થોડી મારા ગાલની ગુલાબી સુરખી મોકલું છું,
થોડું તારું ભૂખરી આંખોમાં ડૂબેલું મારી આંખોનું અજવાળું મોકલું છું,
તારું નામ લેતા, બોલતા, લખતા કે શ્વસતા નીચી ઝૂકેલી પાંપણોની શરમ મોકલું છું,
મારા સૂકાભઠ્ઠ ખાખરા પર ઉગેલા તારા અસ્તિત્વના કેસૂડાં મોકલું છું.
આથી વિશેષ તે શું હોળી હોય, અસ્તિત્વને રંગી દે એવી!
એય સાંભળને,
થોડા જ દિવસોમાં રંગોત્સવ આવે છે. આ વખતે તું સાથે નથી તો જાણે દરેક રંગો થોડા ફિક્કા થઈ ગયા હોય એવું લાગે છે. આવી તે કાંઈ હોળી હોય? મારે આટલે દૂરથી તને પત્ર લખવો પડે અને…
હોળી તો એવી હોય કે જેમાં તું ફક્ત નજર ભરીને મને જુએ અને મારા ગાલ રતૂમડાં થઇ જાય. એ રાતો રંગ આંખના શેરડામાં ઢળે, પાંપણનો ભાર બની કાજળની કાળી રેખાને વધુ ઘેરી કરે! આવું થોડું ચાલે? મિસ યુ યાર! પણ ઠીક છે, તું પણ કોઈ વિરહ-ગીતોના મૂડમાં નથી. તું તો ફાગણીયા કેસૂડાંને તારા કૅમેરામાં કંડારવા જંગલની કેડીએ નીકળી પડયો છે. અત્યારે તો તારા ખભે લટકતા કૅમેરાની પણ ઈર્ષા આવે છે. સાવ નફફટ! જ્યાં મારો હાથ હોવો જોઈએ ત્યાં એની પટ્ટી ટેકવી તને કંપની આપી રહ્યો છે. જવા દે એની વાત! મને એ કહે કે તેં કેટલા રંગ કેમેરામાં કંડાર્યા? મને ખબર છે, ત્યાં જઈએ એટલે મોબાઈલના ડેટા પણ ઓફ! મારી વર્ચ્યુઅલ ખલેલ પણ નહિ અલાઉડ! પણ…
એય સાંભળને,
તું ભલે જ્યાં પણ હોય, તને ખબર જ છે ને કે તારી સાથે રંગ રમ્યા વગર હું હોળી નહિ જ ઉજવું. તો જો, થોડા રંગ મોકલી રહી છું. સાચવીને જરા.. હં!
થોડી મારા ગાલની ગુલાબી સુરખી મોકલું છું, જે તારા આગમન પછી જ મને મળી છે. એ સુરખી, જે તને જોઈને વધારે સુર્ખ થાય છે. એનો ગુલાલ વાતાવરણમાં ઉડાવજે અને પછી કહેજે, તારા ગુલાબ ગુલાબી છે કે એ સુરખીનો ગુલાલ!
થોડું તારું ભૂખરી આંખોમાં ડૂબેલું મારી આંખોનું અજવાળું મોકલું છું, જે તારા સપનાઓથી જ રોશન થયું છે. કોઈ બહુ ઘેરો રંગ લગાવવા આવેને, તો એ રોશનીનું અબીલ બનાવી એ રંગને જરા હળવો કરી દેજે. આમ તો તને ઘેરા રંગે રંગાયેલો જોવો મને બહુ જ ગમશે, પણ શું છે કે કેસરિયો બહુ ગાઢો થાયને, તો ભગવો બની જાય! અને વળી તું રહ્યો અલગારી મિજાજનો! એટલે..
આ સાથે એ સુંવાળું અંધારું મોકલું છું, જે તારા સ્પર્શથી રોમેરોમે મખમલી બની ઉઠે છે. એને આંખોમાં ભરી લેજે, એની મહેક ઉડે તો આંજી લેજે અને બહુ રંગાયા બાદ બહુ રૂપાળો લાગેને તો એનાથી જ એક કાળો ટીકો પણ કરી દેજે, ખુદને! તારા ઉજળા અસ્તિત્વ પર તો કોઈ પણ રંગ એટલો આકર્ષક લાગે છે ને કે… હવે તો હું ત્યાં નથી એટલે ટીકો કરવા પણ તને જ કહેવું પડે ને!
