જીવનનો ખેલ – કોઈ પાસ કોઈ ફેલ


છેલ્લે છેલ્લે તો એવીયે વાતો મને સાંભળવા મળી કે પેપર ફૂટી જાય છે, પેપર આડેધડ ચેક થાય છે. ચેક કરવાવાળાએ ટેસ્ટી ચા પીધો હોય ત્યારે બધાને સારા માર્ક આપે અને ન પીધો હોય ત્યારે ચોકડા પાડે. એવીયે વાત આવી કે ઉત્તરવહીને એક પછી એક ઘા કરવામાં આવે, જે ડબલાની અંદર પડે એ પાસ અને બહાર પડે એ નાપાસ.

“જો બંટી, તું પહેલા બીજો નંબર આવતો. પિન્ટુ અને ઝીલને ટક્કર આપતો એટલે તું હોશિયાર તો છે જ પણ જ્યારથી તું જગા ટોળકીનો ભાઈબંધ બન્યો છે ત્યારથી તું ઠોઠ થતો જાય છે. આ વર્ષે એસ.એસ.સી. છે, તું ભલે સાયન્સ રાખે પણ જો આ વખતે તારો નંબર સત્યાવીસમો આવશે તો તું ક્યાંય ફેંકાઈ જઈશ.” એક દિવસ પ્રિન્સિપાલે મારા મમ્મી પપ્પાને સ્કૂલે બોલાવી મને આ વાત સમજાવી ત્યારે હું હચમચી ગયો. રમત રમતમાં હું ફેંકાઈ રહ્યો હોઉં એવું મને લાગ્યું. હું અદબ વાળી વિવેકથી ઊભો હતો.

“હું મહેનત કરીશ સર.. હવે હું પિન્ટુની સાથે જ બેસીશ.”

“પણ પિન્ટુએ તો સામાન્ય પ્રવાહ લીધો છે. એનો અને તારો ક્લાસ જુદો હશે. તું સાયન્સ લઈ રહ્યો છે.”

સરે ઘણી સૂચનાઓ આપી. મમ્મી-પપ્પાએ પણ ઘણું સમજાવ્યું. મેં પણ ઘણું નક્કી કર્યું. હવે હું બે જગ્યાએ ટ્યુશનમાં જતો. બપોર આખી સ્કૂલે જતો. મારી સાથેના વિદ્યાર્થીઓ ગંભીર બનતા જતા હતા. દર શનિવારે સ્કૂલમાં ટેસ્ટ લેવાતી. ઝીલ પણ મારી સાથે સાયન્સમાં હતી. બંસી અને પિન્કી કોમર્સમાં હતા. ત્રીજી જ ટેસ્ટમાં હું સોળમા નંબર પરથી પાંચમાં નંબર પર આવી ગયો. મોટીબેન મને બધું શીખવતી. એણે મને ટાઈમટેબલ બનાવી આપ્યું હતું. મમ્મી-પપ્પા મારા માટે થઈ બહારગામ જવાનું ટાળતા. હું ઘરમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાત્ર બની ગયો હતો. મમ્મીએ મને દીવો કરી પૂજા કરવાની પણ ટેવ પાડી દીધી હતી.

પિન્ટુએ સીત્તેર ટકાનો ગોલ સેટ કર્યો હતો. મેં પાંસઠ ટકા ધાર્યા હતા. ગણિતના દાખલાઓ હવે મોટા થતા જતા હતા. વિજ્ઞાનમાં હવે એનએટુ સીઓથ્રી, એચટુઓ વધવા માંડ્યા હતા. અણુ, પરમાણુ, ન્યુટ્રોન, પ્રોટોન અને ઈલેક્ટ્રોન અમને સપનામાં આવતા. મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક, ગણિતના કેટલાક સૂત્રો મેં મારા ટોયલેટના બારણામાં ચોંટાડી દીધા હતા.

