મેં તો ગોત્યું ગોત્યું ને.. – સ્વાતિ મેઢ 5


કહે છે કે એમના વિવાહ વખતે એમના વર એમને વીંટી પહેરાવવા ગયા ત્યારે એમણે ધીમેથી પૂછેલું, ‘સરસ વીંટી છે, કેટલા તોલાની?’ આવું પૂછવું સારું ન કહેવાય. બીજું કોઈ હોય તો વિવાહ તોડી નાખે પણ એમના સિવિલકામ કોન્ટ્રાકટર પતિને આ સવાલ ગમેલો.

‘અરે ક્યાં ગયું?’ સુનયનાબેન ધ્રાસકા સાથે બોલ્યા. કોઈ પણ મહિલા જયારે આવું  આશ્ચર્યવાક્ય બોલે ત્યારે સમજવું કે એ જો રસોડામાં હોય તો એ વાક્ય ચપ્પુ માટે હોઈ શકે કે લાઈટર માટે હોઈ શકે, ટેલીવિઝન સામે હોય તો એ વાક્ય રીમોટ માટે હોઈ શકે, બાથરૂમમાં હોય તો એ વાક્ય ટાઈલ્સ ધોવાના બ્રશ માટે હોઈ શકે, શયનખંડમાં હોય તો એ વાક્ય વિક્સની બાટલીના ઢાંકણા વિષે હોઈ શકે, કોઈ દુકાનમાં ખરીદી કરીને પૈસા ચૂકવવાના હોય તો એ મોટી પર્સમાં રાખેલા નાના પાકીટ વિષે હોઈ શકે.

સુનયનાબેન આ વાક્ય બોલ્યાં ત્યારે ક્યાં હતાં? એમને શું નહોતું જડતું? એનો જવાબ એ કે આ વાક્ય સુનયનાબેન પોતાના મંગળસૂત્ર માટે બોલ્યાં હતાં. એમણે ગળામાંથી ઉતારીને જે ઠેકાણે મંગળસૂત્ર મૂક્યું હતું ત્યાં અત્યારે તે નહોતું. એટલે જ એમણે ધ્રાસકા સાથે પૂછેલું, ‘અરે, ક્યાં ગયું?’

વાત એમ હતી કે સુનયનાબહેને એમનો બે બેડરૂમનો ફ્લેટ રંગાવવાનો કાર્યક્રમ કરેલો. રંગકામ થાય એ પહેલાં થોડું, જે પછી ઘણું થયું એવું, રીપેરીંગકામ પણ કરાવ્યું. સમારકામ-રંગકામ શરુ થાય એ પહેલાં કોન્ટ્રાકટરના મજૂરોની મદદ લઈને બે બેડરૂમના ફ્લેટમાં જ થોડા ભાગમાં બેડરૂમ, ડ્રોઈંગરુમ, સ્ટોરરૂમ બધું સમાવીને થોડા દહાડા કાઢવાની તૈયારીઓ કરેલી. એ વખતે ડ્રેસિંગ ટેબલ પડોશીને ઘેર મૂકેલું અને લખવાના ટેબલ પર કામચલાઉ ડ્રેસિંગ ટેબલ માટે એક ખૂણો ફાળવેલો. બધું સમુંસૂતરું ચાલ્યું. સમારકામ-રંગકામ થઇ ગયાં. ફ્લેટને પહેલાની જેમ ગોઠવવાની કામગીરી ચાલુ હતી ત્યારે સુનયનાબહેને સવાલ કર્યો, ‘અરે, ક્યાં ગયું?’(મારું મંગળસૂત્ર, સોનાનું જ સ્તો!)

person holding black and brown beaded necklace
Photo by Prashanth Viraat on Pexels.com

‘એ, તમે જોયું છે?’ સુનયનાબહેને  એમના પતિ સુધીરભાઇને પૂછ્યું. ‘શું?’ સુધીરભાઇએ પોતે વાંચતા હતા તે છાપાનાં પાનાં થોડા આઘા ખસેડીને પૂછ્યું. ‘શું તે મારું મંગળસૂત્ર’, સુનયનાબહેને કહ્યું.

