करिष्ये वचनं तव। – ઉમાશંકર જોશી 6


આખી ગીતાનો મર્મ કોઈ એક ચરણમાં શોધવો હોય તો તે ઉપરના શબ્દોમાં શોધી શકાય. શ્રીકૃષ્ણ અર્જુનને જીવનના રહસ્યનું વિવિધ રીતે દર્શન કરાવે છે. એને પેરે પેરે બધું સમજાવે છે. મોહવશ થઈને તું જે કરવા નાખુશ છે તે અવશપણે – પરાણે પણ તારે કરવું પડવાનું જ છે એમ પણ એ જરૂર કહે છે. તેમ છતાં એ પછી તરત જ બધી દલીલો પૂરી થતાં, અંતે અર્જુનને મુક્ત રાખે છે – પોતાની મેળે બધી બાજુથી વિચાર કરી તને જેમ ઠીક લાગે તેમ કર – यथेच्छसी तथा कुरु તરત જ એ શબ્દોનો અર્જુનના અંતરમાંથી પડઘો પડે છે; करिष्ये वचनं तव – તમારું કહ્યું કરીશ. ભગવાન બધું વ્યક્તિની સ્વતંત્ર ઈચ્છા પર છોડે છે. વ્યક્તિને જ્ઞાન હોય કે પોતાની સ્વતંત્રતા જેવું આ વિશ્વની યોજનામાં ન જેવું છે તેમ છતાં તે સ્વેચ્છાથી વિશ્વયોજનાની સંવાદિતામાં સૂર પુરાવે અને કમને એમાં જોડાયે એ બે માં ફરક જરૂર છે. એ કમને જોડાય તો વિશ્વસંગીત એટલું બેસુરું રહે છે. એના અહમનો કચવાટ સતત વિક્ષેપકર નિવડ્યા કરે છે. સ્વેચ્છાથી જોડાય તો જ એના રક્તના તાલેતાલે વિશ્વસંગીતનો લય પૂર્ણપણે સચવાય. આ સ્વેચ્છાપૂર્વકના મુક્ત આત્મસમર્પણનું સૂચન તો ઉપરના વચનમાં છે જ. તે ઉપરાંત પણ ગીતાના શિક્ષનનું સારસર્વસ્વ એ ત્રણ શબ્દોમાં રજૂ થયું છે.

ગીતા એ વાદવિવાદ કરતાં કરતાં તત્વબોધ થશે એવા ખ્યાલથી ચલાવેલી શાસ્ત્રચર્ચાનો ગ્રંથ નથી. કોઈની આગળ પહેલી વાર ગીતા સંભળાવો. ધનુષ્યબાણ બાજુએ મૂક્યાં તે પછી શ્રીકૃષ્ણ સાથે સવાલ જવાબ ચાલ્યા તે બધું એ મોં વકાસીને સાંભળ્યા કરશે, પણ આખો વખત એને પ્રશ્ન તો એ થયાં કરશે કે પછી અર્જુન ધનુષ્યબાણ લઈને લડવા ઉભો થયો કે નહીં? બે સૈન્યોની વચ્ચે ઉભેલા અર્જુનના પ્રતીક દ્વારા મનુષ્યમાત્રની આ કાર્ય કરવું કે ન કરવું એવી મૂંઝવણનું એ કાર્યમાંથી છૂટવાનું અશક્ય હોય એવી ક્ષણ વખતનું – ચિત્ર ગીતાકારે આપણી સમક્ષ રજૂ કર્યું છે. ગીતાકારનો જવાબ અર્જુનના પહેલા શબ્દમાં જ છે – करिष्ये એટલે હું કરીશ. અર્જુને – માણસમાત્રે કાર્ય તો કરવાનું જ છે.

પણ ધનુષ્યબાણ મૂકી દઈ વિષાદમાં સરી પડનારા અર્જુનમાં અને પછી ધૃતિ અને ઉત્સાહપૂર્વક ફરી ધનુષ્યબાણ હાથમાં લેનારા – કર્મને સ્વીકારનારા અર્જુનમાં ફેર છે. વચલી ક્ષણોમાં એને કશુંક સમજાયું છે. એ કહે છે करिष्ये वचनं  – કહ્યા પ્રમાણે કરીશ. એટલે કે શું કહ્યું હતું એ બરાબર સમજવા જેટલી એનામાં વિવેકશક્તિ, સૂઝ, જ્ઞાનશક્તિ હોય અને એ કાર્ય કરે તો જ એનું કર્મ કૃષ્ણે કહ્યા પ્રમાણેનું હ્યોઅ, નહીં તો આપણો અખો કહે છે તેમ ‘કહ્યું કંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું’ એના જેવું થાય. અર્જુનના वचनं શબ્દમાં જ્ઞાન સૂચવાયું છે. કર્મ કરીશ એમ અર્જુન કહે છે પણ તે કર્મ જ્ઞાન પૂર્વકનું હશે.