આ વખતે ન મેં નવરાત્રિમાં ભાગ લીધો કે ના બધી ગરબી જોઈ, ન દિવાળીમાં ફટાકડા ફોડ્યા કે ન બહુ સાલમુબારક કર્યા. ન બહુ ક્રિકેટ કે હોળી રમ્યો. બસ વાંચ-વાંચ અને લખ-લખ કર્યું. ચારે બાજુથી મને સલાહો મળતી. કોઈ કહેતું પ્રશ્નપત્રો સૉલ્વ કરવા તો કોઈ કહેતું ટેક્ષ્ટબુક જ વાંચવી, કોઈ તો વળી એમેય કહેતું કે આખો દી’ ઊંધા માથે વાંચતા ન રહેવું, થોડી વાર ફ્રેશ થવું, ગેઇમ રમવી કે વૉકિંગ કરવા પણ જવું. હું એમ કરતો તો નહીં પણ મને આ સલાહ બહુ ગમતી તો ખરી.

છેલ્લે છેલ્લે તો એવીયે વાતો મને સાંભળવા મળી કે પેપર ફૂટી જાય છે, પેપર આડેધડ ચેક થાય છે. ચેક કરવાવાળાએ ટેસ્ટી ચા પીધો હોય ત્યારે બધાને સારા માર્ક આપે અને ન પીધો હોય ત્યારે ચોકડા પાડે. એવીયે વાત આવી કે ઉત્તરવહીને એક પછી એક ઘા કરવામાં આવે, જે ડબલાની અંદર પડે એ પાસ અને બહાર પડે એ નાપાસ. જોકે અમારા પ્રિન્સિપાલે આવી બધી અફવાઓ ખોટી હોવાની સમજણ અમને આપી હતી ત્યારે મારી બીક થોડી ઓછી થઈ હતી. એમાંય મમ્મીએ જયારે કહ્યું કે આપણે ભગવાનને દીવો કરી એટલે જ પ્રાર્થના કરીએ છીએ કે તારા પેપર સારા જાય, ચેક સારી રીતે થાય અને પરિણામ સારું આવે, એ દિવસથી હું પણ ભગવાનને એ જ પ્રાર્થના કરતો.

વર્ગશિક્ષકની સૂચનાથી પહેલી વખત મેં સ્ટુડિયોમાં જઈને મારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પડાવ્યો. પિન્ટુ પણ મારી સાથે હતો. શિક્ષક કહેતા કે અમારી રિસીપ્ટ આવવાની હતી. એમાં અમારો પરીક્ષા સીટનંબર હોય. એ રોલનંબરથી જુદો હોય. પરીક્ષાનું કેન્દ્ર પણ રિસીપ્ટમાં આવવાનું હતું. પરીક્ષાના ફોર્મ ભરતી વખતે નામના સ્પેલિંગ સાચા લખવાના હતા. મને પહેલીવાર ખબર પડી કે પિન્ટુનું સાચું નામ સંજીવ હતું.

આ વર્ષ દરમિયાન ચૂંટણી પણ હતી. દર થોડા દિવસે અમારી શેરીમાંથી ‘જીતેગા ભાઈ જીતેગા’ બોલતું સરઘસ નીકળતું. અઢાર વર્ષ પૂરા થયા હોય એ જ મતદાન કરી શકે એવો નિયમ હતો. હું કે મોટીબેન કે પિન્ટુ મતદાન કરી શકવાના નહોતા. સામેના ઘરે ટીવી પર સમાચારો આવતા. મેં વાતો સાંભળી હતી. કોંગ્રેસ, ભાજપ, જનતાદળ જેવા પક્ષો ચૂંટણી લડતા હતા. ઇન્દિરા ગાંધીની હત્યા એના અંગરક્ષકોએ કરી હતી. એના દીકરાનું નામ રાજીવ ગાંધી હતું. ઇન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન બન્યા હતા. જમ્મુ-કાશ્મીરની સમસ્યા બહુ મોટી બનતી જતી હતી.

