Joker : એક સામાન્ય માણસની પતનયાત્રાનો દસ્તાવેજ 4


આ ફિલ્મનો જૉકર સમાજના દંભ તરફ આંગળી ચીંધે છે. માણસ તરીકે બીજા માનવો પ્રત્યેનું આપણું વર્તન કેટલી હદે નીચા સ્તરે ગયું છે એ દેખાડે છે. જૉકરના કપડામાં ફરતો એક માણસ જે માનવસ્વભાવની નબળાઈઓને બહાર લાવવામાં માને છે. એના દ્વારા અરાજકતા ફેલાવીને આનંદ મેળવે છે.

રાતનો સમય છે. મોટા શહેરની એક અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનના ડબ્બામાં બે જ યાત્રીઓ બેઠા હોય. સ્ત્રી અને જૉકરના કપડા પહેરીને બેઠેલો માણસ. એ માણસ નિરાશ છે કેમકે એને નોકરીમાંથી કાઢી મુક્યો છે. આગળના સ્ટેશને ત્રણ યુવાનો ડબ્બામાં ચડે. એ બધા પેલી સ્ત્રીની છેડતી કરવા લાગે. અચાનક પેલો જૉકર હસવા લાગે. ત્રણેયનું ધ્યાન સ્ત્રી પરથી એના તરફ જાય. કૉર્પોરેટ સેકટરમાં નોકરી કરતા હોય એવા લાગતા ત્રણેય જૉકરને હેરાન કરવાનું શરૂ કરે. માણસ એને હસવાની બિમારી છે એવું સમજાવવા મથે. જૉકરને ત્રણેય મારવા લાગે.

Joker Movie Review Aksharnaad
Joker Movie Review

ટ્રેનના ડબ્બાના ફ્લોર પર પડેલો અને ત્રણેયની લાતો ખાઈ રહેલો જૉકર અચાનક રિવોલ્વર કાઢીને ગોળીબાર કરે. માર મારી રહેલા બે ત્યાં જ મરી જાય. ત્રીજો માણસ પગમાં ગોળી વાગવાના કારણે લંગડાતો સ્ટેશનના નિર્જન પ્લેટફોર્મ પર ઉતરી જાય.

ગોળીબાર કરનાર પોતે કરેલા કામથી આઘાત પામે. એક ક્ષણ માટે હાથમાં રહેલી રિવોલ્વર કપાળ પર મૂકે. પછી વિચાર બદલે. લંગડાતા, ભાગી રહેલો, માણસ પાછળ જૉકર જાય અને એક્દમ નજીકથી ગોળી મારે. એ વખતે એના ચહેરા પર આવતો ભાવપલટો બહુ સ્પષ્ટ રીતે દેખાય. પહેલા ડરનો ભાવ આવે. એકાદ ક્ષણ પછી એ ડરને બદલે આખી જિંદગી લોકો દ્વારા થતા ઉપહાસ અને કઠોર વ્યવહારના કારણે આવેલો ગુસ્સો ચહેરા પર આવે.

એ પછી જૉકર લાશથી દૂર ભાગે. દોડતો રહે. પહોંચે એક પબ્લિક ટોઈલેટમાં. દરવાજો બંધ કરે અને એકાદ ક્ષણ વિચારે. પછી શરૂ થાય એનો ડાન્સ. જીવનભરના દુઃખો પછી મુક્તિ મેળવવાની શરૂઆતનો ડાન્સ. એ નૃત્ય ખુશીનું નથી. એ છે મુક્તિનું. માનસિક આઝાદી તરફના પગલાં છે એ! આજીવન સહન કરેલા અન્યાયો અને ગેરવર્તનના પરિણામે આ રીતે જન્મે એક અરાજકતાવાદી જૉકર. 

