કુચીપુડી : આપણો સાંસ્કૃતિક વારસો – અર્ચિતા દીપક પંડ્યા 2


નૃત્યનિનાદ પ્રકરણ : ૧૧

આપણાં શાસ્ત્રીય નૃત્યો પાસે પ્રાચીન ગ્રંથો રૂપી ખૂબ મજબૂત પાયો છે. શાસ્ત્રીય નૃત્યો લલિતકલામાં આગવું સ્થાન મેળવે છે એમ એ પાયા પર બંધાતી ઈમારતની બાંધણી તો અદ્ભૂત છે જ, એની પર થયેલું નકશીકામ એટલે એનાં પોતાનાં કલાકારોની જહેમત, એ પણ વંદનીય છે. આ પરિશ્રમને લીધે જ આ નૃત્યો સમાજમાં ખૂબ વિશિષ્ટ અને એક સંપૂર્ણ કલાની જેમ  દ્રષ્ટિગોચર થાય છે.


કુચીપુડી નૃત્યશૈલી આપણા સાંસ્કૃતિક વારસાને આંધ્રપ્રદેશ તરફથી એક મૂલ્યવાન પ્રદાન છે. આંધ્રના એક જિલ્લામાં એક નાનકડું ગામ છે. જે કુશીલવપુરમ્, કુચેલાપુરમ્ કે કુચીપુડી તરીકે ઓળખાય છે. ત્યાંના  બ્રાહ્મણો, જે ભાગવતુલુ કહેવાય છે એમણે કુચીપુડી નૃત્ય કરવાનું શરૂ કર્યું હતું. ભાગવતુલુ માટે પ્રાચીનતમ ઉલ્લેખ જોવા મળે છે મચુપલ્લી કેફિયતમાં, જે ૧૫૦૨ એ. ડી. માં લખાયેલું હતું.

કેફિયતમાં જણાવ્યા મુજબ, ભાગવતુલુઓની એક ટોળી વિજયનગર ગઈ કારણ કે ત્યાંના રાજા વીર નરસિંહરાયે એમને આમંત્રિત કરેલા. રાજા નરસિંહરાય ભાગવતુલુની કલાથી અત્યંત પ્રસન્ન હતા કારણ કે એમણે સિદ્ધવાતમ્ ના રાજા સમ્મેતા ગુરાવા રાજુના દરબારમાં એમની કલાનું પ્રદર્શન જોયું હતું. રાજાની વહીવટી તથા રાજકીય ભૂલોને એમણે કલાપ્રદર્શનમાં સૂચિત થાય એવી રીતે વણી દીધી અને એ પછી રાજાએ એમાં આપેલ સુઝાવ પ્રમાણે પોતાની ભૂલ તરત સુધારી દીધી. આ મહત્વ છે એક યોગ્ય રીતે રજુ થતાં પ્રદર્શનનું. જે માત્ર કલા નથી પણ બૌદ્ધિક સ્તરની વાતોને કલાત્મક રીતે રજુ કરતી આવડત છે. કહેવાય છે કે આ કલાકારો જે શિવલીલા ભજવતા રહેતા એ વૈષ્ણવ ધર્મના પ્રચાર પછી ભાગવતના પ્રસંગો એમના કલાપ્રદર્શનમાં ઉપયોગમાં લેતા. જે પછીથી ભાગવતુલુ તરીકે ઓળખાયા.

કલાકારનું નામ:
૧) બાંસુરી પંડ્યા
ગુરુ : સ્મિતાબેન શાસ્ત્રી
નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સીઝ
૨) હિમાંશી વસાવડા
ગુરુ: સ્મિતાબેન શાસ્ત્રી
નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સીઝ

