ત્રણ સુંદર બાળગીતો – ઝવેરચંદ મેઘાણી 3


૧. હું દરિયાની માછલી..

દરિયાના બેટમાં રે’તી,
પ્રભુજીનું નામ લે’તી,
હું દરિયાની માછલી !
હાં રે મને બારણે કઢવી નો’તી,
હું દરિયાની માછલી !

જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી,
મરજો પ્રીત્યોના તોડનારા,
હું દરિયાની માછલી ! – દરિયાના.

દરિયાનાં નીર મને પાતાળે ગોતશે,
આભ લગી મારશે ઉછાળા,
હું દરિયાની માછલી ! – દરિયાના.

તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે,
ચંદ્ર કેને પાશે અજવાળાં?
હું દરિયાની માછલી ! – દરિયાના.

છીપલીની છાતીએથી કોણ હવે ઝીલશે,
મોં ઊઘાડી મોતીડાં રૂપાળાં?
હું દરિયાની માછલી ! – દરિયાના.

દરિયાના દેશથી વિછોડી,
દુનિયાસું શીદ જોડી !
હું દરિયાની માછલી !

૨. દાદાજીના દેશમાં..

હાં રે દોસ્ત ! હાલો દાદાજીના દેશમાં,
પ્રેમસાગર પરભુજીના દેશમાં. – હાં રે.

મધુર મધુર પવન વાય,
નદી ગીતો કૈં ગાય,
હસી હોડી વહી જાય,
મારા માલિક રાજાજીના દેશમાં. – હાં રે.

સાત દરિયા વીંધીને વા’ણ હાલશે,
નાગ-કન્યાના મે’લ રૂડા આવશે,
એની આંખોમાં મોતી ઝરતાં હશે,
હાં રે દોસ્ત ! હાલો મોતીડાંના દેશમાં. – હાં રે.

સાત વાદળ વીંધીને વા’ણ લઈ જશું,
ત્રીશ કોટિ તારાની સાથ ખેલશું,
ચંદ્ર-સૂરજ ખીસામાં ચાર મેલશું,
હાં રે દોસ્ત ! હાલો ચાંદરડાંના દેશમાં. – હાં રે.

સમી સાંજે દાદાને દેશ પોં’ચશું,
એના પાંખાળા ઘોડા ખેલાવશું,
પછી પરીઓને ખોળે પોઢી જશું,
હાં રે દોસ્ત ! હાલો એ પરીઓના દેશમાં. – હાં રે.

ભલે હોય ઘણું તાણ,
ભલે ઊઠે તોફાન,
આજ બનશું બેભાન,
થવા દાખલ દાદાજીના દેશમાં !

હાં રે દોસ્ત ! હાલો દાદાજીના દેશમાં,
પ્રેમસાગર પરભુજીના દેશમાં. – હાં રે.

૩. કજિયાળો

કોણ કહે કજિયાળો મુજને,
કોણ કહે કજિયાળો રે !
એવું કહી શીદ બાળો મુજને
કોણ કહે કજિયાળો રે !

મન મારું આકાશે તરતું
વાદળીઓની સાથે ફરતું,
બા કે’શે કે ‘લેશન કર તું !’
ઠપકો દેતી ઠાલો રે. – કોણ.

એરોપ્લેનને ઊડતું દેખું,
જાણે જઈ ગગનમાં ઠેકું,
બાપુ ત્યાં ગોખાવે લેખું !
મરજો લેખાંવાળો રે! – કોણ.

પૂંઠું જ્યાં પાટી પર મીંડાં,
સાંભરતાં રૂપાળા ઈંડાં,
શોધું છું ક્યાં ક્યાં પંખીડાં
બાંધે બેઠાં માળો રે. – કોણ.

ઊંડા ઊંડા દરિયા ઉપર
શી રીતે દોડે છે સ્ટીમર,
પૂછું રે કોઈ આપો ઉત્તર !
મારી શંકા ટાળો રે. – કોણ.

પૂછું તો બાશીદ ખિજાતાં?
કેમ નથી કંઈ ગીતો ગાતાં?
મૂંગા મૂંગાં પોઢી જાતાં,
કેમ જશે શિયાળો રે? – કોણ.

