હરિદ્વાર (ગંગા આરતી), ઋષિકેશ અને મસૂરી – 1 8


વડોદરાથી હરિદ્વાર જતાં રસ્તામાં ટ્રેન કોટા, રતલામ અને હઝરત નિઝામુદ્દિન સ્ટેશને લાંબા વિસામાં ખાતી, ધીમે ધીમે ચાલતી જ્યારે બપોરે ચાર વાગ્યે હરિદ્વાર પહોંચી ત્યારે અમે અમારી ધર્મશાળાની પાછળની તરફ આવેલ ઘાટ તરફ દોડ્યા, સામાનને રૂમમાં જેમ તેમ મૂક્યો, ટુવાલ, કપડાં વગેરે લઈ તરત ગંગા સ્નાન કરવા પહોંચ્યા.

પાણીમાં પગ મૂક્યો તો જાણે બરફ પર પગ મૂક્યો. અને પાંચ મિનિટ પાણીમાં પગ બોળી પગથીયા પર બેસી રહ્યો તો પગ જાણે થીજી ગયા, પગ બહાર લઈ ઘાટની બહાર આવી ગયો, આ જોઈ બીજા બધાંય જે નહાવા આવી રહ્યા હતાં તે ખચકાયા. બાજુમાં બેસી ખેલ જોઈ રહેલા એક બહેન કહે, તમે આખે આખા એક વાર ઝબોળાઈ જશો પછી કાંઈ ઠંડુ નહીં લાગે. પછી જ અસલી મજા આવશે. મેં પાંચેક મિનિટ પછી માથાબુડ ડુબકી મારી અને ખરેખર મજા આવી, પણ પાણી બરફ જેવું ઠંડુ અને ખૂબ ઝડપથી વહેતુ હતું.

ગંગામાં નહાવાનો આનંદ અનેરો છે, હર કી પેડી કે પૌડી પર નહાવા લાઈન લાગે છે પણ આ શાંત સ્વચ્છ અને ખાલી ઘાટ પર એકલા નહાવાનો આનંદ અનેરો હતો, ત્યાજ પાસે રાધા કૃષ્ણનું મંદિર છે ત્યાં થોડી વાર પૂજા કરી, અને પછી રૂમ માં પહોંચ્યો તો મારા એક સબંધીએ ચ્હા અને ગાંઠીયા મંગાવ્યા હતા, જલ્સા પર જલ્સા થઈ ગયા, જાણે ગુજરાતમાં મહુવામાં ચા ગાંઠીયા ખાતો હોઉં તેમ મજા આવી ગઈ. બીજા દિવસે હરિદ્વાર દર્શનના પ્રોગ્રામ માટે રીક્ષા ભાડે કરી, જમવા માટે ગુજરાતી થાળી ત્યાં ૩૦/- રૂપિયા માં મળતી હતી અને એ પણ ખૂબ સરસ, જમવાની પણ મજા આવી ગઈ. થાકને લીધે વાતો કરતા કરતા ક્યારે સૂઈ ગયા ખબર ન રહી.

બીજે દિવસે સવારે ચા નાસ્તો પતાવી હરિદ્વારના અનેકવિધ મંદિરોનાં દર્શન કરવા નીકળ્યા. ગીતા ભવન, જગદગુરૂ શંકરાચાર્યનું મંદિર, ભારતમાતા મંદિર, વૈષ્ણવી દેવીનું મંદિર, બર્ફાની બાબાનું મંદિર, પારાના શિવલીંગ વાળું મંદિર, શાંતિકુંજ જેવા અનેક મંદિરોમાં દર્શન કર્યા. ક્યાંક રુદ્રાક્ષની માળા મળતી હતી તો ક્યાંક નવગ્રહની માળા તો વળી ક્યાંક શ્રી યંત્ર. જો અસલી અને નકલીનો ભેદ પારખતા ન આવડતું હોય તો ચોક્કસ ભેરવાઈ જવાનાં. જો કે ઘણાં જાણતા હોવા છતાંય છેતરાય છે. આપણા ધર્મસ્થાનો એટલે તો હવે ધંધાદારી સ્થાનો અને લોકોને છેતરવાનાં અડ્ડા થઈ ગયા છે. ગામડાનો ભોળો અને શ્રધ્ધાથી ભરેલો ભક્ત ત્યાં ગયો હોય તો ચોક્કસ આ લાલચુઓ તેને ભરમાવી પોતાના ખીસ્સા ભરવાના.

