આંધળી મા નો કાગળ – ઇન્દુલાલ ગાંધી 11


આંધળી મા નો કાગળ

A Letter from a blind Indian mother to her son

અમૃત ભરેલુ અંતર જેનું ને સાગર જેવડું સત
પૂનમચંદના પાનીયા પાંહે ડોહી લખાવે ખત
ગગો એનો મુંબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે

લખ કે માડી પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઈ
સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દા’ડા

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પહેરે, પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી, ગરીબની ઇ જ છે મૂડી.

ખેતર વેચ્યા, ખોરડુ વેચ્યુ, કૂબામાં કીધો છે વાસ
જારનો રોટલો જડે નહીં તે’દી, પીઉં છું એકલી છાશ
તારે પકવાનનાં ભાણાં, મારે કોરી જારનાં ભાણાં

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા, મારે આંહીં અંધારાં પીવાં.

લખીતંગ તારી આંધળી માં ના વાંચજે ઝાઝા ઝુહાર
ાંગે રહ્ય્મ નથી એકેય ઢાંકણ, કોઠીએ ખૂટી છે જાર
હવે નથી જીવવા આરો આયવો ભીખ માગવા વારો

અમૃત ભરેલું અંતરે જેનું ને સાગર જેવડું સત
પૂનમચંદના પાનીયા પાંહે ડોહી લખાવે ખત
ગીગો એનો મુબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે
ગીગો એનો મુબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે

********

દેખતા દીકરાનો જવાબ

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

*******

મા-બાપ ફિલ્મના આ ગીતના એક એક શબ્દો માણસના હૈયાને હલાવી દે તેવા છે. ઇન્દુલાલ ગાંધી (૦૮-૧૨-૧૯૧૧ થી ૧૦-૦૧-૧૯૮૬) કરાંચી (પાકિસ્તાન) માં ગાંધીયાણા નો વેપાર કરતાં. તેમણે લખેલી એક આંધળી માં એ તેના મુંબઈ ગયેલા પુત્રને લખેલા કાગળની કવિતા ગમે તેવા પથ્થરદિલને પીગળાવી દે તેવી છે. માતા પુત્રના સંબંધો અને તેના લાગણીના વિવિધ રૂપો વિષે ખૂબ લખાયું છે પણ પુત્રના વિરહમાં ઝૂરતી ગરીબ માતાની આ વેદના તો કોઈ રડી પડે એ હદે સરસ રીતે વર્ણવી છે….અને ઈન્ટ્રેસ્ટીંગ રીતે મને આ વિષે સર્ચ કરતા એક અલગ જ જવાબ મળી આવ્યો જે છે દેખતા દીકરા નો જવાબ, આના કવિ પણ ઈન્દુલાલ જ છે,  આ દેખતા દીકરા નો જવાબ મેં without his permission સિધ્ધાર્થ ભાઈના બ્લોગ પરથી કોપી કરી છે..


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

11 thoughts on “આંધળી મા નો કાગળ – ઇન્દુલાલ ગાંધી