયડામાં મૂકી દે. એમાં હમણાં જ કળી બેઠી છે. બિચારી મુરજાઇ ન જાય.”

૨. પ્રોફેશનલ

શહેરના ખ્યાતનામ કાર્ડિઆક સર્જન ડૉ. ત્રિવેદીના બંગલે સાંજની પાર્ટીની તમામ તૈયારીઓ પૂરજોશમાં હતી. “કહું છું, ચિરાયુભાઈ અને સીમાને બોલાવી લઉં ? એ લોકોએ નવી જ પ્રેક્ટીસ શરૂ કરી છે તો આપણી પાર્ટીમાં આવેલા શહેરના જાણીતા લોકોની સાથે એમની ઓળખાણ થશે.” પત્નીએ કહ્યું.

કાર્ડિઓલોજીમાં નવાસવા ડોક્ટર થયેલા નાના પિતરાઈ અને તેની ડોક્ટર પત્નીની મક્કમ પ્રગતિથી વાકેફ ડો. ત્રિવેદીએ ક્લીનશેવ દાઢી પર હાથ પસવારતા કહ્યું, “આ વખતે રહેવા દે. મહેનત કરવાના દિવસોમાં પાર્ટીનો શોખ તેમના માટે સારો નહીં.”

પાર્ટીમાં આવેલા ફાઈવસ્ટાર હોસ્પિટલના ટ્રસ્ટી નંદકિશોરભાઈએ ત્રિવેદીને કહ્યું, “સાહેબ, આપણે સર્જરી પર આપનો એક સેમીનાર રાખીએ છીએ, કાલથી માર્કેટીંગ શરૂ કરી દઈશું. પચ્ચીસ હજારની આસપાસ ફી રાખી છે.” ડૉ. ત્રિવેદીએ પત્નીને કહ્યું, “ચિરાયુ અને સીમાને ઈન્ફોર્મ કરી દેજે, વેળાસર સીટ બુક કરાવી લે.”

૩. શ્રદ્ધા

“પાસ છે.”

ટીકીટ આપવા આવેલા કંડક્ટરની આંખમાં આંખ પરોવીને નટુભાઈએ હિંમતભેર કહી દીધું અને કંડક્ટરની પીઠ ફરતાં, સ્મિત સાથે પોતાની ચતુરાઈ પર પોરસાયા. ત્રીજા જ સ્ટેશનેથી ટીકીટચેકરને ચડતા જોઇને દસ મિનીટ પહેલાનું સ્મિત કપાળ પર બાઝેલા પરસેવામાં વિલીન થઇ ગયું. વીસ રૂપિયા બચાવવા જતા થનારા બસ્સો રૂપિયાના દંડની ગણતરી કરવામાં ચતુરાઈ ચોપટ થઈ જતી લાગી.

સદભાગ્યે ચેકર અડધેથી જ બીજી બસ ચેક કરવા ઉતરી ગયો. બચેલા વીસ રૂપિયામાંથી બે રૂપિયા મંદિરની દાન પેટીમાં પધરાવતા નટુભાઈ દીન વદને હાથ જોડીને મૂર્તિ સમક્ષ ઉભા રહીને સ્વગત બબડી રહ્યા, “હે માં, તું બધો હિસાબ રાખે છે. આજે સવારે ઉતાવળમાં તને હાથ જોડવાનું, દીવો કરવાનું ભૂલી ગયો તો તેં તરત જ પરચો બતાવી દીધો, હવેથી ક્યારેય સવારે પૂજા કર્યા વગર ઓફિસ જવાની ભૂલ નહીં કરું.” મંદિરના પગથીયે દુઃખિયાઓમાં બેઠેલી સાત વર્ષની લક્ષ્મી આશાભરી નજરે નટુભાઈ તરફ જોઈ રહી, એ તરફ દુર્લક્ષ સેવીને તેમણે ઘરની વાટ પકડી.

– હેમલ વૈષ્ણવ

વડોદરામાં અભ્યાસ કરી હાલ કનેક્ટીકટ, અમેરિકામાં પત્ની અને બે બાળકો સાથે વસતા અને વ્યવસાયે ફિઝિઓથેરાપિસ્ટ શ્રી હેમલભાઈ વૈષ્ણવ અક્ષરનાદના નિયમિત વાચક, સમાલોચક અને પ્રતિભાવક છે. તેઓ કાવ્યસર્જન પણ કરે છે. એક સર્જક તરીકે અક્ષરનાદ પર તેમની આ પ્રથમ કૃતિ છે. માઈક્રોફિક્શન વાર્તાઓના ક્ષેત્રમાં હાથ અજમાવનાર હેમલભાઈની ત્રણ રચનાઓ અહીં પ્રસ્તુત છે, રચનાઓ મૌલિક છે અને માઈક્રોફિક્શન ક્ષેત્રને અક્ષરનાદ પર જેટલું ખેડાણ મળ્યું છે તેમાં ઉમેરાઈ રહેલા આવા નવસર્જકોથી અને તેમની કૃતિઓથી એ આશાસ્પદ ક્ષેત્ર વધુ અસરકારક રીતે વિકસશે એવી આશા છે. રૂઢીગત ભેદભાવ, સંબંધોમાં રાજકારણ તથા અહં અને અંધશ્રદ્ધા જેવા વિષયોને લઈને સર્જન પામેલી આ સુંદર કૃતિઓ બદલ હેમલભાઈને અભિનંદન તથા વધુ આવી જ રચનાઓ માટે શુભકામનાઓ.


Leave a Reply to ગહન મુંજાણી Cancel reply

34 thoughts on “ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ – હેમલ વૈષ્ણવ