‘હા જોયાનું યાદ તો છે. તમે એક-બે વાર પહેરેલું જોયાનું યાદ છે.’ સુધીરભાઈએ કહ્યું. ‘સારું હતું. લાંબું, મોટાં, કાળાં કીડિયાં અને સોનાના મણકાવાળું, મોટું ગોળ પેન્ડન્ટ હતું. જોયું છે. સરસ હતું.’ સુધીરભાઈએ મંગળસૂત્રનું વર્ણન કર્યું, ‘છેલ્લે તમે એને આપણી જ્ઞાતિના મિલનસમારંભ વખતે પહેર્યું હતું.’

‘હા,હા એ જ. એ દિવસે આપણે ઘેર મોડા પહોંચ્યા અને મેં એ કાઢીને અહીં ટેબલ પર મૂક્યું હતું. હવે ત્યાં નથી.’

‘હશે ક્યાંક એટલામાં જ હશે, પડ્યું હશે આસપાસ. જડી જશે’. સુધીરભાઈ શાંત અવાજે બોલ્યા.

‘નથી. પણ મને ખાતરી છે કે મેં અહીં જ મૂકેલું.’ કહીને સુનયનાબહેને જોરથી ટેબલ પર મુક્કી મારી. થોડું જોર વધારે કર્યું હોત તો કદાચ ટેબલ નીચે છૂપાયેલું મંગળસૂત્ર ગભરાઈને બહાર આવી જાત. પણ એ તો ત્યાં હતું જ નહીં!

તો પછી મંગળસૂત્ર ગયું ક્યાં? સુનયનાબહેન મૂંઝાઈ ગયાં. એ અકળાઈને આમતેમ ફરતાં હતાં અને એમના ફ્લેટના બારણાં ખુલ્લાં હતા. એમના સાખપડોશી ઉર્વશીબહેન એ જ વખતે બારણું  ખોલીને બહાર આવ્યાં. એમણે અમસ્તું જ પૂછ્યું, ‘થઇ ગયું બધું કામ? સામાન ગોઠવાઈ ગયો?.’

‘હા, આમ તો બધું થઇ ગયું. કબાટો ય દીવાલ પર લાગી ગયા. હવે બસ ઝીણું, ઝીણું કામ બાકી છે.’ સુનયનાબહેને જવાબ આપ્યો. એ પાછાં આમ ભોળા તે બોલી ગયાં, ‘આમ તો બધું સરખું થઇ ગયું પણ મારું મંગળસૂત્ર નથી જડતું.’

‘હાય, હાય મંગળસૂત્ર નથી જડતું? કેટલા તોલાનું હતું?’ ઉર્વશીબહેને પૂછ્યું.

ઉર્વશીબહેનને સોનાચાંદીના ઘરેણાં કેટલા તોલા / ગ્રામના છે એ વાતની ઘણી જીજ્ઞાસા. કહે છે કે એમના વિવાહ વખતે એમના વર એમને વીંટી પહેરાવવા ગયા ત્યારે એમણે ધીમેથી પૂછેલું, ‘સરસ વીંટી છે, કેટલા તોલાની?’ આવું પૂછવું સારું ન કહેવાય. બીજું કોઈ હોય તો વિવાહ તોડી નાખે પણ એમના સિવિલકામ કોન્ટ્રાકટર પતિને આ સવાલ ગમેલો. આશાસ્પદ સ્થિતિ હતી! એટલે પછી ઉર્વશીબહેનની જીજ્ઞાસા વધતી ગઈ. એમણે એટલે જ સુનયનાબહેનને પૂછ્યું, ‘મંગળસૂત્ર કેટલા તોલાનું હતું?’

‘એ તો ખબર નથી પણ જડતું નથી તેની ચિંતા છે.’ સુનયનાબહેન ઉદાસ હતાં એમનો વધારે વાતો કરવાનો મૂડ નહોતો. એ ઘરમાં જતાં રહ્યાં. ઉર્વશીબહેન પણ ઘરમાં ગયાં. થોડા જ વખતમાં વિશ્વસમસ્તમાં લાગતાવળગતા લોકોને સમાચાર પહોંચી ગયા. ‘સુનયનાબહેનનું મંગળસૂત્ર ખોવાયું.’

