પ્રથમ વિશ્વયુધ્ધની આસપાસના સમયને આલેખતી રાજઘરાનાની, રાજપૂતોની, રાજપૂતાણીઓની, તપ્ત રણના લોકોની, ઈતિહાસની, અંગ્રેજોની, અંગ્રેજોની કૂટનીતિની, ભારતની, ભારતના ખજાનાની, ભારતના લોકોના સાહસની કથા. લાલચની પરાકાષ્ઠા રણમાં કેવી આંધી ઊભી કરે છે એની વાર્તા.
પુસ્તક – આશ્કા માંડલ (નવલકથા)
લેખક – શ્રી અશ્વિની ભટ્ટ
લેખક પરિચય – શ્રી અશ્વિની ભટ્ટ ગુજરાતી સાહિત્યના નવલકથાકારોમાં જાણીતું નામ છે. સાયકોલોજીમાં સ્નાતક થયા. પણ મૂળ કલાકાર જીવ જેને અભિનયમાં રસ. એટલે એક ગુજરાતી ફિલ્મમાં બાળકલાકાર તરીકે કામ કર્યું. પછી લેખન કાર્યમાં ઝંપલાવ્યું અને એક પછી એક બાર નવલકથાઓ લખી. ઓથાર ૧,૨, આખેટ ૧,૨,૩, કટિબંધ ૧,૨,૩, ફાંસલો ૧,૨, અંગાર ૧,૨,૩ જેવી એકથી વધારે ભાગમાં લખાયેલી નવલકથાઓ પણ છે. એમણે કેટલાંક અંગ્રેજી પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો. ‘આક્રોશ’ અને ‘આકાંક્ષા’ જેવા નિબંધ સંગ્રહો પણ આપ્યા છે.
પુસ્તક વિશે – કથાની પૃષ્ઠભૂમિ જયપુર, ઉદયપુર, બિકાનેર, ચિત્તોડગઢ જેવા તપ્ત રણની અને એના રાજઘરાનાની છે. કથા વીસમી સદીના શરુઆતના દાયકાઓની છે. કથામાં દરેક પાત્રો મુખ્ય છે. અંગ્રેજો અને રાજપૂતો છે એટલે વીરરસ છે. સિગાવલ અને આશ્કા છે તો શૃંગારરસ છે. રણમાં આદરેલી સફરમાં આવતી મુશ્કેલીઓથી કરુણરસ સર્જાય છે. આખી વાર્તા રેતીના ઢુંવાની જેમ બદલાતી રહે છે. ક્યાંક કંઈક ધારવા જઈએ ને જાણે આંખમાં ઊડીને ગરમ રેત પડે.
કથાની શરૂઆત સિગાવલ નામના પાત્રથી થાય છે. સિગાવલ ઘરથી દૂર રહીને જીવ્યો, ભણ્યો. પણ પાછો પોતાની ભૂમિ પર આવે છે. પિતાના મૃત્યુ પર ઘણાં લોકો આવે છે અને સિગાવલને સમજાય છે કે પોતાના પિતાએ કેટલા લાગણીસભર સંબંધો બનાવ્યા છે. પિતાના મૃત્યુ સમયે આવનાર લોકોની સરભરામાં થાક લાગે છે. એ થાક ઉતારવા રણમાં ફરવા જવાનું નક્કી કરે છે. ઊંટ અને જરુરી સામાન સાથે નીકળે છે પણ આ સફરમાં સિગાવલને દેખાય છે એક માણસનું હાડપિંજર. એ હાડપિંજર કોનું છે અને આવી દશા કેવી રીતે થઈ હશે એનું રહસ્ય ડૂંગળીના પડની જેમ આખી વાર્તામાં ખૂલતું જાય છે. સાવ અજાણતાં જ સિગાવલ આશ્કાને મળે ને એના પ્રેમમાં પડે.
શરણસિંહ વિશેની વાતો સાંભળીને શરણસિંહ માટે માન ન થાય તો જ નવાઈ! જેનો જીવ પોતાની એકની એક દિકરી આશ્કામાં વસતો હોય ને છતાં દેશ માટે છુપા વેશે સંતાતો ફરે એ શરણસિંહ. જે વર્ષો સુધી અંગ્રેજોને હંફાવતો રહે તે શરણસિંહ. વફાદાર સૈન્ય ધરાવતો શરણસિંહ. આખી વાર્તામાં શરણસિંહ, પણ એ ક્યાંક દેખાય નહીં કે પકડાય નહી. ન હોવા છતાં વાર્તામાં એની હાજરી વર્તાય.
