ક્લોકટાવર અને ચામાચીડિયા – અજય સોની


વાહનોની હેડલાઈટના પ્રકાશથી મારી આંખો અંજાઇ જતી હતી. પીળા પ્રકાશના શેરડા ડોક ઊચકવા દેતા ન હતા. હું બેધ્યાનપણે ઊબડખાબડ રસ્તા પર નજર ખોડી ચાલ્યો જતો હતો. ચારેતરફથી આવતો ચેતનાવિહિન ઘોંઘાટ મને કારખાનામાં આવતા મશીનોના અવાજ જેવો લાગતો હતો. અસ્પષ્ટ, એકધારો અને નીરસ…

સવારે પડી ગયેલા વરસાદી ઝાપટાની ચાડી ખાતા ખાડામાં પડેલા ગંદા પાણી વારંવાર અંજલિ આપી રહ્યા હતા. પરંતું પરસેવાથી ગંધાતા મારા શરીર પર કશી અસર થવાની ન હતી. સ્ટ્રીટ લાઇટ એકસાથે ચાલૂ થતાં મેં ઉપર જોયું. ઓચિંતું અજવાળું ઊતરી આવ્યું હોય એવું લાગ્યું. બફારાના કારણે કપાળ પર પરસેવાના ટીપાં બાઝી ગયા હતા. મેં પરસેવાથી ચીકણી થયેલી હથેળી ગૂંચવાઇ ગયેલા વાળમાં ફેરવી.

ક્લોકટાવર પાસે આવીને ઊભો રહ્યો. કઇ બાજુ જવું એ વિચારતો ટ્રાફિકને જોઇ રહ્યો. સતત ચાલ્યા આવતાં ટ્રાફિકથી આંખો ટેવાઇ ગઇ હતી. રોજ એ જ અવાજો અને એ જ દ્શ્ય. કશું નવું નહીં. આ જ રસ્તો, આ જ ટ્રાફિક અને આ જ ક્લોકટાવર. પછી ડાબી બાજૂનો રસ્તો અને થોડું આગળ ચાલતાં અંધારું ગફ. એક ઘર, બે અંધારીયા ઓરડા, પોપડા ખરી ગયેલાં જૂના દૂધિયા રંગની દીવાલો, બંધિયાર હવડવાસ, રૂંધાયેલા ઊફણાતા શ્વાસ, પસીનાથી તરબતર બદન, એકમેકમાં ઓગળવા મથતા શરીર અને પછી સ્તબ્ધતા. રૂમના કોઇ ખૂણે ચામાચીડિયા ઊંધા લટકીને બધું જોઇ રહ્યા છે. ટ્યૂબલાઈટની પાસે રાત પડતાં જ ગરોળી ખોરાક શોધવા આમતેમ ફર્યા કરે છે. પાવડર અને અત્તરની કૃત્રિમ સુગંધ સાથે બીજી વિચિત્ર વાસ પણ ભળે છે. થોડી ક્ષણો પછી બધું સ્થિર થઇ જાય છે. વાવના તળ જેવું એકાંત. ફરી પાણી આંદોલિત થાય છે. ફરી એ બધું. બીજા ઓરડામાં એ જ દ્રશ્યો અને અવાજો. પરંતું હું બીજા ઓરડા બાજુ નથી જઇ શકતો. એ રૂમમાંથી આવતો અવાજ અને તેની બારીના તૂટેલા રંગીન કાચમાંથી આવતો પ્રકાશ મારા પગ અટકાવી દે છે. મગજની નસો ફાટવા લાગે છે. ન સહી શકાય તેવો સન્નાટો છવાઇ જાય છે. બહાર વળાંક પરના ગલ્લે મવાલી જેવા લાગતા માણસો ગળે રૂમાલ બાંધી પાનની પીચકારી મારતાં, બીડીઓ ફૂંકતા મને બહાર નીકળતો જુએ છે અને એમના ચહેરા પર પ્રસન્નતા છવાઇ જાય છે. રોજ નવા ચહેરાઓ પરંતું એ જ હાવભાવ…

