એ તો જોઈએ જ હોં (નિબંધ) – સ્વાતિ મેઢ 9


માળિયાં કેટકેટલું પોતાની અંદર સંઘરીને બેઠા હોય છે? વસ્તુઓ, લાગણીઓ, વીતી ગયેલા સમયનાં અભાવો, આનંદો, વેદનાઓ, સિદ્ધિઓ, નિરાશાઓની કથાઓનાં સ્મરણો

એક વાર ટેલીવિઝન પર ફિલ્મ જોઈ, ‘સિન્ડ્રેલા’ની વાર્તાની. એમાં સિન્ડ્રેલાની સાવકીમા એને માળિયામાં રહેવા મોકલી દે છે. ફિલ્મમાં સિન્ડ્રેલા રહેતી હતી એ માળિયું દેખાડ્યું છે. એ જોઈને લાગ્યું લે, આ તો મારા વતનના ઘરના માળિયા જેવું જ છે. એ ઘરમાં ખડકી, ચોક, પરસાળ, ઓરડો, ખડકીની મેડી, ચોકની અગાસી, પરસાળની મેડી, ઓરડાની મેડી અને એમાં માળિયું . મોટો એવો ઓરડો અને એમાં અડધા ભાગમાં વળી એક માળ બનાવેલો. આખો લાકડાના પાટિયાનો નીચે જાડા મજાના થાંભલાના ટેકે ઉભેલો માળ, એના પર ચડવા કઠેડા વિનાનો પણ મજબૂત દાદરો પણ હતો. માળિયા અને માથે પતરાના છાપરા વચ્ચે ઊભા રહી શકાય, હરીફરી શકાય એટલી જગ્યા.

woman covering her eyes

સિન્ડ્રેલાના માળિયાની જેમ જ એ માળિયામાં ઉંદરડા રહેતા અને ચામાચીડિયા, ગીરોળીઓ પણ ખરી. વતનમાં જવાનું થાય દર ઉનાળામાં. ખાસ તો એટલે કે એ જ વખતે એ ઘર વપરાય. બાકીનો સમય બંધ રહેતા આખા ઘરમાં ઉંદરો સ્વૈરવિહાર કરતા અને બંધ ઓરડાની મેડીનો અંધકાર ચામાચીડિયા માટે તો જાણે માદરે વતન. ઓરડાની છત પતરાની. ઉપર નળિયા નહીં. ઉનાળાની બપોરે તો જે તપે, જે તપે. છત પાસેની દીવાલમાં ચામાચીડિયા લટકતાં હોય. ઓરડાની મેડીનું બારણું ખૂલે કે સૂરજનું અજવાળું ઓરડામાં જાય. ચામાચીડિયા આકળવિકળ. થોડી વાર ઊડાઊડ કરે અને  પછી કોઈક અંધારો ખૂણો ગોતીને ત્યાં સેટલ થઈ જાય.

ગરોળીઓ કૂદાકૂદ કરે અને કોઈ ઢાંકણું તૂટેલા ડબ્બામાંથી ઉંદરો ડોકિયાં કરે. સહેજ ભડકી જવાય, પણ એ તો હોય, આપણે ય એમની ચિંતા નહીં કરવાની. આપણે આપણું કામ કરવાનું. એ ઓરડાની મેડીમાં બસ ત્રણ કામ હોય. ત્યાં પકવવા મૂકેલી કેરીઓ વીણીને થાળીમાં ભરીને નીચે લઈ જવાની. ત્યાં જ બાજુના એક કબાટમાં રાખેલી ચોપડીઓ વાંચવા માટે પરસાળની મેડીમાં લઈ જવાની અને ત્રીજું માળિયે ચડીને જૂનો સામાન તપાસવાનો. આ ત્રીજું કામ તો અલબત્ત મારા માતુશ્રી કરે.

હું તો માત્ર એ ચીજોને અડકાઅડકી કરીને ગરબડો કરું. ઓરડામાં ઝાંખો પ્રકાશ આપતો બલ્બ હોય, પતરાના છાપરામાંથી બપોરના સૂરજના કિરણોનાં ચાંદરણાં વેરાતાં હોય અને ઊંચે છત પાસે હવાબારીઓ હતી એમાંથી ઊડતાં રજકણો સાથે લઈને તડકો આવતો હોય. બધું મળીને એટલું અજવાળું હોય કે ત્યાં પડેલી વસ્તુઓના આકાર દેખાય.

