વાર્તા અભ્યાસુઓ માટે ઉદાહરણ જેવી આ વાર્તા દરેક વાચકે અવશ્ય વાંચવી જોઈએ. પ્રતીકો ઉકેલવાની કસરત કરાવતી આ વાર્તા મગજને એક સરસ ખોરાક આપી શકે એમ છે. એક જ વાર્તા દરેક સ્તરે કેમ લખી શકાય એ સમજવા માટે આ વાર્તાને વારંવાર વાંચવી રહી.
લેખક વિશે :
આજની વાર્તાના લેખક અજય સોનીનું નામ કોઈ પરિચયનું મહોતાજ નથી રહ્યું. આણંદમાં જન્મેલા 30 વર્ષના અજય ત્રણ બહેનોના લાડકા ભાઈ છે. કચ્છના અંજારના રહેવાસી લેખક અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા છે અને વારસાગત સોનીકામ કરે છે. શાળાકીય જીવનમાં જ પ્રખ્યાત લેખક માવજી મહેશ્વરી તેમને શિક્ષક તરીકે મળ્યા જે એમના સાહિત્ય ગુરુ પણ બન્યા. સાહિત્ય પ્રત્યે તેમની પ્રીત પરખી લખવા માટે પ્રોત્સાહનબળ પૂરું પાડ્યું. શ્રી વીનેશ અંતાણીને પોતાની પ્રેરણા માનતા અજય સોની એકાંત પ્રિય અને પ્રખર વાચક છે. એમના અગાધ વાંચન અને કચ્છભૂમિ પ્રત્યેના લગાવને કારણે નાનકડી ઉંમરમાં તેમની કલમ પરિપક્વ બની છે. બહુ જ નાનપણથી વાર્તા વિશે ઊંડી સમજ કેળવી ચૂકેલા અજય સોની સુ.જો.સા.ફો શિબિર, રામ મોરી અને શિબિરમાં મળેલા અનેક સાહિત્યવિદને વાર્તા લખવા માટેના ઉદ્દદિપક માને છે. 2014થી જ તેમની વાર્તાઓ દરેક સાહિત્ય મેગેઝીનમાં છપાતી આવી છે અને પારિતોષિક મેળવતી આવી છે. કચ્છ મિત્રમાં એક વર્ષ સુધી “સમી સાંજ” વાર્તા કોલમ બાદ લેખકે દિવ્યભાસ્કરમાં ઘણા સમય સુધી “સ્ટોરી કાફે” નામની કોલમ લખી છે.
લેખકનો પ્રથમ વાર્તા સંગ્રહ “રેતીનો માણસ” ગુજરાત રાજ્ય તેમજ દેશની સાહિત્ય સંસ્થાનો દ્વારા અનેક પારિતોષિક મેળવી સન્માનિત થયો છે અને તેની બે આવૃત્તિ આવી ચૂકી છે. બીજો વાર્તા સંગ્રહ “કથા કેનવાસ” સંવેદના કથાઓનો સંગ્રહ છે. લેખકની પ્રથમ લઘુનવલકથા “કોરું આકાશ”ને અખિલ હિંદ મહિલા પરિષદ સુરત દ્વારા પ્રથમ પારિતોષિક મળ્યું છે. હાલમાં લેખક કચ્છ ભૂમિ ઉપર નવલકથા લખી રહ્યા છે.
અનેક સાહિત્ય સંસ્થાનો દ્વારા સન્માનિત થઈ ચૂકેલા લેખક અજય સોનીની આજની વાર્તા “કલોકટાવર અને ચામાચીડિયા’ અહીં ક્લિક કરીને વાંચી શકાશે. આ વાર્તા વર્ષ ૨૦૧૪ ની શ્રેષ્ઠ નવલિકાચયનમાં પસંદ પામી હતી. તો આવો તપાસીએ આ વાર્તા મનના માઇક્રોસ્કોપથી :
વાર્તા વિશે:
પ્રથમ પુરુષમાં લખાયેલી કલોકટાવર અને ચામાચીડિયા એક ઉત્તમ ટૂંકીવાર્તા ગણી શકાય. આ વાર્તા અભિધા, લક્ષણા અને વ્યંજના ત્રણે સ્તરે અદભુત રીતે ચાલે છે. દરેક વાચક પોતાના રસ પ્રમાણે વાર્તાને માણી શકે છે. વાર્તામાં મજૂર વર્ગના એક યુવકની વાત કરવામાં આવી છે. લાચાર પરિવારની વાતનો વિષય તો વર્ષોથી લખાતો આવ્યો છે પણ વાર્તાનું આલેખન આ વાર્તાને વિશેષ બનાવે છે. એક જ દિશામાં મજબૂત રીતે આલેખાયેલી આ વાર્તા તેની પક્કડ અને વ્યંજણાત્મક લખાણને કારણે પોંખાઈ હશે એમ માની શકાય.
