નીતિશતકના મૂલ્યો (૮) – ડૉ. રંજન જોષી 2


નિરોગી હોવું, ઋણરહિત હોવું, દેશભ્રમણ કરવું, સ્વાધીનતા પૂર્વક ધનાર્જન કરવું, હંમેશા નિર્ભય રહેવું, સજ્જનોનો સંગ કરવો. હે રાજન્ પૃથ્વી પર મનુષ્યના આ છ સુખ છે.

दाक्षिण्यं स्वजने दया परजने शाठ्यं सदा दुर्जने
प्रीतिः साधुजने नयो नृपजने विद्वज्जनेऽप्यार्जवम् ।
शौर्यं शत्रुजने क्षमा गुरुजने नारीजने धूर्तता
ये चैवं पुरुषाः कलासु कुशलास्तेष्वेव लोकस्थितिः।।२२।।

અર્થ:- જે સ્વજનો પ્રત્યે ઉદારતા, અન્ય લોકો પ્રત્યે દયા, દુષ્ટો સાથે શઠતા, સજ્જનો સાથે પ્રીતિ, રાજસભામાં નીતિ, વિદ્વાનો પાસે નમ્રતા, શત્રુઓ સાથે ક્રૂરતા, ગુરૂજનો સાથે સહનશીલતા, સ્ત્રીઓ સાથે ધૂર્તતા કે ચતુરતાપૂર્વક વ્યવહાર કરે છે, તેવા લોકોથી જ આ જગત ટકી રહ્યું છે.

વિસ્તાર:- શાર્દૂલવિક્રીડિત છંદમાં રચાયેલા પ્રસ્તુત શ્લોકમાં ભર્તૃહરિ વ્યવહારવિદ્યા શીખવે છે. કોની સાથે કેવો વ્યવહાર કરવો તે એક ઉત્તમ વિદ્યા છે.

  • दाक्षिण्यं स्वजने – સ્વજનો પ્રત્યે ઉદારતા. કેટલાક સગાં હોય, કેટલાક સંબંધી, પણ જેમની પાસે હૃદય ખોલી શકાય તેવા સ્વજનો અલ્પ માત્રામાં હોય છે. આવા સ્વજનો પ્રત્યે ઉદારતાપૂર્ણ વ્યવહાર કરવો.
  • दया परजने – પરજન એટલે નોકર-ચાકર વગેરે. તેમના પ્રત્યે દયા રાખવી. તેમની ભૂલોને ક્ષમ્ય ગણવી. સ્વયં કરતા સામાજિક, આર્થિક નિમ્ન કક્ષાના લોકો પ્રત્યે દયા રાખવી.
  • शाठ्यं सदा दुर्जने – દુર્જન સાથે હંમેશા શઠતા રાખવી. સદા દુઃખ આપવા તત્પર એટલે દુર્જન. તેઓ સત્ય, ન્યાય, સારાં-નરસાંનો વિવેક રાખતા નથી. આવા દુર્જનો સાથે હંમેશા ‘જેવા સાથે તેવા’નો ન્યાય અપનાવવો જોઈએ. દૂધ પીવડાવીને સર્પ ઉછેરવાથી સર્પ સુધરતો નથી. તે જ રીતે દુર્જનોને રાજી રાખવા સતત નમતું જોખવાથી દુર્જનો સુધરતા નથી. તે તો સખત દંડના અધિકારી છે.
  • प्रीतिः साधुजने – સજ્જનો સાથે પ્રીતિ. માનવીય સદગુણો ધરાવતા લોકો એટલે સજ્જન. આવા સજ્જનો સાથે હંમેશા પ્રીતિ રાખવી, તેમનો દ્રોહ ન કરવો.
  • नयो नृपजने – રાજકાજ સાથે નીતિપૂર્ણ વ્યવહાર કરવો. રાજા, વાજાં અને વાંદરા ત્રણેય સરખા. તેથી રાજા સાથે વિશ્વાસપૂર્વક નહીં, પરંતુ નીતિપૂર્વક વ્યવહાર કરવો.
  • विद्वज्जने चार्जवम् – વિદ્વાનો સાથે સરળતા રાખવી.  નિર્લોભી વિદ્વાનો સાથે સરળતાપૂર્વક વ્યવહાર કરવો. વિદ્વાન સર્વ ગુણસંપન્ન હોય છે. આથી તેમની સાથે સરળતાપૂર્વક વર્તવું.
  • शौर्यं शत्रुजने – શત્રુઓ સાથે શૌર્યથી. શત્રુઓ સાથે વીરતા, પરાક્રમ, સાહસભર્યો વ્યવહાર કરવો. શત્રુઓ સાથે નિર્માલ્યતાપૂર્ણ વ્યવહાર કરનાર વ્યક્તિ પ્રજાનું રક્ષણ કરી શકતો નથી. તેથી શત્રુઓ સાથે વીરતાપૂર્વક વર્તવું.
  • क्षमा गुरुजने – ગુરૂજનો પ્રત્યે ક્ષમા. ગુરૂજનો પ્રત્યે નમ્રતાપૂર્વક ક્ષમાભાવ દાખવવો. વડીલો પ્રત્યે પણ આવું જ વર્તન આચરવું.
  • नारीजने धूर्तता – પરસ્ત્રીઓ સાથે ધૂર્તતા, છળ. પરસ્ત્રીઓ સમક્ષ ક્યારેય ગુપ્ત વાતો પ્રગટ ન કરવી. તેનાથી મહા અનર્થ સર્જાય શકે છે.

