સોલહ બરસકી બાલી ઉમરકો સલામ 2


“તમારું નામ નહીં કહો?” જીગાભાઈએ મારી સામે જોઈ કહ્યું. હું ચમક્યો. મારું નામ તો જીગાભાઈને ખબર જ છે. ભૂલી ગયા હશે? પણ હું કહું એ પહેલા પેલી બોલી “બિંદીયા.”

કમલેશ જોષી લિખિત કૉલમ ‘સ્મશાનયાત્રા‘ના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

મોટી બેનની એસ.એસ.સી.ની અને મારી આઠમા ધોરણની પરીક્ષા પૂરી થઈ પછી પપ્પા, મમ્મી હું, મોટીબેન, ગામડેથી આવેલા દાદા-દાદી, પપ્પાના ભાઈ એટલે કે મારા કાકા અને કાકી અને એના બે બાળકો – નવમું ભણતી ગૌરી અને અગિયારમું ભણતો જીગ્નેશ – અમે સૌ એક મોટી તૂફાન ગાડી બાંધી કચ્છ ફરવા નીકળ્યા. મમ્મી અને મોટી બેન બધાં સગાંઓને ઓળખે પણ મને કોઈ સંબંધની ખબર ન પડે. ફૈબા, ભાભુ, જેઠ, દેર, દેરાણી, જેઠાણી, જમાઈ, વેવાઈ, વેવાણ, સાસુ, સસરા, ભત્રીજો, ભાણેજ, ભાભી ઓહો.. હું તો આવી વાતો શરુ થતી ત્યારે ગૂંચવાઈ જ જતો. મને એટલી ખબર હતી કે ગૌરી અને જીગો મારા કઝીન થાય. કાકાનું નામ જતીનકાકા અને કાકીનું નામ વીણાકાકી.

ગૌરી અને મોટી બેન પાકી બહેનપણી બની ગયા. હું અને જીગાભાઈ પાકા ગુરૂ-ચેલા બની ગયા. ઉનાળો હતો, પણ તૂફાન ગાડી ચાલુ થઈ અને મોટા રોડે ચઢી એટલે પવન શરૂ થઈ ગયો. કોણ જાણે કેટલા કલાક ગાડી દોડી! ક્યારેક મને નીંદર પણ ચઢી જતી તો ક્યારેક સૌ ગાડીમાં ગીતો ગાતા. દાદીમા મોટી બેન અને ગૌરીને સમજાવતા હતા. આશાપુરા માતાજી આપણા કુળદેવી છે, નાથુબાપા આપણા સુરાપુરા. વચ્ચે વચ્ચે કાકા અને પપ્પા બોલતા. કચ્છમાં સફેદ રણ છે, પણ કચ્છનો વિકાસ જોઈએ એવો નથી થયો. એક રણ રાજસ્થાનમાં છે. ગૌરી, કાકી અને મમ્મી ક્યારેક અથાણાંની તો ક્યારેક સગાઈ-લગ્નની વાતો કરવા માંડતા. દાદા મને અને જીગાને ભણવાની, રમવાની ને મારા પપ્પા અને કાકા નાના હતા ત્યારે એ લોકો કચ્છ આવેલા એની ને કચ્છના રાજાની ને જામનગરના રાજાની ને એવી એવી વાતો કરતા હતા. જીગાભાઈ અને મને એ સાંભળવાની મજા આવતી હતી.

અમે ભુજની કોઈ ધર્મશાળામાં જમ્યા. રસ્તામાં મમ્મીએ લીધેલા સેવ-મમરા, ચેવડો, બિસ્કીટ ખાતાં, પાણીની બોટલમાંથી પાણી પીતાં, રસ્તામાં ક્યારેક જોવા મળતા સાંઢિયા જોતાં, છેક સાંજે અમે માતાના મઢે પહોંચ્યા. આરતી કરી. રાત્રે ત્યાં ભોજન લીધું. રાત્રે ત્યાં જ ઉતારો કર્યો. હું અને જીગો બૉલથી રમ્યા. સવારે નાહી-ધોઈ અમે આરતી કરી. નાસ્તો કર્યો. ત્યાંથી નારાયણ સરોવર, કોટેશ્વર થઈ પાછા માતાના મઢે આવ્યા. ફરી ભોજન લીધું. આરામ કર્યો. દાદા-દાદીના ચહેરા પર અનેરી ખુશી જોવા મળતી હતી. મને જોકે સ્કૂલના પ્રવાસ જેવો જ આ એક પ્રવાસ લાગ્યો હતો.

