નિષ્ઠાનું મોતી : શ્રી ઉમાશંકર જોષી – કિશનસિંહ ચાવડા 2
ગુજરાત સાહિત્ય પરિષદનું સંમેલન જ્યારે છેલ્લું નડીયાદમાં મળ્યું ત્યારે ગોવર્ધનરામ શતાબ્દીનો ઉત્સવ પણ એની સાથે સાંકળી લેવામાં આવ્યો હતો. એ સંમેલનના પ્રથમ દિવસના સવારનું કામકાજ પૂરું થયું અને અધિવેશન વિખરવા માંડ્યું ત્યારે મુખ્ય દરવાજા આગળ શ્રી ઉમાશંકર જોષી એક સૂચનાપત્ર વહેંચતા હતા. એ દરવાજેથી પરિષદના સૂત્રધાર અને ચક્રવર્તી શ્રી કનૈયાલાલ મુનશી નીકળ્યા. તેમના હાથમાં પણ ઉમાશંકરે એ સૂચનાપત્ર આપ્યું. એ સૂચનાપત્રમાં ગુજરાતના પ્રસિદ્ધ વર્તમાન સાહિત્યકારોનાં નામની લગભગ પોણોસો સહીથી શ્રી મુનશીની સામે એક ફરિયાદ અને એક પડકાર હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદનું બંધારણ અને માળખું જે સરમુખત્યારશાહીના ચોકઠામાં જકડાયેલું હતું તેમાંથી તેને મુક્ત કરીને, લોકશાહી સ્વરૂપ આપવાની એમાં જોરદાર માંગણી હતી. મુનશી પરિષદના સર્વસ્વ હતા. જે કરતા તે થતું. જે ચાહતા તે બનતું. એમના સત્તાના મુગટમાં પરિષદ એક શોભાનું પીંછું હતું. આ અવસ્થા અને વ્યવસાયની સામે પેલા સૂચનાપત્રમાં રોષભરી ફરિયાદ હતી અને એનું સ્વરૂપ સુધારવાની જોરદાર માગણી હતી.