આવી દૂધલિયાળી રાતો,
કહો બા, તારાઓની વાતો,
શી રીતે આ આભ સુહાતો
ઝગમગ ભાત્યોવાળો રે? – કોણ.

મારા મનના કૈંક વિહારો,
કોને જઈ હું કહું બિચારો !
ડગલે ડગલે મળતો ડારો,
કોઈ ન કાં પંપાળો રે! – કોણ.

ખિજાયા વિણ ખોળે લઈને,
સમજાવો આલિંગન દઈને,
બેસીશ ડાહ્યો ડમરો થઈને,
હું તો સાવ સુંવાળો રે. – કોણ.

પણ જો તરછોડ્યા કરશો તો,
મોઢું મચકોડ્યા કરશો તો,
મનડું સંકોડ્યા કરશો તો,
વધશે મુજ ગોટાળો રે. – કોણ.

કોણ કહે કજિયાળો મુજને,
કોણ કહે કજિયાળો રે !

– ઝવેરચંદ મેઘાણી

બાળગીતો ક્ષેત્રે આપણી ભાષામાં શ્રી ઝવેરચંદ મેઘાણીનું કામ નોંધપાત્ર છે. ‘શિવાજીનું હાલરડું’ હોય, ‘તલવારનો વારસદાર’ કે ચારણબાળાની શૌર્યગાથા વર્ણવતું ‘ચારણ-કન્યા’, મેઘાણીની કલમ લોકજીવનને બાળકાવ્યોમાં સહજ ઉતારી લાવે છે, સાથે સાથે લાવે છે એ ગીતોમાંના શૌર્યને, ખમીર અને સ્વમાનને. પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ ‘વીણેલા ફૂલ’ અને તેના પૂરક સંગ્રહ ‘કિલ્લોલ’માં શ્રી ઝવેરચંદ મેઘાણીએ હાલરડાં મૂક્યાં છે, તેમ જ માતા તથા નાનાં ભાઈબહેનોના મનોભાવ ગૂંજવતા ગીતો પણ છે, લાખો વાચકોના અંતરમાં એ ગીતોએ અમીસીંચન કરેલું છે. ૭૫મી મેઘાણીજયંતિ પછી બહાર પડેલ તેમના બાળગીતોની પુસ્તિકા ‘નાના થૈને રે !’ માંથી આજે ત્રણ સુંદર બાળગીતો અહીં મૂક્યા છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ત્રણ સુંદર બાળગીતો – ઝવેરચંદ મેઘાણી

  • Ajay

    લાંબા સમય બાદ શ્રી ઝવેરચંદ મેઘાણી ના કાવ્યો વાંચી અનહદ આનંદ થયો

  • Harsha Vaidya

    ખરેખર આ બાળગીતો કેટલાં સરસ છે.એમાંય જયારે હું સ્કુલમાં બાળકોને સંગીત શીખવતી ત્યારે “દરિયાના બેટમાં રહેતી”,આ ગીત મારા સ્વરનિયોજનમાં એમની પાસે સમુહમાં ગવડાવ્યું હતું.બસ,એ યાદગાર મારી પાસે છે અને આજે આ વાંચીને બંધ સ્મૃતિ નું ઢાંકણું ખુલ્યું..

  • ashvin desai

    આજે મેલબર્નનિ સવારના સાત વાગે મેઘાનિસાહેબ્ના બાલગિતોથિ સામાન્ય – ચુતનિ – દિવસનિ શરુઆત કરુ ચ્હુ
    ૮ થિ ૬ મા ફરજિયાત મતદાન , લેબર અને લિબરલ પાર્તિ વચ્ચ્હે મુદ્દા આધારિત પ્રચાર ૫ વિક રેદિઓ – તિવિ પર જ ચાલ્યો , તુરિસ્તોને લાગે પન નહિ કે ઓસ્ત્રેલિયા આજે રાશ્ત્રિય ચુતનિ કરિ રહ્યુ ચ્હે – એ જ વિશ્વનિ બેસ્ત લોકશાહિનો પુરાવો ,
    સારે જહાસે ,,,,,,, અશ્વિન દેસાઈ , મેલબર્ન , ઓસ્ત્રેલિયા