હા, એ વાત ભુલાઈ ગઈ. હું પાંચમું ભણતો ત્યારે સ્કૂલમાંથી બસમાં બેસી અમને જુનાગઢ પ્રવાસમાં ગયા હતા. મોટો બધો પર્વત હતો, કિલ્લો હતો, શક્કરબાગમાં જંગલી જાનવરો હતા. ટીચર બસમાંથી જયારે પણ અમે નીચે ઉતરીને પાછા ચઢતા ત્યારે હાજરી પૂરતા. અમારા ટિફિનમાંથી સૂકીભાજી અને થેપલા અમે જમ્યા હતા. હું અને પિન્ટુ ભેગા જ જમ્યા હતા. અમે એકબીજાનો હાથ પકડી રાખતા. તોફાની ટોળીના છોકરાઓએ ત્યાંની બજારમાંથી ચશ્માં, ટોપી એવું એવું ખરીદ્યું હતું.

માતાના મઢની બજારમાંથી દાદાએ, મને અને જીગાને ટોપી અને ચશ્માં લઈ આપ્યા. મોટી બેન અને ગૌરીએ બંગડી, બિંદી અને પાકીટ જેવું કંઈક લીધું. દુકાનોમાં તલવાર, ઢાલને એવુંયે મળતું હતું. જતીનકાકાએ સૌને કચ્છની દાબેલી ખવડાવી. સોડા-સરબત પીને અમે ફરી તૂફાનમાં બેસી ગયા. પાછા ફરતી વખતે મોરબી પાસે માટેલ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. સાંજે વીરપુર જલારામબાપાના દર્શન કર્યા અને ત્યાં જ ભોજન લીધું. આટલું બધું ફર-ફર કરવાની એટલી બધી મજા આવતી હતી કે ન પૂછો વાત. રાત્રે અમે જુનાગઢ પહોંચ્યા. ત્યાં અમારા સગાંના દીકરાના લગ્ન હતા. મોટી બેને મને સમજાવ્યું તો ખરું પણ મને સંબંધ સમજાયો નહીં. અમારે જુનાગઢથી ભાવનગર જાનમાં જવાનું હતું. કેટલા બધા સગાંઓ ત્યાં હતા. રાત્રે સૌ દાંડિયારાસ રમ્યા. આઇસક્રીમ ખાધો, ભેળ ખાધી. વરરાજા તો ફિલ્મના હીરો જેવા લાગતા હતા. મોટી બેન, ગૌરી અને એવી બીજી છોકરીઓ પણ હિરોઈનો જેવી લાગતી હતી.

વહેલી સવારે પાંચેક વાગ્યે જાન ઉપડી, તે દસેક વાગ્યે ભાવનગર પહોંચી. અમારું સ્વાગત થયું. ગાંઠિયા-જલેબી અમને સૌને અપાયા. ઉતારા અપાયા. સૌ તૈયાર થવા લાગ્યા. નીચે કંઈક વિધિ ચાલતી હતી. ટેપ પર ગીતો વાગતા હતા. મમ્મીએ મને પણ નવા કપડાં પહેરવા આપેલા. નવા બૂટ અને દાદાએ લઈ આપેલા ગૉગલ્સ ચશ્માંમાં હુંય મસ્ત લાગતો હતો. જાનૈયાઓ સાથે હું અને જીગાભાઈ માંડવામાં મહાલવા લાગ્યા. જીગાભાઈનો માભો પણ જોરદાર હતો. નળ પાસે હું અને જીગાભાઈ પાણી પીતા હતા ત્યાં બે’ક છોકરીઓ પણ પાણી પીતી હતી. એકે જીગાભાઈ સામે જોઈ કહ્યું “વેરી હેન્ડસમ.” હું ગભરાઈ ગયો. જીગાભાઈ કશો જવાબ આપે એ પહેલા પેલી બંને હસતી હસતી જતી રહી. જીગાભાઈ તો ભારે હિંમતવાળા! એ પછી તો પેલી છોકરીઓ, જીગાભાઈ અને હું રમતે ચડ્યા. દૂર-દૂરથી એ છોકરીઓ જીગાભાઈને કંઈક ઈશારા કરતી હતી. જીગાભાઈ એમને ઈશારા કરતા હતા. મને બીક લાગતી હતી. મોટી બેન કે પપ્પા જોઈ જશે તો? પણ સૌ કોઈ લગ્નની વિધિઓમાં વ્યસ્ત હતા.

