પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૩) 3


૧૧. વરસાદ તારા નામ પર – વેણીભાઈ પુરોહિત

આજ નથી જાવું બસ કોઈનાય કામ પર –
અલ્યા
ધીંગા વરસાદ !
તારા નામ પર !
આજ આખી આલમથી અલગારી છુટ્ટી,
જિંદગીને લાધી ગઈ કંઈક જડીબુટ્ટી,
આજ નથી મહેરબાન થાવું આ ગામ પર.

ચોમાસું આવે ને યાદ આવો તમે,
દિલને ગુલાબી આ ગમગીની ગમે,
જિંદગીના ચોપડામાં જિંદગી છે જમે,
આજ મને આવી છે ઊલટ આરામ પર.

ધુમ્મસીયું આભ અને અજવાળું પાંખું,
સૂરજને ગેબ ગેબ ગોખલામાં નાખું,
સપનું છે ચોખ્ખું પણ જોણું છે ઝાંખું,
આજે હું તરસ્યો છું તીરથના ધામ પર.

રાગ હો મલ્હાર અગર રાગ હોય મારુ
કેફ હોય મૃગલુ માતંગ કે કાંગારુ,
બંદરના વાવટાને કહો વારુ વારુ,
આજે હું આફરીન અંધા અંજામ પર
આજ નથી જાવું બસ કોઈનાય કામ પર.

– વેણીભાઈ પુરોહિત

૧૨. મોર ટહુકે.. – પ્રજારામ રાવળ

આ આવી ભીની જ હવા લહરી,
ઓ ધૂળ તણી ઘૂમરે ડમરી,
બદલાઈ ગઈ જ હવા સઘળી,
આ ચિહ્ન પ્રગટ સૌ વર્ષાનાં !
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !

હે આવ સઘન ઘનશામળિયા,
હો આવ મીઠા મન-મેહુલિયા,
તું આવ ધરાના નાવલિયા,
બહુ દિન વીત્યા છ નિરાશાના!
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !

રે, ભાંભરતી ગાયો તરસે,
કૂવાનાં જળ તળને સ્પરશે,
નહીં પ્રાણ ટકે, જો ના વરસે,
અવલંબન એક જ તરસ્યાનાં !
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !

હે આવ, ભરી સઘળુંય ગગન,
લઈ સ્નિગ્ધ ગંભીર મીઠાં ગર્જન,
ને તુજ કેવલ અમીનાં વર્ષણ,
અયિ પંડિત મૌનની ભાષાના !
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !

– પ્રજારામ રાવળ

૧૩. અનરાધાર… – ઉશનસ્

ઊભું ઊભું નભ નીતરતું ક્યારનું એકધારું,
ધારાઓયે સરલ અડતી પૃથ્વીપુષ્ટે અતૂટ,
ધારાતંતુ પવન નથી ક્યાં તોડતો સીકરોમાં,
તોળાઈ છે ગગનછત શી મેઘધારા સળીથી !

મૂંગું મૂંગુ નભ નીતરતું એકધારું અજસ્ત્ર,
મૂંગી મૂંગી તૃણ ઊન વતી ઘેટી શી ટેકરીઓ,
વાડે ગોંધી પલળી જ રહે વાદળી જેવી પોચી

સીમો કેરું ધણ તરુ તણું રે નિરાધાર છત્ર,
ભીંજાતું રે… કદીક તન કંપી જતું શીત ધારે
તેનાં થોડાં લવ ખરી જતાં રોમ શાં પાંદડાથી;

મૂંગી મૂંગી નભ નીતરતી શેરીથી ગાય એક
આવી મારા ઘરની પરસાળે ઊભી આશરો લે;

મૂંગો મૂંગો સમય નીતરે વાયરા શો જ કિલન્ન
મૂંગુ મૂંગુ મન નીતરતું, જતું ઊતરતું કો ઊંડે દેશ ભિન્ન.

– ઉશનસ્

૧૪. ચંપો મ્હોરીયો.. – સુંદરજી બેટાઈ

મેઘતણી વાડીમાં વીજલવેલ
મારી રે વાડીમાં ચંપો મ્હોરીયો!
છલકાતી છંટાતી આભલ હેલ
છાંટે રે છંટાતો ચંપો મ્હોરીયો!

આભે રે અંકાઈ સોનલ સેર;
મારી રે વાડીમાં ચંપો મ્હોરીયો!
છો આભે સોનેરી ઝાકઝમેર;
મારી તો વાડીમાં ચંપો મ્હોરીયો!

આભતણા આઘેરા સોનલ મેર;
મારે તો મન્દિરિયે ચંપો મ્હોરીયો!
એ આઘાં સોનામાં ગન્ધ ન સેર,
મારો તો સોનેરી ચંપો મ્હોરીયો!

– સુંદરજી બેટાઈ

૧૫. ધોધમાર વરસાદ પડે છે.. – વિમલ અગ્રાવત

તગતગતી તલવાર્યુ તડફડ આમતેમ વીંઝાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.
ઢાલ ફગાવી, બખ્તર તોડી, લોક વીંધાવા જાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.

કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહરાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.
ઝરણાં હફડક નદી બનીને દરિયામાં ડોકાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.

તદારે તદારે તાની દીર દીર તનનન છાંટે છાંટો ગાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.
ઘેઘેતીટ તાગીતીટ તકતીર કીટ્તક પવન તાલમાં વાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.

જળનું ઘોડાપૂર અમારી આંખ્યુંમાં રુંધાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.
સેંથો, ચુંદડી, કંગન, કાજળ, લથબથ પલળી જાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.

હું દરિયે દરિયા ઝંખું ને તું ટીંપે ટીંપે ન્હાય રે સાજણ, ધોધમાર વરસાદ પડે છે.
હું પગથી માથાલગ ભીંજું તું કોરેકોરો હાય, અરે, ભરચક ચોમાચા જાય ને મારું
અંગ સકળ અકળાય રે નફ્ફટ! ધોધમાર વરસાદ પડે છે.

– વિમલ અગ્રાવત

આજે ફરી પ્રસ્તુત છે પાંચ વર્ષાકાવ્યો. આ હેલી તો ધાર્યાથી વધુ લાંબી ચાલી, એટલે એ નીતર્યા નીતર્યા મનને લઈને આવા વધુ ગીતોની / કાવ્યકૃતિઓની તપાસ આગળ ધપાવી છે. મૂળે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત વિવિધ કવિઓના સંકલન એવા કાવ્યકોડીયાં સંગ્રહમાંથી આ રચનાઓ અહીં પ્રસ્તુત કરી છે, એ સિવાય ગોપાલભાઈ પારેખે પાઠવેલી એક મિત્રની આવી જ રચનાઓના સંગ્રહની સુંદર ડાયરી અને અન્ય સ્ત્રોતમાંથી આવી રચનાઓ મળી રહી છે. ચાલો જોઈએ આપણે આવી કેટલી રચનાઓ એકત્ર કરી શકીએ છીએ. આ હેલીમાં રસતરબોળ થવા સર્વેને આમંત્રણ છે…


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૩)

 • pankajsoni

  rechraging of childhood… sand house building..swimming with small fishes in small river..escaping from school due to rainfall…eating popcorn in monsoon while reading…
  good collection of varshageet…continue it…

 • Suresh Shah

  ચોમાસુ આવે ને તમે યાદ આવો …. પાન લીલુ જોયુ ને તમે યાદ આવ્યા.
  વરસવા દો, તરબોળ થવા તૅયાર છીએ.

  – સુરેશ શાહ, સિંગાપોર