મંગળસૂત્ર – કિશનસિંહ ચાવડા 5


પિતાજીના કારમા મૃત્યુ પછી બાની ઉદાસીનો પાર નહોતો. એના મુખ પર સ્મિત આવતું તે પણ વિષાદથી છવાયેલું. એના કામમાં, એના વર્તનમાં, અરે અમારા તરફના એના વાત્સલ્યમાં પ્ણ ઉદાસીનો આધાર હતો. મને બાનું ગળું બહુ ગમતું. એક તો આમ પણ બા બહુ દેખાવડી અને નમણી હતી. એના હૃદયની નિર્મળતાનું લાવણ્ય એના ચહેરા ઉપર એવું વિલસતું કે આપણે જોયા જ કરીએ. પણ એ સર્વમાં એની ડોક મને અપાર વહાલી લાગતી, અને એ ગરદનને વળગીને વહાલ કરતાં હું કદી ધરાતો નહીં. નિશાળમાં કંઇક ગુનો થયો હોય, કોઇ છોકરા સાથે તકરાર થઇ હોય, બાપુજીએ આંખ દેખાડી હોય કે બાનું વહાલ જોઇતું હોય ત્યારે હંમેશાં જું એની ડોકે બાઝી પડતો. મંગળસૂત્રથી શોભતા એ ગળાને બચ્ચીઓ ભરતાં હું કદી જ થાકતો નહીં અને બદલમાં હું ધરાઇને એનું વાત્સલ્ય પીતો. બાપુજીના ગયા પછી બાનો ઉદાસ ચહેરો મંગળસૂત્ર વિનાના સૂના ગળાથી બહુ જ એકલો લાગતો. બા પણ છત્ર વિનાની અનાથ લાગતી. મારી દ્રષ્ટિ જ્યારે બાના ચહેરા પર પડતી ત્યારે આપમેળે એની એકલ ડોક પર ઊતરીને ડૂસકું ભરી લેતી. આ દુઃખ ખમનાર હું એકલો નહોતો, મારાં પાર્વતીફોઇ પણ હતાં, ફોઇ પોતે બહુ રૂપાળાં હતાં. પણ બાના સ્વરૂપનાં એ મોટાં ચાહક હતાં. મને બરાબર યાદ છે. એક દિવસે ફોઇ, બા અને હું એમ ત્રણ જણાં બેઠાં હતાં. પિતાજીનાં સ્મરણોની ઉજાણી ચાલતી હતી. ત્યાં અચાનક ફોઇની આંખ બાના ગળા પર જઇને બેઠી. એમનાથી રહેવાયું નહીં. બોલ્યા, ”ભાભી, ગળામાં તુલસીની માળા તો રાખ જ. આ સૂની ડોક મરાથી જોવાતી નથી.” અને સ્વાભાવિક રીતે જ એમનો હાથ બાના ગળાને અડકી પડ્યો. બાએ માથે એવી રીતે ઓઢ્યું કે ડોકની ચારુતા સંતાઇ ગઇ. બા કશું બોલી નહીં. બા ગમતી, બાનું સ્વરૂપ ગમતું. બાની આંખોમાં આંખો પરોવતાં હું થાકતો નહીં. પરંતુ બાની ડોકને બાથ ભરીને બચ્ચી ભરવી એ મારા જીવનનું પરમ ઐશ્વર્ય હતું. છતાં એ એકલવાઇ ડોક જ મને રડાવી મૂકતી અને બાના ગયેલા સૌભાગ્યની યાદ આપીને પિતાજીનાં સ્મરણોની યાત્રા કરાવતી.

ધનતેરસે અમારે ત્યાં ધનની પૂજા થતી. પિતાજી જીવતા ત્યારે પણ બા મારી પાસે જ પૂજા કરાવતી. બાપુજીના ગયા પછી પણ એમ જ થતું, પણ બાપુજીના ગયા પછી ધનતેરસની એ પૂજામાં એક ફેરફાર છાનો ન રહ્યો. હું પૂજા કરી રહું ત્યાર પછી એક નાની રેશમી પોટલીમાંથી પોતાનું મંગળસૂત્ર કાઢીને બા દૂધથી અને પછી પાણીથી ધોઇ એની પૂજા કરતી અને પાછી એ પોટલીમાં સંભાળથી એને મૂકીને એક ચાંદીની ડબ્બીમાં મૂકી દેતી. આવી ધનતેરસ દરેક વરસે આવતી અને ચાલી જતી. ધીરે ધીરે પેલું મંગળસૂત્ર મારે મન બા જેટલું વહાલું થઇ ગયું.