જીગાભાઈ દાદાને ટેકો આપતા ઉપરના માળે ઓરડીમાં સૂવા લઈ જઈ રહ્યા હતા. મને કહે પાણીનો એક ગ્લાસ દાદા માટે ભરી આવ. હું દોડ્યો. ત્યાં નળ પાસે પેલી બંનેમાંથી એક ઊભી હતી. હું ગભરાઈ ગયો. એની સામે જોયા વિના હું નળમાંથી ગ્લાસ ભરવા લાગ્યો.

“તારું નામ શું છે?” એ બોલી.

“બંટી.” મેં કહ્યું.

“ઓલા હીરોનું?”

“જીગાભાઈ.” હું ઝડપથી બોલી ગયો. એ મજાક ભર્યું હસી એટલે તરત જ મેં મારી ભૂલ સુધારી. “જીજ્ઞેશભાઈ.”

એ ચાલી ગઈ. હું ગ્લાસ લઈ દોડ્યો. દાદાને ઓરડીમાં સુવાડી હું અને જીગાભાઈ બહાર નીકળ્યા ત્યારે મેં એને પેલી નામવાળી વાત કરી. એ મલકાયા. મને લાગ્યું, જીગાભાઈ મિથુન ચક્રવર્તી હતા અને પેલી પદ્મિની કોલ્હાપુરી, પણ હું? મને મારો રોલ સમજાયો નહીં. હું પપ્પા પાસે જઈ બેસી ગયો. મારું ધ્યાન મિથુન અને પદ્મિની પર હતું. એ લોકોના ઈશારા ચાલુ હતા. એકબીજા સામે છાનામાના જોઈ એ લોકો હસી લેતા હતા.

મને કોઈ ફિલ્મ ચાલતી હોય એવું લાગ્યું. અચાનક એક છોકરો મારી પાસે આવ્યો. “તમને પેલા ભાઈ બોલાવે છે.” મેં એણે ચીંધેલી આંગળીની દિશામાં જોયું. એક દાઢીવાળો તગડો છોકરો ત્યાં ઊભો હતો. મને બીક લાગી. હું બેસી રહ્યો. થોડીવારે મેં જીગાભાઈ અને એ દાઢીવાળાને દાદર ચઢી અગાશી તરફ જતા જોયા. છત પાછળ એ લોકો ગાયબ થઈ ગયા. હું તાકી જ રહ્યો. થોડી વારે પેલો દાઢીવાળો ત્યાંથી પાછો ફર્યો. જીગાભાઈ ક્યાં? મને થયું પપ્પાને કહું? પણ કહું તોયે શું કહું? મુંઝવણ વધી ગઈ. હું મોટી બેન પાસે ગયો. મંડપ નીચે મા’રાજ શ્લોક બોલતા હતા. વર-કન્યા ફેરા ફરતા હતા. મોટી બેન, મમ્મી, એ બધાં વાતો કરતાં, ગીતો ગાતાં, ફૂલ ફેંકતાં હતાં. ત્યાં મેં પેલી પદ્મિનીને જોઈ. એણે મને ઈશારાથી બહાર બોલાવ્યો. મેં ના પાડી. એણે મારી સામે ડોળા કાઢ્યા. હું ફરી ડરી ગયો. ધીમે-ધીમે નળ પાસે પહોંચ્યો. એ એની બહેનપણી સાથે મારી તરફ આવી.

ત્યાં મેં જીગાભાઈને દાદરા ઉતરતા જોયા. હું દોડીને એમની પાસે પહોંચી ગયો. પેલી નળ પાસે જઈ ઊભી. જીગાભાઈ મનેય નળ પાસે લઈ ગયા. એક બાજુ જીગાભાઈ ઊભા હતા. વચ્ચે હું ઊભો હતો. બીજી બાજુ પદ્મિની કોલ્હાપુરી ઊભી હતી.

“તમારું નામ નહીં કહો?” જીગાભાઈએ મારી સામે જોઈ કહ્યું. હું ચમક્યો. મારું નામ તો જીગાભાઈને ખબર જ છે. ભૂલી ગયા હશે? પણ હું કહું એ પહેલા પેલી બોલી “બિંદીયા.”

“ગામ?” જીગાભાઈનો બીજો પ્રશ્ન.

“પોરબંદર.” એ બોલી.

“આવશું ક્યારેક પોરબંદર.” જીગાભાઈ બોલ્યા.