અરાજકતા મનુષ્યને અંદરખાને ગમતી લાગણી છે. ટોળા દ્વારા થતી તોડફોડ હોય કે ધર્મના નામે થતા તોફાનો, મનુષ્યમાં રહેલા પશુને આ બધું કાયમ અપીલ કરે છે. એવું ન હોત તો ટોળું બને જ નહીં! ટોળું હંમેશા એકથી વધુ માણસોનું હોય. માણસની પશુતા ટોળામાં બહાર આવે. અરાજકતા ફેલાવે. દરેક વખતે ટોળું સારા કામ માટે ન હોય. ટોળાને ચહેરો નથી હોતો. એ જ રીતે જૉકરને પણ અસલી ચેહેરો નથી હોતો. 

જૉકર કોમિક્સની દુનિયામાંથી બેટમેનની ફિલ્મોમાં આવેલો અરાજકતાવાદી ખલનાયક છે. જૉકરના કપડામાં ફરતો એક માણસ જે માનવસ્વભાવની નબળાઈઓને બહાર લાવવામાં માને છે. એના દ્વારા અરાજકતા ફેલાવીને આનંદ મેળવે છે. એની પાસે કોઈ સુપરપાવર નથી, માણસમાં રહેલા રાક્ષસને ઓળખવો એ જ એનો સુપરપાવર છે. 

અત્યાર સુધી બેટમેનની અલગ અલગ ફિલ્મોમાં નોંધપાત્ર કહી શકાય એવા ચારેક જૉકર જોવા મળ્યા છે. નેવુંના દાયકામાં જેક નિકોલસને એ પાત્ર યાદગાર રીતે ભજવેલું. નિકોલસને ભજવેલા જૉકરના પાત્રમાં ક્યાંક ક્યાંક એના ‘સાયકો’ વ્યક્તિત્વના રંગો હતા પણ એ એટલી અસરકારક રીતે બહાર નહોતા આવ્યાં. જૉકરને નવી ઊંચાઈ આપી હિથ લેઝરે. ‘ડાર્ક નાઈટ’ ફિલ્મમાં એણે ભજવેલું જૉકરનું પાત્ર અમર થઈ ગયું. એના પછી DC ની ‘સ્યુસાઈડ સ્કવોડ’માં જેરેડ લેટોનો જૉકર સહાયક ભૂમિકામાં હતો. એ પછી 2019 માં આવી જેકવીન ફિનિક્ષની ‘જૉકર’. 

ફિનીક્ષનો જૉકર થોડો અલગ છે. નામ એનું આર્થર ફ્લેક્સ. એ જૉકર તરીકે નોકરી કરે અને જાહેરાત માટે દુકાનોની બહાર ઉભો રહી લોકોનું ધ્યાન ખેંચે. તે કૉમેડિયન તરીકે કારકિર્દી બનાવવા મથતો રહેતો સામાન્ય માણસ છે. માનસિક રીતે બિમાર માતા સાથે રહેતો અને બીજા બધા કરતા અલગ વર્તન કરતો હોવાના કારણે લોકો માટે એ પંચિંગ બેગ છે. જૉકર તરીકે નોકરી કરીને બધાને હસાવવાના પ્રયત્નો કરતો આર્થર છાશવારે લોકોના ગેરવર્તનનો ભોગ બનતો રહે. સાથી કર્મચારીઓ પણ એની મજાક ઉડાવતા હોય. 

આખી ફિલ્મ એટલે એક સામાન્ય માણસની એક કૂખ્યાત અપરાધી બનવાની કથા! ફિલ્મમાં આ વાત બહુ સૂક્ષ્મ રીતે દર્શાવી છે. આર્થરમાંથી જૉકર તરત જ નથી બનતો. એ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થાય છે. ફિલ્મની શરૂઆતમાં લોકોના વર્તન વિશે ફરિયાદ કરતો આર્થર દેખાય છે જે ક્રમશ: માનસિક સંતુલન ગુમાવે છે. આર્થર માટે બહારની દુનિયા મહત્વની નથી. એના માટે મા એકમાત્ર આધાર હોય. એ આધાર પર એનું સમગ્ર વ્યક્તિત્વ ટકેલું હોય. એ આધાર ગુમાવવાને કારણે એની જૉકર બનવાની પ્રક્રિયા ઝડપી બને.