અધધધ, કેવી કેવી અવનવી વસ્તુઓ રહેતી એ માળિયામાં! મને એ વસ્તુઓ જોવામાં  ઘણો રસ પડતો. કાંઠા તૂટેલી કોઠીઓ અને માટલાં, ચરોતરમાં ભોટવા નામે ઓળખાતા નાના કુંજા, પીપડા, પેટીઓ, કમાડ તૂટેલા કબાટો, કશાક સામાનો ભરેલા કોથળા, તૂટી ગયેલાં તોરણો, ફાટી ગયેલાં આસનિયાં, તૂટેલા એન્ટિક કપરાકબીઓ, કીટલીઓ. કાચ તૂટી ગયેલી ફ્રેમવાળા સુંદર પણ ઉંદરોએ નષ્ટ કરી દીધેલાં ચિત્રો, લાકડાના રમકડાં, અને અવનવી ચોપડીઓ. છાજલીઓ વિનાના ઘોડા, પૈડાં વિનાની ચાલણગાડી, કાણી થઈ ગયેલી ડોલો અને કોક વાર કામ આવનારા તગારાં. ઘણો બધો કામ લાગે એવો સામાન પણ ખરો.

મારાં માતુશ્રી વાતો કરવાનાં શોખીન. દરેક વસ્તુ ઉપાડતાં જાય અને એનો ઇતિહાસ રસિક ભાષામાં કહેતાં જાય. ખાંડણી-પરાઇ અને ઝારા-તાવેથા વિષે પણ એમની પાસે વાતો હોય. આ દરમ્યાન વ્યવહારકુશળ, વાસ્તવવાદી પિતાશ્રી કાઢી નાખવાની વસ્તુઓ કામવાળી પાસે નીચે ઉતરાવતા જાય. ઉનાળાની મોડી બપોર આમ તો લાંબી પણ આખરે પૂરી તો થાય જ ને? સૂરજ ઢળવા માંડે. છાપરેથી આવતાં ચાંદરણાં ઓસરવા માંડે. કાઢી નાખવાની વસ્તુઓ નીચે ઉતરી ગઈ હોય. બાકીનું બધું સમેટીને અમે માળિયેથી નીચે ઊતરીએ. આવી માળિયામુલાકાતો બે-ત્રણ વાર થાય. વેકેશન પૂરી થવા આવે અને એક મોડી બપોરે ઓરડાની મેડીથી લઈને ખડકી અને મોટા બારણે તાળાં મરાઈ જાય. વતન છોડીને વસવાટના શહેર તરફ અમે વળીએ. હવે આવતે વર્ષે, ફરીથી ઓરડાની મેડી, પકવવા મૂકેલી કેરીઓ, ઓરડાની મેડીના કબાટમાં મૂકેલી ચોપડીઓ અને માળિયું.

આ બધી મારાં બાળપણ અને કિશોરાવસ્થાની વાતો. કિશોરાવસ્થામાં જ એક વર્ષે ઓરડાની મેડીથી લઈને મોટા બારણાં સુધી બધે તાળાં મરાઈ ગયાં તે ફરી ન ઉઘડ્યા. કિશોરાવસ્થા ગઈ, વતનનું ઘર ગયું, માવતર પણ ગયાં. એ ઘર વેચાઈ ગયું. ભલભલા મોતીલાલ મૂળચંદોની હવેલીઓ ય વેચાઈ જાય છે તો આપણે કિસ ગિનતી મેં, હેં?

‘બસ બસ હવે. બહાર નીકળો સ્મરણોની શેરીઓમાંથી. વતનના પૈતૃક ઘરો તો સૌના હોય અને બધાં ઘરોમાં ખડકી, પરસાળ, ઓરડા, મેડીઓ, રસોડાં-પાણિયારાં હોય અને મેડીઓમાં માળિયાં ય હોય.’ ચેતના સહેજ ઠપકાના કડક અવાજે કહે છે.

ચેતનાનું આ જ દુખ છે. આપણે એ ય ને સ્મરણોની શેરીઓમાં મહાલતા હોઈએ, મસ્તીથી ઝૂમતા હોઈએ અને એ બોલવા માંડે, ‘ બસ હવે બહુ થયું.’ શું થાય? ચેતના એ ચેતના છે. વિગતરાગના કેફમાંથી એ જ બહાર લાવી શકે છે. સારું છે આમ તો.

