ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ – હેમલ વૈષ્ણવ 34


૧. કુમળી કળી..

પેટમાં છ મહિનાના બાળક સાથે ભૂખથી બેહાલ જીવી સોસાયટીના છેડે આવેલા બંગલાના ઝાંપાને અઢેલીને ઉભી રહી. પાછળની સડક પાસે બંધાતા બહુમાળી મકાનના મુકાદમે આજે જ જીવીના ઉપસેલા પેટ તરફ જુગુપ્સાભરી નજર નાખીને કહ્યું હતું કે “આજથી તારો હિસાબ પૂરો, હવે તારાથી ઇંટો ઉપાડવાનું કામ નહિ થાય.”

ઝાંપાની બીજી તરફ બંગલાના માલિક અને શહેરના નામાંકિત સમાજસેવિકા ચારુબેન પોતાના માળી રઘુને સૂચનાઓ આપી રહ્યા હતા. જીવી ઉપર નજર પડતા જ તેઓ તાડુકી ઉઠ્યા, “પાછી પેટ ઉપાડીને હાલી આવી? તમને લોકોને પોસાતું નથી તો સરકારી દવાખાને જઈને બાળક પડાવી કેમ નથી નાખતા? બે મિનીટ ખમ હવે, ડોક્ટરને હું જ ચિઠ્ઠી લખી આપું છું.” પીઠ ફેરવીને ચારુબેને માળીને સૂચના આપવાનું ચાલુ રાખ્યું, “રઘુ, જો પેલા ગુલાબના છોડવાળા કુંડાને છાંયડામાં મૂકી દે. એમાં હમણાં જ કળી બેઠી છે. બિચારી મુરજાઇ ન જાય.”

૨. પ્રોફેશનલ

શહેરના ખ્યાતનામ કાર્ડિઆક સર્જન ડૉ. ત્રિવેદીના બંગલે સાંજની પાર્ટીની તમામ તૈયારીઓ પૂરજોશમાં હતી. “કહું છું, ચિરાયુભાઈ અને સીમાને બોલાવી લઉં ? એ લોકોએ નવી જ પ્રેક્ટીસ શરૂ કરી છે તો આપણી પાર્ટીમાં આવેલા શહેરના જાણીતા લોકોની સાથે એમની ઓળખાણ થશે.” પત્નીએ કહ્યું.

કાર્ડિઓલોજીમાં નવાસવા ડોક્ટર થયેલા નાના પિતરાઈ અને તેની ડોક્ટર પત્નીની મક્કમ પ્રગતિથી વાકેફ ડો. ત્રિવેદીએ ક્લીનશેવ દાઢી પર હાથ પસવારતા કહ્યું, “આ વખતે રહેવા દે. મહેનત કરવાના દિવસોમાં પાર્ટીનો શોખ તેમના માટે સારો નહીં.”

પાર્ટીમાં આવેલા ફાઈવસ્ટાર હોસ્પિટલના ટ્રસ્ટી નંદકિશોરભાઈએ ત્રિવેદીને કહ્યું, “સાહેબ, આપણે સર્જરી પર આપનો એક સેમીનાર રાખીએ છીએ, કાલથી માર્કેટીંગ શરૂ કરી દઈશું. પચ્ચીસ હજારની આસપાસ ફી રાખી છે.” ડૉ. ત્રિવેદીએ પત્નીને કહ્યું, “ચિરાયુ અને સીમાને ઈન્ફોર્મ કરી દેજે, વેળાસર સીટ બુક કરાવી લે.”

૩. શ્રદ્ધા

“પાસ છે.”

ટીકીટ આપવા આવેલા કંડક્ટરની આંખમાં આંખ પરોવીને નટુભાઈએ હિંમતભેર કહી દીધું અને કંડક્ટરની પીઠ ફરતાં, સ્મિત સાથે પોતાની ચતુરાઈ પર પોરસાયા. ત્રીજા જ સ્ટેશનેથી ટીકીટચેકરને ચડતા જોઇને દસ મિનીટ પહેલાનું સ્મિત કપાળ પર બાઝેલા પરસેવામાં વિલીન થઇ ગયું. વીસ રૂપિયા બચાવવા જતા થનારા બસ્સો રૂપિયાના દંડની ગણતરી કરવામાં ચતુરાઈ ચોપટ થઈ જતી લાગી.

