રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૨) – નેહા રાવલ 7


“હજુ કેટલું બાકી? “ અને ગાઈડ કહે, “બસ. બે જ કિલોમીટર.” જ્યારે અમને લાગે કે અમે બે કિલોમીટર જેટલું ચાલી લીધું લીધું  ત્યારે ફરી પૂછીએ, “હજુ કેટલું દૂર?”  અને તો પણ ગાઈડનો એ જ જવાબ. “બસ, બે જ કિલોમીટર.” અમને એમ લાગવા માંડ્યું કે આ બે કિલોમીટરનું દુખ ‘ખતમ કાહે નહિ હો રહા બે!’

રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરીનો પ્રથમ ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

૮ નવેમ્બર ૨૦૨૧, રવિવાર. (એક્ચ્યુલ ટ્રેકિંગ ડૅ)

સવારે ૫-૩૦ એ મૉર્નિંગ ટી માટેની વ્હિસલ વાગતાં જ આપણે તો પથારી છોડી, હાથમાં ચા માટેનો ટ્રિપલ લાર્જ સાઇઝનો મગ લઈ ટેન્ટમાંથી સીધા બહાર.

ગરમાગરમ ચા પીતાંપીતાં ભળભાંખળું માણવાની નિરાંત ઘરે ક્યાં? સવારના એલાર્મ સાથે બાળકોની શાળા અને લંચબોક્સની ભાગદોડ શરૂ થઈ જતી. ત્યાં તો બ્રશ કરતાં પહેલાં મોં પણ ન ખૂલે, અહીં નરણાં કોઠે ચા પીને સવારનું સ્વાગત કર્યું. અંધારામાંથી ઊંગતું અજવાળું જોવું કે પછી આથમતા અજવાળામાંથી રાતને પ્રવેશતી જોવી મને ખૂબ ગમે. હજુ અજવાળા પર રાત સવાર હતી. સૂર્યનારાયણ બહુ દેખાતા ન હતા. બીજા થોડા જ સભ્યો ચા સાથે દેખાયા. થોડા હાથમાં બ્રશ અને પેસ્ટ લઈ ફીણફીણ મોઢા સાથે ફરતા હતા તો થોડા વોશરૂમના ટેન્ટ તરફ જતાંઆવતાં દેખાતા હતા. અંધારું એટલું હતું કે માત્ર ઓળા જ પરખાય. ચહેરા નહિ. આપણે તો નિરાંતે ચા પીધી અને નળ નજીક લાઇન ઓછી થઈ પછી દંત પ્રક્ષાલન ક્રિયા કરી. એનેય સાચવવા પડે, નહીં તો અડધી રાતે દુઃખી હાજરી પૂરાવે.

પછી ટેન્ટમાં જઈ સ્લીપિંગ બૅગ ફોલ્ડ કરી. વધારાનો સામાન અને સ્લીપિંગ બેગ જમા કરાવી. બ્રેકફાસ્ટ માટેની વ્હિસલ વાગી ત્યાં સુધી સામાનની ઊથલપાથલ ચાલ્યા કરી. બ્રેકફાસ્ટમાં ઉપમા અને ફરીથી ચા પીને બાકીના સભ્યોનું પણ મૉર્નિંગ શીડ્યુલ ગતિમાં આવી ગયું. સહુ પોતાની ઝડપે નાહીધોઈ રેડી થવામાં પડયા હતા. બ્રેકફાસ્ટ પછી લંચ બની રહે ત્યાં સુધીનો સમય હતો. મોં ધોઈ રૂપાળા તૈયાર થઈ સહુ  ગોઠવાઈ ગયા. હજુ તો પરમ દિવસે સાંજે જ ન્હાયા હતા એટલે નહાવાનો તો પ્રશ્ન જ ન હતો. પણ નહાયા વગરના ન લાગીએ એટલું તો કેમેરાનું માન રાખવું પડે ને!