આમે ય તે ઉર્વશીબહેનનો જીવ પત્રકારનો. સમાચાર આપવા અને લેવા બે ય કામ એમને ગમે. એ સમાચાર શોધતા જ હોય. હવેના ‘સક્રિય’ સોશ્યલ મિડિયાના જમાનામાં ઉર્વશીબહેન જાણે એ વાત જોતજોતામાં વિશ્વવિહારી બની જાય.

આ તરફ મંગળસૂત્ર ખોવાયાનું ટેન્શન એટલામાં મોબાઇલો, ટેલિફોનો શરુ થઇ ગયા સુનયનાબહેનને ઘેર. મંગળસૂત્ર ખોવાયાના ખરખરાના. ‘ચોક્કસ ચોરાઈ ગયું હશે. જાતજાતના માણસો આવતા’તા તે.’ બધાનો એ જ વિચાર હતો. ‘હાઆઆઆ, મને ય એવું જ લાગે છે’. સુનયનાબહેને કહ્યું.

આ બધી વાતો થઇ રહી પછી સુધીરભાઈએ કહ્યું, ‘પણ તમે પેલા પ્રોગ્રામમાં મંગળસૂત્ર પહેરેલું એ દિવસે તો બધું કામ પતી ગયેલું. માત્ર કબાટો દીવાલ પર લગાડવાના બાકી હતા. એને માટે તો આપણા જૂના મિસ્ત્રી કરસનભાઈ આવેલા.’

‘શી ખબર પેલો કનૈયો ય હોય.’

‘કોણ કનૈયો?’ સુધીરભાઈએ વાત આગળ ચલાવી.

‘કેમ વળી? ગોપાલ ગામડે ગયો ત્યારે પેલા છોકરાને ટેમ્પરરી કામ માટે મૂકી ગયો’તોને એ. ચોક્કસ, એ કનૈયાએ જ, કે પછી કરસનભાઈ…’ સુનયનાબહેને વાક્ય અધૂરું મૂક્યું.’

‘પણ ગોપાલ, કનૈયો, કરસન એ ત્રણ તો એક જ કાનુડાના નિતનવા નામ. એ તો માખણચોર, મંગળસૂત્રચોર ક્યાંથી થયો?’ સુધીરભાઈએ દલીલ કરી.

‘‘જુઓ આ જોકો મારવાનો ટાઇમ નથી.’ સુનયનાબહેન ખીજાયાં ‘એક તો મંગળસૂત્ર જેવી ચીજ ખોવાય ને તમે જોકો માર્યા કરો છો. ખબર છે? નહીં નહીં તોય એ મંગળસૂત્ર એંસીનેવું હજારનું તો હશે જ.’ સુનયનાબહેન બોલ્યાં., ‘ને મેં તમને કહ્યું નહોતું પણ ઝવેરીવાળાએ મને પૂછેલું, ‘બહેન  આ પેન્ડન્ટ કાઢવું છે? કહો એટલા રૂપિયા આપીશ’. શ્વેતા ય હતી એ વખતે મારી જોડે.’ (શ્વેતા કોણ? હમણાં ઓળખાણ થશે, રાહ જુઓ.)

‘જે થયું તે થયું. શોધો જડે તો ઠીક છે, નહીં તો ગયું.’ સુધીરભાઈ બીજું કહે પણ શું?

ઘર આખામાં સંશોધનકાર્ય ચાલ્યું. આમ તો કામ ચાલતું’તું ત્યારે એકેએક ચીજ કાઢેલી અને પાછી ગોઠવેલી. ચમચીઓ સુદ્ધાં ધોઈલૂછીને મૂકવી પડી’તી. એકે ય વાર મંગળસૂત્ર હાથમાં નહોતું આવ્યું. નક્કી ચોરાઈ ગયું.