દરરોજ હું ભાગી છૂટું. રેશનના સડેલા, જીવાતવાળા ભાત ખાઇ લઉં એટલો સમય પણ ત્યાં માંડ બેસાય. બનાવટી સુગંધ અને ખંધુ હાસ્ય મને ભાતમાં આવતી કાંકરી જેવું લાગતું. ભાતમાં થોડા માંસના ટૂકડા પણ હોય, એટલે રંધાઇ ગયેલા ધનેડાથી બહુ વાંધો ન આવતો. થાળીની એક કોરે ભેગા કરેલા માંસના ટૂકડાને છેલ્લે ખાઇને વધુ સંતોષ મેળવતો. એક ગ્લાસ પાણી સાથે ભાત ખાઇને ભૂખ ઠારતો. પરંતું  અંદર ધખ્યા કરતો દેવતા શાંત થવાને બદલે વધુ ભભૂકતો.

એક ગંદી ગાળ મારા કાને પડી. બાજૂના ફૂટપાથ પર ફાટેલા ગોદડામાં વીંટળાયેલો એક પુરુષ લવારો કરતો હતો. દારૂના કારણે એનામાં બોલવાની સુધ ન હતી. એનાથી થોડે દૂર બેઠેલાં ચાર બાળકો એની ગાળથી ફફડી ગયા. એક પડિયામાં વધેલું ખાવાનું એમ જ પડ્યું હતું. બાળકોની આંખોમાં ભય ડોકાતો હતો. ત્યાં જ કશુંક અસ્પષ્ટ બોલતી એક સ્ત્રી આવી. પુરુષને કંઇક કહ્યું અને બાળકો તરફ ફરીને એમના બરડા અને માથા પર હાથ  ફેરવતી એમની સાથે બેસી ગઇ. લગભગ ખાલી થયેલું પડીયું ફરી ભરાઇ ગયું. બાળકો ખાવા માટે પડાપડી કરતા હતા. આ જોઇ આંખો ઠારતી સ્ત્રી થોડીવારે ખાલી કટોરા સાથે રસ્તો ઓળંગી ગઇ. મને લાગ્યું એ સ્ત્રી જરૂર બાળકોની મા હશે !

મારા વિચારોને બ્રેક લાગી. જાણે પૂરપાટ દોડતી ટ્રેન અચાનક થોંભી જતાં બધા ડબ્બાઓ ખડી પડ્યા. ખાવા માટે પડાપડી કરતાં બાળકોમાં એક નાનકડી છોકરી પણ હતી. એના ભૂખરા લાંબા વાળના જટિયા ઊડી ગયા હતા. એ શાંતિથી બેઠી હતી. ઝગડતા ભાઈઓને જોઇ રહી હતી. કોઇ એને ખવડાવતું ત્યારે એ ખાતી. ખાવાનું પુરું થઇ ગયું હોય તો પણ ક્યાંય સુધી મોંઢું હલાવ્યા કરતી. હું એના ચહેરામાં કશુંક શોધતો હોઉં એમ જોઇ રહ્યો.

વધતો જતો બફારો અકળાવતો હતો. અંગારો ખાધો હોય એમ પેટમાં લાહ્ય બળતી હતી. સાપોલિયાની જેમ વિચારો દોડતા હતા. બધો ટ્રાફિક જમણી બાજૂથી આવીને ડાબી બાજૂના રસ્તે જતો હતો. ડાબી બાજૂના રસ્તે આગળ જતા અંધારું હતું. પગ અસ્થિર થતા હતા. આદત મુજબ ડાબી બાજૂ ચાલવા લાગ્યો. ટૂંકી ફાટેલી પાટલૂનના ખિસ્સામાં હાથ નાખ્યો. એકમાંથી ફાટેલી બે નોટો બહાર નીકળી. મારા પગ અટક્યા. નોટો મારા ઘરના કાળા ધાબાવાળી પોપડા ખરી ગયેલી દીવાલો જેવી લાગતી હતી. ગંદી, ચોળાયેલી અને મસળાયેલી. છતાંય નોટો તેનું કામ કરશે એવા વિચારે સારું લાગતું હતું.

