માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.. અવિનાશ વ્યાસ 1


જગદંબાના તેજસ્વી લલાટ પરથી જરા જેટલું કંકુ ખરે ને એમાંથી પ્રાદુર્ભાવ થાય સૂર્યનો. સૂર્ય એટલે તેજપુંજ. જે શક્તિના ભાલેથી ખરેલ ચપટીક કંકુ થકી નિર્માણ થયું હોય તે સૂર્ય જ જો આટલો ઓજસ્વી હોય તો સ્વયં એ શક્તિનો પ્રકાશ કેટલો હોય?

art travel statue castle
Photo by Pabitra Sarkar on Pexels.com

કંકુવરણી સવાર

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,

બ્રહ્મનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
માવડીની કોટમાં તારાનાં મોતી,

જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ;
છડી રે પુકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
નોરતાંના રથના ઘૂઘરા બોલ્યા,

અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;
ગગનનો ગરબો માનાં ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો..

– અવિનાશ વ્યાસ


કેટલું સરસ કલ્પન!  સ્વયં શક્તિના ભાલ પરથી જે કંકુ ખરે તેમાંથી ઉગે સૂર્ય! કેટલી પાવન અનુભૂતિ! શ્રી અવિનાશ વ્યાસનું આ ગીત ખરેખર જગદંબાની બેજોડ પ્રશસ્તિ છે..

સૂર્ય એટલે જ જીવન..કણકણ માટે અને દરેક જીવ માટે અખૂટ શક્તિનો સ્ત્રોત..

વહેલી સવારે આકાશનું પૂર્વ ક્ષિતિજનું બારણું ખખડાવતો આદિત્ય અનેક રંગછટાઓનું ઘોડાપૂર લઈ આવી પહોંચે ને આખીય પ્રકૃતિ તેનું સ્વાગત કરવા બને ઉત્સુક. પંખીઓનો મંજુલ સ્વર ઝીણા ઝીણા સૂરે વાગતી ઘંટડી જાણે ને પર્ણો પર થીજેલી ઝાકળ એ સુગંધી અમીમય ગંગાજળ સમાં છાંટણા.  આખુંય ગગન લાલ, કેસરી, સોનેરી, પીળા રંગોની રંગોળી વડે સજેલું દીસે અને આંખોમાં અવનવી ઈચ્છાઓના – શ્રદ્ધાના દીપ પ્રગટાવી મનુષ્ય પણ તેની આરતી ઉતારવાને હોય આતુર..

વૃક્ષ ને વેલીના લીલાછમ્મ પર્ણો ને નવાંગતુક એવી કૂંપળો હરખ ઘેલી થઈ વિંજણો નાંખી આવકારે આદિત્યને.. ને કોઈ આંગણના ખૂણાના તુલસીક્યારે ટમટમતો દીવડો અંધકારને ખાળવા સાથ પૂરાવતો હોય ઝળહળતો..કોઈ નરવા સાદે  ઘૂંટાય આસવ આસ્થાનો..ને ચારે દિશાઓમાંથી ખીલેલાં પુષ્પો તેમની સુગંધના કંકુ અક્ષત વડે વધાવે ભાસ્કરને… ઓવારણાં લે લીલો રેજો પહેરી જાજરમાન નવોઢા શી દીસતી ધરા.

પછી ઝળહળ ઝળહળ અજવાળું… ચોતરફ તાજગી, લીલાશ, કુમાશ, ચૈતન્ય, સઘળું એકસાથે ઠાલવે મુક્ત મનથી રવિ કિરણો ને અક્ષરશઃ આળસ મરડી જાગે જન – વન ચેતના.. ખુલ્લી સીમનું એકાંત ભરાઈ ઉઠે કલશોરથી ને ઘર- ઉંબર – ફળિયું – રસ્તા સુધ્ધાં પરથી અંધકારને વાળી ચોળીને ભરી દે ઉજાશથી ભાનુ.. દૂર બેઠેલું ગગન પણ જરા ઝુકીને જુએ ધરાનું સૌંદર્ય ને ધરા ક્ષિતિજે જઈ સ્પર્શી આવે ચમકતાં નભની વિશાળતાને.. સપનાનો ગઢ સંકેલી લે તેની દીવાલો અને શીતળ હવાનો વાયરો લઈ સૂર્ય હળવેથી કાનમાં ફૂંકે કર્મનો સિદ્ધાંત..

ખીંટી પર ટાંગેલી જવાબદારીઓનું પહેરણ ફરી પહેરીને સજ્જ બને સૌ હકીકતના સમરાંગણ કાજે ને વાતાવરણમાં સંચાર થાય સ્તબ્ધતા ચીરતા શોરબકોરનો..લાલચટક ચણીબોર જેવું રક્ત ઉછાળા મારે રગેરગમાં ને હથેળીઓમાં સફળતાનો નકશો ચિતરતી મહેનતકશ પ્રસ્વેદની બુંદોનો થનગનાટ હોય ઉફાન પર..દૂરથી સંભળાતી કોઈ મંદિરની ઝાલર જાણે કહેતી હોય ‘તથાસ્તુ’  અને કવિતા – કલ્પના – હકીકત વચ્ચે જીવતાં મનેખને સ્થિતપ્રજ્ઞ થઈ જોયા કરે આદિત્ય ઝળહળતો….

માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

જગદંબાના તેજસ્વી લલાટ પરથી જરા જેટલું કંકુ ખરે ને એમાંથી પ્રાદુર્ભાવ થાય સૂર્યનો. સૂર્ય એટલે તેજપુંજ. જે શક્તિના ભાલેથી ખરેલ ચપટીક કંકુ થકી નિર્માણ થયું હોય તે સૂર્ય જ જો આટલો ઓજસ્વી હોય તો સ્વયં એ શક્તિનો પ્રકાશ કેટલો હોય? અનંત, અસીમ, અમાપ જ તો! સૂર્યોદયની સાથે જ આખાય જગત પર ફેલાયેલું અજવાળું પરમ તત્વની હાજરી નિર્દેશિત કરે છે જાણે.  સમગ્ર સૃષ્ટિ પરનો અંધકાર ક્ષણભરમાં દૂર થાય ને એ પ્રકાશ પુંજ એક પાવન અનુભૂતિ સાથે વીંટળાઈ વળે તમામ જડ ચેતન પર..

મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
બ્રહ્મનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

બ્રહ્માંડમાં એક મંદિરનું સ્થાપત્ય રચાય ને એ સાથે જ ગુંજી ઉઠે ઘંટારવ હવામાં. માઁ ની આંખમાં બ્રહ્મનો ચંદરવો ચીતરાય ને આભનો ચાંદો પણ નવલી નવરાત્રીમાં જગદંબાના દ્વારે દીવો થઈ ઝળહળી ઉઠે જાણે. આ નવરાત્રીની રાતોનું સૌંદર્ય જ અદ્ભૂત!  વર્ણનાતીત! આસોની ગુલાબી ઠંડક, ગરબાનો થનગનાટ ને આસ્થાનો આવિર્ભાવ –  સઘળું તેની ચરમસીમાએ હોય.

માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ;
છડી રે પુકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

આકાશમાં ચમકતાં ટમટમતા તારલા એ જાણે જગદંબાના પરિધાન પર ટાંકેલા મોતી સમ ભાસે. પૂનમના પૂર્ણ ચંદ્રની ધવલ જ્યોત જેવો શુભ્ર, શ્વેત ચમકારાથી માઁ ની આંખો ચમકતી હોય . પરમ શક્તિના આગમનની છડી પોકારતો તેમનો મયુર પણ પૂર્ણ કળા કરી આવકારે માઇ ભક્તોને ને સસ્નેહ નિમંત્રીત કરે ખેલૈયાઓને. શ્રદ્ધા સાથે સુર, સંગીત, લય ને તાલ સાથે નૃત્યનો સુભગ સમન્વય રચીને ઉત્સવ ઉજવાય નવલા નોરતાનો.

નોરતાંના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;
ગગનનો ગરબો માનાં ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો..

નવરાત્રીના આગમન સાથે જ હવામાં એક અકથ્ય આનંદનો સંચાર થાય. આબાલ વૃદ્ધ , આખો જનસમુહ હરખને હિલ્લોળે ચડે. અજવાળી નોરતાની રાતોમાં ગગનથી પવિત્રતાનો આખો અમૃત કુંભ છલકયાં કરે ને સૌ કોઈ તરબોળ બને, ભક્તિરસમાં. ગગનનો ગરબો પણ ઝુકીને આ આસ્થાના ઓવારણાં લે, એવો માહોલ રચાય છે.

સૌ મિત્રોના જીવનની કંકુવર્ણી સવાર નવલી નવરાત્રીના પર્વ જેવી દેદીપ્યમાન હોય તેવી શુભકામનાઓ..

– મેધાવિની રાવલ ‘હેલી’ના જય શ્રીકૃષ્ણ..


આપનો પ્રતિભાવ આપો....

One thought on “માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.. અવિનાશ વ્યાસ

  • Jayendra Thakar

    In India the concept of feminine creative power is worshiped and expressed for ages.

    Here, I would like to share some philosophical thoughts that connect modern science which I thought some fifty years back, during my Ph.D. thesis work on study related to mitochondria.
    According to Saivat philosophy Shiva is the creator and is represented by a bindu that is formless or has no attributes. In the philosophy of Bhagvad Gita, he is GUNATIT (without any property)! Shiva is an unexpressed form or Purusha, and Shakti, the divine feminine principle is his other half, a dynamic presentation of the universe. For those not familiar with the Eastern philosophy, Shakti is also called Maya.
    Shakti literally means ENERGY. According to biochemical science we know that we human beings derive energy by metabolizing food through cellular processes. The end stages of this energy formation takes place in subcellular organelles called MITOCHONDRIA. These organelles in human beings are derived from mother only. Father does not contribute mitochondria at the beginning of life. Hence, no matter what we do, it is the feminine Shakti, in the dynamic form in the universe that allows us to enjoy and appreciate the world! This emphasizes our understanding of Shakti which is so ancient! It also tells us that every day is Mother’s Day!
    If you listen to the following song you may get the same feeling: Tu Is Tarah Se Meri Zindagi with lyrics |https://www.youtube.com/watch?v=1rOknBj4ewg
    Please watch the following video on mitochondria:
    https://www.ted.com/talks/devin_shuman_the_genes_you_don_t_get_from_your_parents_but_can_t_live_without/transcript