નવરસ એટલે શું? ભાવ એટલે શું? 14


રસદર્શન કે રસાસ્વાદ આપણને વાંચવા ગમે છે. ગઝલ, કાવ્ય કે નાટક ગમે છે, કારણ એમાં રસ છે. રસ શું છે? રસને સ્વરૂપ નથી, બંધારણ નથી. જે ક્યાંય દેખાતો નથી. ‘મને રસ છે.’ કે  ‘મને રસ નથી પડતો.’ એ વાત આપણે વારંવાર કહીએ છીએ પણ છતાં રસ શું છે, એ સમજાવી શકતા નથી.

રસસિદ્ધાંત

ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં એમણે રસ વિશે આપણને સમજાવ્યું છે. જ્યારે લલિતકળાઓ આપણી સામે રજુ થાય છે, ત્યારે આપણું મન એક અવર્ણનીય આનંદનો અનુભવ કરે છે, સામાન્ય રીતે એને રસ કહેવાય છે. નાટ્યનું મુખ્ય તત્ત્વ રસ છે. લલિતકળાના કસબીઓ પોતાની કૃતિના ભાવને મદદરૂપ થાય એવા પ્રયોજન કરે છે. અભિનય કરનાર, રંગમંચ, ઉપકરણો, સંવાદ, ગાયન અને વેશભૂષા વાપરીને રસને દ્રઢ કરે છે. ભરતમુનિ પણ કહે છે કે રસ વિના કોઈપણ નાટક કે નૃત્યનો અર્થ સરતો નથી.

‘न हि रसाद्रुते कश्चिदर्थः प्रवर्तते’ ।

રસનું સ્વરૂપ

रसस्यते आस्वाद्यते इति सः रसः।

રસ શબ્દ रस् ધાતુ પરથી બન્યો છે. આંગિક, વાચિક તથા સાત્વિક અભિનયથી કલાકાર સ્થાયીભાવ ઉત્પન્ન કરે છે, જેને દર્શકો માણે છે. કલાને સમજનારા સહ્રદયી પ્રેક્ષકો સારી રીતે એનો કૃતિનો આસ્વાદ કરી શકે છે. લૌકિક રસ અનુભવવા માટે ઈન્દ્રિયો મદદ કરે છે, પણ કલાજગતનો આ રસ  ચિત્તથી, મનથી માણી શકાય છે. ભરતમુનિની વાતને સમજાવતા આચાર્ય ધનંજય કહે છે,

विभावैरनुभावैश्च सात्विकैर्व्यभिचारिभिः।
आनीयमानः स्वाद्यत्वं स्थायिभावो रस स्मृतः।।

અર્થાત્ વિભાવ, અનુભાવ, સાત્વિકભાવ અને વ્યભિચારી ભાવોથી રતિ જેવા સ્થાયીભાવ બને છે, એ આસ્વાદ કરાવવા સક્ષમ બને, એને રસ કહેવાય છે.  દરેક આચાર્યએ એક વાત તો કહી જ છે કે ભાવોથી રસ નિષ્પન્ન થાય છે.

ભાવ શું છે?

‘भू'(भव) ધાતુથી ભાવ શબ્દ બન્યો છે. ભાવને સમજાવતા ભરતમુનિ કહે છે.

वागऽंगेमुखरागेण सत्वेनाभिनयेन च।
कवेरन्तर्गतं भावं भावयन् भाव उच्यते।।

અર્થાત્ કલાકાર પોતાની રચનામાં જે વિષય છે એને સમજાવવા જે વાણી, ચહેરા તથા અવયવો વગેરેથી જે અનુભૂતિ કરાવે છે એને ભાવ કહેવાય છે. તેમ જ આ ભાવને પોતાના હ્રદય સુધી ઉતારીને દર્શક પોતે જ્યારે ભાવક બની જાય છે. અલૌકિક આનંદની પ્રાપ્તિ કરે છે એને જ રસ કહેવાય છે.

