કલાપ્રતિષ્ઠાન-કલાગ્રંથ, મમતા, એતદ્, સંચયન, શબ્દસૃષ્ટિ અને અભિયાન જેવા પ્રશિષ્ટ અને લોકપ્રિય સામયિકોમાં પ્રિયંકા જોષીની રચનાઓ પ્રકાશિત થઈ છે. ૨૦૧૮ માં અરસપરસ દ્વારા આયોજિત ટૂંકીવાર્તા સ્પર્ધામાં તૃતીય અને ૨૦૨૦ માં આયોજિત સ્મિતા પારેખ વાર્તા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
લેખક પરિચય :
લેખિકા પ્રિયંકા ચિંતન જોષી હાલમાં અમદાવાદમાં રહે છે. તેમનો જન્મ અમરેલી શહેરમાં થયેલો. શિક્ષિત માતાપિતાના બે સંતાનો પૈકી પ્રિયંકા નાનાભાઈને લાડ કરાવનાર મોટાબહેન છે. સુવ્યવસ્થિત અને લાગણીપૂર્વક થયેલા ઉછેરને કારણે તેઓ એક કલાકારનું વ્યક્તિત્વ મેળવી શક્યાં છે. ત્રણ વર્ષની નાનકડી સાહિત્ય સફરમાં તેઓએ ટુંકીવાર્તા, લેખ, અછાંદસ કાવ્યો, માઈક્રોફિક્શન વગેરેમાં કલમ અજમાવી છે. સર્જન ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલી એક શોર્ટફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. તેઓ લેખન સિવાય વાચિકમ્, સુગમ સંગીત ક્ષેત્રે સક્રિય રસ ધરાવે છે.ઉપરાંત પ્રવાસ, ચિત્રકલા અને ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે.
કલાપ્રતિષ્ઠાન-કલાગ્રંથ, મમતા, એતદ્, સંચયન, શબ્દસૃષ્ટિ અને અભિયાન જેવા પ્રશિષ્ટ અને લોકપ્રિય સામયિકોમાં એમની રચનાઓ પ્રકાશિત થઈ છે. ૨૦૧૮ માં અરસપરસ દ્વારા આયોજિત ટૂંકીવાર્તા સ્પર્ધામાં તૃતીય અને ૨૦૨૦ માં આયોજિત સ્મિતા પારેખ વાર્તા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તો ચાલો તપાસીએ એમની સ્મિતા પારેખ ૨૦૨૦ વિજેતા કૃતિ “પાંખો”ને મનના માઇક્રોસ્કોપથી: આ વાર્તા અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
પ્રથમ પુરુષમાં લખાયેલી આ કાવ્યાત્મક કૃતિ શરૂ થતાં જ તમને બાળપણની ગલીઓમાં લઈ જાય છે. કોઈપણ નામ વાપર્યા વિના લખાયેલી કૃતિ દરેકની સાથે સાંકળી શકાય છે. કૃતિ પ્રથમ પુરુષમાં નાયકના મોઢે કહેવામાં આવી છે છતાંય મુખ્ય પાત્ર નાયિકા છે. વાર્તા વાંચતાંવાંચતાં તમારી આંખમાં બાળપણનું વિસ્મય અંજાય છે તો કિશોરાવસ્થાના સપનાં, યુવાવસ્થાની મુગ્ધતા મનને ખુશ કરે છે તો પીઢ અવસ્થાની પાકટતામાં વાર્તા વિરમે છે. સાથે ઉડે છે અનેક રંગબેરંગી પતંગિયા, વાચકના મનમાં, આંખમાં અને વિચારોના આકાશમાં. પતંગિયાની અને નાયિકાની પાંખોનો એક સામટો ફફડાટ ચારેતરફ સંભળાય છે. વાત તો છે એ જ, નારીને પોતાના આકાશની ઝંખનાની પણ તેની તાજગીસભર રજૂઆત આ વાર્તાને નિર્વિવાદ વિજેતા બનાવે છે.