આજ દિવસોમાં સચિન તેન્ડુલકર નામનો નવો છોકરો સોળ વરસની ઉંમરે ક્રિકેટના મેદાનમાં ઉતર્યો હતો. મને પણ ક્રિકેટર બનવાના સ્વપ્નાઓ આવતા. ગોવિંદા, અનિલ કપૂર, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, શ્રીદેવી, જયાપ્રદા, વિનોદખન્નાને જોઈ મને ફિલ્મના હીરો બનવાની ઈચ્છા થઈ જતી. પોલીસથી બધાને બીતા જોઈ મને પણ પોલીસ થવાનો વિચાર આવી જતો. પણ મોટીબેન સમજાવતી કે તે સાયન્સ લાઇન લીધી છે, તું ડોક્ટર કે એન્જીનીયર બનીશ. મને એમાંય વાંધો નહોતો.

અને એક દિવસ વર્ગશિક્ષકે વર્ગમાં રિસીપ્ટનું વિતરણ કર્યું. મારો નંબર કડક સ્કૂલમાં આવ્યો હતો. તોફાની જગાની રિસીપ્ટ રિસેસમાં ખોવાઈ ગઈ ત્યારે તો આખી સ્કૂલમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રિન્સીપાલ કહેતા હતા કે જો નહીં મળે તો ડુપ્લીકેટ મંગાવી લઈશું. પટાવાળાઓ બધા ક્લાસમાં ફરી વળ્યા. સ્કૂલનું મેદાન, અગાસી, બાથરૂમ બધું ચેક થયું. જગો રડમસ બની ગયો. ત્યાં અચાનક એક પટાવાળો ‘મળી ગઈ.. મળી ગઈ.. નાસ્તાની લારી પાછળની ગટર પાસેથી મળી.’ એવી બુમો પાડતો પ્રિન્સીપાલની ઓફિસ બાજુ દોડ્યો ત્યારે સૌ એકદમ હર્ષમાં આવી ગયા હતા.

ઘરે પહોંચ્યો કે તરત જ મોટીબેન મારી રિસીપ્ટની ત્રણ ઝેરોક્સ કરી આવી. મારા માટે બે નવી બોલપેન, પેન્સિલ, છેકરબર એવું બધું ખરીદવામાં આવ્યું. સૌ કોઈ મારી સામે થોડી માનભરી અને થોડી દયામણી નજરે જોતું. સ્કૂલમાં આખરી સૂચનાઓ અપાઈ ગઈ. હું, મમ્મી-પપ્પા અને મોટીબેન મારી નિશાળ જોઈ આવ્યા. સોસાયટીના કેટલાક લોકો મને બેસ્ટ ઓફ લકનું એક કાર્ડ અને ગુલાબનું ફૂલ આપી ગયા હતા, એ મને ખૂબ ગમ્યું હતું.

Photo by Sumeet B on Unsplash

એક સવારે સાડા નવ વાગ્યે હું પપ્પા સાથે પહેલું પેપર આપવા ઘરના સૌને પગે લાગી ઘરની બહાર નીકળ્યો ત્યારે જાણે અભિમન્યુ ચક્રવ્યૂહ ભેદવા જઈ રહ્યો હોય એમ આડોશીપાડોશી પણ મારી સામે અંગૂઠો ઊંચો કરી બેસ્ટ લક કહી રહ્યા હતા.

