આજ કાલ ધમધોકાર ચાલતો ધંધો હોય તો એ એક જ છે અને એ છે ક્રિકેટ, જ્યાં જુઓ ત્યાં બસ ક્રિકેટ, ક્રિકેટ અને ક્રિકેટ….અને એમાંય શાહરૂખભાઈ અને પ્રિતી ….(સોરી…. બહેન નથી લખતો) એ ક્રિકેટની ટીમ લીધી ત્યારથી તો જોનારા બમણા થઈ ગયા. સૌરવના છગ્ગા પર (જો એ મારે તો….) તાળી નહીં પાડવા વાળા શાહરૂખ હાથ હલાવે તો આખા ઉંચા થઈ જાય છે. આઈ પી એલ ચાલુ થયુ ત્યારથી તો સમાચાર ની ચેનલ જુઓ તો ક્રિકેટ, વળી મૂવી ચેનલ તો ક્રિકેટ લાઈવ જ બતાવે છે, કારણકે આમેય હવે આઈપીએલ ના લફડાઓ અને મૂવીના ટ્વીસ્ટસ અને ટર્નસ માં કોઈ ફરક નથી. !!
તો એન્ટરટેઈનમેન્ટ ચેનલો તો ગૃહલક્ષમીના કબ્જા માં જ હોય છે જ્યાં થી તેમને સાસુને કે નણંદને કેમ હેરાન પરેશાન કરવી તેના લેટેસ્ટ નુસખા બતાવવામાં આવે છે, ન કરાય તેવા ચાંદલા કેમ કપાળમાં સ્થિર કરવા કે સમાવવા, એક સાડીના ત્રણ ડ્રેસ કેમ બનાવવા, ડોલ્બી ડીજીટલ સાઊન્ડટ્રેકમાં કેમ રડવું, વગેરે વગેરે કાર્યોની પરોક્ષ ટ્રેનીંગ પણ ત્યાં અપાય છે. તેમના પતિદેવો બિચારા તો ક્યાંય બીજે લફરાં કરવામાં બીઝી હોય છે, એટલે આ બીચારીઓ બીજુ શું કરી શકે? એક સીરીયલ છે જેમાં ૪૦૦ વર્ષનું પાત્ર જીવે છે….તો એક અન્ય સીરીયલ માં હીરોઈન ત્રણવાર પ્લાસ્ટીક સર્જરી કરાવી ચુકી છે, કોઈકે ત્રણ વાર મેરેજ કર્યા છે તો કોઈકે ચાર પત્ની, આ લોકો ને આ સિવાય બીજુ કાંઈ કામ નથી? કોઈક ચિદમ્બરમ સાહેબને જઈને કહે કે આમાં તમને ક્યાં ફુગાવો દેખાય છે? આમના માથે ટેક્સ મારો તો અમારૂ નોકરીયાતોનું કાંઈક ભલુ થાય કારણકે મિહિર કદી બજારમાં શાક લેતો કે તુલસી કપડા ધોતી બતાવાઈ નથી, આ લોકો પાસે બહુ પૈસા છે. અન્ય એક સીરીયલમાં ડોક્ટરો હોસ્પીટલમાં ઈલાજ સિવાય બીજુ બધું કરે છે….એક ઓપરેશન ચાર એપીસોડ ચાલે છે.
આ બધા થી કંટાળીને મેં રાત્રે સીરીયલ મુક્તિના સમયમાં (કરફ્યુ મુક્તિ જેવો જ આ સમય હોય છે) ન્યૂઝ ચેનલ પર જવાની હિંમત કરી. મને એમ કે દુનિયામાં શું થાય છે એ જોઈએ.
