રોગ, યોગ અને પ્રયોગ : જ્યોતીન્દ્ર દવેનું અદ્રુત સર્જન 3


જ્યોતીન્દ્ર દવેને વાંચતી વખતે એમના શુગર કોટેડ હાસ્યનો અનુભવ થયા વગર રહે નહી. કયા છેડે એમનું હાસ્ય પૂરું થાય અને ફિલસૂફી શરૂ થાય અને વળી ફિલસૂફીમાંથી એકદમ આનંદ તરફ તેઓ ક્યારેય વળી જાય તેની ક્યારેક તો ખબર પણ ન પડે.

એક અદભુત સુખ – હાસ્ય

હસી લઈએ, સ્વયંમાં વસી લઈએ

Jyotindra Dave

સુખી લોકો પાસે રહેલું એક રામબાણ ઔષધ દુનિયાના દરેક માણસ પાસે છે, પણ તે તેને વાપરતો નથી. આ ઔષધ આમ જોવા જઈએ તો બહુ મોટું રહસ્ય  અને આમ જોવા જઈએ તો એકદમ નાની અને સરળ વાત છે. સુખી માણસો પાસે અને આપણી સૌની પાસે હાસ્ય નામનું એક ઔષધ છે, પણ આપણે બહુ ઓછો તેનો ઉપયોગ જીવનમાં કરીએ છીએ.

આજે લોકો ખુલીને હસી શકતા નથી એનાથી મોટી બીજી વિટંબણા કઇ હોઇ શકે?! હસી નહીં શકે એ જીવી નહીં શકે- આગામી દિવસોનું આ સનાતન સત્ય વાક્ય હશે. જો તમને ક્યારેક તમારી જિંદગી વધારે ભારેખમ લાગે તો , એકાદ વાર પ્રયત્ન તો કરી જુઓ વિદૂષક થવાનો,જે અંદરથી રડતો હોય છે, પણ રમૂજના ફૂવારા ઉડાડતો હોય બાળકો સાથે ગેલ કરતો હોય એ રીતે પોતાના મનની ઉદાસીનો ઈલાજ કરતો હોય. એના બદલે આપણે ક્ષુલ્લક બાબતોમાં કેટલા ભારેખમ થઈ જઈએ છીએ! આ જ વાત કવિ શ્રી રાજેન્દ્ર શાહે આ રીતે પદ્યમાં કીધી છે,

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર!

અને જો તમારે ભારેખમ ન થવું હોય અને જિંદગીને હળવીફૂલ બનાવીને ગમતાનો ગુલાલ કરવો હોય તો શ્રી જ્યોતીન્દ્ર દવે લિખિત “રોગ, યોગ અને પ્રયોગ” વાંચવું રહ્યું.

જ્યોતીન્દ્ર દવેનું હાસ્ય બધાંને હળવા બનાવે એવું છે કોઈને હલકા બનાવે તેવું નથી. જ્યોતીન્દ્ર દવે હાસ્યના ઉત્તમ પ્રકારને સારી રીતે જાણે છે અને એટલે જ એ પોતાની જાતની સૌથી વધુ ઠેકડી ઉડાડે છે! જ્યોતીન્દ્ર

દવે સાહેબને વાંચીએ ત્યારે તેમની આબેહૂબ વર્ણન શક્તિના કારણે એમનું લખાણ આપણી કલ્પના શક્તિના આધારે નજર સમક્ષ એક દ્રશ્ય બનીને તરવરવા લાગે છે. ક્યારેક એક કલ્પના એવી પણ મગજમાં આવે કે જો હાસ્યને હાથ – પગ – પેટ – માથું ફૂટી નીકળે તો તે કેવું લાગે? આ સવાલ છે એ કદાચ ઘણી બધી રીતે પૂછી શકાય. પરંતુ જવાબ એક જ રીતે આપવાનો થાય – ‘જ્યોતીન્દ્ર દવે જેવું.’ ગુજરાતી ભાષામાં જ્યોતીન્દ્ર દવે એટલે હાસ્યનો પર્યાય એવું કહીએ તો એમાં અતિશયોક્તિ એટલા માટે ન થાય જ્યોતીન્દ્ર દવે પછી એમના જેવું લખવાવાળુ લગભગ કોઈ નથી. ગુજરાતી સાહિત્યના આદિકાળથી અર્વાચીન કાળ સુધીમાં માહિતીપ્રધાન હાસ્ય જો કોઈએ પિરસ્યું હોય તો તે એકમાત્ર જ્યોતીન્દ્ર દવે જ રહ્યા.