બેટમેનની ફિલ્મોની પ્રખ્યાત ઘટનાઓ જેવી કે બેટમેનના માતાપિતાની હત્યા, જૉકરની ગેંગ બનવી વગેરે પર ફિલ્મ જુદા રસ્તે પહોંચે છે. 

જૉકર બીજી કૉમિકબુક/સુપર હીરો ફિલ્મોથી અલગ છે. ફિલ્મ પ્રેક્ષકોને ડરાવવા કે મજા કરાવવા નથી બની. ફિલ્મ કેટલાક પાયાના સામાજિક પ્રશ્નો તરફ ધ્યાન દોરે છે. ‘ડાર્ક નાઈટ’ના જૉકરની જેમ જ આ ફિલ્મનો જૉકર પણ સમાજના દંભ તરફ આંગળી ચીંધે છે. માણસ તરીકે, બીજા માનવો પ્રત્યેનું આપણું વર્તન કેટલી હદે નીચા સ્તરે ગયું છે એ દેખાડે છે. આર્થર ફલેક્સને સમાજ જૉકર બનાવે છે. ફિલ્મમાં દેખાડેલો સમાજ આપણી આસપાસનો જ છે. ફિલ્મ એટલે જ કૉમિકબુક ફિલ્મને બદલે કોઇ પણ નોર્મલ ફિલ્મ જેવી લાગશે. 

ભારતીય પ્રેક્ષકોને આ વાત બહુ અપીલ ન કરે કેમકે અમિતાભ-કાળમાં ‘એંગ્રી યંગમેન’ની થીમ વાળી ઘણી ફિલ્મો આપણે જોઈ ચુક્યા છીએ. કદાચ એટલે જ આ ફિલ્મ ભારતમાં બહુ નહોતી ચાલી. 

ફિલ્મ માટે જૅકવીન ફિનિક્ષને ‘બેસ્ટ ઍકટર’નો ઑસ્કર મળેલો. ફિલ્મમાં ફિનિક્ષની એક્ટિંગ લાજવાબ છે. ચહેરાના હાવભાવમાં અચાનક પરિવર્તન લાવવામાં ફિનિક્ષ અલગ ઊંચાઈ પર પહોંચ્યા હોય એમ લાગે. ફિનિક્ષ માટે આ પાત્ર ભજવવું એ અઘરું કામ હતું. હિથ લેજરે ‘ડાર્ક નાઈટ’માં આ પાત્રને અલગ ઊંચાઈ આપી પછી એ કક્ષાએ પહોંચવું કોઈ પણ અભિનેતા માટે અઘરું થઈ પડે. ફિનિક્ષે હિથ લેજરના જૉકરમાંથી પ્રેરણા લેવાને બદલે અલગ રસ્તો લીધો. લેજરનો ‘ડાર્ક નાઈટ’નો જૉકર ‘સાયકો’ છે. જ્યારે ફિનિક્ષનો જૉકર માનવીય સંવેદના ધરાવતો હોય એવું અનુભવાય.

ફિનિક્ષે આખી ફિલ્મમાં બૉડી લેન્ગવેજના ઉપયોગથી જૉકરને સજીવન કરવા પ્રયત્ન કર્યો છે. સતત ધૂંધવાયેલા લાગતો કે મૂડમાં અચાનક બદલાવ આવવાને કારણે વિચિત્ર વર્તન કરતો આર્થર પડદા પર ભયનું વાતાવરણ ઉભું કરે. ફિનિક્ષને આર્થરના હસવાની ક્રિયામાં છુપાયેલું દર્દ દેખાડવામાં પણ સફળતા મળી છે. એ હસતા હસતા જે તકલીફ અનુભવે છે એ પ્રેક્ષક તરીકે તમને એની સાથે જોડે છે.