એ ઉપરાંત, આઠમી, નવમી અને દસમી સદીમાં કાશ્મીર, આંધ્ર, કર્ણાટક અને દ્રવિડ પ્રદેશમાં પણ નટ્ટુવુ મેલા નામે કલાકારો એમની કલાનું પ્રદર્શન કરતા. શરૂઆતમાં સ્ત્રી પાત્રોની દિવ્યતા અખંડ રહેતી. સમય જતાં એ નૃત્યોમાં સ્ત્રીની ગરિમાને લાંછન લાગે એવા પાત્રો ઉપસવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણ મેલા તરીકે નૃત્યકારો આગળ આવ્યા અને સ્ત્રી પાત્રોને અભિનયમાંથી બાકાત કર્યા. કદાચ એ સમય જ એવો હતો કે આ રીત બધે જ પ્રચલિત થઈ હતી. દેશના બીજા ભાગોમાં પણ કદાચ આવું જ બન્યું હતું. આ રીતે આંધ્રમાં કુચીપુડી ભાગવત મેલા અસ્તિત્વમાં આવ્યું. આ સભ્યો પોતે સંસ્કૃત તથા તેલુગુ સાહિત્યના નિષ્ણાત હતા. એટલું જ નહીં, ભરતમુનિના નાટ્યશાસ્ત્ર, નંદીકેશ્વરના અભિનય દર્પણ અને અલંકાર શાસ્ત્રના જાણકાર હતા તથા નૃત્ત, અભિનય તથા સંગીતની એમણે સઘન તાલીમ લીધી હતી. હવે અત્યારના સમયમાં સ્ત્રી કલાકારો પણ કુચીપુડી નૃત્ય કરે છે.

વિજયનગર રાજ્યની પડતી થઈ તે પછી આ કલાકારો તાંજોરના નાયક રાજાની શરણે ગયા. રાજા અચ્યુતઅપ્પા નાયક, જેમણે ૧૫૬૧ થી ૧૬૧૪ એ. ડી. સુધી રાજ્ય કર્યું, એમણે આ કલાકારોના સો જેટલાં બ્રાહ્મણ કુટુંબોને આશરો આપ્યો. એ જગ્યા અચ્યુતપુરમ્ તરીકે ઓળખાઈ. જે અત્યારનું તાંજોર નજુકનું મેલાત્તુર છે.  આ બ્રાહ્મણમેલાના કલાકારો મેલાત્તુર અને આજુબાજુના ગામોમાં તેલુગુમાં લખાયેલા યક્ષગાન ઉપર નૃત્યનાટિકા પ્રસ્તુત કરતા. આજે પણ સ્વામી ત્યાગરાજના વંશજ અને તેલુગુ કવિ, વેંકટરમન્ ભાગવતુલુની રચનાઓ પર ભાગવતમેલાની ઉજવણીમાં નૃત્ય થાય છે.

કુચીપુડીનૃત્યમાં પછીથી રામાયણ તથા મહાભારતની કથાઓ પણ સંગીતમય નૃત્ય સાથે રજુ કરાતી થઈ. આઠસો વર્ષોથી આ કલાકારો દ્વારા રજુ થતું નૃત્ય છે. એવું પણ કહેવાય છે આ કલાકારો કુશીલવો કહેવાતા. કૃષ્ણ ભક્તિનો મહિમા વધ્યો તે વખતે આ ભક્તિનો ફેલાવો કરવા ચૌદમી સદીની શરૂઆતમાં શ્રી નરસિંહતીર્થ કલાકાર, કલિંગ એટલે કે ઓરિસ્સાથી આંધ્રપ્રદેશ આવ્યા અને સાથે થોડાં કલાકારોને લેતા આવ્યા. જેઓ અષ્ટપદી અને ગીતગોવિંદ પર નૃત્ય કરતા.

ગીતગોવિંદ રચના સમયાંતરે દેવદાસીઓને શીખવાડવામાં આવી. એ પછી આંધ્રપ્રદેશ ની એક જગ્યા શ્રીકાકુલમ્ ના દરબારની નૃત્યાંગનાઓને પણ શીખવાડવામાં આવી. એ પછી શ્રી કૃષ્ણજલક્રીડાની રચના થઈ અને ધીરે ધીરે ભાગવત આધારિત પ્રસંગો પર નૃત્ય થવા લાગ્યા.