જ્યોતીન્દ્ર દવેને વાંચતી વખતે એમના શુગર કોટેડ હાસ્યનો અનુભવ થયા વગર રહે નહી. કયા છેડે એમનું હાસ્ય પૂરું થાય અને ફિલસૂફી શરૂ થાય અને વળી ફિલસૂફીમાંથી એકદમ આનંદ તરફ તેઓ ક્યારેય વળી જાય તેની ક્યારેક તો ખબર પણ ન પડે. એ સહજતા અને સરળતા જ એમની સિદ્ધિઓ છે. હાસ્યનો અદભુત યોગ તેમનો મોટો પ્રયોગ છે અને એને વાંચવાથી આપણા કંટાળા સહિતના ઘણા રોગ ભાગી જાય છે. સાવ રમત-રમતમાં જિંદગીની કેટલીક અટપટી ફિલસૂફીને સહજ રીતે કહી નાખવી એ જ્યોતીન્દ્ર દવેની કલમનો કાયમી સ્વભાવ છે.

આવું જ સુંદર સંમિશ્રણ એટલે જ્યોતીન્દ્ર દવેનું પુસ્તક “રોગ, યોગ અને પ્રયોગ.” ફ્લૂ જેવા વિષયો કે જેના પર લખવાનું ભાગ્યે જ કોઈ વિચારી શકે તેવા વિષયોને હાથ પર લઈ પેટ પકડીને હસાવવાનું કામ તો જ્યોતીન્દ્ર દવે જેવો વિરલો જ કરી શકે. જ્યોતીન્દ્ર દવેનું વિષય વૈવિધ્ય, શબ્દભંડોળ, વિષયનું ઊંડાણ , એક વાત પરથી બીજી વાત પર એકદમ સરળતાથી જવાની અસાધારણ કળા ભાગ્યે જ અન્ય કોઈ લેખકમાં જોવા મળે. હાસ્ય કેટલા પ્રકારનું હોય છે એ જાણવા કાં તો વિવેચનાત્મક ગ્રંથો જોઈ શકાય અથવા જ્યોતીન્દ્ર દવેનું એકાદ પુસ્તક વાંચી શકાય. એ સમયે અસ્તિત્વમાં હોય એવા લગભગ તમામ હાસ્યના પ્રકારો પર જ્યોતીન્દ્ર દવેએ કામ કર્યું છે. જ્યોતીન્દ્ર દવેને બધા જ વર્ગો અને બધી જ ઉંમરનાં બધાં જ માણસો માણી શકે એ પ્રકારનું હાસ્ય જ એમને હાસ્યનો પર્યાય બનાવે છે.

‘રોગ, યોગ અને પ્રયોગ’માં આવતા ‘મારી વ્યાયામ સાધના’, ‘શરીર યંત્ર હોત તો તો?’, ‘વાળ વધારવાના ઉપાયો’ અને ‘જીવન એ અકસ્માત છે’ જેવા હાસ્ય લેખ લખતી વખતે જ્યોતીન્દ્ર દવે સોળે કળાએ ખીલી ઊઠે છે. ‘મારી પ્રેમ કથા’ માં આવતું સુધાકર અને સુધાનું વર્ણન હોય કે ‘મારી વ્યાયામ સાધના’માં દંડ-બેઠક કરતા મલ્લનું વર્ણન – જ્યોતીન્દ્ર દવેની કલમે આવવાથી આપણને ખડખડાટ હસી પડવા મજબૂર કરે છે.

ખાસ કરીને મલ્લ સામે જ્યોતીન્દ્ર સામેથી ચિત થઈ જાય અને પછી મલ્લ એમનાથી કંટાળીને હાર સ્વીકારી લે એ દ્રશ્ય અને કસરતનું તેમની ભાષામાં વર્ણન અને વિશ્લેષણ અદભુત  અને શાશ્વત બની રહે છે. તેમની મોટાભાગની કલાકૃતિઓમાં હાસ્ય નિષ્પન્ન કરવા જ્યોતીન્દ્ર શ્રેષ્ઠ હાસ્ય (ખુદ પોતાની જાતને હસી કાઢવી )નો સહારો લે છે. તેઓ બીજાની નબળાઈઓ પ્રત્યે પણ ધ્યાન દોરે છે. પરંતુ તે વ્યક્તિગત હોવા કરતાં સમાજગત વધારે હોય છે. તેમનું હાસ્ય ક્યારેય ભારેખમ સલાહ, મોટી ફિલસુફી કે કટુતા ધારણ કરતું નથી . એમના હાસ્ય નિબંધોમાં આવતા સંદર્ભો દ્વારા એમના સંસ્કૃતના, આયુર્વેદના અને ભાષાના ઊંડા જ્ઞાન માટે આપણને માન થયા વગર રહે નહિ.