અંગ્રેજોને ગમે-તેમ કરીને ભારતને પાયમાલ કરવું હોય અને માહિતી મળે કે કોઈ ખજાનો છે જે કોઈની નજરમાં ન આવે એમ સંતાડવામાં આવ્યો છે. બસ, પછી શરુ થાય ખરાખરીનો ખેલ. એ સ્થળની માહિતી મેળવવા માટે બબ્બે ખૂન થાય. પોતાના રાજ્યમાં ધોળે દિવસે થયેલાં ખૂનનો ગુનેગાર શોધવા સિગાવલ અંગ્રેજોને મળે. નકશો જોડવામાં મદદ કરે. પણ, નકશાનો એક ટુકડો ખૂટે ને એનો તાળો મેળવવા સૌ ધમપછાડા કરે. સિગાવલને એ નકશાનો ખૂટતો ટુકડો મળે. ક્યાંથી અને કોની પાસેથી એ તો વળી સાવ જ અણધાર્યું.
ખજાનો શોધવા દુશ્મનો ભેગા થાય ને ખજાનાની શોધની સફર શરુ થાય. ઊંટોનો કાફલો, ઊંટો પર લટકતી પાણીની મશકો, ખાવાની ચીજો, હથિયારો અને ઊંટો પર બેઠેલાં લોકો. લાગે કે જાણે આખું રણ ખજાનાની શોધમાં જાય છે. રણનો રસ્તો ધાર્યાં કરતાં વધુ વિકટ લાગવા લાગે જ્યારે કાફલાના માણસો ઓછા થવા લાગે. રણ પોતે જ આફત લાગે, એ ઓછું હોય તેમ રણના લુંટારાઓ પણ સફરને વધુ કઠિન બનાવે. સૌની સફર એક પણ ધ્યેય જુદા-જુદા. દરેકને સંઘાડી તોડા પહોંચવું હતું અને એ પણ સહીસલામત. રેતીનો ઢુંવો ક્યારે થશે અને ક્યાં થશે એ ખબર ન હોય એમ જ સફરમાં અણધાર્યા ઉતાર ચઢાવ આવ્યા કરે.
ખજાનાની લાલચ કેટલી હદે મગજ પર સવાર થઈ હતી એનું વર્ણન વાંચીને નવાઈ લાગે. કાફલનાં જ, સાવ મરવાની અણી પર આવેલા માણસને ગીધના ટોળાંથી બચાવવા ઝઝૂમતો સિગાવલ ત્યારે સાવ લાચાર લાગે. ખજાનો જોઈને શરુ થયેલું ગાંડપણ છેવટે કરુણ અંજામ લાવે. તપ્ત રેતીના લોકો, એમની તકલીફો, પરિસ્થિતિ સામે ઝઝૂમવાની તાકાત વાર્તાના દરેક નાના-મોટા પ્રસંગમાં તાદૃશ થાય.
સિગાવલનું બુધ્ધિ ચાતુર્ય અને સાહસ જ્યારે આશ્કાનું સૌંદર્ય અને સાહસ એટલે રેશમી કપડાં પર બહુ જ ધીરજપૂર્વક મૂકેલાં આભલાં!
ચન્દર ઝાલોટ એટલે કોણ એ તો વાર્તમાં મળતાં ખજાના કરતાંય વધારે અદ્ભૂત!
મળતાં રહીશું નવા પુસ્તકના પાને!
અન્ય માહિતી – પ્રકાશન વર્ષ (પ્રથમ આવૃત્તિ) ૧૯૭૯, પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન – નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ અને ટોયક્રા અમદાવાદ , પુસ્તક કિંમત – રુ. ૪૦૦
પુસ્તક ઑનલાઈન ખરીદવા અહીં ક્લિક કરો… https://amzn.to/3awYJir
– હીરલ વ્યાસ
પરિભ્રમણ કૉલમ અંતર્ગત હીરલ વ્યાસની કલમે લખાયેલ સરસ મજાનાં પુસ્તકોનો પરિચય અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
નવલકથા વાંંચવા પ્રેરે એ રીતનું લખાણ. અભિનંદન.
આભાર અંકુરભાઈ
Beautifully crafted! Like I read it myself… Keep up the good work.
આભાર સ્વાતિ