તારી સાથે એક આખો દિવસ.. 9


શું એવો કોઈ દિવસ આવશે જયારે મારો બધો જ સમય માત્ર તારા માટે હોય..! હ્રદયની આ બળકટ ઝંખનાનું સાકાર થવું મને ‘સમયની પેલે પાર’ જેવું લાગે છે. પણ માત્ર એક આખો દિવસ જો તારી સાથે જીવવા મળે તો!

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.
પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને
- મુકુલ ચોકસી

સમયની પેલે પાર..  

ગઈકાલે તેં કંઈક માંગ્યું.. સરસરતી રેતીની જેમ વહેતી જિંદગીના કોઈ એક દિવસની એક એક પળ મારી સાથે જીવવાની ઈચ્છા કરી તેં.

Meera Joshi Letter Column on Aksharnaad

શું એવો કોઈ દિવસ આવશે જયારે મારો બધો જ સમય માત્ર તારા માટે હોય..! એ માટે જીવનભર સાથે રહેવું પડે, માત્ર તું ને હું! પણ હ્રદયની આ બળકટ ઝંખનાનું સાકાર થવું આ ક્ષણે મને ‘સમયની પેલે પાર’ જેવું લાગે છે. પણ માત્ર એક આખો દિવસ જો તારી સાથે જીવવા મળે તો..?!

તો, 
મારે તારા મનની અજાણી ગલીઓમાં પ્રવેશવું છે..
તને ઉદાસ કરી દેતી સાંજમાં તારો હાથ પકડવો છે..
તારા પર સવાર થઈ જતી નબળાઈઓને મનમાંથી ઉખાડી ફેંકવી છે..
તારી સાથે દરેક વિષય ઉપર વાતો કરવી છે, દલીલો કરવી છે..
યાદ રહી જાય એટલું ખડખડાટ હસવું છે..
દરિયાકિનારે મારા ખોળામાં તને સુવડાવવો છે..
તારી સાથે દરિયાની રેતીમાં લીસોટા પાડવા છે..
મારા વાળને તારા ચહેરા પર કાળા વાદળોની જેમ છવાઈ જવું છે..
તારા ખભા પર માથું મૂકીને મોકળાશથી રડવું છે..
માત્ર તારા માટે ગવાતું એ ગીત તને સંભળાવવું છે..  
તારી સાથે પહાડોમાં સૂરજ ઉગવાની ઘટના નિહાળવી છે..
તારી સાથે પહાડની ટોચ પર ચૂપચાપ બેસીને સૂર્યાસ્ત નિહાળવો છે..

તારા હાથમાં હાથ રાખી એક દિવસ માટે કુદરતના ન જોયેલા પ્રદેશોને આંખ બંધ કરી જીવી લેવા છે, ને બસ એક આખો દિવસ જો તારી સાથે જીવવા મળે તો અંતે તારામાં ઓગળી જઈ બસ તારામય થઈ જવું છે..!

અત્યારે તું ત્યાં, હું અહીં.. સમયના અલગ અલગ ટૂકડાઓમાં આપણે સાથે છીએ, પરંતુ પાંપણના પલકારા જેટલી ક્ષણના નાનકડા ટૂકડામાં’ય તે મને તારાથી સહેજે અળગી નથી કરી. જાણે કે હું હવે તારામાં ધબકું છું..!


તારી ને મારી વાતોનું વિશ્વ!

સાવ અજાણી ભાષા જેવું, હું પણ બોલું તું પણ બોલ,
ભેદભરમના તાણાવાણા, હું પણ ખોલું તું પણ ખોલ.

ક્યાંય નહીં અવચેતન જેવું, વિસરાતા ચાલ્યા ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર, હું પણ ડોલું તું પણ ડોલ!

– શ્રી રશીદ મીર

આજે સવાર મોડી પડી, રાતભર થાકેલી આંખોને હવે તારા નામનો ઉજાગરો રહે છે.

મને પોતાને જ હવે મારું અચરજ થાય છે..! મારી મૌનની દુનિયામાં આ અવાજોનો ધબકાર ક્યાંથી પ્રવેશી ગયો? સંબંધો બાંધવામાં ખુબ સમય માંગતું મારું વ્યક્તિત્વ તારી સાથે કેટલું જલ્દી ખૂલી ગયું ને! કલાકોને કલાકો સુધી વાતો કરવા છતાં નવા નવા વિષયો ઉઘડતા જ રહે છે.

સ્કુલના તોફાન મસ્તી, નાનપણના પરાક્રમો, પડી ગયેલા દાંતથી લઈ પપ્પાનો ગુસ્સો, બહેનની જોહુકમી, ને મમ્મીનો પ્રેમ.. ઘરના વર્તુળથી લઈ છેક બ્રહ્માંડના રહસ્યોની અવનવી દુનિયા સુધી આપણી વાતોનો વિસ્તાર પહોંચે છે. માત્ર વાતો જ નહિ આપણી વાતો વચ્ચે છવાઈ જતું ક્ષણોનું મૌન પણ કથિત હોય છે.. અને સમજણું હોય છે.

જયારે બે વ્યક્તિ વચ્ચે વાત કરવાનો કોઈ તંતુ જ ન રહે ત્યારે એ સંબંધમાં ‘જીવંત શ્વાસ’ ખૂટતા હોય છે. આપણી વાતોમાં સામેના વ્યક્તિ પર સારી છાપ છોડવાનો કે તેને સારું લગાડવાનો કોઈ દંભ નથી હોતો. મારી નબળી બાબતોને તું ખુબ સરળતાથી મને કહી શકે છે ને તારા વ્યક્તિત્વની અણગમતી વાતને હું પણ નિર્ભયપણે કહી શકું છું. સંબંધમાં એટલી મોકળાશ હોવી જોઈએ જ્યાં દંભ નહિ પણ દ્રષ્ટિ ઉઘડે.

તારી નિર્દોષ વાતોમાં મને જિંદગીનો ધબકાર જોવા મળે છે, તને સાંભળવામાં જેટલો આનંદ મળે છે એટલો જ આનંદ તારી સાથે જીવાતા મૌનમાં પણ મળે છે..! તારા માટે ગીત મોકલું એના પ્રતિભાવમાં તું શબ્દો નહિ, અઢળક ઈમોજીસ વરસાવે છે. ત્યારે મને થાય કે તું પણ કશુંક કહે, સુંદર, લાજવાબ, મસ્તથી આગળ વધી કંઈક અલગ, પણ પછી હું જ ભૂલી જાઉં છું કે પામવાનો સંબંધ શરીર સાથે નહિ, હ્રદય સાથે હોય છે. એ જ રીતે સૌન્દર્યનું નૈવેધ શબ્દોમાં નથી હોતું ‘હ્રદય’માં હોય છે ને! તારા અબોલ પ્રતિભાવમાં ઝળકતાં સંવેદનો વાંચી શકે છે મારી આંખો…!

સંવેદનાના વિશ્વના અવનવા પ્રદેશો ઉઘડે છે તારા સંગાથમાં. કોઈ કશું કરતું નથી આ સંબંધને જોડવા, બસ તું ને હું જ જીવી રહ્યા છીએ, આ પ્રેમ અર્થને..!

– મીરા જોશી

મીરા જોશીની આ કૉલમના બધા જ લાગણીથી તરબોળ એવા પત્રો વાંચવા અહીં ક્લિક કરો..


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “તારી સાથે એક આખો દિવસ..