Picture courtesy 
નૃત્યવિદ્ શ્રીમતી દર્શિની શાહ
કથક, ભરતનાટ્યમ્, લોકનૃત્ય કલાકાર
ડાયરેક્ટર વાઈબીટ યુનિવર્સિટી, કૅનેડા

રસના પ્રકાર

રસ નવ પ્રકારના છે, એમ વિદ્વાનો કહે છે.
૧) શ્રુંગાર
૨) હાસ્ય
૩) કરુણ
૪) રૌદ્ર
૫) વીર
૬) ભયાનક
૭) બિભત્સ
૮) અદ્ભુત રસ 
૯) શાંતરસ.

આ દરેક રસના સ્થાયી ભાવ બતાવતા આચાર્યો કહે છે. દરેક રસની ઉત્પતિ માટે કયો ભાવ રચનામાં દેખાવો જોઈએ એ વિશે આચાર્યોએ માહિતી આપી છે તથા આજનું મનોવિજ્ઞાન જેને મનઃસંવેગ કહે છે, પ્રાચીન ગ્રંથોમાં એને જ સ્થાયીભાવ તરીકે દર્શાવ્યા છે.  દરેક રસનો સ્થાયીભાવ હોય છે. એનાં અનુભાવ (ભાવભંગિમા) અને ઉદ્દીપન કરતાં તત્વો, વિભાવો (જેનાંથી રસ પકડાય એવા સાધનો) ધ્યાનમાં લેવાય છે.

૧) શ્રુંગાર – રતિ

શ્રુંગાર રસને રસરાજ કહેવાય છે. એનો સ્થાયીભાવ રતિ છે, મૂળ પ્રવૃત્તિ તથા મનઃસંવેગ કામ છે. પુરુષ કે સ્ત્રીના પ્રેમને દર્શાવતી કૃતિઓ શ્રુંગાર રસનું નિરુપણ કરે છે. જ્યાં રતિભાવ પ્રગટ થયેલો હોય છે. આ ભાવ ઉત્પન્ન કરવા ઋતુ, માળા, ચંદન લેપન, અલંકાર ધારણ કરવા, પ્રિયજન જોડે વાતચીત, સુંદર- ભોજન, ભવન ઉદ્યાન, પાયલનો ઝંકાર વગેરે વિભાવોનો સહારો લેવાય છે. અભિનય વખતે હાસ્ય, મધુર વાણી અને નયનકટાક્ષ જેવા અનુભાવોનો સહારો લેવાય છે.

શ્રુંગારના વિકાસની છ અવસ્થા મનાય છે. જે પ્રેમ, માન, પ્રણય, સ્નેહ, રાગ અને અનુરાગ છે. શ્રુંગાર રસ બે પ્રકારના હોય છે.

૧. સંભોગ શ્રુંગાર

અહીં પ્રેમની હાજરીથી નાયક નાયિકા સુખનો અનુભવ કરે છે. કવિ ‘કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટની એક રચના ઉદાહરણ તરીકે જોઈએ.
શરદપૂનમની રઢિયાળી સદા
          મને સાંભરે આપણી રાત, સખી!
હસે આકાશે ચંદ્રમા, તારા લસે;
          મને સાંભરે આપણી રાત, સખી!
વદને નવજીવન નૂર હતું,
નયને પ્રણયામૃત પૂર હતું,
હ્રદય રસમાં ચકચૂર હતું
         મને સાંભરે આપણી રાત, સખી!

અથવા

ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહીં ખોલું રે..

અગર રંગમંચ પર આ કૃતિ રજૂ થાય તો દરેક પકરેમી એમાં એકાત્મતા સાધી શકે એવી સક્ષમ કૃતિ છે. કે પછી

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે..

 ૨. વિપ્રલંભ શ્રુંગાર

વિયોગને પણ શ્રુંગાર જ કહેવાય છે. નાયક નાયિકાનો પ્રેમ પ્રગાઢ હોય પણ મિલન ન થઈ શકે એ વિપ્રલંભ શ્રુંગાર. ઉદાહરણ સ્વરૂપ કવિ કાન્તની રચના.

પ્રણયની પણ તૃપ્તિ થતી નથી,
પ્રણયની અભિલાષ જતી નથી,
સમયનું લવ ભાન રહે નહીં
અવધિ અંકુશ સ્નેહ સહે નહીં.

કે પછી, અવિનાશભાઈ વ્યાસના સંગીતમાં મુકેશે ગાયેલી ગઝલ.