આમ, ભર્તૃહરિ વ્યવહાર કુશળતાની નવ રીતો દર્શાવે છે. સ્વજનો પ્રત્યે દાક્ષિણ્ય દાખવવાના સંદર્ભે હિતોપદેશમાં કહ્યું છે કે

जीविते यस्य जीवन्ति विप्रा मित्राणि बान्धवाः।
सफलं जीवितं तस्य, आत्मार्थे को न जीवति॥

અર્થાત્ જે વ્યક્તિના જીવનથી બ્રાહ્મણ, મિત્ર ગણ અને બાંધવો જીવિત રહે છે, તેનું જીવન સફળ મનાય છે. બાકી પોતાના માટે તો સૌ કોઈ જીવે જ છે. સહનશીલતા, દયા, સરળતાને વખાણતા કબીરજી કહે છે,

दया भाव हृदय नहीं, ज्ञान थके बेहद।
ते नर नरक ही जायेंगे, सुनी सुनी साखी शब्द।।
दया दिल में राखिये,तू क्यों निरदयी होय।
साईं के सब जीव है, कीड़ी कुंजर सोय।।


जाड्यं धियो हरति सिंचति वाचि सत्यं,
मानोन्नतिं दिशति पापमपाकरोति।
चेतः प्रसादयति दिक्षु तनोति कीर्तिं,
सत्संगतिः कथय किं न करोति पुंसाम् ।। २३ ।।

અર્થ:- બુદ્ધિની જડતાને દૂર કરે છે, વાણીમાં સત્યનું સિંચન કરે છે, સન્માનની વૃદ્ધિ કરે છે, પાપોને દૂર કરે છે, ચિત્તને પ્રસન્ન કરે છે, કીર્તિને દસે દિશાઓમાં ફેલાવે છે. બોલો! સત્સંગતિ મનુષ્યો માટે શું નથી કરતી?

વિસ્તાર:- વસંતતિલકા છંદમાં રચાયેલા પ્રસ્તુત શ્લોકમાં ભર્તૃહરિ જણાવે છે કે જીવનમાં સુહૃદ્ સંગ અતિ મહત્વનો છે.

जाड्यं धियो हरति – બુદ્ધિની જડતાને દૂર કરે છે. જેમ ધાર વિનાની તલવાર ધાર્યું કામ કરી શકતી નથી, તેમ સૂક્ષ્મતા વિનાની જડ બુદ્ધિ પણ ખાસ કંઈ કરી શકતી નથી. સત્સંગથી આવી જડતા દૂર થાય છે, સૂક્ષ્મગ્રાહી બુદ્ધિનો ઉદય થાય છે. સૂક્ષ્મ બુદ્ધિના ઉદયથી સત્યને પારખવાની ક્ષમતા વિકસે છે. આથી મનુષ્યે સજ્જનોના સંસર્ગમાં રહેવું.