વાર્તાની થીમ :
સ્ત્રીને ઉડવું છે અને પુરુષને એને પોતાની પાસે બાંધી રાખવી છે પણ પાંખો હોય તો એક દિવસ ઉડી તો જાય જ!
વાર્તાનો પ્લોટ :
નાયક નાનપણથી જ નાયિકાને ઓળખે છે, તેની ઈચ્છાઓને જાણે છે. નાયક જાણે છે કે નાયિકા ઉન્મુક્ત પતંગિયા જેવી છે પણ તે નાયકને બહુ ગમે છે એટલે પોતાની પાસે બાંધી રાખવી છે પરંતુ છેવટે એક દિવસ નાયિકા પોતાની પાંખો ખોલે છે અને નાયકને છોડી ઉડી જાય છે અને નાયક હાર અનુભવે છે.
પરિવેશ :
અત્યારની આધુનિક વાર્તાઓની જેમ અહીં પણ પરિવેશને મહત્વ અપાયું નથી. પરંતુ સંવાદો દ્વારા બાળપણની ગલીઓમાં વાચક ફરવા લાગે છે તો પર્વતમાં ઉડી પણ શકે છે એ કલમની તાકાત છે. વાચકની આસપાસ પતંગિયા ઉડતા અનુભવાય છે. ઉડવા માટેનો ફફડાટ કાનમાં સંભળાય છે એ જ પરિવેશ છે.
પાત્રાલેખન :
આખી વાર્તામાં નાયક અને નાયિકા બે જ પાત્ર છે. નાયિકાનું પાત્રાલેખન નાયક દ્વારા બહુ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે અને તેના વિરોધાભાસમાં નાયકનું પાત્ર પણ આબાદ ઉભરે છે.
- હું એને બહુ પહેલાથી જાણતો હતો. હું જાણતો હતો એના સપનાને; ઊડી જવાના સપનાને. અમે બંને હંમેશા નદી કિનારે રમતાં. નદીનો જળ વિસ્તાર મને દરિયાની કલ્પનાએ લઈ જતો અને એ પાણીમાં પગ ઝબોળીને દૂર દૂર દેખાતી ટેકરીઓની ઝાંખીપાંખી આકૃતિઓ જોયા કરતી. એની કીકીઓમાં એ ટેકરીઓ વિશાળ પહાડોનું સ્વરૂપ લેતી.
અહીં નાયિકા મુક્ત સ્વભાવની છે એ સ્પષ્ટ થાય છે.
- મારી નોટબુકને મેં એકબાજુ સરકવી લીધી. તેના પાનાં વચ્ચે મૂકેલું પતગિયું બતાવવાનું મેં ટાળ્યું.
અહીં નાયકની વૃત્તિ છતી થાય છે. પતંગિયાને નોટબુક વચ્ચે પૂરી લેવાની. એટલે કે ઉડાન રોકવાની.
- મારા વિચારોની યાત્રાનો નકશો મારા હાથમાં રહેતો. હું નિશ્ચિતતાનો સમાન સાથે લઈને સફર કરતો. સફર પૂરી થયે મને કશું યાદ રહેતું નહીં. એના વિચારો પતંગિયાની માફક આમતેમ દિશાહીન ઊડતાં રહેતાં. તે ‘પછી’ થી દૂર વિહરતી રહેતી. પણ હવે મારું મન ‘પછી’ નું એક ચોક્કસ આયોજન કરવા લાગ્યું હતું.
આ વાક્યો દ્વારા લેખકે સ્ત્રી-પુરુષનો વિરોધાભાસી સ્વભાવ બરાબર ઉપસાવ્યો છે. નાયક પ્લાનિંગમાં જીવે છે અને નાયિકા વર્તનમાનમાં જીવે છે અને નિશ્ચિતતામાં રહેવા માંગતી નથી.