તારા થકી મીઠા થયેલા ઉજાગરાથી આંખોમાં આવેલી લાલાશ મોકલું છું. એને તારી પાંપણ પર ઢાળી, એમાં આપણા સપના ભરી એને તું ઇન્દ્રધનુષી કરી દેજે.
તને યાદ કરી મારા હોઠ પર આવતું સ્મિતનું ગુલાલ મોકલું છું, તું તારા હોઠથી સ્પર્શી એને વધુ રંગીન બનાવજે અને પછી એની ઈર્ષ્યાથી સળગેલા સુરજમુખીને તારો કૅમેરો કૅપ્ચર કરી શકે છે? કરી શકે તો મને એ સળગતા સુરજમુખીનો રંગ મોકલજે.
તારું નામ લેતા, બોલતા, લખતા કે શ્વસતા નીચી ઝૂકેલી પાંપણોની શરમ મોકલું છું. તારી આંગળીના સ્પર્શે રંગી એને ફાગણીયો કરી દેજે. અને પૂછજે તારા ક્લિક કરેલા ગલગોટાને કે આવો મખમલી અહેસાસ છે એની પાસે?
મારા સૂકાભઠ્ઠ ખાખરા પર ઉગેલા તારા અસ્તિત્વના કેસૂડાં મોકલું છું, થોડાક જ ઘૂંટીશને તો સિંદૂરી થઈ જશે.
આથી વિશેષ તે શું હોળી હોય, અસ્તિત્વને રંગી દે એવી!
પણ સાંભળને…
આ બધો જ શબ્દોનો ગુલાલ તારા વગર અધુરો છે. બધું લખી લખીને મનને મનાવવાની વાતો છે આ. તું સાથે નથી તો લાગે છે જાણે બધાજ રંગોએ મારા અસ્તિત્વમાંથી વિદાય લઈ લીધી છે. હું સાવ સફેદ થઈ ગઈ છું. મને ખબર છે, હવે તું એવું કહીશ કે સફેદ એટલે બેરંગ નહિ પણ સાત રંગોનો સરવાળો! પણ સરવાળાના એ સાતેય રંગોએ સફેદમાં પોતાનું અસ્તિત્વ જાહેર કરવા પ્રિઝમમાંથી પસાર થવું પડેને! અને તારા મળ્યા પછી જ તો મને ખુદને મારા આ દરેક રંગો વિશે ખબર પડી છે! અલ્લડતાનો મસ્તીખોર ગુલાબી રંગ તો ક્યારેક ગંભીરતાનો ગ્રે. તપતા મિજાજનો તેજસ્વી પીળો રંગ , તો આત્મવિશ્વાસનો ભૂરો રંગ, મૌનની વિશાળતાનો સફેદ રંગ, તો તારી સામે બેસીને તારી આંખોમાં તાકતા રહેલા આકાશનો વાદળી – આ બધા જ રંગો તારા આવ્યા પછી જ ખીલ્યાને! તો પછી હું તને ન કહું મારા જીવનનું પ્રિઝમ! તારા ન હોવાથી બધુ જ સફેદ…! તું સાથે હોય ત્યારે જીવન રંગોત્સવ!
નથી કહેવું પણ કહ્યા વગર નહી જ રહી શકું.
હોળી ફક્ત રંગવાનો ઉત્સવ જ થોડો છે, થોડો દહનનો ઉત્સવ પણ તો છે!
આ વખતે હોલિકા દહનમાં હું મારું ઘણું બધું સ્વાહા કરવાની છું. તારા વિના જીવાયેલી ક્ષણોના ટુકડા, તારી સાથે થયેલા અબોલા અને રિસામણાનો સમય, એકબીજા સાથે ચર્ચાઓ દરમ્યાન ઉગ્ર થયેલા બેઉના મિજાજનો પારો, એ દરમ્યાન સાથે ન પીવાઈને ઠરી ગયેલી ચાના ઘૂંટડા. અને સૌથી ખાસ તો નાક પર રહેતો પેલો ગુસ્સો! હા, માન્યું કે એના કારણે નાક કાયમ લાલ રહે છે, પણ વાંધો નહિ. હું લાલ રંગ થોડો વધારે જ મોકલું છું. ઉપરના લિસ્ટમાં તો લખ્યું નહિ પણ હવે કહું છું, ‘એ લાલાશ ખૂટી પડેને ત્યારે મારા હોઠની લાલી…!’ ઉફ્ફ, કહેતા પણ શરમ આવે છે રે!