હું ઊંધો ફર્યો. જાણતો હતો કે આ રસ્તા પર બધો ટ્રાફિક મારી સામે આવશે. છતાંય મને એ બાજુના રસ્તાનું આકર્ષણ હતું. દરરોજ ક્લોકટાવર પાસે આવીને મારા પગ થંભી જતાં. ટાવરમાં વાગતાં ડંકાથી હું નખશીશ ધ્રુજી જતો. સાપોલિયા આમતેમ ભટકીને ફરી દરમાં ભરાઇ જતા. થાકેલા પગ ઘર બાજૂ વળતા. જ્યારે મન બીજી બાજૂ જવા દોડતું. હું ક્યારેય એ બાજૂ નથી ગયો. ફક્ત એના વિશે સાંભળ્યું હતું. દરેક વખતે કારખાનેથી વળતાં એ બાજૂ જવાની ઈચ્છા થતી. વળતી વખતે બધા મજૂરોને આવી વાતો કરતા સાંભળી રહેતો. શરુઆતમાં કશું સમજાતું નહીં. પછી સમજાવા લાગ્યું. જેમ સમજાતું ગયું એમ ખિન્નતા વધતી ગઇ. અમૂક પ્રકારના લોકો શા માટે ઘરે આવતા. બન્ને ઓરડામાંથી શા માટે હંમેશા સુગંધ આવ્યા કરતી. એ સમજાવા લાગ્યું હતું. ગૂંગળાવતા પ્રશ્નો ફેણ ચડાવતાં. માના થેથરવાળા ચહેરા પરની કાળી ચામડી પર પાઉડરના થર ચડાવતી ત્યારે બાપ યાદ આવતો. મજૂરીથી તૂટી ગયેલું એનું શરીર કારખાનામાં પગ કપાયા બાદ ફરી ક્યારેય બેઠું ન થયું. મને હંમેશા થતું કે મા મારી સાથે સારો વ્યવહાર નથી કરતી, તરછોડે છે, સરખું ખાવા નથી આપતી. પરંતું ત્યારે બાપ હતો એટલે મન પર બહુ લેવાતું નહીં. પાછળથી ખબર પડી કે આ મારી બીજી મા છે. પરંતું હું જાણતો હતો કે મારી મોટી બહેન ઓરમાન નથી. એના ચમકતા ચહેરા પર હું એકાદ ઝાંખી રેખા શોધી લેતો. જેમ જેમ મોટો થતો જતો હતો તેમ તેમ એ મારાથી ઓછું બોલતી હતી. ક્યારેક તો મારી સામે જોવાનુંયે ટાળતી. એ શા માટે એવું કરતી એ ન સમજાતું. હું હંમેશા એની રડીને લાલ થઇ ગયેલી આંખોમાં ચમક શોધવા મથ્યા કરતો.

હું ગલીના નાકે અટક્યો. આખી ગલી રંગબેરંગી લાઈટથી શણગારેલી હતી. ફિલ્મી ગીતો મોટા અવાજે વાગી રહયા હતા. કઠેડાઓ પર કામણ ખડકાયા હતા. મનને ગમી જાય એવી સુગંધ વાતાવરણમાં વહેતી હતી.

ઝગમગતી લાઈટોનું પ્રતિબિંબ મારી આંખોમાં ધૂંધળાઇને સ્પષ્ટ થઇ રહ્યું હતું.

બાજૂમાં લોજ હતી. અંદર ખાસ્સી ભીડ જામી હતી. એક જાડિયો રાડો પાડી રહ્યો હતો. ત્રણ-ચાર છોકરાઓ આમતેમ દોડતા હતા. રંધાતા, શેકાતા માંસની તેલ મિશ્રિત ગંધથી હવા ભરાઇ ગઇ હતી. કોઇ અજાણ્યા દ્વારથી મોઢામાં પાણી ભરાઇ ગયું. પગ એ બાજૂ વળ્યા. ખિસ્સામાં હાથ નાખ્યો. ફાટેલી નોટો બહાર કાઢી. ફરી બોર્ડ જોવા લાગ્યો. બધી આઇટમોના નામની સામે પૈસા લખ્યા હતા. લોજના આગળના ભાગે એક માણસ તવા પર આમલેટ શેકી રહ્યો હતો. નોટને ચીકણી હથેળી વચ્ચે દબાવી. મસળાયેલી નોટો ચગદાઇ ગઇ. મોઢામાં આવેલું પાણી ગળફા ભેગું થૂંકી નાખ્યું. પરંતું આંખ ત્યાંથી ખેસવી ન શક્યો.