- મેં એક કોલાજ બનાવ્યું. શેઇપ આપવા માટે હું એના ફોટોને થોડો થોડો કાપતો રહ્યો. જ્યારે એ દૂધ અને શાકનો હિસાબ કરતી ત્યારે મને એક અજબ સંતોષ થતો. ઈસ્ત્રીવાળા સાથેની એની રકઝકમાં એનું મૌન ક્યાંક ખર્ચાઈ ગયું હતું. હવે ક્યાંય કશું અધૂરું ન હતું. પથ્થરમાંથી હીરો બનાવી હતી મેં તેને. એની અધુરપના ખુલ્લા છેડા આખરે બંધાયા હતા, બિલકુલ એના ઊંચા બાંધેલા વાળની જેમ. એક વગડાઉં ફૂલ મેં ગોઠવેલા બગીચાની શોભા બન્યું હતું. એક પંખી હતું છે મેં લખેલું ગીત ગાતું હતું. હવે એ મારી ‘પછી’ની ફ્રેમમાં બિલકુલ પરફેક્ટ ફિટ હતી. હું ખુશ હતો, સુખી હતો.
આ ફકરામાં નાયક એક ઉન્મુક્ત પક્ષીને પિંજરાનું પંખી બનાવીને ઝંપે છે. નાયિકાને એક ચોકઠાંમાં ગોઠવાયેલી જોઈ નાયકને આનંદ મળે છે. જે પાત્રનો માલિકી ભાવ દર્શાવે છે.
મનોમંથન :
આખી વાર્તા નાયકનાં મનોમંથન રૂપે જ લખાઈ છે. જેમાં નાયક વાચકને પોતાના મનોજગત દ્વારા નાયિકાનો પરિચય કરાવે છે. નાયકના સ્વભાવનો પરિચય પણ મનોમંથન દ્વારા આલેખાયો છે.
- આ ‘પછી’ ક્યારેય મારો પીછો ન છોડતું અને હું એનો. એની ભોળી આંખો મારી સામે જોઈ રહેતી અને પછી આસપાસ.. જાણે ‘પછી’ ના જવાબને ફંફોસતી હોય. પણ એને ક્યારેય કશું હાથ લાગતું નહીં. કદાચ એને આ ‘પછી’ જરૂરી નહીં લાગતું હોય.
અહીં નાયક-નાયિકાના વિરોધાભાસી સ્વભાવનું આકલન નાયકના મનોજગત દ્વારા જ થયું છે.
- મારામાં ‘પછી’ વિષે જાણવાની ઇન્તેઝારી હંમેશા રહેતી. મને આ અકળાવતું – અધૂરા કામ, અડધી પડધી વાતચીત, અલપઝલપ મુલાકાતો. એના વણબોલ્યા સંવાદો સાંભળવાની ધીરજ મારામાં રહેતી નહીં. ક્યારેક એ કશું કહ્યા વિના જતી રહેતી. જેમાં ફરી મળવાનો કોઈ વાયદો મળતો નહીં. એ કહેતી કે એ અધૂરું છે તેથી જીવંત છે. અધૂરી ઘટનાઓ આપણને હંમેશા યાદ રહી જાય છે. વચ્ચેની ખાલી જગ્યાઓમાં આકર્ષણનો અવકાશ છે. મૌન નિ:શબ્દ સંવાદનું ફલક છે.
ઉપરોક્ત ફકરામાં નાયિકાની અનિશ્ચિતતાનો સ્વભાવ નાયકને અકળાવે છે, એ વાતનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સંઘર્ષ – પાત્ર પરિવર્તન :
આ વાર્તામાં સતત સંઘર્ષ છે. દેખીતી રીતે નાયકનો નાયિકાને એક ચોકઠાંમાં પૂરવા માટેનો સંઘર્ષ છે. પરંતુ સાથે-સાથે એક સનાતન સંઘર્ષ છે:
“લગ્નપ્રથા દ્વારા, પ્રેમના નામ દ્વારા સ્ત્રીની આભે આંબવાના સ્વપ્નને રોકવાનો પ્રયત્ન અને એની વિરુદ્ધ સ્ત્રીની સતત ઉડવાની ચાહ.”