પરીક્ષા ખંડમાં મારી આસપાસ કોઈ પરિચિત નહોતું. પેલી પિન્કીનો નંબર આજ સ્કૂલમાં હતો પણ એનો ક્લાસ મને ખબર નહોતી. અજાણ્યા સુપરવાઇઝર આવ્યા. આન્સરસીટનું વિતરણ કર્યું. શું લખવું, ક્યાં લખવું, શું ન લખવું, બેલ ક્યારે પડશે એવી ગંભીર સૂચનાઓ આપી. બેલ પડ્યો. પ્રશ્નપત્રનું વિતરણ થયું. ગુજરાતીનું પેપર હતું. મુદાસર જવાબો, જોડકા, નિબંધ, ટૂંકા પ્રશ્નો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સમાસ, અલંકાર… સૌ ગંભીરતાથી લખવા માંડ્યા. સાચું ખોટું જેવું આવડ્યું એવું બસ લખ્યે જ રાખ્યું. કોઈ પાણી પાઈ ગયું, સુપરવાઇઝર રિસીપ્ટ ચેક કરી ગયા, સિગ્નેચર કરી ગયા, સપ્લીઓ મંગાઈ અને અપાઈ, ઉપરથી આવેલા મોટાસાહેબ રાઉન્ડ મારી ગયા.

છેલ્લે મોટો બેલ પડ્યો અને સુપરવાઇઝરે પેપર વીણી લીધા. કોઈ બોલ્યું મસ્ત ગયું, કોઈ બોલ્યું દસ માર્કનું રહી ગયું, કોઈ બોલ્યું બે પ્રશ્ન સિલેબસ બહારના હતા. હું બહાર નીકળ્યો. પપ્પા રાહ જોતા હતા. હું એમને જોઈ હસ્યો. એ બોલ્યા “કેવું ગયું?” મેં કહ્યું “સરસ.” ઘરે પહોંચ્યો ત્યારે હું થાકીને લોથ થઈ ગયો હતો. નિશાળની પરીક્ષા કરતા એસ.એસ.સી.ની પરીક્ષા ખરેખર ખતરનાક હતી. મને થયું મેં જે જવાબો લખ્યા એ જવાબો અમદાવાદમાં પેપર ચેક કરવાવાળા શિક્ષકને ખબર હશે?

મોટીબહેને મારું પેપર લઈ મને પૂછવા માંડ્યું. આમાં શું લખ્યું, તેમાં શું લખ્યું? પણ ત્યાં પપ્પાએ એની પાસેથી પેપર લઈ કબાટમાં રાખી દેતા કહ્યું, “પેપર નથી સૉલ્વ કરવું, બંટીને જમીને સૂઈ જવા દે, એ થાકી ગયો હશે, ઉઠીને કાલના પેપરની તૈયારી કરાવજે.” મને હાશકારો થયો. બહેનને પણ પપ્પાની વાત સાચી લાગી. મમ્મીએ મને થાળી પીરસી આપી. હું જમીને પથારીમાં પડ્યો. 

ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સંસ્કૃત એમ એક પછી એક પેપર જવા લાગ્યા. છેલ્લા પેપર પછી તો હું એવો હળવો ફૂલ થઈ ગયો કે જાણે હમણાં હવામાં ઉડવા માંડીશ. જાણે જંગ જીતી ગયા હોઈએ એવો આનંદ અમે સૌ યોદ્ધાઓએ અનુભવ્યો. ઘરે મારું ભાવતું શાક મમ્મીએ બનાવ્યું હતું. જમીને હું મીઠાં સપનાઓની દુનિયામાં ખોવાઈ ગયો.

સાંજે પિન્ટુ મને બોલાવવા આવ્યો. હવે અમે છુટ્ટા હતા. કોઈ રોકટોક નહોતી. પપ્પાએ મને પચાસ રૂપિયા આપ્યા. હું, પિન્ટુ, ગોટી, વીરો, પૂજન પોતપોતાની સાયકલ લઈને બહાર નાસ્તો કરવા નીકળ્યા હતા. દસ-દસ રૂપિયાની ભેળ ખાધી, ચોકોબાર આઇસક્રીમ ખાધી અને લૅમન પીને અમે સૌ હસતા-રમતા ઘરે આવ્યા.