સમારકામમાં દોઢેક લાખ રૂપિયા ખર્ચાયેલા ને હવે આ મંગળસૂત્ર નહીં નહીં તો ય અઢી તોલાનું હશે. એના ય દોઢેક લાખ ન ગણાય એન્ટીક પેન્ડન્ટ સાથે? ‘હશે ઘા ભેગો ઘસરકો,’ સુનયનાબહેને નિસાસો નાખ્યો.

‘ઘા ભેગો ઘસરકો નહીં, ઘા ભેગું ફ્રેકચર કહો.’ સુધીરભાઇ બોલ્યા. રંગકામ,સમારકામનો ખર્ચ, વત્તા અગવડો, વત્તા થોડા દિવસ ટીફીન-રેસ્ટોરન્ટમાં ભોજનનો ખર્ચ વત્તા મંગળસૂત્ર. ખરી વાત છે. ઘા ભેગું ફ્રેકચર જ.

રીપેર થઇ રંગાઈને જૂનો ફ્લેટ નવા જેવો સુંદર દેખાવા માંડ્યો હતો. લોકો વખાણતા ય ખરા. પણ સુનયનાબહેન ઉદાસ હતાં. બધાએ બહુ સમજાવ્યા. કહ્યું, વસ્તુ ઘરમાં જ હશે, જડશે. કોઈકે કહ્યું, ‘ટુચકો કરો. લોટો ઊંધો લટકાવવાનો (તે ઉંધો જ લટકે ને!) વસ્તુ જડી જાય.’ પણ રંગકામ વખતે ધ્યાન રાખીને એકેએક ખીલીઓ કઢાવી નાખેલી ને ઘરમાં જે એક જ લોટો હતો એ શ્વેતા ‘એન્ટીક’ છે કહીને અમેરિકા ઉઠાવી ગયેલી. શ્વેતા એ સુનયનાબહેનની પુત્રવધૂ. સુધીરભાઈએ જ ખાસ આગ્રહ કરીને એ બેગમાં મૂકાવેલો. સુનયનાબહેનને તો નહોતું ગમ્યું પણ સુધીરભાઈ કહે ત્યાર પછી એમની ના ચાલે જ નહીં. આમ તો સૌ સૌભાગ્યવતી સ્ત્રીઓની આ સાર્વત્રિક સમસ્યા છે. સુનયનાબહેન અપવાદ ક્યાંથી હોય? ઘરમાં નહોતો લોટો ને નહોતી ખીલી એટલે એ ટુચકો નહીં થાય.

કોઈકે બીજો ટુચકો કહ્યો. ‘જો તમે શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર એક અઠવાડિયામાં એક લાખ, એક હજાર, એકસોને એક વાર લખો તો મનવાંછિત ફળ મળે જ મળે.’

‘પણ હું તો શ્રીકૃષ્ણમાં નથી માનતી. માતાજીમાં માનું છું.’ સુનયનાબહેને શંકા ઉઠાવી.

‘તો શ્રીમાઈ શરણમ મમ લખાય. ચાલે. પણ રોજ એક બેઠકે બેસીને ઓછામાં ઓછું એકવીસ હજાર વાર લખવું પડે.’

સુનયનાબહેન માની ગયાં. એમણે શરુ ય કર્યું. પણ પહેલે દિવસે એક હજાર એકસોને અગિયાર વાર લખતાં લખતાં આખી બપોર વીતી ગઈ. એટલે આવું મહેનત અને સમય ખાનારું મંત્રલેખનનું કામ ‘ના ફાવે  ભૈસાબ’ કહીને પડતું મૂક્યું.

એમનાં એક બહેનપણી હતાં. ભાવનાબહેન. ખૂબ ભક્તિપ્રિય. એમના પતિની રેલ્વેની નોકરી. ટીકીટનો ખર્ચ ન થાય એનો લાભ લઈને એ યાત્રાઓ કરતા અને દરેક તીર્થસ્થાનનો મહિમા જાણતા. એમણે ભાવનાબહેને કહ્યું, ‘તમે ચાલતા ચોટીલા જાઓ, માતાજી બધું સારું કરશે.’