બપોરે શ્રી ચંડીદેવી પર્વત પર ઉડનખટોલા થી પહોંચ્યા. વાંદરાઓનો અતિશય ત્રાસ અહીં સર્વત્ર છે. થોડેક દૂર શ્રી હનુમાનજીની માતા શ્રી અંજનીદેવીનું પણ મંદિર છે. પહાડ ઉપરથી હરિદ્વારનું અને સર્પાકારે વહેતી ગંગા મૈયાનું દ્રશ્ય ખરેખર અલૌકિક છે અને મનોરમ્ય પણ. ત્યાંથી પછી કનખલના થોડાક મંદિરો દર્શન કરતા પહોંચ્યા મનસાદેવી પર્વત, અહીં પણ ઉડનખટોલા થી પર્વત પર જઈ માતાજીના દર્શન કર્યા, ચા નાસ્તો વગેરે કરી પાછા ધર્મશાળા જવાને બદલે હરકીપેડી ગયા, પાંચેક વાગ્યા હતા પણ જાણે સાત સાડાસાત થઈ ગયા હોય એવું અંધારૂં થઈ ગયું, આરતી માટે સરસ જગ્યા શોધી ગોઠવાઈ ગયા. આરતી માટે ફાળાની ઘોષણાઓ થવા લાગી, હાથમાં રીસીપ્ટ બુક લઈ ફરતા લોકોમાં કોણ શ્રી ગંગા આરતી સમિતિના છે અને કોણ નહીં તે નક્કી કરવું અઘરું થઈ ગયું. આરતી ચાલુ થઈ એ પહેલા બંને પાળાઓની વચ્ચે વહેતી ગંગામાં ભાવિકોએ ફેંકેલા પૈસા કેટલાક છોકરાઓ વીણતા હતાં, પગે થી પૈસા વીણી, પ્રવાહમાં પોતાનું બેલેન્સ જાળવી પછી તે ખીસ્સામાં મૂક્તા અને પાછા પૈસા શોધવા લાગી જતાં. આરતી શરૂ થઈ એ પહેલા તો એકાદ બે ટાબરીયા આરતી લઈ આપવા પણ આવી ગયા. અમે હાથમાં ફૂલોના પડીયા અને તેમાં ઝગમગતા ભક્તિના દીવડા અને શ્રધ્ધાભર્યા હ્રદયે આ પાવન દિવસ કે જેની અમે બધાંય લાંબા સમયથી રાહ જોતાં હતા તેનો લાભ લેવા હારબંધ ગોઠવાઈ ગયાં. આરતી શરૂ થઈ, પૂરી થઈ એ સમગ્ર સમય દરમ્યાન વાતાવરણ ગંગામય થઈ ગયું. નીરવ શાંતિ અને ફક્ત ગંગાનો પ્રવાહ, આરતી અને મંદિરોના ઘંટનાદના અવાજો, વાતાવરણનું વર્ણન કરવા શબ્દો નથી. ખૂબ મજા પડી. આરતી પછી દીવડા તરતાં મૂક્યા. અને મંદિરે દર્શન કરી અમારા ઉતારા તરફ ચાલ્યા. ગુજરાતી સમાજ પાસે આવેલી પોરબંદર વાળા એક ભાઈની લોજમાં ૪૦/- રૂપીયે ગુજરાતી થાળી જમ્યા અને રૂમ પર આવી બધાં સૂઈ ગયાં. હું અને મારા એક સંબંધી આટો મારવા નીકળ્યા અને ગલીના ખૂણે કુલડીમાં ગરમા ગરમ દૂધ પીધું. વાતો કરતા પાછાં રૂમ પર આવ્યા અને સૂઈ ગયાં.

બીજા દીવસે ઋષિકેશ ગયાં, ગાઈડે અહીંના કેટલાક મંદિરો વિષે સમજાવ્યું, કહેવાય છે કે આ જગ્યા પહેલાના જમાનામાં ખૂબ દુર્ગમ હતી અને અહીં ઋષિઓ એવું કઠોર તપ કરવા અને હાડ ગાળવા આવતાં કે ઠંડીમાં વર્ષો તપ કર્યા પછી તેમનાં વાળ જ ફક્ત બાકી રહેતા આમ આ જગ્યાનું નામ ઋષિકેશ પડ્યું. લાકડાનો મુખ્ય ઝૂલતો પુલ હવે નથી, તેની બદલે વર્ષોથી સરકારે બનાવેલો પુલ લક્ષમણ ઝૂલા અને રામઝૂલા તરીકે ઓળખાય છે. અહીંનો પ્રસિધ્ધ સ્વર્ગાશ્રમ તથા તેની ઓરીજીનલ રુદ્રાક્ષની દુકાન, ગીતાભવન, વિવિધ આશ્રમો, મંદિરો જેવી અનેક જગ્યાઓ પર ફર્યા, પણ અહીં બે વિભાગો સ્પષ્ટ દેખાઈ આવે, એક છે ભૌતિક, અગીયાર માળનું મંદિર જે ધર્મની હાટડી છે, ભક્તિના નામ પર અહીં બધુંય વેચાય છે, જ્યારે બીજી તરફ જો અહીં ઋષિકેશમાં તમારે ભાગવત પારાયણ કે સપ્તાહ કરાવવી હોય તો તદન મફત અપાતી સગવડો, સંસાર ત્યજીને આવેલા માટે પ્રભુભજનની વ્યવસ્થા સાથે ખાવા પીવાની ગોઠવણ વગેરે તફાવતો દેખાયા વગર ન રહે.

મોડી સાંજે ઋષિકેશથી પાછા ફર્યા પછી ફટાફટ જમીને બધાં સૂવા ચાલ્યા કારણકે બીજા દિવસે મસૂરી, દહેરાદૂન અને કેમ્પ્ટી ફોલ્સ તરફ જવાનો કાર્યક્રમ હતો જેના માટે સવારે વહેલું ઉઠવાનું હતું.

The Ganga Aarti


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “હરિદ્વાર (ગંગા આરતી), ઋષિકેશ અને મસૂરી – 1