બીજા દિવસે સવારે મોટીબેન ગેલક્સી ટૉકીઝ જઈ ફિલ્મની ટિકિટનું ઍડવાન્સ બુકિંગ કરી આવી. સાંજે અમે ફિલ્મ જોવા ગયા. ટૉકીઝ બહાર મોટા-મોટા પોસ્ટર લગાડેલા હતા. મેં પેલી ઝીલને એના મમ્મી-પપ્પા સાથે જોઈ. પેલો જગ્ગુ એની તોફાની ટોળીના બે’ક મિત્રો સાથે એકલો આવેલો. અમારા પી.ટી.ના સર પણ એના ફૅમિલી સાથે આવેલા. હું સરને મળી એને પગે લાગી આવ્યો. જગુડો કહેતો હતો કે એણે ડ્રોપ લીધો હતો. બે પેપર એણે ન આપ્યા. આવું થયા પછીયે એ ફિલ્મ જોવા આવ્યો એની મને નવાઈ પણ લાગી અને હસવું પણ આવ્યું, પણ જગુ એની મસ્તીમાં ચૂર હતો.

અમે ઘણી વાર આ ટૉકીઝમાં પિક્ચર જોવા આવ્યા હતા, પણ આજ સ્પેશિયલ મારી પરીક્ષા પૂરી થયાના માનમાં આવ્યા હતા. મને વધુ મજા આવી. ઢીસુમ-ઢીસુમ કરતા અનિલ કપૂરને જોઈ જોશ ચઢતું, તો ગુંડાગીરી કરતા કાવતરાખોર અમરીશ પુરીને જોઈ બીક પણ લાગતી. માધુરી દીક્ષિતમાં મને ક્યારેક પેલી ઝીલ દેખાતી તો ક્યારેક પિન્કી. ફિલ્મ પૂરી થયા પછી અમે હોટલમાં ઢોસો ખાધો. આજ તો જલસા જલસા જ હતા. રાત્રે નીંદરમાં પણ હું, પિન્ટુ, ઝીલ, પિન્કી નાચતા-ગાતા હતા.

પણ.. બીજા દિવસે સવારે અચાનક ગામડેથી ફોન આવ્યો. દાદાજીની તબિયત બગડી હતી. થેલા ભરી અમે ગામડે ગયા. ત્રણ જ દિવસ બાદ દાદાજીનો સ્વર્ગવાસ થયો. આજે પહેલી વખત મને મૃત્યુ મારી નજીક આવી પહોચ્યું હોય એવું લાગ્યું. લાખ પહેરા રાખો તોયે યમરાજને આવતા કોઈ રોકી શકતું નથી. પહેલી વાર મેં નનામી બંધાતી જોઈ. બે બાંબુ પર સીડીની જેમ આડી બંધાતી પટ્ટીઓ, સીંદરી, ગાંઠો, દોણી, છાણા… અને રોકકળ વચ્ચે મેં પણ દાદાજીના મોંમાં પાણીની એક ચમચી રેડી. હા, હું પણ ખૂબ રડ્યો. જે દાદાજી મારી સામે હસતા, બોલતા, રમતા હતા એ‌ જ એકદમ ખામોશ, કોઈ પણ હલનચલન વિના સૂતા હતા. ‘રામ બોલો ભાઈ રામ’ કરતી સ્મશાનયાત્રા નીકળી.

મેં દોણી ઉપાડી હતી. જીગાભાઈ, પપ્પા, કાકા નનામીને કાંધ આપતા હતા. શેરીઓમાં માણસો હાથ જોડી ઉભા હતા, યાત્રામાં જોડાઈ જતા હતા. સૌના ખભે ટુવાલ હતો. ગૌરી, મોટીબેન, મમ્મી કે દાદીમા કોઈ સ્મશાને આવ્યા નહોતા. એ સૌ ઘરે હતા. સ્મશાનમાં એક ઓટલા પર દાદાને સુવાડવામાં આવ્યા. કોઈ બ્રાહ્મણ મા’રાજ શ્લોક બોલતા સૂચનાઓ આપતા હતા. ઓટલા ફરતે દાદાની નનામી ચાર વાર ફેરવવામાં આવી. જતીનકાકાએ દાદાના અંગૂઠાને સળગતું છાણું સહેજ ચાંપ્યું ત્યારે હું ધ્રુજી ઉઠ્યો. છાપરા નીચે લાકડાંની ચિતા ગોઠવવામાં આવી. એના પર દાદાજીને સુવાડવામાં આવ્યા. દાદાજીની છાતી પર ઘી લેપવામાં આવ્યું. એક સળગતી મશાલ જેવું લાકડું જતીનકાકાએ ચિતાને ચાંપ્યું અને થોડી જ વારમાં બધા લાકડાં આગ પકડવા લાગ્યા. કોઈ કશું જ કરી શકે એમ ન હતું. ભડભડ બળતી ચિતા સાથે દાદાની ચામડી, હાથ, પગ, આંખ.. બધું જ…

