કેન્યા : ૩ (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ 4


ચિત્તો હરણના બચ્ચાને મારી, તેને લઇ ઝાડ ઉપર ચઢી ગયો. ચિત્તો પછી મરેલા બચ્ચાને લઈને નીચે ઉતારવા કોશિશ કરતો હતો પણ હરણના શીંગડા વચ્ચે આવતા હતાં. બહુ મહેનતના અંતે હરણને નીચે ફેકી પાછળ તેણે કુદકો માર્યો અને બચ્ચાને ખેંચીને દૂર લઇ ગયો.

મિત્રો હું આવી ગઈ પાછી મારું સફરનામું લઈને. આ વખતે તો તમને કેન્યાની એક અનેરી જગ્યાએ લઇ જવાની છું. તમને મારી સાથે ફરવાની ખુબ મઝા આવશે. નવો વિસ્તાર જ્યાં હું પણ જવા આતુર છું. ઘણીવાર કહેવાય છે કે કાલ્પનિક સૌન્દર્ય અને આંખે જોયું સૌન્દર્ય જો એકદમ સરખું નીકળે તો થોડી મઝા ઓછી થઇ જાય. એટલે હું કોઈ દિવસ પહેલેથી કોઈ જગ્યા વિશે કલ્પના કરતી નથી.

સવારે પાંચ વાગે ઊઠી તૈયાર થઇ સવાછ વાગે નાસ્તો કરવા પહોંચી ગયા. બરાબર સાત વાગે લેઈક નકુરુ જવા નીકળી ગયા. સામબુરુ થી લેઈક નકુરુ લગભગ ૩૩૦ કિલોમીટર દુર આવેલું છે. અંદાજીત સાત કલાકની ડ્રાઈવ હતી. અમે નીકળ્યા પછી નવી જગ્યા જોવાનો ઉત્સાહ પણ જુદો હોય એમાં પાછુ લેઈક જોવાનું. શરૂઆતનો એક કલાક રસ્તા ખૂબ જ ખરાબ હતા. લેઈક નકુરુ નેશનલ પાર્ક એકસોઅઠ્યાશી વર્ગ કિલોમીટરમાં પથરાયેલ છે.

રસ્તામાં આઈસ્લો નામનું ગામ પસાર થયું ત્યાં મારી નજર એક બોર્ડ પર પડી જેના ઉપર લખ્યું હતું કે ‘સાંભળવામાંં અક્ષમ’ બાળકો માટેની શાળા હતી. અહીંયા ખ્રિસ્તી લોકોએ ઘણા નાના ગામોમાં શાળાઓ સ્થાપી છે. બે કલાકની ડ્રાઈવ પછી એક ક્યુરીઓ (હાટડી) પર પગ છુટા કરવા ઉતર્યા. જેને ખરીદી કરવી હોય તે કરી લગભગ પોણા કલાકમાં આગળ વધ્યા.

હવે પછીનું અમારું થોડા સમયનું રોકાણ ઇક્વેટર પોઈન્ટ પર હતું. હું આતુરતાથી બહાર જોઈ રહી હતી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમારી પાસે પંદર મિનીટનો સમય હતો. ઇક્વેટર લાઈન ઉપર ઉભા રહી ફોટા પડાવ્યા. ત્યાંના રહેવાસી બેત્રણ લોકો હાથમાં પાણીનો જગ અને કટોરો લઇ ઊભેલાં. એક કટોરામાં પાણી ભરી અંદર દીવાસળી તરતી રાખી પ્રયોગ બતાવતા હતા.તેમના કહેવા પ્રમાણે ઇક્વેટર લાઈન પર પાણીમાં દીવાસળી સ્થિર રહેતી હતી અને તેનાથી થોડે દુર ઉત્તર અને દક્ષિણ માં પ્રયોગ કરો તો એક તરફ ઘડિયાળના કાંટાની જેમ ફરે અને બીજી બાજુ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે. આ પ્રયોગ જોયો પછી ત્યાં દુકાનમાં ત્રણ ડોલરમાં તમે સર્ટીફીકેટ લઇ શકો કે તમે ઇક્વેટર લાઈન ઉપર હતા જેમાં તેની વિગત પણ લખી હોય  લેવા હતા તે લઇ અને લગભગ પંદર મિનીટ ઉભા રહી અમારી લેઈક નકુરુ નેશનલ પાર્ક તરફ જવાનો પ્રવાસ આગળ વધ્યો. લગભગ બપોરે બાર પિસ્તાલીસ વાગે અમે ‘ગ્રેટ રિફ્ટ વેલી’ પર પહોંચ્યા. ત્યાં સુબુકીયા વ્યુ પોઈન્ટ પર ઉભા રહ્યા.