એ જ ચેતના સમજાવે છે, માળિયા જૂના વખતના ઘરોમાં જ હોય એવું થોડું છે? આજકાલના ફ્લેટો બંગલાઓમાં ય માળિયા તો હોય જ છે ને. બંગલાઓમાં તો માળિયા ય હોય ને ભોંયરા ય હોય. એ ય ને બસ ભરે રાખો જોઈતો-વણજોઇતો સામાન. ભલે એમાં ધૂળ, બાવાં ભરાય, વસ્તુઓ બગડે, સડે. પણ જોઈએ તો ખરી જ મને મારી વસ્તુઓ. ભારતીય ગૃહિણીઓને ઘરમાં માળિયું હોય તે ગમે. થોડા વર્ષો પહેલાં ફલેટના બિલ્ડરો ભારતીય ગૃહિણીઓની હ્રદયની ઇચ્છા સમજીને ફ્લેટમાં માળિયાં બનાવતા.

ગૃહિણીઓ માળિયું છે એટલે એમાં સામાન ભરે. એની યાદી કરવા બેસીએ તો પ્રેમાનંદે ‘કુંવરબાઈના મામેરા’માં આપેલી યાદીથી ય લાંબી યાદી થાય અને એ ય માળિયે માળિયે જુદી. ત્યાં ઉંદરો તો કદાચ ન હોય, ચામાચીડિયા હોવાનો સંભવ નથી પણ ગીરોળીઓ તો હોય જ. આ માળિયાઓમાં દાદરા નથી હોતા. ગૃહિણી કે એમના આર્યપુત્ર પોતાની શારીરિક અનુકૂળતાઓ અનુસાર સીડી લાવીને ઉપર ચડે છે. કાઢી નાખવાની વસ્તુઓ કાઢી નાખે છે ને નવી વસ્તુઓ મૂકે છે. માળિયું છે તે શું કરવા?

કોઈ કોઈ અતિઉત્સાહી માવતર સિવાયના કોઈ માવતર બાળકોને માળિયે ચઢવા દેતા નથી. બાળપણો માળિયે ચઢ્યા વિના, એમાં ડોકિયું ય કર્યા વિના વીતી જાય છે. આ માળિયાને બારણાં હોય છે, કલાત્મક નકશીકામ કરેલી જાળીઓ લગાડેલી હોય છે. એ માળિયું હોવા છતાં માળિયું ન લાગે એવી ગોઠવણ કરેલી હોય છે. વળી એને લોફ્ટ કહેવાય છે, માળિયું નહીં. સુધરતી જતી ‘સંસ્કૃતિ’નો  સવાલ છે. ગઇકાલના માળિયા કદાચ માળ હતાં. હરીફરી શકાય એવા મોટાં. ઉનાળાની બપોરોએ મને ચામાચીડિયા કે ઉંદર-ગીરોળીઓથી ન ડરવાનું શીખવાડનારું માળિયું પણ એવું જ હતું.

ભલે ધૂળિયું, બાવા જાળાં લાગેલું પણ પોતાનામાં આવવા દેનારું. આવા માળિયાં કેટકેટલું પોતાની અંદર સંઘરીને બેઠા હોય છે? વસ્તુઓ, લાગણીઓ, વીતી ગયેલા સમયનાં અભાવો, આનંદો, વેદનાઓ, સિદ્ધિઓ, નિરાશાઓની કથાઓનાં સ્મરણો પણ. સાંકડાં, નાનાં આ નવા માળિયાં કહેતાં હોય છે સામાન ભરી રાખો છો એ બસ, તમારે એમાં ભરાવાની જરૂર નથી. જો કે કેટલીક ગૃહિણીઓ એ માળિયામાં અંદર જઈને, બેઠી બેઠી, ઝાપટઝૂપટ અને કચરો વાળવાનું કામ કરી જ લે છે, સાથે વીત્યા વખતમાં આંટો પણ મારી આવે છે.  

 ઇંટિરિયર ડિઝાઇનિંગ ભણેલી એક યુવતી મને પૂછે છે, ‘તમારે ત્યાં માળિયાં છે એનાથી વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ નથી થતું?’ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ અર્થાત દ્રષ્ટિફલકમાં નડતર.

‘શું કામ? આટલા સુંદર બારણાં કર્યાં છે, નડતર શાનું?’