પેલા બ્રાહ્મણ મહારાજે ‘દાદાજીનું ઉઠમણું ગુરુવારે, સાંજના સાડા ચારથી સાડા પાંચ ગામના શિવમંદિરે જાહેર કર્યું. થોડીવારે નજીકની એક ચોકડી પાસે તગારામાં થોડા સળગતા કાકડા લઈ જવામાં આવ્યા. જતીનકાકા અને પપ્પા એ બાજુ ગયા. હું અને જીગાભાઈ પણ ત્યાં પહોંચ્યા. જતીનકાકાએ ત્યાં સ્નાન કર્યું, એક માટલીને પથ્થરથી ફોડી, પાછળ જોયા વિના સૌ પરત ફરવા લાગ્યા. બીજા છેડેના બાથરૂમમાં સૌએ સ્નાન કર્યું. એક કબાટમાં માટલી પર એક ચીટકી ચોંટાડી સાચવીને મૂકવામાં આવી. અમારા ડેલા પાસે સૌ ‘ઓમ..’ ના નામની પોક મૂકી રડ્યા. થોડી વારે સૌને કળશિયા ભરી પાણી અપાયું. સૌએ હાથ-મોં ધોયા અને કોગળા કર્યા. થોડી-થોડી ચા પી ‘જય શ્રી કૃષ્ણ’ કહેતા સૌ છુટા પડ્યા.

આડોશીપાડોશી ખીચડી, શાક અને રોટલા આપી ગયા હતા. સૌએ થોડું-થોડું ખાધું. એ રાત્રે દાદાજીની લાકડીનો અવાજ સાંભળી હું ઝબકીને જાગી ગયો હતો. “દાદાજી આવ્યા.” સૌ જાગી ગયા હતા. દિવસો સુધી આવા ભણકારા મને વાગવાના હતા.

જે લોકો મળવા આવતા એ વાતો કરતા હતા કે દાદાજી મોતમાં ખાટી ગયા, કોઈ કહેતું નસીબદારને આવું મૃત્યુ મળે તો કોઈ કહેતું લીલી વાડી જોઈને ગયા. ઉઠમણાંમાં દાદાજીના ફોટાને સુખડનો હાર પહેરાવવામાં આવ્યો હતો. સફેદ ટોપી પહેરેલા અમે સૌ દાદાજીની છબીની ડાબે બેઠા હતા, જમણે દાદીમા, કાકી, મમ્મી.. બેઠાં હતાં. ‘શ્રી રામ જય રામ જય જય રામ’ ની ધૂન સૌ બોલી રહ્યા હતા. જે આવતું એ દાદાજીની છબીને પગે લાગતું, અમારી સામે હાથ જોડતું, અમે સામે હાથ જોડતા. બ્રાહ્મણ મહારાજે ગીતાજીનો પંદરમો અધ્યાય શરુ કર્યો. બહેનો પણ સાથેસાથે ગાવા લાગ્યા. ‘મમૈવાંશો જીવ લોકે.. જીવ ભૂત.. સનાતન…’ છેલ્લે શિવજીના દર્શન કરી સૌ છુટા પડ્યા.

