આદિ કૈલાસ : અખિલેશ અંતાણી (પુસ્તક સમીક્ષા) 6


લેખકશ્રી ‘પ્રકૃતિ જ ભગવાન છે’ એમ માને છે અને તેનું પ્રમાણ આ પુસ્તકમાં અલગ-અલગ ઠેકાણેથી મળી આવે છે. હિમાલય તો આવી પ્રાકૃતિક સંપદાનો ભંડાર છે; એટલે જ કદાચ વર્ષોથી એ ભારતીયોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યો છે.

પુસ્તક સમીક્ષા: આદિ કૈલાસ

લેખક: અખિલેશ અંતાણી નિત્ય પ્રવાસી

માંડવીમાં જન્મેલા લેખકશ્રી અખિલેશ અંતાણી, શિક્ષણ તથા વ્યવસાયને કારણે ભુજમાં વસ્યા છે. નાનપણથી જ પ્રવાસનો ખૂબ શોખ. પ્રવાસ, પ્રકૃતિ, પર્યાવરણ, વાંચન, લેખન અને નિરીક્ષણનો શોખ એમને વારસામાં મળ્યો છે. એમના મિત્રો કહે છે તેમ, જરાક જેટલી પ્રવાસની અનુકૂળતા સાંપડે એટલે શિસ્તબદ્ધ રીતે સંપૂર્ણ પ્રવાસનું આયોજન કરી નીકળી પડે. એમના ભ્રમણનો હેતુ તો એમનો પ્રકૃતિ સાથેનો અખૂટ પ્રેમ છે. જ્યારે તમે પ્રકૃતિની સમીપ જાવ છો ત્યારે તે તમારામાં કંઈક ઉમેરે છે કાં તો કંઈક ઓછું કરે છે; ટૂંકમાં તમે બદલાવ છો. એટલે જ આવા પ્રવાસને યાત્રા કહેવાય છે. આવી જ એક આદિ કૈલાસ અને ૐ પર્વતની જુલાઈ-૨૦૦૬ની યાત્રાના અનુભવોના ફળસ્વરૂપ, કચ્છના લોકપ્રિય દૈનિક ‘કચ્છમિત્ર’માં દર બુધવારે રજૂ થતી પરાગ પૂર્તિમાં ‘દેવભૂમિના ખોળે ભક્તિભ્રમણ’ના નામે લેખમાળા છપાઈ. પ્રસ્તુત પુસ્તક આ લેખમાળાના લેખોનું સંપાદન છે. 

હિમાલયનો પ્રવાસ લોકો જુદા જુદા હેતુ માટે કરતા હોય છે. કેટલાકનો હેતુ ધાર્મિકસ્થાનોની યાત્રાનો, કેટલાકનો પર્વતારોહણનો, કેટલાકનો લોકજીવનના અભ્યાસનો, તો વળી કેટલાક ત્યાંના વાતાવરણ અને પ્રકૃતિના સંશોધનના હેતુ માટે જતાં હોય છે. પ્રાચીનકાળથી આપણા કેટલાય ઋષિઓ, મુનિઓ, જોગીઓ, સંતો પોતાની આધ્યાત્મિક ઉન્નતિ અને જીવનના રહસ્યસ્ફોટન માટે હિમાલયમાં તીર્થાટન અને તપશ્ચર્યા કરતા રહ્યા છે. આમ કારણ કોઈપણ હોય પણ આવી દેવભૂમિમાં પરિભ્રમણ કરવાની મહેચ્છા દરેકના હૃદયમાં વત્તે-ઓછે અંશે રહેલી હોય છે. આવી જ રીતે હિમાલય પ્રવાસની ઇચ્છા લેખકને પણ હતી.

પ્રવાસના સંજોગ ઊભા થતા એની તૈયારી તથા પ્રસ્થાન વિશે પ્રથમ પ્રકરણમાં વાત કરી છે. તેમના મિત્રો સાથે ચર્ચા કરતા કુલ નવ સાથીઓ આ પ્રવાસમાં જોડાયા; જે પ્રવાસની તારીખ નજીક આવતા સુધીમાં છ થઈ ગયા. પ્રવાસની તારીખોનું આયોજન લેખકશ્રીએ એ મુજબ કર્યું કે અષાઢ માસના અજવાળિયા દિવસોની તિથિ દરમિયાન પ્રવાસ થાય ઉપરાતં ૐ પર્વતના દર્શન માટે તા. ૭-૭-૨૦૦૬ના રોજ અષાઢ સુદ ૧૧ તથા સાક્ષાત્‌ શિવ સમાન આદિ કૈલાસ અને પાર્વતીતાલના દર્શન માટે તા.૧૧-૭-૨૦૦૬ના અષાઢ સુદ પૂનમ (ગુરુ-પૂણિમા)ના પાવનકારી દિવસો દરમિયાન દર્શન કરી શકાય. આ બાબત તેમની આધ્યાત્મિકતા તથા તેમની આયોજન કુશળતાનો પરિચય કરાવે છે. 