સીધી સળંગ દીવાલ હોય છતથી ભોંય સુધી એક નજરે જોવાય, તો કેટલું એસ્થેટિક લાગે?’ હું એની વાત સમજું એ પહેલાં એણે સલાહ આપી, ‘હવે નવો ફ્લેટ લો ત્યારે એ વાતનું ધ્યાન રાખજો.’

આમ તો સલાહકારોને કોઈ સામી દલીલો કરે એ ગમતું નથી તો ય મેં કહ્યું, ‘હા, એ તો બરાબર. પણ સીધી સપાટ દીવાલોવાળા ફ્લેટમાં વધારાનો  સામાન ક્યાં મૂકવાનો?’ જવાબ મળ્યો. ‘એને માટે તમે સિલિંગ સ્ટોરેજ બનાવી શકો ને? રૂમની આખી સિલિંગ અથવા અમુક ભાગમાં મજબૂત ફોલ્સ સિલિંગ બનાવવાની. એમાં જઈ શકાય એ માપની સીડી પણ બનાવવાની. એમાં તો તમે નવો સામાન પણ રાખી શકો.’

 ‘આવી ફોલ્સ એટલે કે બનાવટી સિલિંગ દ્રષ્ટિફલકને નડતર ન કરે? સિલિંગ એટલી નીચી ન આવી જાય?’ મારે બીજી દલીલ કરવી હતી પણ આમે ય હવે બીજો નવો ફ્લેટ લેવાના પૈસા જ નથી મારી પાસે તો આવી ‘બૌદ્ધિક’ ચર્ચા શું કામ કરવી નવી પેઢીની સાથે?

 તો ય મેં મારા વિરોધ ગણગણાટને શાંત કરવા એક મિત્ર સાથે આ વિષે વાત તો કરી જ. એમણે મને સમજાવ્યું. ‘ આને ‘ઇંટિરિયર કર્યું’ કહેવાય.’

 હેં, એ તો મને ખબર જ નહીં. હશે ચાલો અજ્ઞાન ટળ્યું, જ્ઞાન લાધ્યું કે હવેના વખતમાં ફ્લેટમાં બિલ્ડરે નહીં બનાવી આપેલા પણ સુથારે બનાવેલા માળિયાને સિલિંગ સ્ટોરેજ કહેવાય. એ માળિયાનું આધુનિક નામ, ઇંટિરિયર ડિઝાઇનરોએ આપેલું. એમની પાસે તો માળિયા માટે બીજા જાતજાતના અંગ્રેજી ય શબ્દો હોય છે. એમ તો અમારી ગુજરાતીમાં ય માળિયા માટે બીજા શબ્દો છે. તો શું? આખરે માળિયું તો માળિયું જ ને? એક સમયે નવો અને કામનો પણ હવે ‘જૂનો, વધારાનો સામાન’ ભરવાનું ઠેકાણું. એ તો ઘરમાં જોઈએ હોં .

 હા, આપણને માળિયાં તો જોઈએ જ. ગઈકાલના મોટા, એમાં ફરી શકાય એવા એક આખા માળ જેવડા, આજનાં અંદર બેસીને કામ કરી શકાય એવડાં કે સીડી પર ચડીને સામાન લે-મૂક કરી શકાય એવડાં. સીધી, સપાટ છતથી ભોંય સુધીની દીવાલ આપણને નથી જોઈતી.

  માળિયાં જોઈએ છે, આપણને, આપણા મનને પણ. કેટકેટલી વાર આપણું મન પણ માળિયે ચડીને લે-મૂક, લે-મૂકની ગડમથલો કર્યા કરે છે? વર્તમાન ક્ષણની સીધી, સપાટ દીવાલો તો આપણા મનને પણ ક્યાં મંજૂર હોય છે? વારેવારે, સ્મરણોના દાદરા-સીડીઓ ચડીને આપણે પહોંચી જઈએ છીએ માળિયામાં ધૂળ, બાવાં, ગીરોળીઓ અને ભંગારની વસ્તુઓ વચ્ચે. કેટલું ય કાઢી નાખીએ છીએ છતાં ય કેટલું જમા થતું રહે છે.