“હું રાહ જોઈશ.” એ બોલી. ત્યાં “હાલો મહેમાનો.. હરિહર કરવા પધારો.” એવી બૂમ પડી. પેલી બંને ઝડપથી ત્યાંથી સરકી ગઈ. હું અને જીગાભાઈ જાનૈયાઓ સાથે જમવાની પંગત જ્યાં હતી એ તરફ ગયા. આ ઘટનાએ મારા દિલો-દિમાગને હચમચાવી મૂક્યું હતું. આ શું હતું? કોને પૂછવું?

એ દિવસોમાં ટીવી પણ વધવા માંડ્યા હતા. બુશ, ઓનિડા જેવી કંપનીઓના બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી સાથે એનું એન્ટેના પણ લગાડવું પડતું. મોટા પાઈપની ટોચ પર ઍલ્યુમિનિયમના સળિયાઓ ગોઠવીને બનાવેલું એન્ટેના અને ચોતરફ ફરી શકે એવી ચકલી પણ પાઈપમાં બીજા છેડે આપવામાં આવતી. ચકલી ખોલી પાઈપને ગોળ-ગોળ ફેરવવાથી ઉપર ઍલ્યુમિનિયમનો માંચડો ગોળ-ગોળ ફરી ઓમાન કે અબુધાબીની દિશામાં ગોઠવાતો. ફળિયામાં પાઈપ ફેરવનાર, છેક અંદરના ટીવીવાળા રૂમમાં સંભળાય એમ “આવ્યું? આવ્યું?” એવી બૂમો પાડતો અને અંદરથી “ના.. હજી ફેરવ, ના હજી ફેરવ.”ના અવાજો સંભળાતા. અચાનક એકદમ ક્લીન દૃશ્ય ઝીલાતાં ઘરમાં આનંદનું મોજું ફરી વળતું.

ટીવી વાળું ઘર આડોશીપાડોશીઓથી છલકાઈ જતું. ઘરમાલિક પણ એમાં રાજી થતો અને પોતાની અમીરી પર પોરસાતોય ખરો. દિવસે-દિવસે સોસાયટીમાં ટીવી એન્ટેનાઓની સંખ્યા વધવા માંડી હતી. ઓમાન, અબુધાબી ચેનલો પર ફિલ્મો આવતી. રાજ બબ્બર અને અનીતા રાજનું ‘હોઠો સે છૂ લો તુમ..’ ગીત મોટી બેન પણ ઘણી વાર ગાતી. જેને હું કદાચ નહોતો સમજી શકતો અથવા ગંદા સમજતો હતો એવા કેટલાક નવા શબ્દો મને સંભળાવા લાગ્યા હતા : લવ, પ્રેમ, ફ્રેન્ડશીપ.

ટીવી પર જૂની ફિલ્મો દર રવિવારે રજૂ થતી. રાજકપૂર, નરગીસ, શમ્મી કપૂર, વહીદા રહેમાન, દિલીપ કુમારની પાંચેક વાગ્યે શરૂ થતી ફિલ્મની પહેલા વિક્રમ વેતાળ કે સ્પાઈડર મેનના કાર્ટુન આવતા. ફીચર ફિલ્મ કા શેષ ભાગ ૭.૪૫ પર લખેલું આવે એટલે ઇન્ટરવલ પડતો. અમે અમારી પાછલી શેરીમાં રહેતાં અમારા કોઈ સગાંના ઘરે ફિલ્મ જોવા જતા. કોઈ ફિલ્મમાં હસાહસી હોય તો કોઈ ફિલ્મમાં જાસૂસી હોય. મને તો ફાઈટીંગ બહુ ગમતી. અમારા ઘરે જૂના જમાનાનો રેડિયો હતો. એમાં જૂના ગીતો આવતા. એમાં સમાચાર પણ આવતા.