‘છેક ચોટીલા? એ તો અહીંથી બહુ લાંબું પડે.’

‘ના, તમારે સાયલા કે લીમડી સુધી બસમાં જવાનું. ત્યાંથી ચોટીલા ચાલતાં. પાછા વળતાં તો તમે બસમાં આવી શકો છેકથી. ત્યાં નીચે ક્રોકરીની બહુ સરસ દુકાનો છે.’    

સુનયનાબેને આ પ્રસ્તાવની વાત સુધીરભાઈને કરી. એમણે પૂછ્યું. ‘આટલું ચાલવાની ઉંમર છે તમારી?’ સુનયનાબેન ચૂપ.

લોકોએ આવા ઘણા ટુચકા સૂચવ્યા. એમાં બહુમતિ હતી ગાંઠ બાંધવાની. એમાં એવું હોય કે કોઈ વસ્તુ જડતી ન હોય ત્યારે એક રૂમાલને ગાંઠ બાંધી રાખવાની. વસ્તુ જડે એટલે છોડી નાખવાની.

આ સહેલો, સાદો, શ્રમવિહીન ટૂચકો સુનયનાબેનને ગમી ગયો. એમણે એક રૂમાલ લીધો, એને સજ્જડ ગાંઠ મારીને કેડે ખોસી દીધો. જયારે જયારે રૂમાલ પર હાથ જાય ત્યારે ખોવાઈ ગયેલું મંગળસૂત્ર યાદ આવે. આ તો ઉપાધિ વધી. એક તો લોકો હજી ય વારે વારે મંગળસૂત્રની ખબર પૂછતા, ખરખરા કરતા ને હવે આ રુમાલને લીધે… મંગળસૂત્ર કાં તો ચોરાઈ ગયેલું અથવા ખોવાઈ ગયેલું. ચોરાઈ ગયું હોય તો ઠીક છે ગયું. પણ એવું ન હોય તો ક્યાં મૂકાઈ ગયું છે તે યાદ જ નહોતું આવતું. એમાં આ ગાંઠ મારેલો રૂમાલ.

સુનયનાબેને  બે દિવસ તો રૂમાલ કેડે ખોસેલો જ રાખ્યો. પછી ડાઈનીંગ ટેબલ પર મૂકી દીધો. ત્યાંથી પછી મંગળસૂત્ર જ્યાંથી અદ્રશ્ય થયેલું એ ટેબલ પર મૂકી  દીધો. લખવા કરવાનું તો ખાસ કંઈ હોય નહીં પણ ટેબલ પરથી ધૂળ લૂછવા જાય તેટલી વાર એ રૂમાલ દેખાય. જયારે જયારે યાદ કરવા પ્રયત્ન કરે ત્યારે ટેબલ પર મુક્કી મારી ને બોલે ‘અહીંયાં જ મૂકેલું, ચોક્કસ’. આમને આમ રૂમાલ મેલો થવા માંડ્યો. બેત્રણ વાર ગાંઠ સહિત ધોવાઈ પણ ગયો. પણ કેમે કર્યું યાદ ન આવે કે મંગળસૂત્ર ગયું ક્યાં?

એમાં વળી અમેરિકાથી શ્વેતા ફોન પર પૂછે, ‘મમ્મી,મંગળસૂત્ર જડ્યું?’ ને એટલી મમતાથી પૂછે કે સુનયનાબેન ઓળઘોળ થઈ જાય એ મીઠાબોલી વહાલસોયી વહુ પર. એ એમનો એકનો એક લોટો લઈ ગયેલી એ વાત પણ ભૂલી જાય. મૂળ તો પેલીની દાનત ક્યાં હતી? સમજી જાઓને. ઝવેરીવાળાની મુલાકાત ને એ બધું… પણ કાળજી એવી દેખાડે કે સુનયનાબેન વહુવિયોગે રડુંરડું થઇ જાય.