આર્થરના મતે એની લાઈફ ‘કૉમેડી’ને બદલે ‘ટ્રેજડી’ છે. ફિલ્મની આ મુખ્ય થીમ છે. આર્થર માટે પ્રેક્ષક તરીકે તમને દયાભાવ જાગે પણ ફિનિક્ષની આંખોમાં ડોકાતો શેતાન ક્યાંક તમને વિચારતા પણ કરે કે શું આ વ્યક્તિએ જે નિર્ણયો લીધા એ યોગ્ય છે? એક અભિનેતા તરીકે આ બેલેન્સ મેળવવું બહુ અઘરું છે. જેકવીન ફિનિક્ષે આ ફિલ્મમાં એ કરી બતાવ્યું છે. ક્યાંક એવું પણ લાગે કે જો આપણે આર્થરની જગ્યાએ હોઈએ અને આપણું વિશ્વ પણ આ જ રીતે પડી ભાંગે તો આપણે પણ એનો જ રસ્તો લઈએ. 

ફિલ્મમાં અંત નબળો છે. અંત જોયા પછી લાગે કે ત્યાં સુધી પહોંચવા માટે બહુ વાર લગાડી. વધારે સમય લેવાયો. ઘણું ટૂંકાવી શકાયું હોત. ફિલ્મમાં જૉકરની પાડોશી અશ્વેત છોકરીનો ટ્રેક બિનજરૂરી છે. એ પાત્ર વગર ફિલ્મની વાર્તામાં બહુ ફરક પડતો હોય એવું લાગતું નથી. 

ફિલ્મમાં કેટલાક સરસ દ્રશ્યો છે જે સીધા જ બેટમેનના યુનિવર્સની ખાસિયત તરફ ઈશારા કરે, જેમકે બેટમેનના પિતા ટીવી ઈન્ટરવ્યુમાં કહે કે ‘ચહેરા પર માસ્ક પહેરીને ફરતા લોકો સાયકો અને ઈનસિક્યોર હોય છે.’ આ વાત સીધી જ ભવિષ્યમાં એમનો દીકરો એ જ બન્યો એના તરફ કટાક્ષ કરે. 

રોબર્ટ-ડી-નિરો એક ટોક-શો હોસ્ટના પાત્રમાં છે જેનો આર્થર બહુ મોટો ફૅન હોય. આ પાત્ર સેલિબ્રિટી પ્રત્યેની સમાજની ઘેલછા દર્શાવવા માટે ફિલ્મમાં હોય એમ લાગે.

જૉકરના ફૅનસ માટે આ ફિલ્મ કૉમિકબુક ફિલ્મ જેવો અનુભવ ન આપે પણ સામાજિક વ્યવસ્થામાં ઉપેક્ષિત માણસોની કથા કહેતી સબળ ફિલ્મ ખરી. 

છેલ્લી રીલ-

“કળા એટલે જે સુખી લોકોને વ્યગ્ર કરે અને વ્યથિત લોકોને આરામ આપે.”- Cesar A Cruz.

– નરેન્દ્રસિંહ રાણા

નરેન્દ્રસિંહ રાણાની કલમે ‘સિનેમા જંક્શન’ કૉલમ અંતર્ગત લખાયેલ
હોલિવુડની મજેદાર ફિલ્મોની સમીક્ષા વાંચવા અહીં ક્લિક કરો.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “Joker : એક સામાન્ય માણસની પતનયાત્રાનો દસ્તાવેજ

  • હર્ષદ દવે

    ‘જોકર’ ફિલ્મના પાત્ર અને તેની ભીતરની સૂક્ષ્મ સંવેદનાઓનું સર્જન તથા તેની અભિવ્યક્તિ તમે સુપેરે કરી છે. ભારતીય પરિવેશમાં લોકોને ‘મેરા નામ જોકર’ ફિલ્મ યાદ આવે અને વયસમૃદ્ધ લોકોને ‘રંગલો’ નું પાત્ર યાદ આવે. માનવીની ‘ભવાઈ’ પરથી વિકસેલું વિદૂષકનું પાત્ર પણ વદન પર સ્મિત અને ભીતર દર્દનું ગીત ગાતું હોય છે અને તે વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભમાંથી જ સર્જાયેલું હોય છે. અર્થસભર સાર્થક અભિવ્યક્તિ માટે અભિનંદન.