सिञ्चति वाचि सत्यं- વાણીમાં સત્યનું સિંચન કરે છે. સત્યના પણ ગુડ, બેટર, બેસ્ટ એવા પ્રકાર પડે? હા, સત્ય અને પરમ સત્ય એવા પ્રકારો પડે. જેની હાજરીમાં અસત્ય પણ સત્ય ભાસવા લાગે તે એટલે પરમ સત્ય – The universal truth. જેમ બલ્બ ચાલુ કરીએ અને પ્રકાશનો અનુભવ થતાં સમજીએ કે બલ્બમાંથી પ્રકાશ આવે છે, પરંતુ તે અસત્ય છે. તેની અંદર રહેલા વાયરના ગૂંચળાને કારણે પ્રકાશ આવે છે, તે પણ અસત્ય છે. સત્ય એ છે કે તેમાં પસાર કરવામાં આવતા વીજપ્રવાહને કારણે પ્રકાશ આવે છે. આમ, વીજપ્રવાહ તે પરમ સત્ય છે, જેના કારણે બલ્બ અને વાયરનું ગૂંચળા રૂપી અસત્યો પણ આપણને સત્ય ભાસે છે. સજ્જનોનો સંગ આ વીજપ્રવાહ જેવા પરમ સત્ય સ્વરૂપ આપણને અને આપણી વાણીને બનાવવાનું કાર્ય કરે છે.

मानोन्नतिं दिशति – માન-સન્માનમાં વૃદ્ધિ કરે છે. સંત, મહાપુરુષ સાથે રહેવાથી, ભ્રમણ કરવાથી પ્રતિષ્ઠામાં અભિવૃદ્ધિ થાય છે. જોકે માન સ્પૃહાથી આવી સત્સંગતિ કરવી પણ નિરર્થક નીવડે છે. નિ:સ્પૃહતાથી થતી ભક્તિ માનોન્નતિ કરાવે છે.

पापमपाकरोति – પાપને દૂર કરે છે. દુર્ગુણો અને આવેગોથી થતી પાપવૃત્તિને સત્સંગ દૂર કરે છે. સત્સંગથી દુર્ગુણો ઘટે છે અને સદગુણો વધે છે. આથી પાપવૃત્તિનો ક્ષય થાય છે.

चेत: प्रसादयति – ચિત્તની પ્રસન્નતા અર્પે છે. સત્સંગ ચિત્તની પ્રસન્નતા કે શાંતિ અર્પે છે. સુશ્રવણથી સદભાવનાઓ વિકસે છે, જે ચિત્તને નિર્મળ બનાવે છે. આથી ચિત્ત પ્રસન્ન થાય છે.

दिक्षु तनोति कीर्तिं – કીર્તિને દસે દિશાઓમાં ફેલાવે છે. કીર્તિ જ જીવન છે, અપકીર્તિ મૃત્યુ સમાન છે. સત્સંગથી કીર્તિનો પ્રચાર પ્રસાર થાય છે.

આમ, સત્સંગતિ મનુષ્યોનો સર્વ પ્રકારે વિકાસ સાધે છે. હિતોપદેશ પણ આ વાતનું સમર્થન કરતા જણાવે છે કે,

सत्संगः केशवे भक्तिर्गंगाम्भसि निमज्जनम्।
असारे खलु संसारे त्रीणि साराणि भावयेत्।।

અર્થાત્ સત્સંગ, નારાયણની ભક્તિ અને નિર્મળ ગંગાના જળમાં સ્નાન – આ ત્રણ જ આ અસાર સંસારમાં સારરૂપ છે. વિદુરજીએ વિદુરનીતિમાં મનુષ્યોના છ સુખ વર્ણવ્યા છે, જેમાં સત્સંગ નિહિત છે.

आरोग्यमानृण्यमविप्रवासः
सद्भिर्मनुष्यैस्सह संप्रयोगः।
स्वप्रत्यया वृत्तिरभीतवासः
षट् जीवलोकस्य सुखानि राजन् ॥

નિરોગી હોવું, ઋણરહિત હોવું, દેશભ્રમણ કરવું, સ્વાધીનતા પૂર્વક ધનાર્જન કરવું, હંમેશા નિર્ભય રહેવું, સજ્જનોનો સંગ કરવો. હે રાજન્ પૃથ્વી પર મનુષ્યના આ છ સુખ છે. કબીરજી પણ સજ્જનોના સંગનો મહિમા વર્ણવતા જણાવે છે કે

एक घड़ी आधी घड़ी ,आधी की पुनि आध
कबीरा संगत साधु की ,काटे कोटि अपराध।
कबीर संगत साधु की, नित प्रति कीजै जाय
दुरमति दूर बहावासी, देसी सुमति बताय।।

— ડૉ. રંજન જોષી

નીતિશતકના મૂલ્યો વિશેના ડૉ. રંજન જોષીના અન્ય શ્લોકો અને એની વિસ્તૃત સમજૂતી માણવા અહીં ક્લિક કરો.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “નીતિશતકના મૂલ્યો (૮) – ડૉ. રંજન જોષી