The Silence Of The Lambs- માનવમનના અંધકારને સમજવાનો પ્રયાસ.


માનવમનના અમુક ખૂણાઓમાં છવાયેલો અંધકાર સમજવો મુશ્કેલ છે. સામાન્ય માણસના મનમાં પણ અંધારા ખૂણાઓ હોય જ. એ અંધકાર કેવી રીતે સચવાય છે એનો આધાર તમારી માનસિક ક્ષમતા પર હોય. ક્યારેક આ અંધકાર એટલો ફેલાય કે તમારા સમગ્ર વ્યક્તિત્વને ગળી જાય. એ પછી જે બાકી રહે એ એટલું ડરામણું હોય કે માણસ અને રાક્ષસમાં કોઈ ફરક ન રહે.

માણસનું માનસિક ઘડતર મોટેભાગે એના ઉછેર પર આધારિત હોય. તમારા બાળપણમાં બનેલી નાનકડી ઘટના પણ ક્યારેક સમગ્ર જીવન પર અસર કરી જાય એવું પણ બને. 

The Silence Of The Lambs
Movie Poster

સિંગમંડ ફ્રોઇડ જેવા અનેક મનોવૈજ્ઞાનિકોએ માનવમનના અંધકારને ઉલેચવાના પ્રયત્નો કર્યા હતા. માણસના વર્તન અને એના વિચારો વચ્ચે સીધો સંબંધ છે એમ મોટાભાગના મનોવિજ્ઞાનીઓ માને છે. તમારા વિચારો જ તમારા વર્તનને અને વ્યક્તિત્વને આકાર આપે. તમે જો અંધકારભર્યા વિચારોને મહત્વ આપો તો જીવન પણ એવું જ બને.

આટલું વાંચ્યા પછી માત્ર એટલું વિચારો કે અપરાધીઓ કેવું વિચારતા હશે? એમના મનમાં એવા તે ક્યા અંધકાર હશે કે જે એમના અપરાધિક વર્તન માટે જવાબદાર હોય? એવી કઈ માનસિક જરૂરિયાત હશે જે તેઓ અપરાધ દ્વારા સંતોષતા હશે?

1991 માં ‘ધ સાઇલેન્સ ઓફ ધ લેમ્બસ’  નામે એક સાયકોલોજીકલ હોરર ફિલ્મ આવેલી. ફિલ્મની ગણના આજે વિશ્વની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે. ફિલ્મ થોમસ હેરિસ નામના લેખકની એ જ નામની નોવેલ પર આધારિત છે. આ ફિલ્મે વિશ્વને ડૉ.હેનીબલ લેક્ટરનું પ્રખ્યાત પાત્ર આપ્યું. સર એન્થની હોપકિન્સ નામના એક બ્રિટિશ અભિનેતાએ આ પાત્ર એટલી અસરકારક રીતે ભજવ્યું કે આજે પણ ફિલ્મ જોતી વખતે એ પાત્રની સ્ક્રીન પરની હાજરી માત્રથી ડર લાગે. 

ડૉ. હેનીબલ લેક્ટર એક અમર પાત્ર છે. ફિલ્મમાં એના માટે કહેવાયેલું એક જ વાકય એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પૂરતું છે – He is a monster (તે રાક્ષસ છે). 

ફિલ્મમાં ડૉ. લેક્ટર એક મનોચિકિત્સક હોય જે પોતાના દર્દીઓને ખાઈ જાય છે. અહીં ‘ખાઈ જવું’ એટલે ખરેખર ભોજન કરી જવું. એના માટે માણસો એક ખોરાક છે.

ડૉ. લેક્ટર અત્યંત બુદ્ધિશાળી અને માનવમનનો જાણકાર છે. એનું વર્તન કોઈ સોફિસ્ટિકેટેડ માણસ જેવું લાગે. તેને માણસના મગજ સાથે રમવામાં મજા આવે છે. એ એટલો પ્રતિભાશાળી છે કે માત્ર યાદશક્તિના આધારે આબેહૂબ ચિત્રો દોરી શકે છે. વ્યક્તિને જોઈને જ એના વિશે લગભગ બધું જ કહી શકે છે અને ન ગમતા માણસને માત્ર વાતોથી આત્મહત્યા કરવા પણ પ્રેરી શકે.