ઝગમગતી ગલીનો ગમી જાય એવો ઘોંઘાટ મને ખેંચી રહ્યો હતો.

પરિચિત લાગતી સુગંધ મારા નાકમાં ભરાઇ. બાજૂમાં જોયું તો કોઇ સ્ત્રી મારી પાસે ઊભી હતી. હું માંડ નજર ઊંચી કરી શક્યો. ચહેરા પર મેકઅપના થથેડા, મોહક અત્તરની સુગંધ અને વાળમાં ગજરો હતો. મારા માટે આ બધું નવું ન હતું છતાંય અલગ લાગતું હતું. પહેલીવાર જોતો હોઉં એટલા કૂતુહલથી જોઇ રહ્યો. મારી બહેનના ચહેરા પર હંમેશા શોધતો એવી એકાદ રેખા શોધવા મેકઅપના થરવાળા ચહેરાને ધારીને જોઇ રહ્યો. પરંતું સામેથી પ્લાસ્ટિક સ્મિત સિવાય કશું ન મળ્યું.

હંમેશા જ્યાં જતા પગ અટકતા એ ગલી આ જ છે. એવો વિચાર આવતાં થોડી રાહત થઇ. લોજના તવા પરથી નજર ઊખડીને પાસે ઊભેલી સ્ત્રીના ચહેરા પર ચોટી ગઇ. એની આંખોમાં એ મસ્તી હતી જે ગમે તેવા પુરુષને વશ કરી લે. આખો દિવસ કારખાનામાં મશીનો સાથે ગાળ્યા પછી નખરાળી આંખો શીતળતા આપતી હતી. એટલે જ છૂટીને ઘણાખરા મજૂરો અહીં આવતા હશે. અથવા કોઇના ઘરે…

મને ફરી એ દ્શ્ય દેખાયું. પીળો સંકોચિત પ્રકાશ વેરતો નાઈટલેમ્પ, ભેજથી ઊખડી ગયેલ રંગવાળી કાળી ભીંત, અવાજો, શ્વાસો, ઊચ્છવાસો, ગરોળી, લટકતા ચામાચીડિયા, બારીના તૂટેલા કાચ અને સ્તબ્ધતા

હું ગલીને જોઇ રહ્યો. મગજમાં કશું ઊતરતું ન હતું. જાણે બધા દ્શ્યો પાશ્વાદભૂમાં ચાલતાં હોય એવું લાગતું હતું. પાસે ઊભેલી સ્ત્રીને અવગણીને આગળ વધ્યો. પાછળથી એ સ્ત્રીએ થોડા ગંદા શબ્દો પાનની પીચકારી સાથે બહાર ફેંક્યા.

ક્લોકટાવર પાસે કશુંક ખુંપેલું છે અને ત્યાંથી ઊખડીને હું અહીં આવ્યો હોઉં એવું લાગતું હતું. ક્લોકટાવરમાં ડંકા વાગી રહ્યા હોય એવો ભાસ થતો હતો. ગલીમાં આગળ વધું છું તેમ એ અવાજ પાસે આવતો જતો હતો. એ અવાજ સાંભળતાં જ પગ થંભી ગયા. શરીરમાં આછી ધ્રુજારી ફરી વળી. આગળ ધકેલતું બળ હાંફી ગયું. મન પર છવાયેલો ભાર એકબાજુ ખસેડાઇને બીજું જ વજન આવી ચડ્યું.

મારા બાપ સાથે મારે બહુ બનતું નહીં. અમે ક્યારેય સાથે ન બેસતા, કામ સિવાય કોઇ વાતો ન થતી. જ્યારે એ ક્યારેક દારૂ પીને મોડી રાતે ઘરે આવતો ત્યારે મને બોલાવી મારી પાસે લવારો કાઢતો. હું ચૂપચાપ સાંભળતો. અંધારાના કારણે અવાજના કંપ પરથી જ આંસૂની કલ્પના કરી શકાતી. હું કશું બોલતો નહીં એટલે એ થાકીને ગાળો બબડતો સૂઇ જતો. એ મજૂરી કરીને થાકી ગયો હતો. મારી માના મરી ગયા પછી જિંદગીમાં બહુ રસ રહ્યો ન હતો. બીજી મા આવી એ માથાભારે નીકળી. બાપનું બહુ ચાલતું નહીં. રાતે સૂવા  સિવાય ઘરે ન આવતો. હું પણ બાપ સાથે કારખાને કામ કરવા જતો. મને જોઇને એને દુખ થતું. એ કહેતો.