करिष्ये वचनं પણ તે કોનું? મારું? નામારો કક્કો ઘૂંટીશ એમ નહીં,  तव – તમારા વચન પ્રમાણે આચરણ કરીશ એવો અર્જુનનો ઉદગાર છે. तव શબ્દથી સંપૂર્ણ પ્રપતિભાવ ભક્તિ સૂચવાય છે.

આમ આ એક करिष्ये वचनं तव એ ચરણમાં કર્મ જ્ઞાન અને ભક્તિ એ ત્રણેયના સમન્વયપૂર્વકના મુક્ત આત્મસમર્પણનો ગીતાનો સંદેશ વ્યક્ત થયો છે.

– ઉમાશંકર જોશી.

આપ સૌ વાચકમિત્રોને નવરાત્રી અને દુર્ગાષ્ટમીની શુભકામનાઓ. આપણા અંતરમનમાં પણ માતાજીના આશિર્વાદે જ્ઞાનનો અને જાગૃતિનો પ્રકાશ લાધે તેવી શુભેચ્છાઓ.


6 thoughts on “करिष्ये वचनं तव। – ઉમાશંકર જોશી

  • Dhirajlal Vaidya

    करिष्यामि वचनम् तव II = હું તમારા કહ્યા પ્રમાણે કરીશ.
    મતલબ અધર્મ સામે યુદ્ધ કરીશ.
    ગીતામાં બીજુ પણ કહ્યું છે.” आततायीन हन्तव्यम् व्याधिरूपेण संस्थिताम् મતલબ આતઁકવાદીને નેસ્તનાબુદ કરવો એ જ રાજધર્મ છે. ચાણક્યનું પણ
    તે જ કહેવું છે.ત્યારે આસ્વાર્થઅંધ નિર્માલ્ય રાજકરણીઓ જો રાજધર્મનું પાલન ન કરશે તો હવે લોહિયાળ ક્રાંતિ નજીક લાગે છે.
    ईश्वरेच्छा बलियसि केवलम् II

  • KATAKIYA DINESH

    મન વચને અને કર્મથેી ભગવાન અને ભગવાન ના ધારક સઁત ને
    શરણે જવુ એજ મક્ષનુ અસાધરણ સાધન છે.–દિનેશ કટકિયા.

  • રમેશભાઈ ચાંપાનેરી (હાસ્ય કલાકાર)

    આ ત્રણજ શબ્દમાં કેટલો દમ છે? કરિષ્યે તવ વચનમ….ના સાર્થને વાસ્તવ જીવનમાં ઉતારવામાં આવે તો, બ્રહ્મા-વિષ્ણુ-મહેશની આરાધના ફળી ગયા જેટલી પ્રાપ્તિ મળ્યાનો આસવ મળે. તું મારા શરણે આવ…..અને કરિષ્યે તવ વચનમ આ બંને વિધાન જીવન વિકાસની દિશાઓને ખુલ્લી મુકે છે. અહી, અહંકાર અને અભિમાન ના ભેદ પણ સમઝાશે.હું એક કલાકાર છું, એ મારો નિર્મળ અહંકાર છે. પણ, મારા જેવો બીજો કોઈ કલાકાર નથી…એ મારું મલિન અભિમાન છે.

    -રમેશ ચાંપાનેરી (રસમંજન)

  • Harshad Dave

    આપણા અહંકારને ગીતાની ગંગોત્રીમાં ઓગાળી દેવાનું, અર્જુનનો સમર્પણ ભાવ કેળવવાનું, એટલું સરળ નથી. તે વચનોનો અમલ વધારે કપરો છે. આપણે અર્જુન જેવો સમર્પણ ભાવ કેળવવો જોઈએ. રોજ એક એક પગલું ભરીને એ ભાવ-અભાવનું અંતર ઘટાડતા જવું એજ જીવનનું લક્ષ હોઈ શકે. અહીં તવ શબ્દ જ અહં નો સમજ પૂર્વકનો ત્યાગ સૂચવે છે. -હર્ષદ દવે.

  • PRAFUL SHAH

    GEETA AND UMASHANKER JOSHI – WELL NARRATED… IN THE END OF GEETA BODHA. ARJUN COMMIT TO WORK, IS TOTAL SURRENDER TO LORD KRISHNA THROUGHLY UNDERSTANDING JHANNA KARMA AND BHAKTI
    REAL SANDESH OF GEETA.
    HAPPY NAVRATRI TO ALL