જો કે ફિલ્મમાં ડૉ. હેનીબલ લેક્ટર મુખ્ય પાત્ર નથી. ફિલ્મ એફ.બી.આઈ. એજન્ટ કલેરિસ સ્ટાર્લિંગ અને એક બીજા સિરિયલ કિલર ‘બફેલો બિલ’ની કથા છે. ‘બફેલો બિલ’ પાંચ સ્ત્રીઓને મારી ચુક્યો છે. એને પોતાના શિકારને મારીને એમની ચામડી ઉતારી નાખવામાં મજા આવે છે. ચામડી ઉતારેલી લાશો તે અલગ અલગ નદીઓમાં ફેંકતો રહે છે.

એફ.બી.આઈ. એજન્ટ કલેરિસ હજુ ટ્રેનિંગ લેતી નવી એજન્ટ છે. પુરુષોની બહુમતી ધરાવતા પ્રોફેશનમાં એ લઘુમતિમાં આવતી સુંદર અને બુદ્ધિશાળી સ્ત્રી છે. 

ફિલ્મની શરૂઆતમાં જ તેનો બોસ કદાચ એનાથી આકર્ષિત થઈને અથવા એની ક્ષમતા જોઈને ડૉ. લેક્ટર વિશે જાણકારી મેળવવાનું કામ સોંપે છે. 

સંવાદો દ્વારા સીધી જ વાત કહેવાને બદલે નિર્દેશક જોનાથન ડેમે દ્રશ્યો દ્વારા પ્રેક્ષકોના મગજમાં વાત પ્રસ્થાપિત કરવાનો રસ્તો પસંદ કર્યો છે. એ કારણે જ ફિલ્મ વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન પામી.

શરૂઆતના થોડા દ્રશ્યોમાં કલેરિસને ઓફિસમાં પુરુષોથી ભરેલી લિફ્ટમાં એકલી ઉભેલી દર્શાવીને એની લઘુમતી પ્રસ્થાપિત કરી છે. એ સિવાય સાથીઓની એના પર સતત ફરતી નજર અને એને સતત ડેટ માટે પૂછતાં સાથીઓ પરથી પુરુષોની બહુમતી ધરાવતા પ્રોફેશનમાં સ્ત્રીઓને સહન કરવી પડતી મુશ્કેલીઓ ફિલ્મમાં સહેજ પણ લાઉડ થયા વગર દર્શાવી છે.

કલેરિસ આ બધી જ વાતો પ્રત્યે સભાન છે. એની આંખોમાં આ બધાના કારણે એક દ્રઢતા છે. બધાને, પોતે પુરુષો કરતા ઉતરતી નથી એવું દેખાડવા દેવાની દ્રઢતા સતત એની આંખોમાં દેખાય છે.

કલેરિસ જયારે પહેલીવાર ડૉ. લેક્ટરને મળવા જાય છે એ પહેલાં ડૉ. લેક્ટર વિશેની માહિતી અલગ અલગ પાત્રો દ્વારા પ્રેક્ષકોને અપાય છે. ડૉ. લેક્ટર આઠ વર્ષથી સખતમાં સખત સજા ભોગવી રહ્યો છે. એને સૌથી ખૂંખાર કેદીઓથી પણ અલગ રાખવો પડે છે. એક વખત એણે રૂટિન ચેકઅપ માટે દવાખાને લઈ જતી વખતે એના પર જુકેલી નર્સનો ચહેરો ખાઈ લીધો હતો ! – આ તમામ વાતોના કારણે દર્શકોના મનમાં ડૉ. લેક્ટરનો ભય સ્થાપિત થાય છે.

કલેરિસ અને ડૉ. લેક્ટરની પહેલી મુલાકાત બહુ સરસ રીતે ફિલ્માવી છે. લેક્ટરને કલેરિસમાં રસ પડે છે. કલેરીસને લેક્ટર એક પડકાર જેવો લાગે છે. ડૉ. લેક્ટર એને ‘બફેલો બિલ’ વિશે એક માહિતી આપે છે તો સામે કલેરિસ પણ પોતાના ભૂતકાળ વિશે જણાવે છે. અહીંથી આ બન્નેનો વિચિત્ર સંબંધ શરૂ થાય છે.

એક અત્યંત ખતરનાક અપરાધી અને એક ચાલાક એફ.બી.આઈ. એજન્ટ વચ્ચેની ચેસ જેવી રમત જોવાની મજા પડે એમ છે. બન્ને એકબીજાને આ રમતમાં હરાવવા પ્રયત્નો કરે છે. ડૉ. લેક્ટર ‘બફેલો બિલ’ને પકડવા માટે મદદ કરવાના બદલામાં કેટલીક રાહતો મેળવવા પ્રયત્ન કરે છે તો કલેરિસ એની પાસેથી વધુને વધુ માહિતી કઢાવવા પ્રયત્નો કરે છે.