ડહાપણ કહે છે, સીધી સપાટ ભોંયથી છત સુધીની દીવાલો વચ્ચે જીવો. મન કહે છે, ના, મારે તો માળિયું જોઈએ. અતીતને સંઘરવા, સાચવી રાખવા. ક્યારેક કામ લાગશે એવી આશાથી. નહીં તો પછી અમસ્તું પણ, ગઇકાલમાં આંટો મારી આવવા માટે. આવા આંટા મારવામાં ખબર પડે છે કે મનના માળિયામાં તો નકરો ડખો છે. નકામું વારેવારે હાથ આવ્યા કરે છે અને જતનથી જાળવવા જેવું કેટલું ય ખોવાઈ જાય છે. વણજોઈતું ધરાર સામે આવ્યા કરે છે સાથે મોટી લંગાર લઈને અને જોઈતું શી ખબર ક્યાંક છુપાઈ જાય છે. સામે જ છે એ ખબર હોય તો ય વખત પડે ન જડે.

ભોંયથી છત સુધીની સીધી સપાટ દીવાલો કે વ્યવસ્થિત માળિયું, કાતરિયું, લોફ્ટ કે સિલિંગ સ્ટોરેજ તો કદાચ સર્જનહારને પણ મંજૂર નથી માનવમન માટે. જોઈએ ત્યારે, જોઈએ એ જ અને જોઈએ એટલું જ માળિયામાંથી બહાર આવે એવું માનવમન હોય તો?

ન હોય, એવું માનવમન ન હોય. એટલે જ તો મને આ નિબંધ લખવો ગમ્યો. તમને પણ વાંચવો ગમ્યો, ગમ્યો ને?

ન ગમ્યો હોય તો તમે સીધી, સપાટ ભોંયથી છત સુધીની દીવાલવાળા વર્તમાનમાં જીવો છો.

અભિનંદન એ સિદ્ધિ માટે!

– સ્વાતિ મેઢ

(‘તાદર્થ્ય’ ગુજરાતી સાહિત્યિક સામાયિક, ઑક્ટોબર, ૨૦૨૦ માં પ્રગટ થયેલો નિબંધ)


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “એ તો જોઈએ જ હોં (નિબંધ) – સ્વાતિ મેઢ

  • Himshaila

    વાહ ! લેખિકાને કેટલું યાદ છે અને એ સરળ શૈલીમાં સુંદર રીતે રજૂ કરી શક્યાં છે ! તમારી ચેતના પણ તમને જાગૃત કરે છે. મને નિબંધ ખૂબ ગમ્યો. દરેકને પોતાનાં ઘરનાં માળિયામાં અચૂક પહોંચાડી દે એવો લેખ. હા, સંસ્કૃતિ સુધરી કરતાં બદલાઈ છે.

  • ઈલા મિસ્ત્રી

    માળીયું આપણી રહેણીકરણીનું અભિન્ન અંગ છે. ઘરમાં ભલે વ્યવસ્થિત રીતે બનાવેલું માળીયું ના હોય પણ ઘરમાં ક્યાંક ને ક્યાંક એની મેળે જગ્યા કરીને આકાર લઈ જ લે છે.

    આ માળીયાને લીધે જ ઘરમાં વરસમાં એક બે વાર “માળીયા ઉત્સવ” પણ મનાવવામાં આવે છે.

  • Rutvi Ashmil Desai

    Mami..khub sundar varnan karel chhe. Petlad ane Vadodara na ghar ni yaad aavi gayi. Keva maja thi madiya ma chadine saaf karta hata e divaso yaad aavi gaya.

  • rashmijagirdar

    માળીયા વિષે સંપૂર્ણ માહિતી આપીને મને મારાં માળીયાં યાદ આવી ગયાં. એક ગોદડાંનુ, એક વાસણનું એક ડપચરનું. આપણી ઘણી યાદો લઈને સુતું રહે માળિયું! અને એટલે જ કદાચ વ્હાલું લાગે છે માળિયું.. સુંદર આલેખન મઝા આવી. આભાર અને અભિનંદન

  • Anjali Vora

    વાહ સ્વાતિબેન………હળવાશભરી શૈલીમાં પણ માનવમનની વાત કહી દિધી. ઘરનું માળીયુ અને મનનું માળીયું-કેટલી સામ્યતા !!!!
    ખૂબ સરસ નિબંધ. હું તો ભૂતકાળમાં સરી પડી.

  • Archita Pandya

    વાહ, સ્મરણયાત્રા કરાવી અને જીવનની ફિલસૂફી પણ આપી. નિબંધ ખૂબ ગમ્યો.