વાર્તાની થીમ:
“પરિસ્થિતી સામે મનુષ્ય લાચાર છે” એ વ્યથાને કેન્દ્રમાં રાખી આ વાર્તા લખવામાં આવેલી છે.
વાર્તાનો પ્લોટ:
વાર્તાનો નાયક એક ગરીબ મજૂર છે. જે પોતાની દીદી અને નવી માના દેહવ્યવસાયથી વ્યથિત છે. પોતાની બહેનની લાચારીથી ગુંગળામણ અનુભવતો નાયક અંતે વ્યવસ્થા સામે હારી જાય છે અને પરિસ્થિતિ સ્વીકારી લે છે.
પરિવેશ:
આખી વાર્તામાં લેખકે ખૂબ બારીકીથી પરિવેશ ઉભો કર્યો છે. એમ પણ કહી શકાય કે પરિવેશ થકી જ વાર્તા વિશિષ્ટ બની છે. વાર્તાની શરુઆતમાં જ લેખક વાચકને કથકની સાથે લાવીને ઉભા કરી દે છે.
વાહનોની હેડલાઈટના પ્રકાશથી મારી આંખો અંજાઇ જતી હતી. પીળા પ્રકાશના શેરડા ડોક ઊચકવા દેતા ન હતા. હું બેધ્યાનપણે ઊબડખાબડ રસ્તા પર નજર ખોડી ચાલ્યો જતો હતો. ચારેતરફથી આવતો ચેતનાવિહિન ઘોંઘાટ મને કારખાનામાં આવતા મશીનોના અવાજ જેવો લાગતો હતો. અસ્પષ્ટ, એકધારો અને નીરસ…
વાચક પરિવેશ થકી વાર્તા નાયકની નિરસતા અનુભવી શકે છે.
આ જ ટ્રાફિક અને આ જ ક્લોકટાવર. પછી ડાબી બાજૂનો રસ્તો અને થોડું આગળ ચાલતાં અંધારું ગફ. એક ઘર, બે અંધારીયા ઓરડા, પોપડા ખરી ગયેલાં જૂના દૂધિયા રંગની દીવાલો, બંધિયાર હવડવાસ, રૂંધાયેલા ઊફણાતા શ્વાસ, પસીનાથી તરબતર બદન, એકમેકમાં ઓગળવા મથતા શરીર અને પછી સ્તબ્ધતા. રૂમના કોઇ ખૂણે ચામાચીડિયા ઊંધા લટકીને બધું જોઇ રહ્યા છે. ટ્યૂબલાઈટની પાસે રાત પડતાં જ ગરોળી ખોરાક શોધવા આમતેમ ફર્યા કરે છે. પાવડર અને અત્તરની કૃત્રિમ સુગંધ સાથે બીજી વિચિત્ર વાસ પણ ભળે છે.
આ પરિવેશ વાચક સમક્ષ આખા ઘરનું આબેહૂબ ચિત્રણ ઉભું કરી દે છે અને વાર્તાની ગતિ પણ આગળ વધારે છે.
પાત્રાલેખન:
એક ટૂંકીવાર્તાની જરૂરિયાત મુજબ લેખકે ફક્ત કથકની મનોવ્યથા દ્વારા પાત્રાલેખન કર્યું છે.
વાર્તામાં કથક મુખ્ય પાત્ર છે. જે ખૂબ લાચારી અને ગરીબીમાં ઉછરેલો અને તેની ગંદકીમાં ખુંપી ગયેલો વ્યથિત યુવક છે.
અન્ય પાત્રોમાં નાયકની બહેન અને નવી મા છે જે દેહવિક્રય કરી ઘર ચલાવી રહયા છે.
ગુજરી ગયેલો પગ કપાયેલો બાપ જેને નાયક નફરત કરે છે પરંતુ હવે બાપના ગુજરી ગયા બાદ થોડા અંશે એની વ્યથા સમજી શકે છે.
દેહવ્યવસાયિક સ્ત્રીઓ પણ વાર્તામાં આવી છે જે નાયકની દીદી અને માના રૂપક રૂપે લખવામાં આવી છે.
ભિખારી પરિવાર જે નાયકના પરિવારનું પ્રતિકાત્મક ચિત્રણ કરે છે.