..તો મને આ જોવા મળ્યુ,
ક્યારેય કોઈ ન્યૂઝ ચેનલ પર જોયું છે કે આ સૈનિક આપણી બોર્ડર પર આપણા માટે આમ લડે છે, ક્યારેય કોઈએ એમના માટે ડોક્યુમેન્ટ્રી બનાવવાની પણ હિંમત કરી છે? આજે પુંચ સરહદે દસ જવાન માર્યા ગયા આવા ખૂણે મુકેલા સમાચાર સિવાય તેમના વિષે બીજુ કાંઈ આવે છે? મોટા મોટા સ્ટીંગ ઓપરેશન કરતી ચેનલો શું આપણી જ સરહદ પર નથી જઈ શક્તી? નથી કહી શક્તી કે શું થઈ રહ્યુ છે કાશ્મીર માં કે મેધાલય અને અરૂણાચલ પ્રદેશમાં? કોઈ ગરીબના ધરમાં જઈને તેને બે ટંક ખાવા માટે કેટલી મહેનત પડે છે તે કોઈ દિવસ ” Hard Talk “નો વિષય કેમ નથી હોતો, “સીધી બાત” માં કાયમ આડી વાત કરનારા, કોઈક વાર બોલાવે એવા પીડીતને જેના ધરબાર બધુંય કુદરતના કોઈ ક્રોધે છીનવી લીધું છે તોયે એ અડીખમ છે. પણ ના…..એવુ કરવાની હિંમત તેમનામાં નથી. ખલી મહાબલી અને રાજુ કે હસગુલ્લે જેવા ન્યૂઝ બતાવવા કરતા, યહાં રહેતેથે કંસ કે ઈન્સાન કે ભાઈ એલીયન્સ જેવા સમાચાર બતાવીને કાંઈક ક્રિએટીવ કર્યાનો સંતોષ લેતા મીડીયાને ખબર નથી કે તે તદન ખોટા રસ્તે ચાલી નીકળ્યુ છે….એક કે બે સારી અને સંતુલિત ન્યૂઝ ચેનલને બાદ કરતા અને ડિસ્કવરી કે નેટ જીયો જેવી બે ત્રણ નોલેજ ચેનલને બાદ કરતા બીજા બધાય લોકોને ઉંધા માર્ગે દોરે છે. શું કહો છો?
જુઓ બીજી એક ન્યૂઝ ચેનલ શું બતાવે છે….
આવા ઢંગધડા વગરના ન્યૂઝ જોઈને હું કંટાળ્યો, મને એમ કે જનરલ નોલેજ વધારીએ….આસપાસની દુનિયામાં શું ચાલે છે તે જોઈએ પણ આ તો હદ થઈ ગઈ, છેલ્લા પ્રયત્ન રૂપે મેં મ્યૂઝિક ચેનલ પર જવાની હિંમત કરી…..એમ ટીવી રોડીઝના ઈન્ટરવ્યુ ચાલતા હતા…..ત્યાં બધા એક બીજાને ગાળો આપતા, પોલીટીક્સ કરતા, કે નકામી વાતો કરતા……
અને છેલ્લે
મને સૌથી વધારે મજા ડીડી (આપણું દુરદર્શન….છેલ્લે ક્યારે જોયું યાદ છે?)ની લોકસભાની ચેનલ જોવાની આવી, કાનમાં હેડફોન ભરાવીને ધ્યાનથી સાંભળવાનો ડોળ કરતાં કરતાં ઉંઘતા લોકો, ક્યારેક ચપ્પલો ફેંકતા, તો ક્યારેક સ્પીકરની સીટ પાસે બૂમો પાડતા, ધમાલ કરતા, તો ક્યારેક આ બધાથી કંટાળીને વોક આઊટ કરી જતા, અને આપણા દેશની લોકશાહીની ખુલ્લમખુલ્લા મજાક કરતા, તેની ધચ્ચીઓ ઉડાડતા….આ લોકો કોઈક કોમેડી ચેનલના પાત્રો જેવા લાગતા હતા…..મને થયુ, કાશ ગાંધી કે સરદાર આજે જીવતા હોત અને તેમણે કરેલી મહેનતને આમ વેડફાતી જોતા હોત તો એ કહેત કે આના કરતા તો……
થોડામાં ઘણું સમજજો…….સાહેબજી…
– Jignesh Adhyaru
સચોટ લેખ.
બહુ ઓછા કાર્યક્રમો છે. જે જોવા માટે રાહ જોવાતી હોયછે.
અન્ય ચેનલો પર પ્રસારણ થતા કાર્યક્રમો પણ કામ મા આવે છે. સૂઇ જવા.
jignesh bhai! bahu j sachi vaat kahi tame. aaje news karta nani vato ne motu rup aapvama avyu che
Yes. I also write once,
http://kartikm.wordpress.com/2008/04/11/cat-aaj-tak-news/
જિગ્નેશભાઇ,
તમે જે અનુભવ કર્યો તે આપણે બધા રોજેરોજ કરીએ છીએ ને માથું કૂટીએ છીએ. મજાની વાત એ છે કે લગભગ બધી જ ચેનલોમાં મોટા હોદ્દાઓ પર દેશના વરિષ્ઠ પત્રકારો છે, પણ ગળાકાપ સ્પર્ધા અને કહેવાતા બ્રેકિંગ ન્યુઝ સૌથી પહેલાં આપવાની હોડમાં ક્યાંય કોઈ પ્રમાણભાન જળવાતું નથી.
saachi vaat. But I find NDTV (Eng.), Times News reasonable. Aajtak & Starnews are the worst..