તમે આવો તો સારું, ન આવો તો ય સારું
તમારું સ્મરણ છે તમારાથી યે પ્યારૂં…

આ શ્રુંગાર રસ  રસરાજ છે,કારણ એની હાજરી બધાં જ રસ ઉત્પન્ન કરી શકે છે.

૨) હાસ્ય – હાસ

આ રસનો સ્થાયીભાવ હાસ, આમોદ મૂળ પ્રવૃત્તિ તથા મનઃસંવેગ હાસ્ય છે.

પોતાના અથવા અન્યના આકાર, વેશ કે આભૂષણને લઈને કે વાણી અથવા હલનચલનથી રમૂજ કે આનંદ આપવાની પ્રવૃત્તિથી ‘હાસ’ ભાવ ઉત્પન્ન થાય છે અને હાસ્ય રસ પ્રગટે છે. અનુભાવ એના નેત્ર નિમિલન (આંખ ઝીણી કરવી)  કે મુખ વિકાસ (મુખ ખોલવું) કહેવાય છે.

હાસ્ય રસ આત્મસ્થ એટલે કે પોતે હસે તથા પરસ્થ, અન્યને હસાવે, એમ બે પ્રકારના કહેવાય છે. અખો કહે છે, એમ

તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પોહોતો હરિને શરણ.

કે પછી દલપતરામ કહે છે,

ઊંટ કહે આ સભામાં, વાંકાં અંગ વાળાં ભૂંડા..
… સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ,
“અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે”.

૩) કરુણરસ – શોક

કરુણરસમાં સ્થાયીભાવ તરીકે શોક રહેલો હોય છે. તેની મૂળ પ્રવૃત્તિ શરણાગતિ અને મનઃસંવેગ કરૂણા અને દુઃખ છે. જે ઈષ્ટ હોય એ ન મળવાથી કે કંઈ અનિષ્ટ થવાથી ઉત્પન્ન થાય છે. જેનું ઉદ્દીપન દૈવનિંદા, ભૂમિ-પતન, ક્રંદન, ઉચ્છ્વાસ, નિશ્વાસ, સ્થિર થઈ જવું, પ્રલાપ વગેરે અનુભાવોથી થાય છે. કરૂણરસનો સીધો પ્રભાવ હ્રદય પર પડે છે. ઉદાહરણ તરીકે ‘હરીશ મિનાશ્રુ’ ની રચના.

મને સુક્કા કદંબનું તે પાંદડું  કહે –
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ!
મને મોરલી કહે કે મોરપીંછું કહે
મને માધવ કહે તો તને મારા સોગંદ!
કે પછી જાણીતું રમેશ પારેખનું ગીત
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં
કે નાગલાં ઓછાં પડ્યાં રે લોલ!

૪) રૌદ્રરસ – ક્રોધ

રૌદ્રરસમાં સ્થાયીભાવ ક્રોધ છે.  યુદ્ધેષણા એની મૂળ પ્રવૃત્તિ તથા ક્રોધ એનો મનઃસંવેગ છે. આ રસ રજુ કરતી વખતે આલંબનમાં શત્રુનું વર્ણન કરાય છે તથા ઉદ્દીપન તરીકે શત્રુની ચેષ્ટા આવે છે. અનુભાવ તરીકે પોતાની વીરતાનાં ગુણગાન,ભ્રૂકુટિનો ભંગ, હોઠ ચાવવો, આવેગ, દાંત કચકચાવવા, કંપ, મદ, ક્રૂર દ્રષ્ટિ વગેરે આવે છે. વીરરસ અને રૌદ્રરસ આમ સરખા લાગે પણ અલગ એ રીતે બને કે રૌદ્રરસમાં મોહ અને વિસ્મયની પ્રધાનતા છે. જ્યારે વીરરસ મોહરહિત એક નેક કાર્ય માટે આગળ ધપતો શૂરવીર હોય છે. ઉદાહરણ તરીકે કપિલરાય ઠક્કર ‘મજનૂ’ ની રચના

જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જો જો
શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જો જો.

કે અનિલ જોશીની રચના

મારી કોઈ ડાળખીમાં પાંદડાંં નથી,
મને પાનખરની બીક ના બતાવો..