કલોકટાવર આ વાર્તામાં એક પાત્ર તરીકે આવે છે. જે નાયકના એકધારા જીવનનું ચિત્રણ કરે છે.
અને અન્ય મુખ્ય પાત્ર છે, ચામાચીડિયા જે આખી વાર્તામાં જગ્યાએ જગ્યાએ ડોકાઈ.એક બીભત્સ ચિત્રણ ઉભું કરે છે. ચામાચીડિયા એ સમાજના ચોક્કસ વર્ગનું પ્રતીક છે. આ પાત્રનું વર્તન વાર્તાને વ્યંજન સ્તરે ઊંચાઈ આપે છે.
મનોમંથન
આખી વાર્તા નાયકના મનોમંથન સ્વરૂપે જ લખવામાં આવી છે.
હું બીજા ઓરડા બાજુ નથી જઇ શકતો. એ રૂમમાંથી આવતો અવાજ અને તેની બારીના તૂટેલા રંગીન કાચમાંથી આવતો પ્રકાશ મારા પગ અટકાવી દે છે. મગજની નસો ફાટવા લાગે છે. ન સહી શકાય તેવો સન્નાટો છવાઇ જાય છે
નાયકની મનોસ્થિતિ સાથે વાચક જોડાણ અનુભવી શકે છે.
દરરોજ ક્લોકટાવર પાસે આવીને મારા પગ થંભી જતા. ઘરે જ જવાનું હોય તેમ છતાંય રોજ વિચાર આવતો કે કઇ બાજુ જવું ?
અહીં નાયકની ઘરે ન જવાની અનિચ્છા બરોબર દેખાય છે. આવા અનેક વિધાનો દ્વારા લેખકે નાયકની સંવેદનાઓ ઝીલી છે.
હું ઘરે હોઉં એ દરમ્યાન મારી બહેનના ચહેરાને જોયા કરતો. ઘેરી કાળાશ વચ્ચે એની નિસ્તેજ આંખો ઢળેલી જ રહેતી. મને પીરસતી વખતે સરી જતા દુપટા પાછળથી એની વધતી જતી છાતી પરના લાલ ચકામા દેખાતા અને હું સમસમી જતો. ભાતમાં કાંકરી આવતા થોડીવાર મોઢું હલાવવાનું બંધ કરી દેતો. કેટકેટલા પ્રશ્નો એકસામટા મન પર કબજો જમાવી લેતા. સતત ભીંસ્યા કરતા ઘરના વાતાવરણથી ભાગી છૂટવા હું દોડ લગાવતો.
અહીં પણ નાયકના વિચારો પડઘાયા છે.
સંઘર્ષ, પાત્ર પરિવર્તન :
વાર્તાની શરુઆતથી જ કથકનો પોતાના જીવન સાથેનો સંઘર્ષ દેખાડવામાં આવ્યો છે. કથક પોતાની બહેનની પરિસ્થિતિ માટે ખુદને જવાબદાર માને છે અને ઈચ્છે છે કે એને સારી પરિસ્થિતિમાં લાવી શકે.
મને થયું પેલા અવાજો ન આવે તો સારું. ઓરડામાં ભરપૂર ઉજાસ હોય
શરૂઆતમાં નાયકનું પાત્ર ઈચ્છે છે કે એ પોતાના પરિવારને, બહેનને સારું જીવન આપી શકે. એમની સ્થિતિ માટે ખુદને જવાબદાર માને છે.
હું બધુ જાણતો હતો. પણ નિસહાય હતો. મોટી થતી જતી બહેનને બધા કઇ રીતે જોતા હતા એ જાણતો હતો. છેલ્લે પગ કપાયા બાદ બાપ ખાટલે પડ્યો ત્યારે એણે સામેથી મને કારખાને લાગી જવાનું કહ્યું. ત્યારે મને થયું કે કશુંક ખોટું થઇ રહ્યું છે. મારો બાપ મને સતત ઘરથી દૂર રાખવાનો પ્રયત્ન કરતો હતો. એકવાર નવી મા પાસે મારા બાપને આજીજી કરતાં જોયો. નવી માના શબ્દો સીધા છાતીએ વાગતા હતા.
પરંતુ અંતમાં નાયક સ્વીકારી લે છે કે પોતાની બહેનને એ વધારે સારી પરિસ્થિતિમાં રાખી શકે એમ નથી. આમ નાયકનો આક્રોશ નિરાશામાં પરિવર્તન પામે છે.