મેલાત્તુરમાં થતાં નૃત્ય અને કુચીપુડીની નૃત્ય પ્રસ્તુત કરવાની રીત એકદમ સરખી જ છે. જેમ કે પ્રવેશદારૂવુ. જેમાં કૃતિમાં પ્રસ્તુત થતાં કલાકારોની શરૂઆતમાં ઓળખ અપાય છે.  નાટ્યશાસ્ત્ર મુજબ પહેલા રંગસ્તુતિ થાય છે. મંચ ઉપર પડદા સાથે પ્રાર્થના થાય છે. જેને પુણ્યવચનમ્ કહેવાય છે. એ પછી  સૂત્રધાર દ્વારા ઈશ્વરપ્રાર્થના થાય છે. જે ગણેશ સ્તુતિ, શિવ સ્તુતિ અને વેંકટેશસ્તુતિ હોય છે. એક કલાકાર શ્રી ગણેશના વેશમાં આવે છે અને સૌને આશિર્વાદ આપે છે. અંબામાની સ્તુતિ પછી સૂત્રધાર આવે છે. નૃત્યની શરૂઆતની જાહેરાત કરે છે અને અગરબત્તી સાથે તે હાજર રહે છે. સૂત્રધાર આમ તો હાથમાં દંડ સાથે મંચ પર હાજર જ રહે છે. એ સાથે નાનું કોઈ પાત્ર ભજવે અથવા વિદૂષક પણ બને છે.

નૃત્યનાટિકા સિવાય કુચીપુડીમાં એકલ નૃત્યો પણ ઘણાં છે. જે શબ્દમ્ છે એમાં કોઈ કથાનું વર્ણન નૃત્ય દ્વારા થાય છે. મંડૂક શબ્દમ્, મોહિની અવતાર શબ્દમ્, જવકાલપુરંદરી શબ્દમ્, ચામુંડેશ્વરી શબ્દમ્, અર્ધનારીશ્વર શબ્દમ્, કૃષ્ણલીલા વગેરે મુખ્ય છે. ભરતનાટ્યમ્ ની જેમ તિલ્લાના રજુ થાય છે અને અંતમાં થાળી ઉપર નૃત્ય રજુ કરાય છે. કુચીપુડી નૃત્ય અત્યંત લાવણ્યમય હોય છે. સ્પ્રિંગ જેવી ચપળતા તથા લાવણ્યમયતાનો સંગમ આ નૃત્યને સુંદર બનાવે છે.

આ નૃત્ય, એ મંદિરની સામે રાત્રે ખુલ્લામાં ભજવાય છે. જેમાં બે મશાલો અજવાળા માટે પ્રગટાવાય છે. મૃદંગ, વીણા, ઘટમ્ તથા શરણાઈ જેવું એક વાજિંત્ર અને પાર્શ્વ સંગીત સાથે નૃત્યની પ્રસ્તુતિ થાય છે. પહેલાના વખતમાં તો મશાલચીઓ પડદો પકડી રાખતા હતા.

કુચીપુડીના વિકાસ અને પ્રચારમાં બીજું પગલું છે એના મુવ્વાગોપાલ પદોનું. આ પદો નાયક અને નાયિકાના ભાવવિશ્વની વાત હોય છે. એથી એ રસાભિનય કહેવાય છે. ક્ષેત્રજ્ઞ જે મહાન સંગીતકાર હતા અને મુવ્વાગામના હતા. જે તાંજોરના વિજયરાઘવ નાયકના આશ્રિત હતા. ક્ષેત્રજ્ઞના પદો રસાભિનય કે સાત્વિક અભિનય માટે ઉત્તમ રચનાઓ છે.

કેટલીક રચનાઓ, જે નૃત્યનાટિકાઓ છે, જે ભાવાભિવ્યક્તિની ખૂબ શક્યતાઓ આપે છે. જેમાં એક થી વધુ રસ જેમ કે શ્રુંગાર, કરૂણ, હાસ્ય કે વીરરસનું પ્રદર્શન થાય છે. મહાન કલાકારો વિપ્રલંભ શ્રુંગારથી શરૂ કરીને પછી અન્ય ઘણાં રસ કથાનક પ્રમાણે રજુ કરે છે. ભામા કલાપમ્ અથવા પારિજાતમ્ એમાંની પ્રખ્યાત રચના છે. સત્યભામા અને શ્રી કૃષ્ણ સંવાદ સાથેની આ એક સુંદર કૃતિ છે.