દશા, અગિયારમું અને બારમાની વિધિ નક્કી થઈ. અશુભના કાગળો લખાયા. અમે સૌએ મુંડન કરાવ્યું ત્યારે મને પેલા પિન્ટુનું મુંડન યાદ આવ્યું. ગામે ગામથી લોકો એ દિવસોમાં અમારે ત્યાં આવતા હતા. દાદાજીનો ખરખરો કર્યા બાદ કોઈ કહેતું ‘બંટી તો બહુ મોટો થઇ ગયો’ તો કોઈ મોટીબેનના વખાણ કરતું. કોઈ ગૌરી અને જીગાભાઈના વખાણ કરતું તો કોઈ દાદા-દાદીની નાતમાં કેવી આબરૂ છે કેવું નામ છે એના ગુણગાન ગાતું.

રોજ સાંજે દાદાના ફોટા આગળ દીવો કરી અમે રામધૂન બોલતા, ગામડાની એક મંડળી આવતી, એ પાંચેક ભજન ગાતી. આસપાસના લોકો પણ રોજ રામધૂન બોલવા આવતા. બારમાના દિવસે શિવમંદિરે ચારેક કલાકની વિધિ ચાલી. દાદા, પરદાદાના નામો લેવાયા, ગોત્ર, પિતૃઓના નામ લેવાયા. ભાતના પિંડ બન્યા. કાગવાસ નંખાઈ. બુંદી, ગાંઠીયા, બટાકાનું શાક, પૂરી, દાળ-ભાત અને મોહનથાળનું ભોજન સૌ સગા-સંબધીઓ અને ભૂદેવો જમ્યા. દિવસો સુધી અમે સૌ દુનિયાદારી ભૂલી એક પ્રકારના દુઃખ, વૈરાગ્ય, શોકમાં ડૂબેલા રહ્યા. અમે પાછા ફર્યા ત્યારે મારા દાદીમા પણ અમારી સાથે આવ્યા હતા.

ચાર દિવસ પછી મારું એસ.એસ.સી.નું રિઝલ્ટ હતું. હું પાસ થઈ ગયો હતો. મને ત્રેસઠ ટકા આવ્યા હતા. અમે પેંડા તો ન વહેંચ્યા, કારણ કે દાદાજીનું અવસાન હજુ હમણાં જ થયેલું, પણ પિન્ટુ એક આખું બોક્સ પેંડાનું અમને આપી ગયો. એને સીત્તેર ટકા આવ્યા હતા. સૌએ મને આગળ ઉપર કોમર્સ લાઇન લેવાની સલાહ આપી. અમે શહેરની નિશાળોમાં ફર્યા પણ અમને સાયન્સમાં ક્યાંય એડમિશન મળ્યું નહીં. છેલ્લે-છેલ્લે મેં કોમર્સ લાઇન લીધી અને એક સરકારી નિશાળમાં મને એડમિશન મળ્યું.

મેં એક દિવસ બાને પૂછ્યું, “દાદાએ સાયન્સ રાખ્યું હતું કે કોમર્સ?” બા હસી પડતા બોલ્યા, “એ તો ચાર ચોપડી જ ભણેલા હતા.” મને આશ્ચર્ય થયું. હું તો દસ ચોપડી પાસ થઈ ગયો હતો. તોયે દાદા મને કેમ બહુ જ્ઞાની લાગતા હતા! દાદીમાં કહેતા, “તારા દાદા ભણેલા તો નહોતા પણ ગણેલા બહુ હતા.” હું ફોટામાં દેખાતી દાદાજી૮ની ખુમાર ભરેલી આંખો અને મોટું કપાળ જોતો ક્યાંય સુધી હાથ જોડી ઊભો રહ્યો.

— કમલેશ જોષી

કમલેશ જોષીની કલમે આ કૉલમ ‘સ્મશાનયાત્રા’ અંતર્ગત લખાયેલા તમામ લેખ અહીં ક્લિક કરીને માણી શક્શો.

આપનો પ્રતિભાવ આપો....