ખૂલ્લી બારીમાંથી આવતો ચંદ્રનો પ્રકાશ મારી બહેનના ચહેરા પર પડતો હતો. પાંગત પાસે પડેલી ચાદર અવાજ ન થાય એ રીતે ઊચકીને ઓઢાળી દીધી. મને મરી ગયેલો મારો બાપ યાદ આવ્યો. થાકી ગયેલા પગને ઊપાડતો હું બહાર એકઢાળિયામાં આવ્યો. ઠંડી પથારીમાં લંબાવ્યું. યુગોનો થાક એકસામટો ચડ્યો હોય એમ મારી આંખો ઘેરાવા લાગી. ક્લોકટાવરમાં એકનો ડંકો પડ્યો. ખૂણામાં ચામાચીડિયા ઊંધા લટકી રહ્યા હતા. પરતું મને ઊંઘ ચડી હતી.
ભાષાકર્મ :
સીધી સાદી ભાષામાં લખાયેલી આ વાર્તામાં ઉત્તમ ભાષાકર્મ કરવામાં આવ્યું છે. એક એક ફકરો પોતાની રીતે ખૂબ સરસ છે છતાંય અમુક અભિવ્યક્તિ ટાંકુ છું:
- એકમેકમાં ઓગળવા મથતા શરીર અને પછી સ્તબ્ધતા. રૂમના કોઇ ખૂણે ચામાચીડિયા ઊંધા લટકીને બધું જોઇ રહ્યા છે. ટ્યૂબલાઈટની પાસે રાત પડતાં જ ગરોળી ખોરાક શોધવા આમતેમ ફર્યા કરે છે.
અહીં ચામાચીડિયા અને ગરોળી બંનેનો રૂપક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. ચામાચીડિયા એટલે બહેન પાસે આવતા દેહ ભુખ્યા લોકો અને ગરોળી એટલે નાયકની ફાંફા મારતી ઇચ્છાઓ.
- એક ગ્લાસ પાણી સાથે ભાત ખાઇને ભૂખ ઠારતો. પરંતું અંદર ધખ્યા કરતો દેવતા શાંત થવાને બદલે વધુ ભભૂકતો.
નાયકને કરવા પડતા સમાધાનોને અંદર ધખ્યાં કરતો દેવતા કહેવામાં આવ્યો છે.
- એ સામે આવતાં જ લોહી ઠરી જતું. મને ઊંધા લટકતા ચામાચીડિયા યાદ આવતા. જે ફક્ત અંધારામાં જ જોઇ શકતાં હતાં.
અહીં ફરી બહેનને જોતાં તેના ગ્રાહકો યાદ આવે છે. જે દિવસના અજવાળામાં બહેનને ઓળખતા પણ નથી.
- દીવાલ પર લાગેલા લેમ્પ પાસે ગરોળી જીવડા ગળી રહી હતી. હું વિસ્ફારીત આંખે જોઇ રહ્યો
નાયકની ઈચ્છાને ખોરાક મળી ગયો છે પણ એ સહન નથી કરી શકતો.
વિવેચકની વક્ર દૃષ્ટિએ:
દૃષ્ટિ ઘણી વક્ર કરી કરીને જોયું, એક પણ વાંક કાઢી શકાયો નહીં. છતાંય વાંક કાઢવો હોય તો વાર્તાના અંતે કયાંક એક આશાનો સૂર આપી શકાય ખરો.
સારાંશ
વાર્તા અભ્યાસુઓ માટે ઉદાહરણ જેવી આ વાર્તા દરેક વાચકે અવશ્ય વાંચવી જોઈએ. પ્રતીકો ઉકેલવાની કસરત કરાવતી આ વાર્તા મગજને એક સરસ ખોરાક આપી શકે એમ છે. એક જ વાર્તા દરેક સ્તરે કેમ લખી શકાય એ સમજવા માટે આ વાર્તાને વારંવાર વાંચવી રહી. લેખક પાસેથી હજુ આ પ્રકારના અને આનથી ઉત્તમ સર્જનની અપેક્ષા રાખી શકાય.
મળીશું ફરી આવતા પખવાડિએ , ફરી એક વર્તમાન લેખકની વાર્તાને જાણવા, માણવા અને સમજવા. ત્યાં સુધી વાંચતાં રહો અને સવાલ પૂછતાં રહો.
— એકતા નીરવ દોશી
કોઈ પણ વાતાઁ વાંચતા પહેલા એકતા બેને લખેલું વિવેચન વાંચવાથી વાતાઁ સમજવામા સરળતા રહે છે. અથઁસભર વાતાઁ અને સુંદર વિવેચન