ઈ.સ. ૧૯૨૯માં હું પોંડિચેરીથી પાછો આવ્યો ત્યારે મારું મોટુ સુખ બાનો હસતો ચહેરો હતો. હું ગયો ત્યારે એને જે ઓછું આવ્યું હતું તે હું પાછો આવ્યો ત્યારે હસીને એણે ઓગાળી નાખ્યું. અહીં સૌ સુખી હતાં. આવીને મેં ‘નવગુજરાત’ સાપ્તાહિકમાં સહતંત્રીનું કામ સ્વીકાર્યું. બાને બહુ જ આનંદ થયો. એ કામને કારણે મારે સવારે, બપોરે અને સાંજે એમ ગમે ત્યારે ગમે તેટલું રખડવું પડતું. એક વખત ઉનાળો હતો. વૈશાખનો મહિનો, ગરમી તો કહે મારું કામ. લૂ એવી વાય કે માથું ફાટી જાય. એવા સળગતા બપોરે બે વાગે ભૂખ્યોતરસ્યો હું ઘેર પહોંચ્યો. બા પણ બિચારી ભૂખીતરસી મારી વાટ જોઇને ચિંતા કરતી બેઠી હતી. હું આવ્યો ત્યારે એનો ચહેરો કરમાઈ ગયો હતો. અમે જમ્યાં. જમીને હું જરા જંપ્યો. ઊઠ્યો ત્યારે મારું આખું શરીર તાવથી ધીખતું હતું. બા તો ગભરાઇ ઊઠી. ઘરના બધા ઈલાજો એણે કર્યા, પણ તાવે મચક ના આપી. આખરે દાક્તરને બોલાવવા પડ્યા. દાક્તરની સલાહથી મને ઈસ્પિતાલમાં ખસેડ્યો અને આખરે ઇશ્વરની કૃપાથી અને બાના આશિષથી બે મહિને હું સારો થઇ ગયો.

ત્યાર પછીની ધનતેરસે અમે પૂજા કરવા બેઠાં. પૂજામાં માત્ર પાંચ રૂપિયા હતા. એક પણ ઘરેણું નહોતું. મને અચંબો લાગ્યો. ધનની પૂજા પછી બાએ નિત્યનિયમ પ્રમાણે પોતાના મંગલસૂત્રની પણ પૂજા કરી. પછી મેં બાને પૂછ્યું ત્યારે ખબર પડી કે મારી પોંડિચેરીના લાંબા નિવાસ દરમિયાન બાએ ઘરેણાં વેચીને ઘર ચલાવ્યું હતું. તે દિવસે હું બાની એ એકલવાઇ ડોકે બાઝીને ખૂબ રડ્યો.

શિયાળો ગયો ને ઉનાળો આવ્યો. મારી બહુ ઇચ્છા હતી કે હું એક સાઇકલ લઉં, પણ એટલી બચત ક્યાંથી કાઢવી? એક રાતે બેસીને અમે સૌ વાતો કરતાં હતાં ત્યાં મારાથી સાઇકલની વાત નીકળી ગઇ. સાઇકલ વિના કેટલી મુસીબત પડે છે એ સાંભળીને બાનું હૈયું ભરાઇ આવ્યું. બીજે દિવસે બપોરે મને પાછું મોડું થયું. બા બિચારી દર વખતની જેમ ભૂખીતરસી મારી રાહ જોઇને બેઠી હતી. મને જ્માડ્યા પછી પણ એની એક જ ચિંતા હતી કે હું માંદો ન પડું. બપોરે જમીને હું કામ પર જવા નીકળ્યો ત્યારે બાએ પૂછ્યું, “બેટા, સાઇકલ હોય તો તને મહેનત ઓછી પડે, નહીં?” મેં જતાં હસીને કહ્યું, “બા, એ તો કબીરજી કહી ગયા છે.” જ્યારે જ્યારે મારે બાને હસવવી હોય ત્યારે હું ઉપરનું વાક્ય વાપરતો.

