૧). સાચવી રાખો…
મૌગ્ધ્ય ચોપાસ સાચવી રાખો;
કાવ્યનો શ્વાસ સાચવી રાખો.
બીજી ઝળહળની ક્યાં જરૂરત છે?
સાંધ્ય- અજવાશ સાચવી રાખો.
ઊકલી જાશે બધા જ પ્રશ્નો પણ,
થોડો વિશ્વાસ સાચવી રાખો.
તૂટવા દે ન તું અરીસાને,
આછો આભાસ સાચવી રાખો.
ખૂબ ભરચક કદી થવા માટે
ખાલીપો ખાસ સાચવી રાખો.
આવશે કામ જિંદગીમાં નિત,
આંસુ નિશ્વાસ સાચવી રાખો.
લાગશે કામ બીજી ગઝલોમાં,
જે બચ્યા પ્રાસ સાચવી રાખો.
૨). શું ચીજ છે…?
અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે.
દોસ્ત, ઢળતી સાંજનો અવસાદ પણ શું ચીજ છે.
સેંકડો બાંધેલ સાંકળ જેમ ખેંચે છે મને,
જે તમે ના દઈ શક્યા એ સાદ પણ શું ચીજ છે.
એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે.
ખોતરે છે જન્મને જન્માંતરોની વેદના,
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.
“મૃત્યુ” જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.
એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ,
કોઈએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે.
– મનોજ ખંડેરીયા
શ્રી રાજેન્દ્ર શુક્લ જેમના માટે કહે છે,
‘કરતાલ, કરતાલ વિષે જબ અલખની ખોજ હશે,
દેખાય ન દેખાય ભલે, બાજુમાં મનોજ હશે.’
એવા આપણી ભાષાના પ્રયોગશીલ કવિતાના – ગઝલના એક અગ્રગણ્ય સર્જક શ્રી મનોજ ખંડેરિયા ની બે ગઝલો આજે પ્રસ્તુત છે. પ્રથમ ગઝલ ‘સાચવી રાખો…’ માં અંતરના સૂક્ષ્મતમ ભાવોને ટકાવી રાખવાની સરસ લાગણીશીલ વાત તેઓ કરે છે. દરેક પ્રકારના ભાવની, લાગણીની પોતાની આગવી જરૂરત છે અને એ જરૂરતોને જાળવેલી સંવેદના વડે પૂરી કરવાની વાત અહીં ખૂબ સરસ રીતે રજૂ થઈ છે, તો બીજી ગઝલમાં ‘શું ચીજ છે’ શબ્દોના અનોખા ઉપયોગથી એ જ આંતરીક ભાવોની અભિવ્યક્તિ તથા કલ્પનાની – રૂપકોની મનોહર રજૂઆત દરેકે દરેક શે’ર પર ભાવકને ‘વાહ..’ કહેવા મજબૂર કરી દે છે.
સચોટ ગઝલો આપી. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
બંને રચનાઓ ખુબ સરસ છે
ખૂબ ભરચક કદી થવા માટે
ખાલીપો ખાસ સાચવી રાખો
અને ..
એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે.
ખૂબ સુંદર ગઝલો લઈ આવ્યાં આપ!
આ શેર મનમાં આખો દિવસ રણકાયા કરવાનો છેઃ
ખૂબ ભરચક કદી થવા માટે
ખાલીપો ખાસ સાચવી રાખો