દેવી સૂક્ત – શ્રદ્ધા ભટ્ટ 4


શક્તિની આરાધના કરવાની પરંપરા આપણી સંસ્કૃતિમાં પુરાણ કાળથી છે. શક્તિ ઉપાસનાની સશક્ત અને પ્રારંભિક માહિતી ઋગ્વેદમાં જોવા મળે છે. ઋગ્વેદના દશમા મંડળના ૧૨૫મા સૂક્તમાં ઋષિ અમ્ભ્રુણની વાક્ નામની વિદૂષી પુત્રીના શક્તિ પ્રચૂર ઉદ્ઘોષનો સમાવેશ થયેલો છે. આ સૂક્તને એમના જ નામ પરથી વાક્ સૂક્ત પણ કહે છે અને એ આ સૂક્તના મંત્ર દ્રષ્ટા ઋષિકા પણ છે. દેવીના મુખેથી સર્વોચ્ચ પરબ્રહ્મ શક્તિની અનુભૂતિ કરાવતું આ સૂક્ત દેવી સૂક્ત તરીકે પ્રચલિત છે.

વાક્ સૂક્તના ઋષિનું એક નામ વાક્ અમ્ભ્રુણ પણ છે. અમ્ભ્રુણનો અર્થ જરા વિસ્તારથી જોઈએ. અમ્ભ્રુણ એટલે સોમપાત્ર અથવા તો મહા શક્તિશાળી. અમ્ભ્રુણ શબ્દ ભૃગુ અને અંગિરસની જેમ પ્રતીકાત્મક રીતે વપરાયો છે. ભૃગુ એ સોમરસ અને અંગિરસ એ અગ્નિના પ્રતિક તરીકે (એક અર્થમાં) વપરાય છે, એ જ રીતે અમ્ભ્રુણ એટલે સોમને ગ્રહણ કરવાવાળી અગ્નિની શક્તિ – એવો અર્થ અભિપ્રેત છે. અહીં સોમ એટલે સૃષ્ટિને ગતિશીલ બનાવતી પ્રક્રિયા અને એ પ્રક્રિયાને અગ્નિ દ્વારા ઊર્જા આપવી એટલે અમ્ભ્રુણ. અમ્ભ્રુણ ઋષિની પુત્રી એ વાક્. વાક્ સૂકતમાં વાફને આદિ શક્તિના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી છે. વાક્ના મોંએ શક્તિનો પ્રચંડ સ્ત્રોત વહાવતા મંત્રો અને વાક્ પોતાને જગતની આદિ શક્તિ તરીકે ઓળખાવે છે – એ મુજબના મંત્રો વાક્ સૂકતમાં છે.

ઋકસંહિતામાં વાક્ના ત્રણ સ્વરૂપોના ત્રણ નામ આપ્યા છે – ઈલા, સરસ્વતી અને મહી. ઈલા એટલે દ્રષ્ટિ, સરસ્વતી એટલે શ્રુતિ અને મહી એટલે ચિત્ત વિસ્તાર – આવો અર્થ વિસ્તાર શ્રી અરવિદના ભાષ્યમાં મળે છે. થોડા વધુ ઉંડાણમાં જઈએ તો કહી શકાય કે વાક્ના ત્રણ સ્વરૂપો એટલે ક્રમશ: ઋત (જે જોઈ શકાય), સત્ય (જે સાંભળી શકાય) અને બૃહત ( જે અનુભવી શકાય) ના પ્રતિક છે. આ ત્રણેય સ્તર સિવાયનું વાક્નું સૂક્ષ્મ સ્તર છે, જે આ ત્રણેયમાં વ્યાપેલું છે અને જે આ ત્રણેયને અતિક્રમી જઈને સમગ્ર સૃષ્ટિને ચલાયમાન કરે છે તે છે, વાક્ની મૂળ શક્તિ.

એક કથા એવી પણ છે કે સરસ્વતી નામની નદી અદ્રશ્ય થઈ જાય છે. વાક્નું જ એક રૂપ એટલે સરસ્વતી. અહીં વાક્ને અવ્યક્ત જલીય રૂપની કલ્પના આપીને એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે વાક્ જ સૃષ્ટિના બીજને ધારણ કરનારી અમૂર્ત શક્તિ છે. આદિ શક્તિની પાણી સાથે સરખામણી શા માટે? જળ અથાગ છે અને વળી સૌથી વધુ જરૂરી તત્વ પણ. જળરાશીનો વિસ્તાર અસીમ છે અને એ જ રીતે જીવન પ્રકિયા પણ સતત અવિરત વિસ્તરતી જાય છે.

એક કથા અનુસાર આદિ શક્તિના જળ સ્વરૂપનો પ્રવાહ બે અલગ અલગ દિશામાં ફંટાયો અને એના એક પ્રવાહમાંથી સર્પરાજ્ઞી (સાપની રાણી) કદ્રૂનો અને બીજા પ્રવાહમાંથી સુપર્નીનો (સોમની માતા) નો ઉદ્ભવ થયો. એકમાંથી પૃથ્વી બની, બીજામાંથી દ્યો. એક શબ્દનો કારક બન્યો તો બીજો અર્થનો અને એકની વ્યાખ્યા સ્થૂળ તરીકે થઇ તો બીજો ઓળખાયો સૂક્ષ્મ તરીકે. એક દુઃખનું કારણ બન્યો તો બીજો પ્રવાહ સુખનું કારણ બન્યો. દ્વૈતવાદની શરુઆત થઈ આદિકાળથી શક્તિમાંથી!