ડૉ. હેનીબલ લેક્ટરનું પાત્ર ભજવનાર એન્થની હોપકીન્સે આખી ફિલ્મના એકેય દ્રશ્યમાં આંખનું મટકું નથી માર્યું. તેની સતત તાંકી રહેતી નજર પ્રેક્ષકોને યાદ રહી જાય. એણે આ પાત્ર માટે પોતાનો અવાજ અને બોડી લેંગવેજ બદલી નાખ્યા હતા. આખી ફિલ્મમાં એની આંખો કોઈ પશુ જેવી લાગે. કલેરીસને એ જોવે ત્યારે એની આંખોમાં એક વિચિત્ર ચમક આવતી દેખાય. 

આ ફિલ્મ માટે એન્થની હોપકીન્સ અને કલેરિસ સ્ટારલિંગનું પાત્ર ભજવનાર જોડી ફોસ્ટરને ઓસ્કર એવોર્ડ મળેલા. ફિલ્મ મુખ્ય પાંચ શ્રેણીઓના તમામ ઓસ્કર જીતી ગયેલી. ઓસ્કરના ઇતિહાસમાં આવી સિદ્ધિ મેળવનારી આ માત્ર ત્રીજી ફિલ્મ હતી.

એ સિવાય સીરીયલ કિલર ‘બફેલો બિલ’નું પાત્ર પણ એટલી જ અસરકારક રીતે દર્શાવ્યું છે. એના ઘરમાં ફરતો કેમેરો એક સાયકો હત્યારાની દુનિયામાં દર્શકોને લઈ જાય છે. ઘરનું ધૂંધળું વાતાવરણ, ઘરના બેસમેન્ટમાં તેના શિકારને રાખવા માટેના કુવાનું દ્રશ્ય – આખી એક ભયાનક દુનિયા ઉભી કરે છે.

ફિલ્મના ઘણા દ્રશ્યોમાં આડકતરી રીતે એવી ઘણી વાતો કહેવાઈ છે કે જો તમે ધ્યાનથી ન જુઓ તો ચુકી જાઓ.

‘બફેલો બિલ’ ના ઘરમાં કૂવાની દીવાલ પર લોહીના છાંટા છે. એ દીવાલ પર એક હતભાગી સ્ત્રીનો નખ પણ ખૂંપેલો દેખાય છે. એ એક જ દ્રશ્ય દ્વારા એ કુવામાંથી બહાર નીકળવા થયેલી મથામણનો ભયાનક ચિતાર રજૂ થાય છે. 

એવું જ એક બીજું દ્રશ્ય ‘બફેલો બિલ’નો શિકાર બનેલી સ્ત્રીની લાશની તપાસ કરતી વખતે કલેરિસ બધા ઓફિસરની જેમ નાકની નીચે વેસેલિન લગાવે છે. આ ક્રિયા એ બધા સામે કરવાને બદલે પીઠ ફેરવીને કરે છે. એ સમયે એનું પ્રતિબિંબ સામેના કાંચમાં જીલાય છે. એ આંખો બંધ કરીને જાતને તૈયાર કરતી હોય છે જે બધા જોવે છે.

કલેરીસ ‘બફેલો બિલ’ને પકડવામાં સફળ થાય છે કે નહીં? ડૉ. લેક્ટરનું શું થાય છે? – આ પ્રશ્નોના જવાબ મેળવવા ફિલ્મ જોવી રહી.

ફિલ્મમાં એક એવી ભયાનક દુનિયા રજૂ થઈ છે જે અપૂર્ણ છે. બધા જ પાત્રો કોઈને કોઈ ચીજની શોધમાં છે જે એમને થોડી ઘણી પણ પૂર્ણતા આપે. 

આ ફિલ્મની બૉલીવુડે ‘સંઘર્ષ’ થી ‘મર્દાની – 2’ સુધીની નબળી નકલો બનાવી છે. એમાંથી એક પણ આ ફિલ્મની કક્ષાએ નથી પહોંચી.

છેલ્લી રીલ-

“સસલાની ચીસ સાંભળીને શિયાળ દોડી આવે ત્યારે સમજવું કે એ મદદ કરવા નથી આવ્યું.”- ડૉ. હેનીબલ લેક્ટર. 

— નરેન્દ્રસિંહ રાણા

આપનો પ્રતિભાવ આપો....