‘મારી વ્યાયામ સાધના’ અને ‘હવાફેર માંડી વાળીએ છીએ’ તેમની સંવાદ પ્રસ્તુતિકરણની કલા આપણી સમક્ષ જાણે એક દ્રશ્ય ખડું કરી દે છે. ‘મારી પ્રકૃતિનો પ્રધાન દોષ’ નામનાં હાસ્યલેખમાં જ્યોતીન્દ્ર દવેની વર્ણનકલા માટે માન થઈ આવે છે. ખાસ કરીને એમણે અંક ગણિતના પુસ્તકનું જે રસાળ શૈલીમાં વર્ણન કરેલ છે એ ભાગ્યે જ કોઈ અન્ય હાસ્યલેખક વિચારી પણ શકે. ‘અર્બુદા’ નામના લેખમાં આવતું સગડીનું અને જઠરાગ્નિનું  ઉદાહરણ પણ એટલું જ સરસ રીતે તેમણે આલેખ્યું છે. વાતવાતમાં ઉપમા અને રૂપક જેવા અલંકારોનો પ્રયોગ કરવો તે તો જ્યોતીન્દ્ર દવે માટે ડાબા હાથનો ખેલ.તેમનું એક હાસ્ય વાક્ય” વાળ થઈને” નામનાં હાસ્ય -લેખમાં આ મુજબ આપેલું છે.

‘મારા જેવા વિદગ્ધ માણસને વિદગ્ધાજીર્ણ લાગુ પડે તેમાં નવાઈ નહિ પણ નવાઈ તો મને એ વાતની લાગે છે કે ખુદ અપચા માટેની દવા અપચો કરે તો પછી રોગનો ઉપાય શો કરવો?’ જ્યોતીન્દ્ર દવે ક્યારેક-ક્યારેક દંડ-બેઠકનાં (મારી વ્યાયામ સાધના) પ્રસંગમાંથી સિચ્યુએશનલ કોમેડી ઉત્પન્ન કરે છે ,તો ક્યારેક “વાળ અને ટાલ”ના નિબંધમાં વધુ પડતા સોફિસ્ટિકેટેડ શબ્દોનો પ્રયોગ કરી હાસ્ય નિષ્પન્ન કરે છે. ક્યારેક તે ખુદ પોતાની મજાક કરી (ટાલ:રોગ? કે લક્ષણ?) ને હસાવે છે. તો ક્યારેક સમાજ પર પ્રહારો કરી (આરામ નાહિ) આપણને હસાવે છે .ક્યારેક હાસ્ય છે એ શબ્દ દ્વારા ઉત્પન્ન કરે છે તો ક્યારેક અર્થ ચમત્કૃતિ દ્વારા હસાવે છે.

‘જીવન એ અકસ્માત છે’ જેવા લેખમાં જ્યોતીન્દ્ર હાસ્યને ફિલસૂફીમાં બોળીને પીરસવાનો સાવ નવતર અને છતાં ખૂબ સફળ પ્રયોગ કરે છે. જો કે આ નવતર પ્રયોગ પણ હળવોફૂલ રહે છે. એની ફિલસુફી તો આખીયે ચોકલેટ અંદર ઓગળીને ઓત-પ્રોત થઈ ગયા પછી ક્યાંક ઉત્પન્ન થાય છે!

જેમ-જેમ જ્યોતીન્દ્ર દવેને જાણતાં જઈએ તેમ-તેમ ખુદને પણ જાણતાં જઈએ છીએ એટલી હદે જીવનનાં મર્મો જ્યોતીન્દ્ર દવેના હાસ્યમાં ઠેર-ઠેર પથરાયેલાં જોવા મળે છે.જીવન હસવા માટે અને ઘણું-ખરું એમાં હસી નાખવા જેવું છે એ આ પુસ્તક વાંચ્યા બાદ સુપેરે સમજાય જાય છે.  જ્યોતીન્દ્ર દવેના હાસ્યમાં કયાંય આછકલાઈ આવતી નથી. ક્યાંય આછેરોય કંટાળો ન આવે એવું અને એકી બેઠકે વાંચી શકાય એવું આ અમૂલ્ય પુસ્તક છે. એમનું હાસ્ય એ નિર્ભેળ અને નિખાલસ છે અને “રોગ ,યોગ અને પ્રયોગ” પુસ્તક એનું જવલંત ઉદાહરણ છે.

– ધર્મેન્દ્ર કનાલા

અક્ષરનાદ પર જ્યોતીન્દ્ર દવેજીના લેખ અહીં ક્લિક કરીને માણી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “રોગ, યોગ અને પ્રયોગ : જ્યોતીન્દ્ર દવેનું અદ્રુત સર્જન