તારી ભીતર… – મીરા જોશી


ક્યાંય નહીં અવચેતન જેવું, વિસરાતા ચાલ્યા ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર, હું પણ ડોલું તું પણ ડોલ.

પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટહું પણ ખોલું તું પણ ખોલ.

કોઈ સુંદર સ્વપ્ન ચાલી રહ્યું હોય એ રીતે દિવસો પસાર થઈ રહ્યા છે.. ચોવીસ કલાકની દરેક ક્ષણે તું ને હું સમીપ હોય એ ઘટના આ પહેલા સ્વપ્નસમાન લાગતી હતી…! તારા જન્મદિવસે તપોલાનો સુંદર પ્રવાસ બધા મિત્રો સાથે ગોઠવાયો ને માણ્યો.. જેમાં ટોળાનો શોર પણ હતો અને શાંતિનું સંગીત પણ. આપણા પ્રેમમય હ્રદયો દુનિયાથી દૂર અદ્ભુત શાંતિના દ્રીપ પર શ્વાસ લેતા હતા. હવે વરસાદ બાદ ખીલેલી પ્રકૃતિનો લીલો ઉજાસ જેવો ઉજાસ આપણા સંબંધમાં ખીલ્યો છે. બધું સુંદર, પીડાવિહીન, આનંદથી સભર લાગી રહ્યું છે.

કલાકો વીતી ગયા છે એ પ્રવાસને, ને તોય એક-એક ક્ષણ ફરી ફરી મારા મનમાં એટલી જ જીવંતતાથી ઊગી આવે છે. પ્રકૃતિના સાયુજ્યમાં મને તારી અને તને મારી રોજીંદી ગતિવિધિઓ અને વિચારોથી પ્રત્યક્ષ થવાનો અવસર મળ્યો…  

પર્વતની ટોચ સુતા સુતા રાત્રીના તારાઓથી સભર આકાશને નિહાળવું, નમતા બપોરે સરોવરમાં હોડીના હલેસાથી દુન્વયી શોરને છોડીને દૂ…..ર ચાલ્યા જવું, જીવેલી બધી ઉંમર ઓગળી જાય એમ હાસ્યના ખળભળતાં મોજાઓમાં તદ્દન નિર્લેપ થઈ જવું… આ હતું આપણું સુખ, નાનું છતાંય પોતીકું..!  

હવે દિવસો લાંબા લાગે છે, કોઈ કામમાં મન ચોંટતું નથી, ખુલ્લી આંખે સુંદર ભવિષ્યની કલ્પનાઓ કરું છું, લીધેલી કોફી પૂરી કરવાનું ભૂલી જાઉં છું. લાગે છે આસમાનમાંથી કોઈ અપાર્થિવ તત્વ મારામાં પ્રવેશી ગયું છે.

મનોમન તારી સાથે દિવસભર વાતો કર્યા કરું ને તને મળું ત્યારે મૌન મને વીંટળાઈ વળે છે. મારા મૌનને પાર કરીને તું મારા સુધી પહોંચી જાય છે ને મને તારી હુંફના મજબુત આલિંગનમાં લઈ લે છે, વેલની જેમ હું તને વીંટળાઈ વળું ત્યારે એ ચુપચાપ ક્ષણે મારી ભીતર માત્ર તારું નામ જ ધબકે છે..!

તરફડાટ 

ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે પણ,
પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ..

છેલ્લા કેટલાયે દિવસોથી ડાયરી હાથમાં તો લઉં છું, પણ લખાતું કશું નથી. લખવા બેસું ને તારી સાથેની છેલ્લી મુલાકાતની વ્યથા જાણે હાથ પર ડંખ દે છે ને કલમ અટકી જાય છે. લાગે છે તારી સાથે સાથે મારી સંવેદનાઓ ને શબ્દો પણ ચાલ્યા ગયા છે!

ઘટના ઉપર ઘટનાના પડ લદાતાં ગયાં ને એના બોજ તળે તું ને હું ક્યારે અટવાઈ ગયાં ખબર જ ન પડી. કઈ ક્ષણે આપણી વચ્ચે વિચારોનું અંતર પ્રવેશી ગયું, કઈ ક્ષણે તું બદલાઈ ગયો કે તારા મતે હું બદલાઈ ગઈ! પ્રેમની લાગણી ઉપર અહંકારનું વર્ચસ્વ હાવી થઈ ગયું હશે, નહિતર એવું કઈ રીતે શક્ય છે કે, સંબંધની પાકટતાના મધ્યે આવી પહોંચેલા તું ને હું એક ‘ન’ જેવી વાતમાં રિસામણા કરી લઈએ..?  

ને આ વિરહનો ભાર પકડાવીને, પરિવારને મનાવવાના પ્રયત્નો અધૂરા છોડીને તારું મને જણાવ્યા વિના પરદેશ ચાલ્યા જવું. મારા હ્રદયને ઊંડો ઘા આપી ગયું… તારું આગળ વધવું મને આનંદ જ આપે, પણ આમ એકાએક સંબંધને અધુરો છોડીને સાત સમંદર પાર ચાલ્યા જવું..! જાણું છું મનગમતું સુખ પામવા માટે જે મોટી ફાળ ભરવી પડે એની હિમ્મત મારામાં નથી. એની જ પીડા તું ભોગવે છે.

એકબીજાને ન જોયાનો, ન મળ્યાંનો, એક એક દિવસ જ્યાં મનની શાંતિ હણી લેતો હોય તે છતાં મન મક્કમ કરીને એક અંતર દોરી લીધું છું આપણે. ‘તારા વિના’ જીવવાની આદત પાડવી પડશે એવી તો કદી કલ્પના પણ નથી કરી ને એકાએક જીવનના રંગમંચ પર એ અભિનય ભજવવાનો વખત આવી ગયો.. શું ઈશ્વરને આપણા પ્રેમના ભોગમાં કશુંક ખૂટ્યું હશે?!

દરિયામાંથી કિનારે આવી ગયેલી માછલીનો તરફડાટ જોયો છે તે..?

રોજ રાત્રે ઓશિકા ને તકિયા સાથે ઊંઘવાની મથામણ રહે છે.. તારા વિનાનું અંધારું સહેવાતું નથી ને અજવાળું સોરવતું નથી. રાત્રે ઝબકીને જાગી જવાય ત્યારે તને બાજુમાં શોધું, અનાયાસ ઓશિકાને વળગી પડાય છે ને પછી ખબર પડે કે તું નથી, આ તો તારો આભાસ માત્ર છે. એ આભાસ જેને મેં જીવંત રાખ્યો છે. તારા શહેરમાં, આપણા પ્રેમના શહેરમાં..!

છેક મળસ્કે ઊંઘ આંખોમાં આવી બેસે છે, ને તને જોવાની, તારો અવાજ સાંભળવાની ઈચ્છા પણ આળસ મરડીને બેઠી થાય છે. ખબર નહિ કઈ માટીની બની હશે આ ઝંખનાઓ.. રોજ તરફડે છે, રોજ મરે છે, અને છતાં રોજ જન્મ લઈ લે છે!         

– મીરા જોશી

આપનો પ્રતિભાવ આપો....