અને સાથે સાથે હોલિકાની સામે બે હાથ જોડી બંધ કરેલી આંખે એ દરેક ક્ષણો ફરી જીવી લઈશ.
દરિયા કિનારે ડૂબતા સૂરજની સાક્ષીએ ગાળેલી સાંજ અને ઉગતા ચંદ્રની પ્રતીક્ષાએ લહેરો પર પાડેલી પગલાંની છાપ.
પર્વતીય વળાંકોવાળા રસ્તા પર, આગિયાઓના અજવાળે કરેલી બાઈકરાઈડ, તમરાનો અવાજ અને ક્યાંક ઉભા રહીને મારેલા સિગરેટના કશ! ભરચક મહેફિલમાં કોઈ શેર સાંભળી એકબીજાની હથેળીની હૂંફ અને આંખોના સંવાદ સાધતું તારામૈત્રક. આ જન્મમાં માણેલી દરેક અધૂરપ અને આવતા જન્મ માટે માંગેલી દુઆઓ.
સવારથી રાત સુધી જીવેલા દરેક સપના અને એના પગલાની છાપ – વેકેશનો, ટ્રેકિંગ કૅમ્પ ,દરિયા કિનારાઓ, જંગલ, પહાડ, નદી, ઝરણા, ધોધ, એ બર્ફીલા ડુંગર અને સૂસવાતા પવન – બહુ બધું છે! એક-બે પળમાં હું એકલી બે આંખે કેટલું જોઈ શકીશ? બે આંખો ઓછી નહિ પડે?
આવીજા ને, સાથે જોઈશું તો સહેલું પડશે!
બસ, હવે રાહ નથી જોવી. નથી જોવાતી.
મારા સફેદ પારિજાત તારા કેસૂડાંની રાહમાં…
– નેહા રાવલ
નેહા રાવલની કલમે સંવેદનાસભર પત્રો દર પખવાડિયે તેમની કૉલમ ‘વાયા લેટરબૉક્સ’ અંતર્ગત અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહ્યાં છે, અહીં ક્લિક કરીને એ પત્રગુચ્છ વાંચી શક્શો.
ખૂબ લાગણીસભર વિરહરસ ભરપૂર પત્ર…
આભાર મીરાં.
Mast
થેંક્યું રાજુલ.
વિરહમાધુર્યની અને કોઈ સ્મૃતિની ખીલતી પાંખડીઓ જેવું ગળચટ્ટું લખાણ
ખૂબ આભાર.
વિરહના રંગે રંગાયેલો પત્ર… આહા
થેંક્યું શ્રદ્ધા.
બહુ સરસ. હ્રદયસ્પર્શી લેખ. સાંભળવું ગમ્યું.
સાંભળવું પણ ગમ્યું…એ જાણી મને ગમ્યું.
everythintg is empty without him. (god-braham) no value of rangtosav without him nice meaningful Neha Rwal’s letter.great lekh.
ખૂબ ખૂબ આભાર.
પ્રિયજન, પ્રિયતમ વાંચીને સમજી શકે આ અછાંદસ કાવ્યમાં સંગોપિત ભાવને અને રસરંગની છોળો વચ્ચે ઉછળતી એકલતાને. હોળી રંગોત્સવ છે પણ અહીં એ એકાંતની હોલિકા પણ પ્રજાળે છે, એનો દાહ અહીં પ્રધાન સફેદ રંગ બન્યો છે અને અન્ય રંગો પ્રીઝમની પ્રતીક્ષારત છે…શબ્દોનો સ્વસ્તિક સંગતથી જ સુશોભિત બને…સાચું કહ્યું. કહે છે ઈશ્વર કે : ‘એકાકી ન રમતે…’ એટલે તેમણે મનુષ્યનું સર્જન કર્યું અને એટલે જ નેહા રાવલે કર્યું સર્જન ‘તારા વિનાના રંગોત્સવનું! હાદિક પીડામાં મધુરતા હોય છે અને એ સંગીતકકાવ્ય પ્રવાહ વહાવે છે…
તમારા રસભર પ્રતિભાવ બદલ ખૂબ આભાર.