‘મેં આખી જિંદગી વેઠ ઉતારવામાં કાઢી. તું કાંક ધંધો કર. આમાં કાંઈ નહીં વળે. ’

ત્યારે એની આંખમાં લાલાશ સાથે લાચારી તગતગતી આવતી. હું બધુ જાણતો હતો. પણ નિસહાય હતો. મોટી થતી જતી બહેનને બધા કઇ રીતે જોતા હતા એ જાણતો હતો. છેલ્લે પગ કપાયા બાદ બાપ ખાટલે પડ્યો ત્યારે એણે સામેથી મને કારખાને લાગી જવાનું કહ્યું. ત્યારે મને થયું કે કશુંક ખોટું થઇ રહ્યું છે. મારો બાપ મને સતત ઘરથી દૂર રાખવાનો પ્રયત્ન કરતો હતો. એકવાર નવી મા પાસે મારા બાપને આજીજી કરતાં જોયો. નવી માના શબ્દો સીધા છાતીએ વાગતા હતા. તે દિવસે હું જાણીજોઇને સામે ન આવ્યો. દૂરથી જ સાંભળતો રહ્યો. કેમ કે હું મારા બાપનું રડતું મોઢું ન જોઇ શકતો.

તે પછી ચાર દિવસે જ મારો બાપ મરી ગયો. એકાએક હું સૂતો એ એકઢાળિયાનું છાપરું ઊડી ગયું. ઘર ફક્ત ખાવા અને મોડી રાતે સૂવા સિવાય ઉપયોગમાં ન લેવાતું. હું આખો દિવસ બહાર ભટક્યા કરતો. ક્યારેક બહાર જ ખાઇ લેતો. કોઇ પુછતું નહીં. બે દિવસ સુધી ઘરે ન જાઉં તો પણ કાંઇ ફરક ન પડતો. પરંતું હું જ્યારે પણ જાઉં ત્યારે બહેન મારા માટે બીરીયાની બનાવી આપતી. અમારા બન્ને વચ્ચે બહુ ઓછા શબ્દોની આપ-લે થતી. હું ઘરે હોઉં એ દરમ્યાન મારી બહેનના ચહેરાને જોયા કરતો. ઘેરી કાળાશ વચ્ચે એની નિસ્તેજ આંખો ઢળેલી જ રહેતી. મને પીરસતી વખતે સરી જતા દુપટા પાછળથી એની વધતી જતી છાતી પરના લાલ ચકામા દેખાતા અને હું સમસમી જતો. ભાતમાં કાંકરી આવતા થોડીવાર મોઢું હલાવવાનું બંધ કરી દેતો. કેટકેટલા પ્રશ્નો એકસામટા મન પર કબજો જમાવી લેતા. સતત ભીંસ્યા કરતા ઘરના વાતાવરણથી ભાગી છૂટવા હું દોડ લગાવતો. પરંતું બહેનનો વિચાર આવતા ફરી ફરીને ઘર તરફ ખેંચાઇ આવતો. નવી મા સાથે ક્યારેક જ વાત થતી. અમારા વચ્ચે એવો કોઇ સબંધ ન હતો. જાડી ચામડીવાળા કાળા ચહેરાને જોઇને મને ખૂન્નસ ચડતું. વિચાર આવતો કે બહેનને કહું કે અહીંથી ભાગી છૂટીએ. પણ બહેનની સામે કશું ન બોલી શકાતું, એ સામે આવતાં જ લોહી ઠરી જતું. મને ઊંધા લટકતા ચામાચીડિયા યાદ આવતા. જે ફક્ત અંધારામાં જ જોઇ શકતાં હતાં.