ઉપરથી વાંદરાઓ અમારી ચેષ્ટા જોઈ અંદરોઅંદર દાંત કાઢતા હશે, કે જંગલમાં જવામાંય કેટલી તૈયારી! એ વાંદરાઓ સાથે થોડી વાત કરવાના હેતુથી જ દર્શના એમને જોઈ રહી હતી ત્યાં જ ટેન્ટના દોરડામાં એનો પગ ભરાયો અને ધડામ! હાથ પર વજન આવી જવાથી સ્વેલિંગ આવી ગયું. તરત સ્પ્રે કરી બેન્ડએજ બાંધી. ટાઈટ મોજો પહેરાવ્યો. એટલી વારમાં લંચની વ્હિસલ વાગી ને સહુ પોતપોતાના ડબ્બા લઈ પૅકડ લંચ માટે લાઈનમાં ઉભા. લંચ પૅક કરી સહુ અતિથિની રાહમાં બેઠા.

રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ

લોકલ સહાયકોની મદદ વગર કોઈ પણ સ્થળે આવા કેમ્પ શક્ય ન બને. એ માટે અમારા કેમ્પ લીડર રતનસિંગજી એ થોડા મહેમાનોને આમંત્રિત કર્યા હતા. અતિથીઓ આવે ત્યાં સુધી ભાટીજીએ થોડી સૂચનાઓ આપી. જ્યાંથી પાણી મળે ત્યાંથી બોટલો ભરી લેવી અને કોરા થયેલા ગળા ભીંજવી લેવા. આમ તો આ ટ્રેક આખો ઝરણાના રસ્તે જ છે પણ વરસાદ થયો નથી એટલે ઝરણા ક્યાં મળશે એની કોઈ ખાતરી નથી. છેલ્લા બે વર્ષથી કોરોનાકાળને કારણે આ બધાજ ટ્રેક બંધ હતા. મતલબ બે વર્ષ પછી આ જંગલની ભુંસાઈ ગયેલી કેડીઓ પર અમારે પગલાં પાડી નવી કેડીઓ બનાવવાની હતી. એ માટે અમારી સાથે અમારા ગાઈડ રામભાઈ હતા. એટલામાં અતિથીઓ આવ્યા અને અમને ટ્રેક માટે શુભેચ્છાઓ આપી.

એ સહુનું પ્રવચન અને આભાર પતાવી સહુ ટ્રેકિંગના પહેલા દિવસના થનગનાટ સાથે ઉપડ્યા સન ટૅમ્પલ જ્યાંથી જંગલમાં જવાની કેડીઓ શરૂ થતી હતી. સવારના 9.45 થઈ ગયા હતા અને હવે સૂર્યદેવતા સરસ દર્શન દેતા હતા.

ફરી કૂચકદમ આગે બઢી. કાંટા સાથેની સહુની મશક્કત ચાલુ જ હતી. પણ પહેલો દિવસ હતો એટલે પોતાના જોમથી એકબીજાને સાચવતાં સહુ વધી રહ્યા. વળાંકવાળા ચડાણ એવા હતા કે પાછળ રહી ગયા તો ભૂલા પડી જવાય. ને અહીં વિખૂટાં પડવું મતલબ….ગયા કામથી. હવે સહુ ગાઈડની હાજરી સતત ચેક કરતા રહેતા. ગાઈડ રામભાઈ પોતે પણ હવે ધ્યાન રાખતા કે બધાંસભ્યો એમની પહોંચમાં રહે. કેટલાક સભ્યો સાથે આગળ નીકળી જતા રામભાઈ વળાંક કે અસ્પષ્ટ કેડી આવે ત્યાં અટકી જતા અને બીજા સહુની રાહ જોતા. જ્યારે પણ બે સરખી કેડીઓ દેખાય ત્યારે જે માર્ગ પર આગળ વધવાનું હોય એ સિવાયની બીજી કેડી પર ઝાંખરા મૂકી ‘એ તરફ નથી જવાનું’ એવી નિશાની અપાય છે. આ પણ મારા માટે નવી જાણકારી હતી.

