‘ઓ સજના, બરખા બહાર આઈ..’ ગીતની અંતરંગ વાત 2


બિમલ’દાની સમાજવાદી લોકશાહી પર કટાક્ષ કરતી ફિલ્મ ‘પરખ’માં સાધના વરસતા વરસાદમાં બહાર અને ભીતરથી ભીંજાઈને આ ગીત ગાય છે..

પ્રેમ થઇ જાય પછી હૃદયમાં મધુર કંપન થાય, એ સ્પંદનમાં એવો છાનો રણકો સંભળાય કે હવે શું થશે! ત્યારે યાદ આવી જાય: ‘સુન બેરી બલમ સચ બોલ રે ઇબ ક્યા હોગા!’ બાવરે નૈનનું રાજકુમારીના કોમલ મધુર સ્વરમાં ગીતાબાલી પર જેનું ફિલ્માંકન થયું હતું તે ગીત. અહીં ‘બલમ’ શબ્દ તો સમજાય પણ આ ‘ઇબ’ શું છે? તે પ્રેમની મીઠી બોલી છે, તેનો અર્થ છે ‘અબ’ (હવે). હું બીજી વાત કરવા લાગ્યો. મૂળ વાત એ છે કે…

પ્રિય પાત્ર પ્રત્યેનો પ્રેમ વિવિધ શબ્દોમાં વ્યક્ત થતો હોય છે. જયારે ‘લતા મંગેશકર’ ‘ઓ સજના…’ ઉચ્ચારે ત્યારે શું થાય એ વર્ણવી ન શકાય! ‘પરખ’ (૧૯૬૦) ફિલ્મમાં બિમલ રોય અને સલીલ ચૌધરીએ જબરું કૌવત દેખાડ્યું. બિમલ રોયનું નામ ચિત્રપટ વિશ્વમાં નિર્માતા અને નિર્દેશક તરીકે જાણીતું છે. તેમની જાણીતી ફિલ્મોમાં ‘દો બિઘા જમીન’, પરિણીતા, બિરાજ બહુ, મધુમતી, સુજાતાને ગણાવી શકાય.

Sadhana
Parakh
Bimal Roy
Lata Mangeshkar
Movie
Song Review

સલિલ ચૌધરી ગીતો લખતા, તેનું સંગીત નિર્દેશન કરતા, તેઓ લેખક પણ હતા અને કવિ પણ! તેર ભાષાની ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું હતું. પરખ, આનંદ અને મેરે અપને જેવી પંદર યાદગાર ફિલ્મોમાં તેમના શબ્દો લોકહૃદયને સ્પર્શતા હતા. 

બિમલ દાની સમાજવાદી લોકશાહી પર કટાક્ષ કરતી ફિલ્મ ‘પરખ’માં સાધના વરસતા વરસાદમાં બહાર અને ભીતરથી ભીંજાઈને આ ગીત ગાય છે… (પ્લે-બેકમાં લતા મંગેશકરે ગાયેલું ગીત છે આ…).

સાધના શિવદાસાની (બોઝ) સિનેમાના ગોલ્ડન સમયમાં સહુથી વધારે નામ અને દામ મેળવતી અભિનેત્રી હતી. તેનો અભિનય જોવા મળે છે ‘વો કૌન થી’, ‘મેરા સાયા’, ‘લવ ઇન સિમલા’, ‘વક્ત’, ‘અસલી નકલી’. તેની હેર-સ્ટાઈલ ‘સાધના કટ’ તરીકે લોકપ્રિય બની હતી.

તેની મેરા સાયા, એક ફૂલ દો માલી, હમ દોનોં, અનિતા, દુલ્હા દુલ્હન વગેરે ફિલ્મો પણ અહીં નોંધનીય છે. તેના ચાહકો સાધનાને ‘મિસ્ટરી ગર્લ’ એટલે કે રહસ્યમયી (રમણી) તરીકે ઓળખતા.

આ ગીતમાં તેનો અભિનય સ્વાભાવિક છે…   

‘ઓ સજના…
ઓ સજના, બરખા બહાર આઈ
રસ કી ફુહાર લાઈ, અખિયોં મેં પ્યાર લાઈ.. ઓ સજના

તુમકો પુકારે મેરે મન કા પપિહરા 
તુમકો પુકારે મેરે મન કા પપિહરા 
મીઠી મીઠી અગની મેં, જલે મોર જિયરા.. ઓ સજના

ઐસી રિમઝિમ મેં ઓ સજન, પ્યાસે પ્યાસે મેરે નયન
તેરે હી, ખ્વાબ મેં, ખો ગએ
સાંવલી સલોની ઘટા, જબ જબ છાઈ
અખિયોં મેં રૈના ગઈ, નિંદીયા ન આઈ..