મને સમાચાર ગમતા નહીં. મારા પપ્પા ઘણીવાર સાંભળતા. એ તો છાપામાં આવતા સમાચાર પણ વાંચતા. સ્કૂલે ટીચર અમને સમાચારનું મહત્વ સમજાવતા. સ્કૂલના પ્રાર્થના કાર્યક્રમમાં પણ સમાચાર પઠન થતું. ક્યારેક પિન્ટુ પણ એ સમાચાર બોલતો. અમારા ક્લાસમાં નવા આવેલા સાહેબ દેશ-વિદેશની બહુ વાતો કરતા. એ કહેતા કે દેશમાં બહુ મોટી ચૂંટણી થવાની હતી. એ કહેતા કે પાકિસ્તાનનો જન્મ ભારતમાંથી થયો હતો. ભારતની પૂર્વે અને પશ્ચિમે એમ બે પાકિસ્તાન હતા. ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું એટલે નવા બાંગ્લાદેશ રાષ્ટ્રનો જન્મ થયો. ઈન્દિરા ગાંધી ત્યારે ભારતના વડાપ્રધાન હતા. રશિયા ભારતનું મિત્ર હતું. અમેરિકા પાકિસ્તાનને મદદ કરતું હતું. બે વખત વિશ્વ યુદ્ધ થયા હતા. હિટલર એક ખતરનાક સરમુખત્યાર હતો. એણે ગૅસચેમ્બરમાં સાંઇઠ લાખ લોકોને મારી નાખ્યા હતા. ભોપાલમાં ગૅસ લીક થયો હતો. જાપાન પર અણુબૉંબ ફોડવામાં આવ્યા હતા. ઓહોહો… એ સાહેબ તો બહુ ભારે. બોર્ડ પર નકશા દોરી આખી દુનિયામાં અમને ફેરવતા.

પેલી તોફાની ટોળીને આ યુદ્ધની અને અણુબૉંબની વાત બહુ ગમતી. એ બહુ પ્રશ્ન પૂછતી. અણુબૉંબ એટલે શું? કઈ દુકાને મળે? હાથથી ઉપાડવાનો કે જેસીબીથી? ક્યારેક એ લોકો મસ્તીએ ચઢી જતા. રિસેસમાં એ લોકો ક્યારેક પેલી બંસીની અને પિન્કીની મિમિક્રી કરતા. પિન્ટુને આ ન ગમતું એટલે મનેય આવું ન ગમતું.

એક દિવસ પેલી પિન્કીએ પેલા તોફાની ટોળામાંથી એક બદમાશને જોરદારની થપ્પડ મારી દીધી. જબરી બબાલ મચી. શિક્ષકો આવ્યા, પ્રિન્સીપાલ આવ્યા. પેલા બદમાશના વાલીને બોલાવવામાં આવ્યા. એનું નામ સ્કૂલમાંથી કમી કરી નાખવામાં આવ્યું. તોફાની ટોળીમાં સન્નાટો છવાઈ ગયો. મોડે-મોડે અમને જાણવા મળ્યું કે એ બદમાશે પિન્કીને ચિઠ્ઠી લખી હતી.

ચિઠ્ઠી?

અમે નિશાળે ન આવતા ત્યારે ટીચર વાલીની ચિઠ્ઠી લઈ આવવાનું કહેતા, એ ચિઠ્ઠી મને ખબર હતી. પેલા બદમાશે પિન્કીને વળી શાની ચિઠ્ઠી આપી હશે? મેં પિન્ટુને પૂછ્યું. એનેય ખબર ન હતી. એનો જવાબ અમારી પાછલી શેરીમાં રહેતા ગોટીએ મને આપ્યો. “એ બદમાશે પિન્કીને લવલેટર આપ્યો હશે.” હું ચોંક્યો.

“હેં? લવલેટર? એટલે શું?”

ગોટી શરમાતા બોલ્યો, “તું કોઈને કહેતો નહીં, તો તને કહું.” મને રહસ્યમય લાગ્યું.

મેં કહ્યું, “નહીં કહું.”

એ બોલ્યો, “મારી મમ્મીએ મને હમણાં બહુ ધમાર્યો હતો અને બાથરૂમમાં પૂરી દીધો હતો.”

મેં પૂછ્યું, “કેમ?”

તો ગોટી કહે, “પાનની દુકાને પેલા રસિક અંકલ રિક્ષાવાળા ઊભા હોય છે ને?”

મેં યાદ કરી હકારમાં માથું ધુણાવ્યું એટલે ગોટી બોલ્યો, “એક દિવસ એણે મને એક ચિઠ્ઠી આપી અને પેલા શિક્ષક કાકાની ટીનાદીદીને આપવા કહ્યું. મને બીક લાગી મેં પૂછ્યું એમાં શું છે? તો એ કહે, ભણવાના ચોપડાનું લિસ્ટ છે, તારી ટીનાદીદીને આપી દેજે અને એ વાંચી લે એટલે પાછું લેતો આવજે તો હું તને આ ચૉકલેટ આપીશ. બહુ મોટી ચૉકલેટ રસિકઅંકલે મને બતાવી. હું ટીનાદીદી પાસે ચિઠ્ઠી વંચાવી આવ્યો. રસિકે મને ચૉકલેટ આપી. એ પછી ઘણીવાર મને રસિક અંકલે ચૉકલેટ આપી, પણ બે દિવસ પહેલા હું ટીનાદીદીને ચિઠ્ઠી આપવા જતો હતો ત્યાં મારી મમ્મીએ મને ઘરે બોલાવી લીધો. “ગોટી.. ચલ નાસ્તો કરી લેસન કરવા બેસ.”