સવારે પોણા અગિયારે ભરેલા પાણી સાથે નીકળેલી પલટનમાં હવે પોણા બે થતા સહુ પાસે પાણીનો સ્ટૉક ખાલી થવા આવ્યો હતો. પીપરમિન્ટથી ગળા ભીના રાખવાની કોશિશો શરૂ થઈ ગઈ હતી. સહુ લંચ બ્રેક માટે ગાઈડને પૂછતાં રહ્યા. ગાઈડનો એક જ જવાબ, થોડે આગળ જતાં પાણી છે. ત્યાં જમવા બેસીશું. જમ્યા પછી બહુ ચલાશે નહિ એટલે બને તેટલું હમણાં ખેંચી કાઢીએ.

ચડતી કેડી અને ધૂળિયો સરકી જવાય એવો રસ્તો. અધૂરામાં પાણીની અછત.. માથે ચડેલો સૂરજ. થોડીથોડી વારે અટકી જતા કોઈને કોઈ સભ્યને બીજો કોઈ સભ્ય આગળ ચલાવતા. ‘ચાલો,  હમણાં પાણી આવશે. આટલે આવ્યા હવે થોડું જ છે.’ કહી એકબીજાને આગળ ધપાવતા સહુ ધીમે ધીમે ચાલતા રહયા. અઢી વાગતા સુધીમાં સહુ બેહાલ થતા ગયા. સતત ચઢાણવાળો રસ્તો, કેડી વગરના ઘાસિયા જંગલમાં કાંટા લાગતા જાય એને કાઢતા જવું અને આગળ વધતા જવું. સહુની ધીરજ હવે જવાબ દઈ રહી હતી. મનમાં એમ પણ થવા લાગ્યું કે આ ક્યાં ફસાઈ ગયા! ગાઈડ સતત કહેતો રહ્યો, થોડે જ આગળ પાણી મળશે. વરસાદ વગર ઝરણા સુકાઈ ગયા છે એટલે તકલીફ છે. આમ ને આમ ‘થોડે જ આગળ’ની રાહમાં સહુ ચાલતા રહ્યા. મનમાં બબડતા રહ્યા. પાણી સાચવીને વાપરવાનું હતું પણ એ ખબર પડે ત્યાં સુધીમાં તો સ્ટોક ખલાસ થઈ ગયો હતો. અત્યારે કોઈને મૉબાઈલ ટાવર યાદ નહોતો આવતો કે મોબાઈલની બેટરી કેટલી બચી એ જોવાની ફુરસદ ન હતી. અત્યારે સહુના મનમાં એક જ વાત હતી, પાણી ક્યારે મળશે! મને મનમાં એક વાતે આનંદ થયો કે બાળકીઓને એક વખત તો રિયલાઈઝ થયું કે જીવવા માટે મોબાઈલ ટાવર કરતા પાણી વધારે અગત્યનું છે.

લગભગ ૩.૧૫ આસપાસ એક વળાંક પાસે કેમ્પના જ બે સભ્યો બલદેવજી અને રાજેશજી મળ્યા. તેઓ પોતાનું લંચ પતાવીને બેઠા હતા. અમને પૂછ્યું, “ખાના ખાના હૈ? પાની પીના હૈ?” સહુ નાના બાળકની જેમ ડોકું હલાવતા હા કહી રહ્યા. એમણે આંગળી ચીંધી આગળ એક ઊતરતો ઢાળ બતાવી કહ્યું, “નીચે ઉતર જાઓ. પાની હી પાની.” મને એમ કે ઋષિકેશમાં વહેતી ગંગાના કોઈ પ્રવાહ જેવું ખળખળ વહેતું ઝરણું હશે. હરખના માર્યા અમે નીચે ઉતર્યા. ત્યાં જઈને જોયું તો મ્યુનિસિપલ કૉર્પોરેશનના નળમાં ધીમે ધીમે આવતા ટપકતા પાણી જેવા એક ટપક ધોધ જેવું ઝરણું. નીચે થોડી સમથળ જગ્યાએ થોડા થોડા છાંયડા શોધી બે-ત્રણ-પાંચના ગ્રુપમાં સહુ આરામ કરતા હતા. અમે થોડું ચડઉતર કરી, ટપક ઝરણા પાસે જઈ હાથપગ ધોયા. પાણી પીધું અને થોડા હોશમાં આવ્યા. પછી ખાલી બોટલો ભરી અને ધીમે રહી ડબ્બાઓ ખોલ્યા.