ઓ સજના, બરખા બહાર આઈ
રસ કી ફુહાર લાઈ, અખિયોં મેં પ્યાર લાઈ…
ઓ સજના…

સાંભળો… આ રહી લિંક…

જોયું? સાંભળ્યું? ‘ઓ સજના….’ સીમાની (સાધના) અસીમ પ્રેમ-ભાવના ‘બહાર’ લાવે તેવી ‘બરખા’માં વરસે છે, વહે છે. રિમઝિમમાં, પ્રેમની મીઠી મીઠી અગનમાં જલતા જિયરાને, મનના પપિહરાને, રસવંતી ફુહાર વચ્ચે નિદ્રા ન આવે તે પ્રેમ-સહજ ભાવ-અવસ્થા છે. ગીતના શબ્દો બદલો અને ‘ના જેયોના…’ કહો તો એ જ પ્રેમ-રાગ સાંભળવા પામશો… 

ના જેયો ના
ના જેયો ના, રજની એખોનો બાકી
આરો કિછુ દીતે બાકી બોલે રાતજાગા પાખી (૨).. ના જેયો ના

આમી જે તોમારી સુધુ જીબોને મોરોને (૨)
ધોરીયા રાખીતે ચાઈ નોયોને નોયોને (૨)
ના જેયો ના, રજની એખોનો બાકી
આરો કિછુ દીતે બાકી બોલે રાતજાગા પાખી (૨)

જે કથા બોલીતે બાંધે, જે બ્યથા મરમે કાંદે
સે કથા ભુલીતે ઓગોદાઓ (૨)
જીબોન રજની જાની એમોની પોહાબે (૨)
ચાંદેર તરની તુમી સુદૂરે મીલબે
ના જેયો ના, રજની એખોનો બાકી
આરો કિછુ દીતે બાકી બોલે રાતજાગા પાખી (૨)
ના જેયો ના…

બંગાળી ભાષામાં સાંભળવા માટે …

પ્રેમી પંખી રાતનું જાગરણ કરે છે અને બોલે છે કે ‘હમણાં ન જશો, રાત હજુ બાકી છે…! હજુ પ્રેમાલાપ કરવાનો બાકી છે. વ્યથાની વાત કરવી છે અને જેથી હૃદય રડે છે તેને હજુ કાંઈ કહેવું છે…કાંઈક આપવાનું બાકી છે…’

આ ગીતની મધુરતા વરસતા વરસાદ સાથે, રાતના ઘેરા અંધકારમાં માણીએ તો તરબોળ થઇ જવાય. ત્યારે આપણે ઘરમાં હોઈએ અને બહારથી કોરા હોઈએ તો પણ રમેશ પારેખને કહી શકીએ: ‘એમ કહીએ રમેશ, ‘આજે તો આપણે ય ભીના થયા…!’ શરત એટલી છે કે ભીતર પ્રેમનો વરસાદ વરસતો હોવો જોઈએ!

– હર્ષદ દવે

‘ગીતમાલા’ અંતર્ગત હર્ષદ દવેની કલમે સદાબહાર ગીતોની વિગતે વાતો જાણો અહીં ક્લિક કરીને..


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “‘ઓ સજના, બરખા બહાર આઈ..’ ગીતની અંતરંગ વાત

  • Bharat Kapadia

    હર્ષદભાઈ, સલિલ ચૌધરી અને તેમની તર્જનું મીઠું સ્મરણ કરાવી આપ્યું ‘બરખાબહાર’ના નિમિત્તે….

  • Parag Shah

    સલિલદા ની આ રચના માં તેમણે સુર બહાર (સિતાર) નો બખૂબી ઉપયોગ કર્યો છે. આ ગીતની ધૂન તેમણે લંડનમાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વેચનાર ના સ્ટેર માં વગાડી હતી. ત્યારે સામાન્ય દેશી ગામડીયા તરીકે આ સ્ટોરની મુલાકાત લેનાર તરીકે તેને સ્ટોરની સેલ્સ ગર્લે ભાવ આપ્યો ન હતો. તેમણે સ્ટોરમાં જોયેલાં સુર બહાર વગાડવાની માગણી કરતાં તેને માનવામાં આવેલ ન હતી, ત્યારબાદ સ્ટોરના માલિક દ્વારા તેને આ વાજિંત્ર વગાડવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ સલિલદા દ્વારા આ ધુન વગાડતાં જ સ્ટોરમાં રહેલા તમામ મંત્રમુગ્ધ થઇ ગયા હતાં. સેલ્સ ગર્લ દ્વારા તેની માફી માગવામાં આવી હતી અને સ્ટોર ના માલિક દ્વારા આ સિતાર તેમને ભેટ આપવામાં આવી. (સાંભળેલી વાત મુજબ)