સંઘર્ષ છે, બે અંતિમ ધ્રુવ સ્વભાવના લોકોનો એક સાથે જીવન વિતાવવાનો.
સંઘર્ષ છે, સ્ત્રીનો : ઉન્મુક્ત જીવનના સ્વપ્નને જીવંત રાખવાનો.
પાત્ર પરિવર્તન આમ જુઓ તો ખાસ નથી અને આમ જુવો તો છે. નાયક પહેલેથી જ નિશ્ચિતતામાં, આયોજનમાં અને નાયિકાને જકડી રાખવા માંગે છે, જે અંતે પણ એમ જ ઈચ્છે છે પરંતુ એના પાત્રમાં સૂક્ષ્મ પરિવર્તન એ આવે છે કે તે નાયિકાના સ્વભાવનો સ્વીકાર કરે છે.
- હવે હું મારા ‘પછી’માં એકલો રહું છું, એ નથી. મેં એને શોધવાની કોશિશ પણ નથી કરી. હું મારા ‘પછી’ની નિશ્ચિતતાને છોડીને કે તેનો બોજ લઈને એની સાથે ઊડી નહીં શકું.
- હા, હું એને બહુ પહેલાથી જાણતો હતો. જાણતો હતો એના સપનાંને, ઊડી જવાના સપનાંને.
એ જ પ્રમાણે નાયિકા હંમેશા ઉડાન ઈચ્છે છે, અનિશ્ચિતતાનો રોમાંચ ઈચ્છે છે , જે એના સ્વભાવ માટે સનાતન છે. પરંતુ નાયિકાને પકડી- એની પાંખો કાપી- પિંજરાનું પંખી બનાવવામાં આવેલી જે અંતે પરિવર્તન સ્વરૂપે એ પિંજરું તોડી ઉડી જાય છે, પોતાનું આકાશ શોધવા.
- “ ના, મેં મારું બુકિંગ કરવી લીધું છે. શિમલા સુધીનું.” એની ખુશી એના ખુલ્લા વાળની જેમ વારંવાર એના ચહેરા પર ધસી આવતી હતી. એ હસતી હતી! પણ એની આંખો .. એની આંખો બંધ કેમ ન હતી? એ ખીલેલું વગડાઉં ફૂલ ફરી એના હોઠ પર આવી બેઠું હતું. નહીં, નહીં.. આ બધું મારા ‘પછી’ માં ક્યાંય ન હતું. આંખો કેમ બંધ નથી કરતી એ! મારે શું કરવું એ મને સમજાતું ન હતું. પતંગિયાનું એક ટોળું અધીરું બનીને બારી બહાર એની રાહ જોઈ રહ્યું હતું. શું એ મેં બનાવેલી ‘પછી’ની ફ્રેમને તોડીને જતી રહેશે!
- એની પીઠ પાછળથી ધીરે ધીરે બે પાંખો નીકળી. એણે ફરી ધક્કો માર્યો. મારું માથું બારીના સરિયાને અથડાયું. એ સાથે જ પેલાં હજારો પતંગિયા રૂમની અંદર આવી ગયા અને .. અને.. તે એને લઈને ..
ભાષાકર્મ :
ગદ્યમાં પદ્ય અને પદ્યમય ગદ્ય : વિશેષ ભાષાકર્મ જ આ વાર્તાનું સૌથી મોટું જમા પાસું છે અને ઉધાર પાસું પણ.