સદભાગ્યે ચેકર અડધેથી જ બીજી બસ ચેક કરવા ઉતરી ગયો. બચેલા વીસ રૂપિયામાંથી બે રૂપિયા મંદિરની દાન પેટીમાં પધરાવતા નટુભાઈ દીન વદને હાથ જોડીને મૂર્તિ સમક્ષ ઉભા રહીને સ્વગત બબડી રહ્યા, “હે માં, તું બધો હિસાબ રાખે છે. આજે સવારે ઉતાવળમાં તને હાથ જોડવાનું, દીવો કરવાનું ભૂલી ગયો તો તેં તરત જ પરચો બતાવી દીધો, હવેથી ક્યારેય સવારે પૂજા કર્યા વગર ઓફિસ જવાની ભૂલ નહીં કરું.” મંદિરના પગથીયે દુઃખિયાઓમાં બેઠેલી સાત વર્ષની લક્ષ્મી આશાભરી નજરે નટુભાઈ તરફ જોઈ રહી, એ તરફ દુર્લક્ષ સેવીને તેમણે ઘરની વાટ પકડી.

– હેમલ વૈષ્ણવ

વડોદરામાં અભ્યાસ કરી હાલ કનેક્ટીકટ, અમેરિકામાં પત્ની અને બે બાળકો સાથે વસતા અને વ્યવસાયે ફિઝિઓથેરાપિસ્ટ શ્રી હેમલભાઈ વૈષ્ણવ અક્ષરનાદના નિયમિત વાચક, સમાલોચક અને પ્રતિભાવક છે. તેઓ કાવ્યસર્જન પણ કરે છે. એક સર્જક તરીકે અક્ષરનાદ પર તેમની આ પ્રથમ કૃતિ છે. માઈક્રોફિક્શન વાર્તાઓના ક્ષેત્રમાં હાથ અજમાવનાર હેમલભાઈની ત્રણ રચનાઓ અહીં પ્રસ્તુત છે, રચનાઓ મૌલિક છે અને માઈક્રોફિક્શન ક્ષેત્રને અક્ષરનાદ પર જેટલું ખેડાણ મળ્યું છે તેમાં ઉમેરાઈ રહેલા આવા નવસર્જકોથી અને તેમની કૃતિઓથી એ આશાસ્પદ ક્ષેત્ર વધુ અસરકારક રીતે વિકસશે એવી આશા છે. રૂઢીગત ભેદભાવ, સંબંધોમાં રાજકારણ તથા અહં અને અંધશ્રદ્ધા જેવા વિષયોને લઈને સર્જન પામેલી આ સુંદર કૃતિઓ બદલ હેમલભાઈને અભિનંદન તથા વધુ આવી જ રચનાઓ માટે શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

34 thoughts on “ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ – હેમલ વૈષ્ણવ

  • નિમિષા દલાલ

    પહેલા તો માફી માગી લઉ હેમલભાઈ તમારી પોસ્ટ આટલા બધા દિવસો પછી જ્યારે તમારી બીજી પોસ્ટ આવી ત્યારે જોઇ..
    દર વખતે મારી વાર્તાઓ પર આપની કોમેન્ટ વાંચું છું.. આજે આપના લેખનને પ્રોત્સાહિત કરવાનો મોકો મળ્યો ઘણું સારું લાગ્યું..
    મને હંમેશા ઓછા શબ્દોમાં વધુ વાત કહેતી લઘુકથાઓમાં ખૂબ રસ રહ્યો છે… તમારી આ ત્રણ અને બીજી પાંચ બધી જ વાંચી.. ખરેખર મજા આવી વાંચવાની.. આગળ ઉપર આવી જ રીતે આપની કલમ માણવા મળશે એવી આશા…

    • Hemal Vaishnav

      માફી થોડી માગવાની હોય ….?
      અભિપ્રાય બદલ તમારો ખુબ આભાર…

  • Darshana Bhatt

    સમાજમાં દંભી લોકોનો તોટો નથી.કહેણી અને કરણી વચ્ચેના તફાવતને કારણે,કદાચ ,આટલો ભ્રષ્ટાચાર
    વ્યાપી ગયો હશે !!
    ત્રણે લઘુ કથા ગમી .