આ ગ્રેટ રીફ્ટ વેલી ૬૪૦૦ કિલોમીટર લાંબી છે. આ વેલી માટે કહેવાય છે કે લગભગ એકસો દસ લાખ વર્ષ પહેલા ધરતીકંપ આવવાથી આ ગ્રેટ રીફ્ટ વેલીનું સર્જન થયું હતું. બંને પર્વતમાળા વચ્ચેનું સરેરાશ અંતર પિસ્તાલીસ થી અડતાલીસ કિલોમીટરનું છે. આખી ખીણ ખુબ હરિયાળી લાગતી હતી. સામબુરુ પાસે સાવ સુકું ઘાસ જોયા પછી આ હરિયાળી બહુ નયનરમ્ય લાગી. કહેવાય છે કે ચંદ્ર પરથી પણ આ વેલી દેખાય છે. આ રીફ્ટ વેલીના ફોટા પાડી બધી માહિતી સાંભળી લગભગ પંદર મિનિટમાં અમે લેઈક નકુરુ તરફ આગળ વધ્યા. લગભગ બપોરે અઢી વાગે અમે લેઈક નકુરુ લોજ પહોંચ્યા. અમારી આ હોટલ નેશનલ પાર્કની અંદર આવી હતી. નેશનલ પાર્કના મુખ્ય ઝાંપાની અંદર ગયા ત્યાં એક ટેકરી ઉપર આ સુંદર લોજ આવી છે.

અમે અઢી વાગે પહોંચ્યા અને જમવાનું ત્રણ વાગ્યા સુધીજ મળવાનું હતું એટલે ફટાફટ ચેકઈન પ્રોસેસ પતાવી જમવા ભાગ્યા. સુંદર મજાનું જમી ચાર વાગે સફારી માટે નીકળવાનું હતું એટલે રૂમમાં જઈ બધું તૈયાર કરી થોડો આરામ કરી ચાર વાગે સફારી માટે નીકળ્યા.

રસ્તામાં રાખોડી કાળા જેવા બબુન્સ (વાંદરાની એક જાત) જોયા. ઘણા ર્હુષ્ટ પુશ્ષ્ટ હતા. ઉપર એકદમ રાખોડી લાંબા વાળ અને જાડાપાડા શરીર વાળા બબુન્સ જોવાની મજા આવી. ઝીબ્રા તો જાણે ચારેબાજુ ગધેડા ફરતા હોય તેમ જોવા મળ્યા. આગળ વધતા હતા અને વાયરલેસ ઉપર મેસેજ આવ્યો કે ચિત્તો જોવા મળ્યો છે એટલે તરત અમારી કોમ્બી તે તરફ લીધી.

દૂરથી જોયું કે એક ચિત્તો હરણના બચ્ચાને મારી તેને લઇ ઝાડ ઉપર ચઢી ગયો હતો. બીજી બાજુ તે બચ્ચાના માતાપિતા જાણે રાહ જોતાં ઉભા હતા. અમે થોડા નજીક ગયાં. પણ પ્રાણી ડીસ્ટર્બ ના થાય તેટલે અંતરે ઉભા રહ્યાં. ચિત્તો પછી મરેલા બચ્ચાને લઈને નીચે ઉતારવા કોશિશ કરતો હતો પણ હરણના શીંગડા વચ્ચે આવતા હતાં. બહુ મહેનતના અંતે ચિત્તાએ હરણને નીચે ફેકી પાછળ કુદકો માર્યો અને હરણના બચ્ચાને ખેંચીને દુર લઇ ગયો. બચ્ચાના મા-બાપ પણ આશા છોડી બીજી તરફ વળી જતા રહ્યા. અમે આ આખી કરુણાભરી પ્રવૃત્તિ જોઈ. ત્યાં જ હળવો વરસાદ શરુ થયો. અમે સરોવર તરફ આગળ વધ્યા.

