અન્વીક્ષા : જિજ્ઞા પટેલ; પરિભ્રમણ – હીરલ વ્યાસ


જે છઠ્ઠા પગારપંચ અને બે વેકેશનની વચ્ચે ઘણું બધું કરી શકે એ જ શિક્ષક બની શકે. જે વાર્તાઓ કહી શકે અને બાળક્ને શાંતિથી સાંભળી શકે એ શિક્ષક.

પુસ્તકનું નામ – અન્વીક્ષા; લેખક – શ્રી જિજ્ઞા પટેલ

Anviksha by Jigna Patel

લેખક પરિચય – શ્રી જિજ્ઞા પટેલ સામાન્ય પરિવારમાં જન્મ્યા અને ઉછર્યાં છે. આઠ બહેનોમાં એ સૌથી નાના છે. જિજ્ઞાબેન કેશોદના રહેવાસી છે અને એેમએ.બીએડ. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ સરકારી શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. ‘અન્વીક્ષા’ તેમનું પ્રથમ પુસ્તક છે. બાળકોને ભણાવવા સિવાય એમને વાંચનનો, ફરવાનો અને ફોટોગ્રાફીનો શોખ છે. આ પુસ્તકમાં આવતાં દરેક ફોટા એમણે પોતે જ પાડેલાં છે.

Jigna Patel

પુસ્તક વિશે – આપણે સૌ આપણી આસપાસની દુનિયાનું અવલોકન કરતાં રહીએ છીએ. અને આપણી વિચારશક્તિ પ્રમાણે એનું અર્થઘટન પણ કરીએ છીએ. આપણે જે અવલોકીએ છીએ તે આમ તો એક ઘટના માત્ર હોય છે પણ એ આપણને ક્યાંક એની સાથે જોડી પણ દે છે. ‘અન્વીક્ષા’નો અર્થ જ થાય અવલોકન અને એ અવલોકનોનું સંવેદનાસભર આલેખન એટલે ‘અન્વીક્ષા’ પુસ્તક પોતે! સાથે બાળકોના સાવ ભોળા, માયાળુ અને કથાને અનુરુપ ફોટા તો બોનસમાં!

કહેવાય છે કે એક મા સો શિક્ષકની ગરજ સારે છે. પણ એક સારો શિક્ષક ક્યારેક એક માની ગરજ પણ સારી શકે છે. શિક્ષકની આસપાસ હંમેશાં નીતનવી ઘટનાઓ બનતી રહે છે કારણકે એણે નીતનવું શીખવાડતાં અને શીખતાં રહેવાનું હોય છે. પણ આ ઘટનાઓ કોઈ શિક્ષકના સંવેદન વિશ્વમાં નાના-નાનાં પગલાં પાડી ને અમીછાપ છોડી જતી હોય છે. ‘અન્વીક્ષા’ આવી જ સંવેદનાઓનો સંપૂટ છે. જો શિક્ષક પ્રેમ બતાવે તો માન અનાયાસે ખોળામાં આવી પડે છે એની અનુભૂતિ પુસ્તક વાંચતાં અચૂક થાય.

લગભગ દરેક સંબંધમાં અંતર રાખવું પડતું હોય છે પણ કેટલાક સંબંધોમાં અંતર ઓગળી જાય તો જાત સાથે મળી શકાતું હોય છે. એક શિક્ષક અને બાળક વચ્ચે પણ આ વાત એટલી જ સાચી છે. બાળકને અમજવું હોય, જાણવું હોય અને કંઈક સારું શીખવવું હોય તો શિક્ષક અને વિધ્યાર્થીની ભેદરેખા ભૂંસવી પડે! જોકે એ વાત બાળક એને મા માટે પણ એટલી જ લાગુ પડે. બસ પછી જે શીખવાડો તે સરસ રીતે, આપોઆપ બહાર આવે.

દરેક બાળકમાં અસંખ્ય શક્યતાઓ રહેલી છે બસ આપણે બાળકને એની સાથે ઓળખ કરાવવાની છે! પુસ્તકમાં એક સરસ વાક્ય છે, “એટલું ભણો કે કોઈનું જીવન વાંચી શકો.” આપણે ભણતરને નોકરી અને પૈસા કમાવવા માટેનું એક માધ્યમ માત્ર માની લીધું છે. અને એટલે જ કદાચ જિંદગી જીવવાની મજા કે કોઈનું જીવન વાંચવાની તમા રહી નથી. પણ ભણતરનું મહત્વ અને ઊપયોગીતા એક શિક્ષક ચોક્ક્સ શીખવી શકે. આ પુસ્તકના પાને પાને એના ઉદાહરણ વાચકને મળશે એની ખાત્રી.

આ પુસ્તક વિશે ખાસ કહું તો આ પુસ્તક દરેક મા-બાપ માટે અને શિક્ષક માટે બન્ને માટે છે. કારણકે બન્ને બાળકના જીવનને આકાર આપે છે. આ પુસ્તક બાળઉછેર માટે કદાચ દીવાદાંડીનું કામ કરી શકે જો વાચકમાં તણાવવાની હામ હોય તો!


આ પુસ્તકમાંથી મને બહુ ગમેલાં અવતરણો

૧. બોક્સને પણ જો કાળજીથી હૅન્ડલ કરતાં હોઈએ તો બાળકને કેમ નહીં?

૨. આપણે આ માતાજીને જી પ્રાર્થના કરી હોય ઈ એલાં માતાજીને કેમ ખબર પડે?

૩. તેઓ માણસ છે મેમરી કાર્ડ નથી.

૪. શિક્ષણ અને ખેતી આમ તો એક સરખું જ છે. વાવો અને ધીરજ રાખો એક દિવસ ઊગશે. (બાળ ઊછેર માટે ઘરમાં કોતરી રાખવા જેવું વાક્ય)

૫. Don’t pluck the flowers, they are born to bloom.

૬. પોતાનું કામ ડિસ્પ્લે કરતી વખતે ચહેરો સૌથી સુંદર લાગતો હોય છે.

૭. તેઓ સ્વપ્નદ્રષ્ટા છે. તેમનાં સપનાંઓ ઉપર છેકો મારવાનો કોઈને હક નથી.

૮. બગીચામાં ફરતાં હોઈએ અને ફૂલો તરફ ધ્યાન ન હોય એ તો કેવું કહેવાય!

૯. બેન! આ બોગનવેલને આગળ વધવું સે. બસ એક વાર એને પાટે સડાવી દઉં. એને જરાક ટેકો મળી જાહેને, પસી તો એની મેરે ઈ રસ્તો કરી લેહે.

૧૦. Make them friends not followers.

મળતાં રહીશું નવા પુસ્તકના પાને!

- હીરલ વ્યાસ

પુસ્તક પ્રાપ્તિ વિશેની માહિતી – પ્રકાશન વર્ષ ૨૦૨૧, પ્રકાશક – જિજ્ઞા પટેલ, પુસ્તક પ્રાપ્તિ –  88666 09807 નંબર પર તમારું અડ્રેસ અને પુસ્તકની કિંમત ગુગલ પે, ફોન પે અથવા paytm કરીને ચૂકવી શકો છો, કિંમત – રુ. ૩૯૯

હીરલબેનની કલમે લખાયેલા આવા સરસ મજાનાં અન્ય પુસ્તકોનો પરિચય અહીં ક્લિક કરીને માણી શક્શો.

આપનો પ્રતિભાવ આપો....