  • kalyani vaishnav

    હેમલભાઇ,
    બહુ જ સરસ અને વસ્તવિક વાત કહેી…..
    હુ મારા વિદ્યાર્થેીઓને ચોક્કસ કહેીશ્……

  • durgesh oza

    સરસ પ્રયાસ. આવા વિરોધાભાસ જીવનમાં ઠેર ઠેર જોવા મળતા હોય છે. વાત કે વિચારમાં કે માણસ માણસ પ્રમાણે ભેદભાવ… આ વાત મુકવાનો પ્રયાસ. અભિનંદન..

  • meena vasavada

    હેમલભાઈ
    નાની પણ સુન્દર વાર્તા. આનન્દ થયો.વધુ વાચી શકિયે માટે લખતા રેહેજો.
    આભાર્

  • Dr.hardik yagnik

    આદરણિય હેમલભાઇ,
    વિચાર બહુજ સરસ્.. મઝા પડી ગઇ.. હજુ શબ્દો ઓછા કરશો તો રચના વધુ અસરકારક થશે તેમ મારુ માનવું છે.
    બાકી શરુવાત ઉત્તમ છે…
    લાગણીઓ….
    ડૉ. હાર્દિક

  • Tarak Joshipura

    khub laghav vali var ta o Badal Abhinandan….”Shradhha” ane eno Dekhado Khub saras niru pa yo che……Likh te raho Munnabhai !!!!

  • Rajesh Vyas "JAM"

    વિરોધાભાષી વ્યક્તિત્વ એજ આજના સમય ની કડવી વાસ્તવિક્તા છે જેનો સચોટ ચિતાર રજુ કરવા બદલ હેમલભાઈનો ખુબ ખુબ આભાર.

  • Murtaza

    ત્રણેય વાર્તાઓમાં થિમની જમાવટ મજાની અને સારી રીતે કરી છે. છતાંય…મને ‘ટચ’ થાય એવું તત્વ કેમ ન મળ્યું??!?!

  • Keyur Vasavada

    કુમળી કળી માં છુપાયેલો કાંટો હૃદયમાં સીધો જ ભોકાય ગયો. પ્રોફેસનલ માં આપે “Hippocratic Oath” ને ભૂલી ચુકેલા અને સાયકલ ના પંકચર ને સાંધતા હોય એટલી સહજતા થી બિન જરૂરી બાયપાસ કરવા માં માહિર એવા ડોકટરો ને સારા ઉઘાડા પાડ્યા. અને શ્રધા વિષે તો શું કહું, પથરા ઉપર સોનાનો મુગટ ચડવાનારા અને દૂધ ઘી ની ગંગા વહેવાવ નારા ને એમ કહેશું કે ભાઈ આના કરતા થોડું દાન અનાથ અને ગરીબ માં કર ને તો મોઢું મચકોડી ને કહેશે તારે શું પંચાત , આ મારી શ્રદ્ધા નો વિષય છે– સુંદર સચોટ અને વેધક ટુકી વાર્તાઓ માટે ખુબ ખુબ અભિનંદન !!

  • ashvin desai

    ભાઈ હેમલે પ્રથમ પ્રયાસે સુન્દર લઘુકથાઓ કન્દારિ બતાવિ .
    એમનિ પાસે સરલ શૈલિ , ભાશાપ્રયોગ , લાહ્ગવ વગેરે લહ્ગુકથાના ઓજારો હાથવગા હોવાથિ એમને સર્જનપ્રક્રિયા સહજ – વાસ્તવિક લાગિ હશે ,
    એઓ ધારે તો , તુન્કિ વાર્તાનુ સ્વરુપ પન સહેલાઈથિ હસ્તગત કરિ શકે – શુભેચ્ચ્હાઓ સાથે ,
    – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • Chirag Vithalani

    સુંદર પ્રયાસ… કુમળી કળી અને પ્રોફેશનલ વધારે સારી લાગી….

  • Maheshchandra Naik Canada

    સોંસરો બોધ આપતી વાર્તાઓ માટે લેખકને અભિનદન અને આપનો આભાર………………………