દરરોજ ક્લોકટાવર પાસે આવીને મારા પગ થંભી જતા. ઘરે જ જવાનું હોય તેમ છતાંય રોજ વિચાર આવતો કે કઇ બાજુ જવું ? મારી સાથે કામ કરતા મજૂરો પીઠામાં જઇને દારૂ ઢીંચતા, માંસ ખાતા અને રાંડ… ક્યારેક મને પણ દારૂ પીવાની ઈચ્છા થતી. થતું કે પીને બધું ભૂલી જાઉં. સાથીદારો સાથે ચાલવાનું કહેતા પણ હું જતો નહીં. સ્ત્રીઓ વિશે એટલી હલકી વાતો કરતાં કે ત્યાંથી ભાગી જવાનું મન થતું. આવું સાંભળી હું વધારે બેચેન બની જતો. લોહી ઊકળી ઊઠતું કારણ કે હું જાણતો હતો કે મારી નવી મા પાછળ રાંડ શબ્દ લાગી ગયો છે. પણ મારી બહેન…

પગનું લોહી ઠંડું પડી ગયું. પાછળ ક્લોકટાવરમાં બારના ડંકા પડવાની શરુઆત થઇ ગઇ હતી. કાનની પાસે જ એ ડંકા સંભળાતા હતા. પેટમાં ભભૂકતી ભૂખ ઠીકરા જેવી થઇ ગઇ હતી. અસહ્ય બળતરા થતી હતી. અસમંજસમાં ઊપડતા પગ થંભી ગયા. ત્રણ-ચાર સ્ત્રીઓ આંખ નચાવતી મને જોઇ રહી હતી. હું આગળ વધ્યો. એક સ્ત્રી ઝગમગતી લાઇટોને તાકતી ઊભી હતી. એના ચહેરાના ભાવો અલગ લાગતાં હતા. બીજી સ્ત્રીઓ મને પોતાની તરફ ખેંચવા મથતી હતી. પરંતું મારું ધ્યાન પેલી સ્ત્રી તરફ હતું. હું એની પાસે ગયો. એના બે હાથ કઠેડા પર સ્થિર હતા. હાથમાં હજી નમણાશ બચી હતી. અચાનક જ મને ઊભેલો જોઇ ઘાસિયા મેદાન વચ્ચે સૂકો ભઠ્ઠ પટ આવી જાય એમ એના ચહેરા પર અચરજ આવી ગયું. એ પોતાના ચહેરાના ભાવો ત્વરાથી બદલાવી ન શકી. નજર નીચી કરીને મને રૂમમાં ખેંચી ગઇ. હું કશું વિચાર્યા વિના અંદરના પલંગ પર જઇને બેઠો.

સફેદ સળ વિનાની ચાદર, આછું અજવાળું વેરતો નાઇટ લેમ્પ, બંધિયાર હવામાં અલગ પડી જતી અત્તરની સુગંધ, લપકારા મારતી ગરોળી અને બારીનો તૂટેલો રંગીન કાચ. બધું એ જ હતું. પણ ખૂણામાં ચામાચીડિયા લટકતાં ન હતા. બધા ખૂણા ખાલી હતા.

પેલી સ્ત્રી આવીને મારો હાથ પસવારવા લાગી. પરંતું મારા ખળબચડા હાથ પર કશી અસર થવાની ન હતી. મને સતત ક્લોકટાવરનાં ડંકા સંભળાતા હતા. એ નજીક આવીને મને વળગી પડી. એની છાતી હાંફતી હતી. અમે બન્ને બેડ પર લેટી ગયા. છત પર પંખો તેજ ગતિએ ફરતો હતો. કપાળ પર પરસેવો ઊપસી આવ્યો. શરીર પર ફરતો એનો હાથ અટકાવી મેં એને અળગી કરી. છત નીચે આવી રહી હોય એવું લાગતાં હું સફાળો બેઠો થઇ ગયો. પોપડાં વિનાની દીવાલો પાસે આવી રહી છે એવું લાગવા માંડ્યું. છાતીના વાળમાં ફરતો એનો હાથ ઝાટકાથી દૂર કર્યો. દીવાલ પર લાગેલા લેમ્પ પાસે ગરોળી જીવડા ગળી રહી હતી. હું વિસ્ફારીત આંખે જોઇ રહ્યો. છત મારા ઉપર પડશે એવું લાગતાં ઊભો થવા ગયો. પેલી સ્ત્રીએ મારો હાથ પકડી લીધો. એની આંખોમાં મસ્તી હતી. પરંતું મારી આંખમાં અલગ જ પૂર હતું. મને ચામાચીડિયાની ચીખ સંભળાતી હતી. મેં ચારે ખૂણામાં જોઇ લીધું. કંઇ ન હતું. ક્યાંક પડી ગયેલા ભેજના ધાબા મને ચામાચીડિયાની હંગાર જેવા લાગતા હતા.