પુસ્તકમાં ૧૯ પ્રકરણ છે. જેમાં ૨ થી ૮માં ૐ પર્વતના દર્શન થયા ત્યાં સુધીની વાત કરી છે. ૯ થી ૧૨ સુધીના પ્રકરણમાં આદિ કૈલાસ સુધીની યાત્રા તથા એ અલૌકિક સ્થળનું વર્ણન છે. સોળમું પ્રકરણ આ પુસ્તકમાં વિશેષ ધ્યાન ખેંચે છે; જેમાં પાતાળ ભુવનેશ્વર વિશે વિગતે વાત કરાઈ છે અને તે વાચકને અભિભૂત કરી દે છે.  

પ્રવાસની શરૂઆતમાં જ કેટલીક તકલીફ પડે છે. જેમ કે કાલીગંગા નદીના કિનારેકિનારે ટીમ આગળ વધી રહી હતી ત્યારે ખીણમાં એક સાંકડો રસ્તો આવે છે અને ત્યાં હજારો નાગ એકસાથે ફૂંકાડા મારતા હોય તેવો ધોધનો ભયંકર ફૂત્કાર સંભળાતો હોય છે. જે પ્રવાસી ટીમની સાહસિકતાની કસોટી કરે છે. આગળ અજાણ્યા પાણીમાં ઊતરતાં પહેલાં નદીના સામે કિનારે રહેલા દેહાતી છોકરાને બોલાવીને તેની મદદથી નદી પસાર કરવી પડે છે. તેને લેખકશ્રી કાલીગંગાના આશીર્વાદ સમજે છે.

રસ્તામાં એકાદ-બે સ્થળે ભૂસ્ખલન થવાથી રસ્તાઓ ધોવાઈ ગયા હતા અને તેના ઉપરથી વેગીલું પાણી વહેતું હતું; આવે વખતે આગળ જવાનો માર્ગ પણ સૂઝતો નહોતો. તેવામાં ઉપરથી પથ્થર પડવા લાગ્યા; ત્યારે મોટા મોટા પથ્થરો પર પગ મૂકી એકબીજાની મદદથી રસ્તો પસાર કર્યો હતો. અનેક વાર ભૂખ્યા રહેવું પડ્યું હતું. હવામાંના ભેજનું પ્રમાણ વધી જતાં ઓક્સિજન ઘટી જાય અને શ્વાસ લેવામાં તકલીફ પડે. વરસતા વરસાદ વચ્ચે ઊંચા લપસણા ચઢાણો ભીંજાતાંભીંજાતાં અને ઠંડીમાં ઠૂંઠવાતાંઠૂંઠવાતાં ચઢવાના. માલપાથી બુધિને રસ્તે ભેખડો ધસવી. આવી અનેક આફતો. માલપા ગામથી એકાદ કિલોમીટર પહેલા તૂટી ગયેલ પુલને કારણે પ્રવાસ કેટલાક કલાક મોડો થાય તેમ હતું પણ પુલની મરામત કરવામાં સ્થાનિક PWDના કર્મચારીઓની મદદ કરી. આ સઘળી હકીકતો પ્રવાસી ટીમની સાહસિકતા, શ્રદ્ધા અને સકારાત્મકતાની સાક્ષી પૂરે છે; જે આવા કઠિન પ્રવાસોની પ્રાથમિક જરૂરિયાત કહી શકાય. 

પ્રકૃતિ સાથેનું તાદાત્મ્યભર્યું જીવન કેવું હોય તેનો અનુભવ જંગલમાં અને આવા દુર્ગમ વિસ્તારોમાં જ મળી રહે. બુધિ મથકેથી છીયાલેખ પહોંચવાના રસ્તે પ્રવાસી ટીમને એવું જાણવા મળે છે કે, આ વિસ્તારના મોટાભાગના લોકોનો જીવનનિર્વાહ જંગલમાંની અવનવી જડીબુટ્ટીઓ અને જિવાતો પર નભે છે. તેઓ જડીબુટ્ટીઓ અને જિવાતો એકઠી કરી, દવા બનાવતી કંપનીઓના સ્થાનિક એજન્ટોને  વેચે છે. આ બાબતમાં નવાઈની વાત એ હતી કે જડીબુટ્ટી કાપનાર સ્થાનિક વ્યક્તિ, જડીબુટ્ટી કાપતાં પહેલાં વૃક્ષ આગળ માથું નમાવી બે હાથ જોડે છે. વર્ષના એકાદ-બે દિવસ હરખપદુડા થઈ છોડ વાવીને પછી ભૂલી જનારા આપણે એમની આગળ કેવા વામણા લાગીએ! અને પાછા કહીએ કે આપણે સભ્ય સમાજના! પ્રકૃતિ પણ વીંછી કરડ્યો હોય એવી પીડા આપનાર ‘બિછુબુટ્ટી’ની નજીક જ એ પીડાને શમાવતી વનસ્પતિની ગોઠવણ કરી રાખે છે. આ પુસ્તકના લેખક ‘પ્રકૃતિ જ ભગવાન છે’ એમ માને છે અને તેનું પ્રમાણ આ પુસ્તકમાં અલગ-અલગ ઠેકાણેથી મળી આવે છે. હિમાલય તો આવી પ્રાકૃતિક સંપદાનો ભંડાર છે; એટલે જ કદાચ વર્ષોથી એ ભારતીયોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યો છે. 