એટલી વારમાં આમારી આગળ અહીં પહોંચેલા સભ્યોના ગ્રુપ બૂટની દોરીઓ ટાઇટ કરી ઊપડી રહ્યા હતા. અમે પેક લંચમાં લાવેલું છોડાવાળા  બટાકાનું શાક, પૂરી અને અથાણું  ખાધું અને જરાક આરામ કરવાની ઇચ્છાને ટપકટપક ઝરણામાં ટપકાવી ફટાફટ પગ ઉપાડ્યા. હવે કોઈ પણ રીતે ગાઈડથી વધારે દૂર જવું પોસાય એમ ન હતું એ વાત સહુ સમજી ચૂક્યા હતા. સાડા ત્રણે ઉપડેલો સંઘ કલાકમાં ફરી પ્રશ્નો પૂછવા લાગ્યો. હજુ કેટલું બાકી? અને ગાઈડ કહે, બસ. બે જ કિલોમીટર. જ્યારે અમને લાગે કે અમે બે કિલોમીટર જેટલું ચાલી લીધું  ત્યારે ફરી પૂછીએ, “ હજુ કેટલું દૂર?”  અને તો પણ ગાઇડનો એ જ જવાબ. “ બસ, બે જ કિલોમીટર.” અમને એમ લાગવા માંડ્યું કે આ બે કિલોમીટરનું દુખ ‘ખતમ કાહે નહિ હો રહા બે!’ અને આખરે લગભગ પાંચ વાગતા આસપાસ એક ગેટ દેખાયો. સહુ રાજીના રેડ. “આવી ગયું. આવી ગયું.”  બધાએ પોતાની બોટલો કાઢી પાણી પીધુ ને વજન ઓછું કર્યું.

હવે તો સ્થળ નજીક જ હતું એટલે પાણીની ફિકર નહિ, એમ સહુને લાગ્યું. સૂર્ય પણ હવે ટાટા બાય બાય કહેવાની તૈયારીમાં હતો. તડકો આછો થઈ રહ્યો હતો. પર્વતોના ઢોળાવ પરના વૃક્ષો દૂરથી એવા લાગતા હતા જાણે ઊંટની કોઈ વણઝાર ચાલી જતી હોય.  થોડી સનસેટ ફોટોગ્રાફી કરી. જરા થાક ઉતાર્યો. અમારી સાથેના સહુ વડીલો હજુ આવી રહ્યા હતા. એ ગેટ પછી પણ લગભગ ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ પહેલો હોલ્ટ આવ્યો- ફૂટા દેવલ. ત્યાં પાકા ચણતરનું મકાન જોઈ સહુને સારું લાગ્યું. એની નજીક જ પરશુરામજીનું એક મંદિર હતું. આજનો ટ્રેક શરુ થતા પહેલાં જ ભાટીજીએ કહ્યું હતું કે એ મંદિરનો માર્ગ લગભગ દોઢ કિલોમીટરનો છે અને આપણા ટ્રેક રૂટમાં નથી. એ ગુફામંદિરમાં જવા પણ ટ્રેકિંગ જ કરવાનું થશે. જેને જવાની ઈચ્છા હોય એ પોતાની જવાબદારીએ જઈ ને આવી શકે છે. પણ આજના ‘દીર્ઘચાલન કાર્યક્રમ’ બાદ સહુની હાલત એવી હતી કે ઊભા હોય તો બેસવામાં તકલીફ અને બેઠા પછી ઉભા ન થવાય. સાવ આરામમાં પડેલા શરીરને અચાનક આટલું કામ કરાવીએ તો એય કંઈક તો બળવો કરે ને!