પેલી સ્ત્રી મને ખેંચી રહી હતી. પરંતું મારી અંદર સતત ડંકા વાગી રહ્યા હતા. ખિસ્સામાંથી મેલી નોટો કાઢીને મેં એ સ્ત્રીને આપી. પછી ક્ષણિક એનો ચહેરો જોઇ રહ્યો. થોડી નરમાશ દેખાતી હતી. હું પાછળ જોયા વિના રૂમમાંથી બહાર નીકળીને ગલીમાં આવ્યો. ક્લોકટાવરના રસ્તે દોડ લગાવી. મારી આજુબાજુ સતત ચામાચીડિયા ઊડી રહ્યા હોય એવું લાગતું હતું. નોનવેજની લોજ પાસે એક માણસ આમલેટનો તવો ધોઇ રહ્યો હતો. નાના છોકરાઓ વાસણ સાફ કરી રહ્યા હતા. પેટમાં ચૂંક આવી. પરંતું હું દોડતો રહ્યો. ટાવર પાસે પહોંચીને મને રાહત થઇ. મેં ઉપર જોયું. પોણો એક થયો હતો. દરરોજ આ વખતે હું મારા ઘરમાં એકઢાળિયાના ખાટલા પર સૂતો હોઉં. કાંઇ પણ વિચાર્યા વિના હું ઘર બાજૂ ભાગવા લાગ્યો. વાતાવરણનો અસહ્ય બફારો મને ભીંસી રહ્યો હતો. પસીનાથી શરીર નીતરતું હતું. ચારેબાજુ રાતની નિરવતા છવાયેલી હતી. ખાલી સડકો અને પીળી લાઇટના પ્રકાશને વટાવી હું ઘર સુધી પહોંચ્યો. ત્યાં પહોંચતાં મારા પગમાં ખાલી ચડી ગઇ.

મને થયું પેલા અવાજો ન આવે તો સારું. ઓરડામાં ભરપૂર ઉજાસ હોય. ચાલી વટાવી હું બારી પાસે આવ્યો. બારીના તૂટેલા રંગીન કાચમાંથી ધબકતી છાતીએ મેં અંદર જોયું. અંદર અંધારું હતું. લાત મારી બારણું તોડવાનું મન થયું. ત્યાં જ બાજૂના રૂમનું બારણાં તરફ નજર ગઇ. મારા અંગો ઢીલા પડી ગયા. હું નરમ ચાલે અંદર ગયો. અવાજ ન થાય એ રીતે ખાટલા પાસે આવ્યો.

ખૂલ્લી બારીમાંથી આવતો ચંદ્રનો પ્રકાશ મારી બહેનના ચહેરા પર પડતો હતો. પાંગત પાસે પડેલી ચાદર અવાજ ન થાય એ રીતે ઊચકીને ઓઢાળી દીધી. મને મરી ગયેલો મારો બાપ યાદ આવ્યો. થાકી ગયેલા પગને ઊપાડતો હું બહાર એકઢાળિયામાં આવ્યો. ઠંડી પથારીમાં લંબાવ્યું. યુગોનો થાક એકસામટો ચડ્યો હોય એમ મારી આંખો ઘેરાવા લાગી. ક્લોકટાવરમાં એકનો ડંકો પડ્યો. ખૂણામાં ચામાચીડિયા ઊંધા લટકી રહ્યા હતા. પરતું મને ઊંઘ ચડી હતી.

– અજય સોની

આપનો પ્રતિભાવ આપો....