આખું સરોવર એટલું વિશાળ લાગતું હતું કે સામેનો કાંઠો જોવામાં તકલીફ પડે, અથવા તો કહી શકાય કે સામો કાંઠો દેખાતો જ નહોતો. તેમાં અસંખ્ય ફ્લેમિન્ગો હતાં. આ ફ્લેમિન્ગોને કારણે આખું તળાવ ગુલાબી રંગનું લાગતું હતું. ત્યાં વરસાદ પણ અટક્યો અને અમે કોમ્બીમાંથી ઉતરી લેઈકની નજીક ગયાં. નજીકથી ફ્લેમિન્ગો જોયા. આપણા ગુજરાતમાં આવતા ફ્લેમિન્ગો કરતાં આ ફ્લેમિન્ગો થોડા દેખાવમાં નાના અને હ્રષ્ટપુષ્ટ લાગતાં હતા. તેમનો રંગ પણ ગુલાબી કરતા વધારે લાલાશ પર લાગે. વાતાવરણ વાદળીયું હતું એટલે ફોટા સારા નહોતા પડતા ડ્રાઈવરે કહ્યું કે કાલે સવારે આવીશું જેથી પ્રકાશ સારો મળે.. એટલે અમે આગળ વધ્યાં.

ત્યાં એકદમ એક ગેંડા પરિવાર પર નજર પડી. માતાપિતા અને તેમનું બચ્ચું રમતા હતાં. ત્યાં એકાએક જોયું તો નર ગેંડાની પાછળ કૈંક ફુવારો ઉડતો હોય તેવું લાગ્યું એટલે અમારા ડ્રાઈવરે હસતા હસતા કહ્યું તે સુ સુ કરી રહ્યો છે. પછી ગેંડા બાજુના ખાડામાં ઉતર્યા એમાં નાનો ગેંડો બહુ સરસ લપસ્યો. તે દ્રશ્ય કેમેરામાં કંડારવાની મજા આવી ગઈ. રસ્તામાં ઘણા બાયસન (જંગલી ભેંસ) જોવા મળ્યાં.

લગભગ સાત વાગે હોટલ ઉપર પાછા આવ્યાં. રુમમાં આવી નિત્યક્રમ પતાવતા હતા ત્યાં મુકેશનું ધ્યાન પડ્યું કે સામબુરુમાં અમારી એક વિડીયો કેસેટ રહી ગઈ છે. એણે તરત કોમ્બીવાળા ડ્રાઈવરને શોધીને કહ્યું. પેલા ડ્રાઈવરનું કહેવું હતું કે જો હોટલ રૂમમાં જ હશે તો મળી જશે. ભગવાનનું નામ દઈ અમે સુંદર મજાનું જમવા ગયા..ત્યાં રાત્રે એક્રોબેટ શો છે તેવું બોર્ડ વાંચ્યું. નવ વાગે શરુ થવાનો હતો એટલે અમે ત્યાં બેઠાં. વિવિધ પ્રકારના શો ચાલ્યાં પણ પછી સવારે વહેલા તૈયાર થવાનું હોવાથી રુમ ભેગાં થઇ ગયાં. આગળ વધવાની ઉત્સુકતા અને વિડીયો કેસેટ મળી જવાની પ્રાર્થના કરી સુઈ ગયાં.

હવે કાલનો દિવસ કેવો જશે અમે ક્યાં જઈશું, શું જોઈશું ની કલ્પના કરો. તમારી આશાઓને સંતોષી શકીશ તેવો મારો હંમેશા પ્રયત્ન રહેશે. મળીએ આવતા અંકે.

— સ્વાતિ મુકેશ શાહ; ફોટો કૉપિરાઇટ મુકેશ શાહ.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “કેન્યા : ૩ (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ

  • janirita2014

    વાહ, virtually તમારી સાથે ફરવાની મજા પડી. તમારું લખાણ તાદૃશ ચિત્ર ઊભું કરવા સક્ષમ, સાથે સુંદર ફોટોગ્રાફ એટલે સોનામાં સુગંધ.

  • VANDAN S DALAL

    કેન્યા ના સફરનામા ના ભાગો વાંચવાનો આનંદ જાતે ફર્યા હોઈએ તેવીજ આવે છે, તાદશ તસવીરો સામે આવે છે. આગળના ભાગ ની રાહ જોઈએ છીએ.

  • neetakotecha

    હંમેશની જેમ ખૂબ જ સરસ સ્વાતિબેન .. આમ જ અમને ઘેર બેઠા ફરવતા રહેજો. વાંચતાં વખતે એમ લાગતું હતું જાણે અમારી સામે જ બધુ ચાલતું હતું..

    • Mita Mehta

      ખૂબજ સુંદર વર્ણન કરીયુ છે, જોડે ફર્તા હોઈ ઍ તાવુ લાગે, ઍક્રોબેટ વિષે નવા ભાગમા જણાવશો
      Thanks & congrats