આમ ને આમ દિવસો વીતતા ગયા. નવી રંગાયેલી દિવાલો, બારીબારણાં જરા ઓછા ચળકતા દેખાવા માંડ્યા. ચોમાસું બેસે તે પહેલાં કામ પતાવી દીધેલું. ચોમાસું વીત્યું ને નવરાત્ર આવ્યાં. કામ શરુ થાય એ પહેલાં જ સુનયનાબેને નક્કી કરી રાખેલું કે રંગકામ થશે એ પછી નવરાત્રમાં રોજ માતાજીને અગિયાર ઊભી વાટોના દીવા કરીશ, સાંજે આરતી, ગરબા ગાઇશ ને પ્રસાદ કરીશ. એમણે આ વિચાર સુધીરભાઈને નહોતો કહ્યો. આમે ય તે લગ્નજીવનના ૭x૫ વત્તા બે ત્રણ વરસ વીતી જાય એ પછી આવી વાતો કરવામાં બહુ લાભ નહીં, બંને પક્ષે એવું, એમ અનુભવીઓ કહે છે.

આ દીવા કરવા માટે એક તરફ પાતળું પૂંઠું હોય તેવી પાતળા પ્લાસ્ટીકની થેલીમાં ભરેલી વાટોનું પેકેટ તો કામ શરુ થયું એ પહેલાંથી જ બજારમાંથી લાવી રાખેલું ને એને વાળીને એક પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકી દીધેલું. એ ડબ્બો ય એમણે બેત્રણ વાર જોયેલો. આટઆટલી ખસેડાખસેડ છતાં કશું ન ખોવાયું ને આ મંગળસૂત્ર… હશે ગયું તો ગયું. સુનયનાબેને હવે મુક્કી મારવાનું બંધ કરી દીધેલું, બહુ વાગતું’તું. રૂમાલ હાથમાં આવે ત્યારે યાદ આવે એટલું જ. પછી તો રૂમાલે ય હાથમાં આવતો બંધ થઇ ગયો.

નવરાત્રના બેત્રણ દિવસ પહેલાં પૂર્વતૈયારી રૂપે સુનયનાબેને એ ડબ્બો  કબાટમાંથી કાઢ્યો. એમાંથી વાટોનું પેકેટ કાઢ્યું. એ પેકેટની નીચે ડબ્બાને તળિયે પડેલું પેલું મંગળસૂત્ર!

‘આ અહીં કઈ રીતે પહોંચ્યું?’ સુનયનાબેન તો દંગ રહી ગયાં. રીપેરીંગ વખતે દીવાલ પરના કબાટમાં મૂકવાની વસ્તુઓ ટેબલ પર રાખેલી. આ ડબ્બો ય હતો એમાં જ. ભોળા, સરળ અર્થાત્ બાઘા, બેધ્યાન, બેદરકાર, ભૂલકણા સુનયનાબેને પોતે જ પોતાને હાથે જ એને એ ડબ્બામાં મૂકેલું. ખાસ સાચવીને તે છેક… હશે,  છેવટે જડી ગયુંને? સૌ સારું જેનું છેવટ સારું.

સુનયનાબેન ચકિત નયને જોઈ રહ્યાં. પછી ગાલે ચૂંટલી ભરી, હાથ પર થપ્પડ મારીને ‘હું જાગું તો છું’ એવી ખાતરી  કરી. મંગળસૂત્ર પહેર્યું, અરીસામાં જોયું. ઓહ, ખરેખર જ એ મંગળસૂત્ર હતું. એન્ટિક પેન્ડન્ટ ગળામાં ઝૂલી રહ્યું હતું.

જોયું? માતાજીના દીવા કરવાના સંકલ્પનું આ સુપરિણામ !(પણ એ સંકલ્પ તો રંગકામ ઉપાડ્યું એ પહેલાં કરેલો. ને મંગળસૂત્ર ખોવાયું હતું તે તો બધું કામ બધું પૂરું થયું તે છેલ્લે દિવસે. આવા લોજીકલ પ્રશ્નો ન પૂછો તો સારું. પ્લીઝ)