ઋષિકા વાક્ના પરબ્રહ્મના સાક્ષાત્કાર વિશેની વાત કૈક આવી છે. કૌશિકી નદીના તટ પર દૈનિક સૂર્યપસના કરતી વખતે વાક્ને અચાનક જ પ્રકૃતિના એક એવા સ્વરૂપનું દર્શન થયું જેનાથી એમના વિદ્વાન મનમાં ઘણા બધા પ્રશ્નો થયા. સૂર્યાસ્ત સમયે અચાનક જ જોરથી ફૂંકાતો પવન, નદીનું તેજ વહેણ અને આકાશમાં ઉમટી પડેલા વાદળોનો ગડગડાટ સાંભળીને એમને થયું કે આ મેધની ગર્જનાનું રહસ્ય શું છે? નદીના આ પાણીમાં આટલા તરંગો કોણ ઉત્પન્ન કરતું હશે? જિજ્ઞાસુ મન લઈને એ જયારે આશ્રમ પર આવી ત્યારે પિતા અમ્ભ્રુણ જોઇને સમજી ગયા કે પુત્રીનું મન વિસ્મયને કારણે વ્યાકુળ છે. એમણે ફક્ત આટલું જ કહ્યું – તારી બધી જીજ્ઞાસાનું નિવારણ એક જ શબ્દમાં છે – શક્તિ જેને ઉર્જા પણ કહે છે.

બસ, વાક્ના જિજ્ઞાસુ મને તરત જ નિર્ણય કરી લીધો અને કૌશિકી નદીના તટ પર જઈને તપ કરવા લાગી. કઠોર તપના પ્રભાવથી એનામાં શક્તિના ઊર્જાના નવા નવા આયામો ખૂલતા ગયા. વિરાટ બ્રમ્હાંડના વ્યાપ્ત બધી જ શક્તિઓને એમને પોતાના વ્યક્તિત્વમાં સાકાર થતા જોઈ. શક્તિના બધા ય આયામો, બધા જ સ્તરો પાર કરીને છેવટે તેમણે આદિ શક્તિના મૂળ પ્રવાહનો અનુભવ કરીને એની સાથે એકાકાર થઈને કહ્યું –

अहं रुद्रेभिर्वसु – भिश्चराम्य॒हंमादित्येरुत विश्वदैवे: | હું રુદ્રગણ અને વસુગણની સાથે વિચરણ કરું છું. હું આદિત્યો એ વિશ્વદેવોની સાથે રહું છું.

अहं राष्ट्री संगमनी वसूनां चिकितुषी प्रथमा यज्ञियानाम्।
तां मा देवा व्यदधुः पुरुत्रा भूरिस्थात्रां भूर्यावेशयन्तीम्॥3॥

હું રાષ્ટ્રોની અધિષ્ઠાત્રિ છું; હું ઉપાસકોને સર્વ પ્રકારના ધનની પ્રાપ્તિ કરાવનાર છું; હું પરમ તત્વ સાથે એકરૂપ છું; યજ્ઞ દ્વારા જેમની ઉપાસના કરવામાં આવે છે તે દેવોમાં હું શ્રેષ્ઠ છું; મેં અનેક ભાવો ધારણ કરીને જીવભાવથી અનેક ભૂતસમૂહોમાં પ્રવેશ કર્યો છે. અનેક સ્થાનોમાં રહેનારા દેવો જે કંઈ કરે છે, તે સર્વ મારા માટે જ કરે છે.

દેવીસૂક્તના દરેક મંત્રની શરુઆત अहं શબ્દથી થાય છે. આ સૂકતમાં अहम् શબ્દનો ચૌદ વાર પ્રયોગ થયો છે. અહીં अहम् નો સામાન્ય અર્થ ‘હું’ કે ‘અહંકાર’ નથી. દેવી સૂક્તની વાણી એ સામાન્ય માણસની વાણી નથી. સામાન્ય માનવીની અહંકારભરી મનોદશાનો બકવાસ નથી પરંતુ ચેતનાની એક અસાધારણ ઉચ્ચ અવસ્થા એટલે કે અધ્યાત્મની એક ઉચ્ચતમ અવસ્થાની અભિવ્યક્તિ છે. આ સૂક્તની ભાષા એ અહંકારની ભાષા નથી, એ તો અહંમુક્ત અવસ્થાની વાણી છે. મનુષ્ય માત્રમાં રહેલી આંતરિક ચેતના અહંકારથી સંપૂર્ણ રીતે મુક્ત થઇ જાય અને એ ચેતના સમગ્ર અસ્તિત્વ થતા અસ્તિત્વના સૃષ્ટા પરમ પુરુષની ચેતના સાથે એકાકાર બની જાય એ અવસ્થા માટે अहम् શબ્દનો પ્રયોગ થયો છે. અહીં अहम् એટલે ત્રીગુણાતીત ચેતના.

આંતરિક ચેતના જયારે સૃષ્ટિનિયંતા સાથે એકરૂપ થઇ જાય ત્યારે દ્રષ્ટા તરીકે રહેલું સ્થૂળ શરીર પણ સૂક્ષ્મ ચેતનાનો અનુભવ કરવા સક્ષમ બને છે.

શક્તિની ઉપાસનાના આ પર્વ નિમિત્તે આ પ્રાર્થનાથી વિરમું.

જે આપણા કણ કણને ઊર્જાથી ભરી દેવા તત્પર છે એવી આદિ શક્તિની અથાગ ઊર્જા ગ્રહણ કરવા આપણે લાયક બનીએ.

અંજલિ

अहं ध्यावापृथिवी आ विवेश | – मंत्र ६

સ્વર્ગ અને પૃથ્વીમાં અંતર્યામી સ્વરૂપે પ્રવિષ્ટ થઈને હું અવસ્થિત છું.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “દેવી સૂક્ત – શ્રદ્ધા ભટ્ટ