સિદ્ધેન્દ્રયોગી નામના નૃત્યાચાર્યએ કુચીપુડી જાણતા બ્રાહ્મણપુત્રોને શપથ લેવડાવ્યા હતા કે એ જીવનમાં કલાની ઉપાસના ચાલુ રાખશે અને એક વાર તો સત્યભામાનું પાત્ર ભજવશે. આ રીતે પેઢી દર પેઢી આ કૃતિ પ્રસ્તુત થતી ગઈ. એ રચનાનું સાંસ્કૃતિક મહત્વ પણ ઘણું વધી ગયું. ૧૬૭૨-૧૬૮૭ એ. ડી. દરમિયાન ગોલકોંડાના નવાબ અબ્દુલ હસન કુત્બ શાહે કુચીપુડી ગામનું દાન આ કલાકાર કુટુંબોને કર્યું હતું.

૧૬૮૦-૧૬૯૦ એ. ડી. દરમિયાન તીર્થ નારાયણ યતિએ કૃષ્ણલીલા તરંગિનીની રચના કરી.અમુક ભાવગીતોની પાછળ આવતા શબ્દસ્ અથવા સોલુકટ્ટુ બતાવે છે કે યતિ નાટ્યની પણ સારી સમજણ ધરાવતા હતા. કુચીપુડી નૃત્યકારોએ જયદેવની રચનાઓ ઉપર પણ પ્રસ્તુતિ કરવા માંડી. આ રીતે ઓગણીસમી સદીના પશ્ચાર્ધમાં કુચીપુડી નૃત્ય વધુ ને વધુ સશક્ત બન્યું. ગોલા કલાપમ્ ના આધ્યાત્મિક સંવાદો આજે પણ કુચીપુડી નર્તકો સાથે ખૂબ પ્રખ્યાત છે.

Kuchipudi Aksharnaad

કુચીપુડી જે મંદિર બહાર કથાનું વર્ણન કરતા કરાતું પારંપરિક નૃત્ય હતું એ કલાકારોની મહેનતથી શાસ્ત્રીય નૃત્યના એક પ્રકાર તરીકે ગણના પામ્યું છે. ગુરુ વેમપત્તીસત્યચિંતમ્, ગુરુ વેદાંત સત્યનારાયણ શર્મા, યામિની કૃષ્ણ મૂર્તિ, ઈંદ્રાણી રહેમાન, સ્વપ્નસુંદરી, રાજા અને રાધા રેડ્ડી આ કલાકારોએ કુચીપુડી નૃત્યને સર્વસ્વ આપીને નામના અપાવવામાં ઘણી મહેનત કરી છે. અમદાવાદ ખાતે શ્રીમતી સ્મિતા શાસ્ત્રી આ નૃત્યની તાલિમ આપે છે. ઘણાં ભરતનાટ્યમ્ નૃત્યકારો પણ આ નૃત્યથી આકર્ષાયા છે.

આ નૃત્ય પહેલા ઘણું ખરું પુરૂષો જ કરતા. સમયાંતરે  નૃત્યાંગનાઓ, મહિલા નૃત્યકાર પણ, આ શૈલી સાથે જોડાઈ. કુચીપુડી નૃત્યના પહેરવેશમાં નૃત્યકારો દક્ષિણી રીતે રેશમી સાડી ભરતનાટ્યમ્ ની રીતના પાયજામા સાથે પહેરે છે. સાડીમાં આગળ જે પાટલી હોય છે એના તફાવતથી જ ભરતનાટ્યમ્ અને કુચીપુડીનો પહેરવેશ ઓળખી શકાય છે. કુચીપુડી નૃત્યમાં પાટલીની લંબાઈ વધુ હોય છે અને વાળ અમુક ખાસ રીતે ઊંચા અંબોડા સ્વરુપે બંધાયેલા હોય છે. બાકી, ભરતનાટ્યમ્ ના પહેરવેશથી કુચીપુડી નો પહેરવેશ ઘણો સરખો છે. પુરુષો નૃત્યના પોશાકમાં ધોતી, ઉત્તરીય અને કમરબંધ પહેરે છે.

અર્ચિતા પંડ્યા (ઈ-મેઈલ : architadeepak@gmail.com)


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “કુચીપુડી : આપણો સાંસ્કૃતિક વારસો – અર્ચિતા દીપક પંડ્યા