એક વાત પુસ્તકમાંથી એ પણ જાણવા મળી કે આ પ્રદેશમાં લોકોની અટક તેમના ગામના નામ પરથી હોય છે; જેમકે ગુંજી ગામના ગુંજિયાલ, બુધિ ગામના બુધિયાલ કે કુટ્ટિ ગામના વતની કુટિયાલ. પુસ્તકમાં ઉલ્લેખ કરેલ કુંવરસિંહ કુટિયાલની વાત પણ જાણવા જેવી છે. જે વિગતે જાણવાનું તમ સુજ્ઞ વાચકો પર છોડું છું. 

સામાન્ય રીતે આપણે એવું માનાતાં હોઈએ છે કે સરકારી તંત્ર એટલે વ્યવસ્થાના નામે મીંડુ હોય, પરંતુ આ ટીમને સરકારી તંત્રનાં સુખદ અનુભવો થયા છે. આવા સુખદ અનુભવોની લેખકશ્રીએ નોંધ લીધી છે અને બિરદાવી છે. આઇ.ટી.બી.પી, કુમાઉ મંડળ વિકાસ નિગમ, પંચાયતના સરપંચ, ઉપપ્રધાન, વગેરેએ યાત્રિકો માટે સકારાત્મક અને મદદ કરવાનો અભિગમ દાખવ્યો છે. આવી સંસ્થાઓ અને શ્રદ્ધાવાન સ્થાનિકોને કારણે ભારતવર્ષમાં યાત્રા અને પરિક્રમાની પરંપરા સેંકડો વર્ષોથી જળવાઈ રહી છે અને જળવાઈ રહેશે. 

પુસ્તકમાં છપાયેલ અક્ષરોનો પ્રકાર તથા તેમનું માપ વાંચનમાં અનુકૂળ રહે તે મુજબનાં છે. અલગઅલગ જગ્યાએ મુખ્ય સ્થળોનાં ફોટા મૂક્યાં છે પરંતુ તે શ્વેત-શ્યામ હોવાથી તેની અસરકારકતા રહેતી નથી. અહીં નગાધિરાજ હિમાલયનાં સાહિત્યિક વર્ણન અને પ્રકૃતિના સાનિધ્યમાં પહોંચ્યા પછી જે આંતરિક અનુભૂતિ થાય છે તેનું રસાળ આલેખન શોધતો વાચક નિરાશ થશે; પરંતુ હિમાલય યાત્રાનું આયોજન કરી રહેલ કોઈ વ્યક્તિને, યાત્રા દરમિયાન જરૂરી વિધી અને કયાં ક્યાંથી જોઈતી મદદ મળી શકશે એ માટેની માહિતી આ પુસ્તકમાંથી ચોક્ક્સ મળી રહેશે. લેખકશ્રીએ પ્રવાસના માધ્યમથી પોતાનું ચિંતન અને દર્શન ઉમેર્યું હોત તો ઉપકારક રહેત. છતાં યાત્રાના સંસ્મરણો અન્ય સાથે વહેંચવાની ધગશ અને રીત ગમી. 

તો મિત્રો ફરી મળીશું કોઈક પુસ્તકનાં પાનેપાને પગલાં પાડવાં. ત્યાં સુધી વાંચતા રહો અને પ્રસન્ન રહો. 

મા ગુર્જરીની જય! નર્મદે હર!

[પુસ્તક પ્રાપ્તિની વિગતો - 'આદિ કૈલાશ', લેખક: અખિલેશ અંતાણી, 
પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન: નવભારત પ્રકાશન મંદિર,
પૃષ્ઠ: ૨૧ + ૧૧૪ = ૧૩૫,
મૂલ્ય: ૧૫૦-૦૦]

-અંકુર બેંકર

આવા અનેક સુંદર પુસ્તકોનો પરિચય અંકુરભાઈ તેમની કૉલમ ‘પુસ્તક સમીપે‘ અંતર્ગત કરાવે છે, એ બધા લેખ અહીં ક્લિક કરીને માણી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “આદિ કૈલાસ : અખિલેશ અંતાણી (પુસ્તક સમીક્ષા)