Picture courtesy 
નૃત્યવિદ્ શ્રીમતી દર્શિની શાહ
કથક, ભરતનાટ્યમ્, લોકનૃત્ય કલાકાર
ડાયરેક્ટર વાઈબીટ યુનિવર્સિટી, કૅનેડા

૫) વીરરસ – ઉત્સાહ

વીરરસ ઉત્તમ પ્રકૃતિનો મનાય છે. જેનો સ્થાયીભાવ ઉત્સાહ છે. મૂળ પ્રવૃત્તિ આત્માભિમાન તથા મનઃસંવેગ આત્મગૌરવ છે. શત્રુને જીતવાની ચેષ્ટા અને શત્રુનું કર્મ એનું ઉદ્દીપન છે. સ્થિરતા, ત્યાગ, ધૈર્ય, નિપુણતા એનાં અનુભાવ છે. વીરરસના ચાર ભેદ મનાય છે. દાનવીર, ધર્મવીર, યુદ્ધવીર અને દયાવીર. ઉદાહરણ જોઈએ તો, પ્રીતમની રચના..

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને..
કે પછી નર્મદની રચના
ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું
વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું.
શૂરવીર તે જસનો લોભી, હિંમતમદિરા પીએ,
ઉમંગથી તે ધસી વધે વા, ખૂબ ટકાવી રાખે.

૬) ભયાનક રસ : ભય

ભયાનકરસનો સ્થાયીભાવ ભય છે.  તેની મૂળ પ્રવૃત્તિ પલાયન તથા આત્મરક્ષા છે, મનઃસંવેગ પણ ભય જ છે. નારી, બાળક, નિર્બળ જીવ કે પરિસ્થિતિ પ્રમાણે સપડાઈ ગયેલ કોઈ વ્યક્તિમાં પેદા થયેલો ભય, એ ભયાનકરસનો  સ્થાયીભાવ દર્શાવે છે. એ લોકોની ભીષણ ચેષ્ટાઓ જ ભયના ઉત્પાદનના આલંબન બને છે. હાથ-પગ ધ્રૂજવા, નેત્રોનું ચંચળ થઈ જવું, રોમાંચ, રંગ ફીક્કો પડી જવો, અવાજ ન નીકળવો વગેરે એના અનુભાવ છે. ઉદાહરણ તરીકે મનીષા જોશીની રચના.

હું મૂંગી, અવાક્  થઈ જાઉં છું,
હું જીવ બચાવતી દોડું છું,
હું પડી જઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
ને પેલા ગબડતા પથરાઓ નીચે છૂંદાઈ જઉં છું.

૭) બિભત્સ રસ : જુગુપ્સા

બિભત્સરસનો સ્થાયીભાવ જુગુપ્સા છે. નિવૃત્તિ કે વૈરાગ્ય એની મૂળ પ્રવૃત્તિ કહેવાય છે. અહીં જ્યાં પ્રવૃત્તિ જુગુપ્સાથી છોડી દઈએ એવી નિવૃત્તિની વાત લાગે છે. અહ્રદ, અપ્રિય, અપવિત્ર અને અનિષ્ટ પદાર્થો એનાં આલંબનો છે. થૂંકવું, મોં ફેરવી દેવું, નેત્રસંકોચન, નાક પર હાથ દાબવો વગેરે એનાં અનુભાવ છે. મનીષા જોશીની રચના જોઈએ.

વનપુરુષની છાતી પર ઉગેલા
વાળ જેવાં વૃક્ષો પર હું હાથ પસારું છું.
અને ક્યાંકથી વનના કોઈ ખૂણે
સિંહોએ અડધા ખાઈને છોડી દીધેલા
કોઈ મૃત પ્રાણીના શરીરની વાસ
આખા વનમાં ફેલાઈ જાય છે.
તેની વચ્ચે બીજી એક તીવ્ર ગંધ પ્રસરે છે.
વનદેવતાના પરસેવાની.