વાતવરણમાં આછા અંધકારની સાથે આછીઆછી ઠંડક શરુ થઈ ગઈ હતી. ચા રેડી હતી. સહુએ ચા કહેતા  એ બ્રાઉન કલરનું ગરમ પાણી પીધું. એક જ મોટા હૉલમાં પડદા કરી લેડીઝ-જેન્ટ્સના અલગ રોકાણની સગવડ કરી હતી પણ લેડીઝના વિભાગમાં લાઇટ ન હતી. સહુને થાક જ એવો ચડ્યો હતો કે લાઈટ કે પાવરની પરવા કર્યા વગર બધાં આડા પડ્યા. કેટલાક તો ડીનર લેવા પણ ન ઉઠ્યા.  ચંદ્રકાંતભાઈના વાઈફ મંજુ બા, એક ચમત્કારિક તેલથી માલિશ કરી રહ્યા હતા. એ પોતે ઘણી જડીબુટ્ટીઓમાંથી આ તેલ જાતે બનાવે છે એવું એમણે કહ્યું. દર્શનાને પણ હાથ પર એ જ તેલથી માલીશ કરી આપ્યું. અમે સહુએ પણ  થોડુંથોડું તેલ લઇ પગ પર માલીશ કર્યું અને ગરમાવો લેતા રહ્યા. અમારા રોકાણની  બીજી તરફ ઢાળ ચડતા થોડા નાના સ્ટૉલ  હતા. બાળકીઓ ત્યાં જઈને વેફર ચોકલેટ લાવી અને ખાઈને સુઈ ગઈ. જમવા કે બોર્નવિટા પીવા પણ ન ઉઠી. કાંટા અને થાકથી બધાંજ બેહાલ હતા.

ડીનર વ્હિસલ સુધી બધાંએકબીજા સાથે કંઈ ને કંઈ વાતોમાં વ્યસ્ત રહ્યા. ડીનરમાં મરચા- મેથીનું શાક, દાળ, રાઈસ અને મોહનથાળ સાથે ફ્રાયમ્સ. ખાઈને વાસણ ધોવાનું પતાવી હું ને દર્શના સ્લીપિંગ બેગમાં ભરાયા. અને સવારની રાહ જોવા લાગ્યા. નવી જગ્યા અને બેહદ થાક, કપડામાંથી ક્યાંક ક્યાંક હાજરી પુરાવતા કાંટા…એવામાં અચાનક કોઈ મોટો ઘૂરકાટ સંભળાયો. હું જાગતી તો હતી જ પણ એ અવાજથી ઝબકીને બેઠી જ થઈ ગઈ. થોડી થોડી વારે નિયમિત આવર્તન પર એ અવાજ ફરી ફરીને સંભળાવા લાગ્યો. એટલે મને ખાતરી થઈ કે એ કોઈ જાનવરનો ઘૂરકાટ નહિ, પડદાની બીજી તરફથી આવતો કોઈના નસકોરાંનો અવાજ છે. હવે ઊંઘ તો ઉડી જ ગઈ હતી. પછી શું? એક પછી એક અલગ અલગ તરંગલંબાઈ અને અલગ અલગ આવર્તનના નસકોરાના ઑરકેસ્ટ્રા વચ્ચે હું ક્યાંય સુધી જાગતી પડી રહી. કાશ, આટલા બધાં ઑરકેસ્ટ્રા પ્લેયરમાંથી એકાદ સિંગર હોત અને લોરી સંભળાવી દેત! મારા બાલિશ વિચારો પર મનમાં ખુદ પર હસતી સવારની રાહ જોઈ રહી. 

(ક્રમશ:)

– નેહા રાવલ


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૨) – નેહા રાવલ