બનારસ ડાયરી : વિવેક દેસાઈ; પરિભ્રમણ – હીરલ વ્યાસ 2


પરિભ્રમણ – મોતી – ૧૨

માણસ તરીકે આપણે ક્ષણમાં જીવવાનું હોય. વીતી ગયેલી કોઈપણ ક્ષણ પાછી ફરતી નથી. પણ, કોઈ ચોક્ક્સ ક્ષણને આપણે ‘સ્ટૅચ્યુ’ કહી શકીએ છીએ ‘કૅમેરા’ની મદદથી. આવી જ ‘સ્ટૅચ્યુ’ થયેલી ક્ષણોની શબ્દો સાથે ગોઠડી.

પુસ્તકનું નામ – બનારસ ડાયરી

લેખક – શ્રી વિવેક દેસાઈ

લેખક પરિચય – શ્રી વિવેક દેસાઈ એક અચ્છા ફોટોગ્રાફર છે અને એટલે જ એ લેન્સમેન તરીકે ઓળખાય છે. એક ફોટોગ્રાફર પાસે હોવો જોઈએ એવો વિશેષ દ્રષ્ટિકોણ એમની ફોટોગ્રાફીમાં દેખાઈ આવે છે. બનારસ ડાયરી એનું જ એક ઉત્તમ ઉદાહરણ છે. શ્રી વિવેક દેસાઈએ જુદા-જુદા વિષયો પર ફોટોગ્રાફી કરી છે. દેશમાં અને વિદેશમાં તેમના વિવિધ ફોટો શોઝ પણ થયા છે. તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવ્યા છે. ફોટોગ્રાફી ઉપરાંત શબ્દોની સાથે પણ તેમનો નાતો છે.

પુસ્તક વિશે – ‘ડાયરી’ એટલે આપણી આસપાસ બનતી ઘટનાઓનું આલેખન. આ આલેખન વળી સુંદર છબી સાથે હોય તો એની મજા કંઈ ઓર છે. બનારસ ડાયરી આવું જ, સુંદર છબીઓ સાથે અનેક ઘટનાઓનું નિરુપણ છે. શ્રી વિવેક દેસાઈએ બનારસને એમની અંદર જીવ્યું છે. બનારસ એમનામાં ધબકે છે. આ પુસ્તકનાં દરેક પ્રકરણ એમના ધબકારા છે! બનારસ ગંગા કિનારે વસેલું છે અને એટલે જ મોક્ષની પ્રાપ્તિ માટે ઘણા લોકો અહીં આવે છે. બનારસમાં મૃત્યુને મળવાનો મોકો મળે, સાધુઓને મળવાનો મોકો મળે, જીવનને નવા જ દ્રષ્ટિકોણથી જોવાનો મોકો પણ મળે.

આ પુસ્તકની વિશેષતા એ છે કે મુખપૃષ્ઠથી લઈને છેલ્લા પાના સુધી લખાણની સાથે સાથે બનારસની છબીઓ પણ છે. બનારસના વિવિધ ઘાટ, ગંગાઆરતી, સળગતી ચિતાઓ, સાધુઓ, ભીંતચિત્રો કરેલી દીવાલો, જાણી અજાણી વ્યક્તિઓ – જાણે બનારસના અનેકવિધ રંગો!

બનારસ ડાયરી – વિવેક દેસાઈ

તીર્થસ્થાન પર આવતાં શ્રદ્ધાળુઓથી જ ત્યાંના લોકોનું જીવન ચાલતું હોય છે. એ પછી પેડલરિક્ષાવાળો શંકર હોય, દિવા વેચતો ભોલુ, શીંગ વેચતો સર્વેશ કે પછી મૃતકોના ફોટો પાડતો કિશન. સ્વજનનું મૃત્યુ આપણા માટે પીડાજનક હોઈ શકે પણ કફન વેચવાવાળા માટે, લાક્ડાં વેચવાવાળા માટે કે ઠાઠડી વેચવાવાળા માટે એ આજીવિકાનું સાધન હોઈ શકે.