૮) અદ્ભૂત રસ : વિસ્મય

અદ્ભૂતરસનો સ્થાયીભાવ એ વિસ્મય છે. મૂળ પ્રવૃત્તિ કુતૂહલ અને જિજ્ઞાસા છે તો મનઃસંવેગ આશ્ચર્ય છે. અદ્ભૂતરસનું આલંબન અલૌકિક વસ્તુ છે. અલૌકિકનું ગુણગાન જ એનું ઉદ્દીપન છે. ગદ્ ગદ્ થઈ જવું, સ્થિર થઈ જવું, આંખો પહોળી થઈ જવી, હર્ષ, કંપન, ઉત્સુકતા, પ્રલાપ એનાં અનુભાવો છે. ઉદાહરણ તરીકે નરસિંહ મહેતાનું ભજન યાદ આવે છે.

આજની ઘડી રળિયામણી રે,
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે..

કે પછી

ચરણ ચાંપી મૂછ મરડી નાગણે નાગ જગાડિયો…

૯) શાંત રસ :

શમ કે નિર્વેદ એ સ્થાયી સ્વરૂપ અને મોક્ષનો સંપાદક શાંતરસ કહેવાય છે. આત્મહીનતા એ આ રસની મુખ્ય પ્રવૃત્તિ તથા દીનતા એ આ રસનો મનઃસંવેગ છે. અનિત્ય અને દુઃખમય સંસારને કારણ વિષયોમાંથી આસક્તિ દૂર થાય અને પરમાત્મા સ્વરૂપમાં ધ્યાન થાય એ આ રસનું આલંબન છે. પવિત્ર આશ્રમ, તીર્થસ્થાન, સત્સંગ વગેરે એનાં ઉદ્દીપન તથા રોમાંચ, ભાવવિભોરતા એના અનુભાવ છે. શાંત રસનું ઉદાહરણ જોઈએ. મીરાંબાઈનું ભજન છે.

મુખડાની માયા લાગી રે.. મોહનપ્યારા.
અથવા..
ગોવિંદો પ્રાણ અમારો રે..

જો કે ભરતમુનિના મત પ્રમાણે આઠ જ રસ વર્ણવાયા છે નવમો રસ શાંતરસ એ સૌ પ્રથમ ઉદ્ભટ્ટ વિદ્વાને આપ્યો છે. તેમજ ઘણાં વિદ્વાનો ભક્તિરસ અને વાત્સલ્યરસને પણ રસના પ્રકારમાં ગણે છે.

રસનિષ્પતિનું પણ એક શાસ્ત્ર છે. જેમાં અલગ અલગ વાદ પ્રખ્યાત છે. અમુક વિદ્વાનોએ રસસિદ્ધાંત સમજાવવા ઘણું કામ કર્યું છે. જે ભટ્ટ લોલ્લટનો ઉત્પતિવાદ, ભટ્ટ શંકુકનો અનુમિતિવાદ અને અભિનવ ગુપ્તનો અભિવ્યક્તિવાદ તરીકે જાણીતા છે. રસ વિશે અધિક અને વિસ્તૃત છણાવટો આપણાં શાસ્ત્રોમાં જોવા મળે છે. ભરતમુનિએ પણ આ રસની સમજણને ખૂબ મહત્વ આપ્યું છે. ભરતનાટ્યશાસ્ત્રમાં આ ઉપરાંત નાયક અને નાયિકાભેદની વિસ્તૃત છણાવટ કરી છે.

ભરતનાટ્યશાસ્ત્ર એક સંપૂર્ણ ગ્રંથ છે તથા કોઈપણ નૃત્યકાર કે નાટ્યકાર આટલા હજારો વર્ષો પછી પણ એનું અધ્યયન કરે તો સાંપ્રત સમયમાં ઉપયોગી થાય એમ છે. આપણાં આવા મૂલ્યવાન જ્ઞાનના ભંડારને જેવા ગ્રંથ, એ આપણું ગૌરવ છે.

હવે પછીના લેખમાં હું આપને આપણાં ભારતીય શાસ્ત્રીય નૃત્યો વિશે જાણકારી આપીશ. સૌ પ્રથમ જે મહદંશે ભરતનાટ્યશાસ્ત્ર પર આધારિત છે, એવી નૃત્યકલા ભરતનાટ્યમ્ વિશે વાત કરીશ. .

— અર્ચિતા દીપક પંડ્યા


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “નવરસ એટલે શું? ભાવ એટલે શું?