મેં કહ્યું, “હું આ ચિઠ્ઠી ટીનાદીદીને આપી આવું.” એમણે એ ચિઠ્ઠી વાંચી. કોણ જાણે કેમ મારી સામે ડોળા ફાડ્યા. પછી મને બે ધોલ મારી દીધી. હું રડવા માંડ્યો. મેં પાનવાળાની દુકાને ઉભેલા રસિક અંકલનું નામ આપ્યું. મમ્મી ઘર બહાર નીકળી. પાનવાળાની દુકાને રસિક અંકલ નહોતા. હું ડરી ગયો. મમ્મીએ પપ્પાને વાત કરતી વખતે આ ચિઠ્ઠીને લવલેટર કહી એટલે મને ખબર પડી કે આને લવલેટર કહેવાય. પપ્પા એ પણ મને ધોકાવ્યો.”

બે દિવસ બાદ સોસાયટીમાં હાહાકાર મચી ગયો. ટીનાદીદીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ જીપ પણ શિક્ષક કાકાના ઘરે આવી હતી. ઘરમાં થતી વાતો પરથી મને ખબર પડી કે એક તો રસિક અંકલ રખડું હતા અને બીજું એની અને ટીનાદીદીની જ્ઞાતિ પણ એક ન હતી.

મને મારી જ્ઞાતિ ખબર હતી. મમ્મી કહેતી અમે બ્રાહ્મણ હતા. સોસાયટીમાં અમને ઘણીવાર જમવા આવવાનું આમંત્રણ મળતું. મેં સાંભળ્યું હતું કે અમારી સોસાયટીમાં મોટાભાગના દરબાર, પટેલ, વાણીયા અને બ્રાહ્મણ રહેતા હતા. બ્રાહ્મણમાં પણ પેટા જ્ઞાતિઓ હતી: સારસ્વત, શ્રીગોળ, ગુગળી.. મને જીગાભાઈની ભાવનગરના લગ્નવાળી ઘટના યાદ આવી. કોણ જાણે કેમ મને કશુંક રહસ્યમય લાગી રહ્યું હતું. કેટલાક કામો લોકો છાનામાના, ચોરીછૂપીથી, કોઈને ખબર ન પડે એમ કરતા હતા. ક્રિકેટ રમવા જતા ત્યારે બે’ક છોકરાઓ બાવળ પાછળ બીડી સળગાવતા. નિશાળની ચોપડીમાં હીરોઇનના ફોટા રાખતા. પરીક્ષામાં પૅન્ટના અંદરના ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢતા.

ક્યારેક મને પેલા ઇમોશનલ વિદ્યાર્થીએ કરેલો આપઘાત યાદ આવી જતો તો ક્યારેક ટીનાદીદીનું મૃત્યુ. હિટલરે ગૅસચેમ્બરમાં મારી નાખેલા સાંઠ લાખ લોકોની કલ્પના મને ધ્રુજાવતી. મારા દાદીમા ક્યારેક કહેતા, “બંટી દીકરા, જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે.”

હું પૂછતો, “તમને મૃત્યુની બીક નથી લાગતી?”

એ કહેતા, “લાગે છે ને! પણ બીવાથી એને આવતું અટકાવી શકાય ખરું? તું વિચાર તો કર. જે જન્મે એ કોઈ મરે જ નહીં તો શું થાય? વસ્તી વધ્યે જ રાખે. ચારે બાજુ મારા જેવા ડોસા-ડોસીઓ ફરતા હોય. બસમાં કે ટ્રેનમાં જગ્યા ન મળે. કોઈ મરે જ નહિ.” દાદા આ કલ્પનાને એવી ચગાવતા કે છેલ્લે હું અને દાદા હસવા માંડી જતા. દાદાજીનું એક વાક્ય મને બહુ ગંભીર લાગતું, “સ્મશાન યાત્રા જ એક એવો પ્રસંગ છે જેમાં જેનો પ્રસંગ હોય છે એ જ મેઇન વ્યક્તિ પોતે જ હાજર હોતો નથી.”

– કમલેશ જોષી


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “સોલહ બરસકી બાલી ઉમરકો સલામ