ઉધાર પાસું એટલે કે જે વાચકો સામાન્ય રીતે સરળ લીટીની વાર્તા વાંચવા ટેવાયેલા છે તેમને આ વાર્તા કવિતા અને એબ્સ્ટ્રેક્ટ વાત જેવી લાગી શકે છે.
બાકીના વાચકોને કશુંક અલગ વાંચ્યાની અનુભૂતિ આપતી આ વાર્તામાં એક એક લીટીએ અદભુત કામ થયું છે.
- નદીનો જળ વિસ્તાર મને દરિયાની કલ્પનાએ લઈ જતો અને એ પાણીમાં પગ ઝબોળીને દૂર દૂર દેખાતી ટેકરીઓની ઝાંખીપાંખી આકૃતિઓ જોયા કરતી. એની કીકીઓમાં એ ટેકરીઓ વિશાળ પહાડોનું સ્વરૂપ લેતી. એ પહાડો પર પડેલી બરફની ચાદર એના નાના બાહુઓને કંપાવી દેતી.
- મને એની વાતો નદીમાં તરતા સૂરજના જેવી લાગતી.
- આ ‘પછી’ નામનું સોનમૃગ મને ગલીએ-ગલીએ ભટકાવતું. પણ મને તેની પાછળ પાછળ દોડવું ગમતું હતું. મોટી મોટી બજારોની સુંદર દુકાનોના શૉ-કેસમાં એ ‘પછી’ સજાવેલું દેખાતું.
શું શું ટાંકુ! એના કરતાં એક કામ કરોને …તમે જ આવા મોતીઓ શોધી કોમેન્ટમાં તમારું ગમતું અવતરણ ટાંકો ને! ભાષાકર્મ માટે એક જ શબ્દ વાપરી શકાય “અભિભૂત”.
સારાંશ :
સદીઓથી ચાલ્યા આવતા સ્ત્રી પુરુષના સંઘર્ષને, સ્ત્રીના બંધનને, સદીઓથી થતી આવતી વાતને અલગ જ અંદાજમાં રજૂ કરતી આ વાર્તા જાણકારોને મંત્રમુગ્ધ કરી શકે છે પરંતુ વારંવાર – પછી, પાંખો અને પતંગિયાનું નિરૂપણ સામાન્ય વાચકો માટે અમુક અંશે કંટાળાજનક લાગી શકે છે. પુનરાવર્તન કદાચ થોડું ઘટાડી શકાય.
એકંદરે નવી પ્રસ્તુતિને સ્મિતા પારેખ સ્પર્ધાની જેમ હું પણ ખુલ્લા હાથે આવકારું છું.
આશા છે, આજની વાર્તાનું વિવેચન તમને મદદરૂપ બનશે. સૂચનો અને સવાલો કોમેન્ટ બોક્સમાં મૂકતા રહેજો. ફરી મળીશું, એક નવી વિજેતા વાર્તાના વિવેચન સાથે ત્યાં સુધી…
“અરવીદેરચી”.. (પિત્ઝા ખાવ છો તો આટલું ઇટાલિયન તો શીખવું પડે.)
– એકતા નીરવ દોશી.
એકતા દોશી અક્ષરનાદ પરના આ સ્તંભ ‘વ વાર્તા નો વ’ અંતર્ગત વાર્તાઓનું ઝીણવટભર્યું વિવેચન કરી રહ્યાં છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
એકતાબેને વાર્તાના રસબિંદુઓનો સ્વાદ ચખાડી સરસ રીતે ઉત્કંઠા જગાડી છે.
એકતા, તમે પ્રિયંકાની ‘પાંખો’ કથાના પુષ્પની પ્રત્યેક પાંદડીના સૌન્દર્યને અને તેની મહેકતી અને કળીથી ફૂલ થવાની પ્રત્યેક પળોની ક્ષણે ક્ષણનું દર્શન કરાવ્યું છે. મને રાજવી કવિ કલાપીની પંક્તિ યાદ આવી જાય છે ‘સૌન્દર્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે છે!’