સાંજે હું ઘેર આવ્યો ત્યારે ઓટલા ઉપર એક નવી સાઇકલ પડેલી. મને એમ કે કોઇ મળવા આવ્યું છે. મારો અવાજ સાંભળીને બા બહાર દોડી આવી. એના મુખ પર અવર્ણનીય આનંદ હતો. ઘણાં વરસ પછી મેં એનો આવો પ્રફુલ્લિત ચહેરો જોયો. એણે કહ્યું, “કિશન, તારી સાઇકલ આવી ગઇ.” આનંદ અને આશ્ચર્યની મિશ્ર લાગણીથી દબાઇ ગયેલો હું પૂછવા જાઉં તે પહેલાં તો હાસ્યનું ઇનામ આપીને બા બોલી ઊઠી, “હું લઇ આવી ગોપાળદાસકાકાને ત્યાંથી. ગમી ને?” એમણે કહ્યું, “હમણાં છોકરાંઓ આ ગાડી બહુ શોખથી વાપરે છે. સારી છે ને?” મેં કહ્યું, “પણ બા, હમણાં મારે નહોતી જોઇતી.” અને હું આગળ બોલવા જાઉં તે પહેલાં તો એ બોલી ઊઠી, “ફેરવી તો જો, હું જોઉં તો ખરી કે તને કેવીક ચલાવતાં આવડે છે.” અને મેં એ નવી સાઇકલ ઉપર ચક્કર માર્યું ત્યારે અમે બંને ખુશ ખુશ થઈ ગયાં.

ત્યારપછી ની ધનતેરસે અમે પૂજા કરવા બેઠાં હતાં. બાએ મારી પાસે પાંચ રૂપિયાની પૂજા કરાવી અને પૂજા પૂરી થઈ. બાએ મંગળસૂત્રની પૂજા ન કરી એટલે પૂછ્યું, “બા, તમારી પૂજા કેમ નથી કરતાં?” બાએ હસીને કહ્યું, “હવે જરૂર નથી. તું સાઇકલ પર બેસીશ અને હું તને જોઇશ એ જ મારી પૂજા છે.” મારા અંતરમાં ફાળ પડી. મેં કહ્યું, “બા, તમે મંગળસૂત્ર વેચીને આ સાઇકલ લઈ આવ્યાં?” અને મારા ઊતરેલા મુખને બાએ પોતાની ડોક પર ઢાળી દીધું. મારાથી ના તો બાથ ભરાઇ, ના તો બચ્ચી કરી શકાઇ.

બીજે દિવસે હું એક મિત્ર પાસેથી એકસો દસ રૂપિયા લઇને ગોપાળદાસકાકાને ઘેર ગયો. કાકા તો ઘેર નહોતા પણ ગુલાબકાકી હતાં. એ બહાર આવ્યાં ને મેં એમની ડોકમાં બાનું મંગળસૂત્ર જોયું. રૂપિયા મારા ગજવામાં જ રહી ગયા. કાકાની ખબર પૂછીને હું ચાલી નીકળ્યો. પાછા આવીને મેં બાને કહ્યું, “ગુલાબકાકીના ગળામાં તમારું મંગળસૂત્ર જોઇને મારાથી એક શબ્દ પણ બોલાયો નહીં.” બાએ હસીને કહ્યું, “બેટા, એમનું સૌભાગ્ય અખંડ રહો.” બાનું એ મુખ આજેય જ્યારે જ્યારે હું મારી સાઇકલને અડકું છું ત્યારે મારી આંખો આગળ આવે છે અને અંતરને અડકે છે. સાઇકલો તો મારી ઘણી બદલાઇ છે પણ બાનો એ ચહેરો નથી બદલાયો.

– કિશનસિંહ ચાવડા

‘જિપ્સી’ ઉપનામથી જેમણે ‘અમાસના તારા’ જેવું રમણીય ગદ્ય આપ્યું છે તેવા શ્રી કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા આપણી ભાષાના એક આગવા નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક અને અનુવાદક હતા. પ્રસ્તુત નિબંધલેખ ‘અમાસના તારા’ એ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. લેખક પોતાની માતાને અને તેમના મંગળસૂત્ર સાથે જોડાયેલા પોતાના સંસ્મરણો અને પ્રસંગવિશેષને ભાવપૂર્ણ હ્રદયે યાદ કરે છે. લેખકની કલમે લખાયેલા ‘બા’ એ નામમાં અને તેમના સ્મરણોમાં જ કેટલું વહાલ છલકાઈ જાય છે. આવા સદાબહાર નિબંધો જ આપણી ભાષાની અમૂલી મૂડી છે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “મંગળસૂત્ર – કિશનસિંહ ચાવડા