બપોર આખી કામ કર્યું હતું. થોડો થાક પણ લાગ્યો હતો. સુનયનાબેન ઘડીક આડા પડ્યાં. જંપ ન વળ્યો. ઉઠીને સરસ મજાની ચા બનાવી. ચા પીને ઘર સરખું કર્યું, એક્સ્ટ્રા મહેનત લઈને (હરખમાં સ્તો!). મોં ધોયું, વાળ ઓળ્યા, કપડાં બદલ્યા, મંગળસૂત્ર પહેર્યું ને ઘરનું બારણું ખોલ્યું. એ જ વખતે ઉર્વશીબેન દાદરો ચડતા હતાં. ચાર માળના આ જૂના ફ્લેટોમાં લીફ્ટ નહોતી. બંનેની નજર મળી, સ્મિતની આપલે થઇ. ઉર્વશીબેન કંઈ બોલ્યા નહીં. સુનયનાબેને કંઈ કહ્યું નહીં. ઉર્વશીબેનની આંખે જે જોવાનું હતું તે જોઈ લીધેલું.

ઘર ખોલીને ઉર્વશીબેન અંદર ગયાં. થોડી જ વારમાં વાતે વિશ્વવિહાર કરવાનું શરુ કર્યું, ‘સુનયનાબેનનું મંગળસૂત્ર જડી ગયું, ક્યાંથી? કઈ રીતે? રાહ જુઓ, સમાચારના આગલા હપ્તાની.’

થોડી વારમાં મોબાઇલ પર હરખના ફોનો આવવાનું શરુ થઇ ગયું, મેસેજીઝ આવવા માંડ્યા. એ દિવસ હતો શુક્રવાર. અમેરિકાથી શ્વેતા દર શનિવારે સાંજે ફોન અચૂક કરે. એટલે જ સુનયનાબેન શનિવારની સાંજે કદી બહાર ન જાય. શનિવાર આવ્યો, સાંજે ફોન આવ્યો. ‘મમ્મી, મંગળસૂત્ર જડી ગયું ને? અભિનંદન’. સુનયનાબેન હરખાયા, થેંક્યું કહ્યું.

‘કઈ રીતે જડ્યું મમ્મી?’ પેલી મધહરીએ પૂછ્યું. સુનયનાબેને લંબાણથી ત્રણ-ચાર-પાંચ મહીનાની પોતાની વિતકકથા કહી. સુનયનાબેને બોલવાનું પૂરું કર્યું એટલે શ્વેતાએ કહ્યું, ‘તો મમ્મી હવે પેલા રૂમાલની ગાંઠ છોડી નાખજો’.

‘હાઆઆઆ,પણ…’

‘પણ શું મમ્મી?’ શ્વેતાએ પૂછ્યું.

સુનયનાબેન મૂંઝાયેલા અવાજે બોલ્યાં, ‘પણ પેલો રૂમાલ જ નથી જડતો, ગાંઠ મારેલો!’

— સ્વાતિ મેઢ

મો ૯૭૨૪૪૪૨૫૮૬ / ૮૯૮૦૦૦૧૯૦૪    
email: swatejam@yahoo.co.in  


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “મેં તો ગોત્યું ગોત્યું ને.. – સ્વાતિ મેઢ

  • Bakula Ghaswala

    સ્વાતિબહેન, સીધો, સોંસરો . સચોટ છતાં સૂક્ષ્મ વ્યંગ તો મારી દૃષ્ટિએ તમારી ઓળખ બની ગઈ છે. સરસ લેખ.

  • પ્રીતિ જરીવાલા

    ખૂબ સરસ હાસ્યલેખ. મજા પડી ગઈ. હવે એ ખોવાયેલ રૂમાલ શોધવા બીજા રૂમાલને ગાંઠ મારો.અભિનંદન સ્વાતિબહેન.

  • Sudha Mehta

    ખરેખર વાંચવાની ખૂબ મઝા આવી. જ્યારે બહુ કાળજીથી મૂકેલી ગમતી કે કિંમતી ચીj ક્યાં મૂકી તે ભૂલી જઈએ તો ઘણી રાતો ની ઊંઘ. બગડે છે…આ સર્વસામાન્ય અનુભવને સ્વાતિબેને હાસ્ય સભર બનાવીને રજૂ કર્યો છે.