કોઈ પણ કલાકાર જ્યારે મનથી એ કલામાં ઓતપ્રોત થઈ જાય ત્યારે સામાધિ અવસ્થાએ પહોંચી જાય છે. શ્રી વિવેક દેસાઈ પણ ફોટો લેતી વખતે કે ફોટો લીધા પછી આવી અવસ્થાએ પહોંચ્યા હશે એવું આપણે પોતે એમના લખાણ પરથી અનુભવી શકીએ. ફોટો લેવા માટે ક્યારેક ધક્કા ખાવા પડે, ગાળો સાંભળવી પડે કે પછી કલાકો સુધી બારણા બહાર રાહ પણ જોવી પડે. પણ આ બધા પ્રયત્નો પછી ઈચ્છિત પરિણામ મળે ત્યારે ખુશી પણ બમણી મળે. આવા અનેક પ્રસંગો આ પુસ્તકમાં છે. એ વાંચીએ ત્યારે જ એ ફોટા પાછળની મહેનત દેખાય. બનારસમાં આવતા સાધુઓનું પણ પોતાનું ગ્રુપ હોય. અને આ સાધુઓની દિનચર્યા કેમેરામાં લેવા લેખકે કેટલી જહેમત ઉઠાવી છે એ તો જાતે જ વાંચીને જાણવું પડે.

ગંગાકિનારે આવેલું શહેર એટલે અહીંની હવામાં મુખ્ય ઘટક હોય – શ્રદ્ધા. પછી એ ગંગામાં દિવો તરતો મુકતી વખતે હોય કે સંધ્યા આરતી ટાણે. એ અનવર હોય કે હનુમાન, ચાનો રેંકડીવાળો હોય કે હજામત કરતો હજામ, સાધુ હોય કે સંન્યાસી. શ્રદ્ધા એટલી મજબૂત કડી બની જાય કે પછી બાકી બધું જ ગૌણ! આખા પુસ્તકમાં ક્યાંક શ્રી બિસમિલ્લાના શરણાઈના સૂર સંભળાય, શ્રી ગિરજાદેવીનું વાત્સલ્ય અનુભવાય તો શ્રી કિશન મહારાજના તબલાનો ધ્વનિ પડઘાય. અહીં કુસ્તી અને અખાડા હજી અસ્તિત્વમાં છે.  અહીં માત્ર દેશના જ નહીં વિદેશમાંથી આવતા લોકો પણ બનારસ સાથે શ્રદ્ધાથી જોડાઈ શકે છે. બનારસને પોતાનું કરીને વસી શકે છે. આવી અનેક વાતો આ પુસ્તકે માંડી છે.

અત્યારે જ્યારે લોકકાળાઓ લુપ્ત થતી જાય છે ત્યારે આ પુસ્તકમાં રામલીલાની વાત છે. રામનગરની રામલીલા વિશ્વપ્રસિદ્ધ છે. અને આ રામલીલાની ખાસિયત છે કે એ એક આખો મહિનો ચાલે છે. બધા જ પ્રસંગો ભજવાય છે. બધાં જ પાત્રો ત્યાંના સ્થાનિક લોકો જ ભજવે છે અને શ્રદ્ધા સાથે ભજવે છે. પરદેશીઓ પણ આ રામલીલા જોવા પધારે છે.

પુસ્તક વાંચતાં-વાંચતાં આપણે ગોલુચાચા, રામુકાકા, વાનેસા, આના, યેલ, પ્રાણગિરિસ્વામી, હોડીવાળા સાથે અનાયાસે ગંગાના વહેણની જેમ વહેતા જઈએ, બનારસના ઘાટ-ગલીઓ ફરતાં જઈએ. કડકડતી ઠંડીમાં પણ મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા સાથે ગંગામાં ડૂબકી મારતાં લોકોને જોઈ મરી ગયેલી શ્રદ્ધા પણ જીવતી થઈ જાય!

આ પુસ્તકમાંથી ગમેલાં કેટલાંક અવતરણ –

ગંગા જતાં પહેલાં જ જાણે મેં ગંગામાં ડૂબકી મારી દીધી ને એ ગંગા રિક્ષાવાળાની આંખમાંથી નીકળતી જોઈ હતી.

કફન જાણે કે આગલા જનમમાં પ્રવેશવાનો એક પારદર્શક પડદો હોય એવો ભાસ થતો હતો.

ભક્તોની પ્રાર્થના લઈ વિલીન થઈ જતો ધુમાડો શિવજી સુધી સીધો જ પહોંચતો હશે એવું લાગે.

મારા મતે બનારસની યાત્રા પુસ્તક સ્વરુપે કરવી હોય તો આ પુસ્તક વાંચવુ રહ્યું.

હર હર મહાદેવ!
હર હર ગંગે!

મળતાં રહીશું નવા પુસ્તકના પાને!

– હીરલ વ્યાસ

પુસ્તક પ્રાપ્તિની માહિતી

પુસ્તક ઑનલાઇન ખરીદવા અહીં ક્લિક કરો… https://amzn.to/3NYiKvH

પ્રકાશન વર્ષ ૨૦૨૧,
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન – નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ,
પુસ્તક કિંમત – રુ. ૬૦૦


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “બનારસ ડાયરી : વિવેક દેસાઈ; પરિભ્રમણ – હીરલ વ્યાસ