આ પહેલા ગઈકાલે પ્રસ્તુત કરેલા આદ્યકવિઓના પાંચ વર્ષાકાવ્યો (ભાગ ૧) અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.
૬. વીજળી ચમકે છે.. – ત્રિભુવન વ્યાસ
વા વાયો ને વાદળી આવી ચડી.
એને નીરખી નમતે પહોર;
વીજળી ચમકે છે.
રત ગાજી ને નેહનાં નીર ટપક્યાં,
હૈયાના ટહુક્યા મોર. વીજળી..
ઉર ઊછળતાં આશનાં પૂર રેલ્યાં,
ચડી હ્રદય ઘટા ઘનઘોર. વીજળી..
એક ઊડતો સંદેશડો આવી મળ્યો,
ચિત્તડા માંહી જાગ્યા ચકોર. વીજળી..
વાગી વેણુ કો દૂરના દેશમાંથી,
મધરાતલડીને પહોર. વીજળી..
વા વાયો ને વાદળી વિદેશ ગઈ,
હજુ સ્મરણ માંહી નઠોર. વીજળી..
– ત્રિભુવન વ્યાસ
૭. આષાઢી સાંજ.. – ઝવેરચંદ મેઘાણી
આષાઢી સાંજના અંબર ગાજે,
અંબર ગાજે, મેઘાડંબર ગાજે!. આષાઢી..
માતેલા મોરલાના ટૌકા બોલે,
ટૌકા બોલે, ધીરી ઢેલડ બોલે. આષાઢી..
ગરવા ગોવાળિયાના પાવા વાગે,
પાવા વાગે, સૂતી ગોપી જાગે. આષાઢી..
વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે. આષાઢી..
ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડ ભીંજે, ખોળે બેટો રીઝે. આષાઢી..
આષાઢી સાંજના અંબર ગાજે,
અંબર ગાજે, મેઘાડંબર ગાજે!. આષાઢી..
– ઝવેરચંદ મેઘાણી
૮. આકાશી અસવાર.. – બાલમુકુન્દ દવે
ઊની રે વરાળો પહોંચી આભમાં,
ધરતી પાડે રે પોકાર;
દુખિયાઁનો બેલી સમરથ ગાજિયો,
વા’લીડે કરિયો વિચાર
આવે રે રાજાનો રાજા મેહુલો.
આવે રે દેકારા દેતો દખ્ખણે
વરતે જયજયકાર;
છડી રે પોકારે વનના મોરલા,
ખમ્મા ! આવો અનરાધાર,
આવે રે રાજાનો રાજા મેહુલો.
છૂટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
ઝૂલે વીજની તલવાર;
આકાશી ઘોડાના વાગે ડાબલા,
સાયબો થિયો છે અસવાર,
આવે રે રાજાનો રાજા મેહુલો.
નીચેરે મહેરામણ ઘેરા ગાજતા,
ઊંચે હણેણે તોખાર;
એકના પડછંદા દૂજે જાગતા,
ધરતી આભ એકાકાર,
આવે રે રાજાનો રાજા મેહુલો.
– બાલમુકુન્દ દવે
૯. નવલું નીલાંબર.. – ગની દહીંવાલા
આ કોની મનોરમ દ્રષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું?
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલાંબર ભીંજાણું?
આ ઈન્દ્રધનુની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી?
ફાગણ નહીં આ તો શ્રાવણ છે, એમાંય રમી લીધી હોળી?
છંટાઈ ગયા ખુદ,વ્યોમ સમું પોતાનું વસ્તર ભીંજાણું, નવલું નીલાંબર ભીંજાણું.
કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજળીના ચમકારા,
ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા?
શી હર્ષાની હેલી કે ધરતીનું ક્લેવર ભીંજાણું, નવલું નીલાંબર ભીંજાણું.
આ રસભીની એકલતામાં સાંનિધ્યનો સાચે સંભવ છે,
ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પગરવ છે?
આનંદના ઊઘડ્યા દરવાજા, રે મન! આખું ઘર ભીંજાણું, નવલું નીલાંબર ભીંજાણું.
– ગની દહીંવાલા
૧૦. પણ મોરલા બોલ્યા નહીં… – અવિનાશ વ્યાસ
દૂર દખ્ખણના ડુંગરા ડોલ્યા, પણ મોરલા બોલ્યા નહીં.
અને વર્ષાએ વીંઝણા વીંઝોળ્યા, પણ મોરલા બોલ્યા નહીં.
ડુંગરાની કોરે,
ઊગતા રે પહોરે,
વગડો વીંધીને ફૂલ ફોર્યા,
પણ મોરલા બોલ્યા નહીં.
કેમ રે કલાપી તહારું વિલાપી મુખ પરખાય રે?
કેમ રે કલાપી તહારો ટહુકો મધુર ના સુણાય રે?
કોઈ વ્હાલેરાએ હૈયાં ઢંઢોળ્યાં;
પણ મોરલા બોલ્યા નહીં.
નેહભર્યા નીરથી ધરતી ભીંજવતો મેહુલિયો આવતો નથી,
રુધિરથી રંગેલા ધરતીને ઢાંકણ વાયરો વહાતો નથી,
એમ આંખડીએ આંસુડા સાર્યા;
પણ મોરલા બોલ્યા નહીં.
– અવિનાશ વ્યાસ
ગઈકાલે કેટલાક વર્ષાકાવ્યો મૂક્યા હતા જેને આપ સર્વે મિત્રોનો ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો. આજે પ્રસ્તુત છે બીજા પાંચ એવા જ મનોહર વર્ષાકાવ્યો. આશા છે આપને આ વરસાદ ભીંજવતો હશે, સ્મરણોના – પ્રેમના – વહાલના – આનંદના – મિત્રતાના એમ વિવિધરંગી વરસાદમાં રસતરબોળ કરતો હશે. આજે પ્રસ્તુત છે શ્રી અવિનાશ વ્યાસ, ગની દહીંવાલા, બાલમુકુન્દ દવે, ઝવેરચંદ મેઘાણી અને ત્રિભુવન વ્યાસની વર્ષાકૃતિઓ. આવતીકાલે ફરીથી પ્રયત્ન કરીશું પાંચ વધુ વર્ષાકાવ્યો એકત્ર કરીને પ્રસ્તુત કરવાનો.
કારિ કરિ વાદરિ મા વિજલિ જબુકે – કોઇ પાસે હોય તો શેર કરવ વિનન્તિ – આભર – નરેન્દ્ર
આ બધાં કવિઓ જન્મ્યા નહિ, પ્રગટ્યા હતાં એમ કહી શકાય. જેના શબ્દોમાં વગર વરસાદે ભીંજાવાની મોસમ મળે.આપની પણ દ્રષ્ટી અને રસજ્ઞને ભીંજવવાની ચેષ્ટા દાદ આપવા જેવી ખરી.
ખૂબ સરસ રચનાઓ છે.
-રમેશભાઈ ચાંપાનેરી (રસમંજન)વલસાડ
સરસ ! કવિતાઓનો વરસાદ વરસી રહ્યો છે…
મજા આવે છે… ચાલુ રાખો…