પાંખો – પ્રિયંકા જોષી 2


“ચાલ ને, દરિયો દરિયો રમીએ.”

“ના, પર્વત પર્વત.”

“કેમ? દરિયો દરિયો રમીએ તો રેતીના કેવાં મસ્ત ઘર બનાવાય!“

“ના, પર્વત પર્વત રમીએ. ત્યાં તો કોઈ ઘર ન હોય.. હોય તો બસ ઊડવાનું.“

હા, હું એને બહુ પહેલાથી જાણતો હતો. હું જાણતો હતો એના સપનાને; ઊડી જવાના સપનાને. અમે બંને હંમેશા નદી કિનારે રમતાં. નદીનો જળ વિસ્તાર મને દરિયાની કલ્પનાએ લઈ જતો અને એ પાણીમાં પગ ઝબોળીને દૂર દૂર દેખાતી ટેકરીઓની ઝાંખીપાંખી આકૃતિઓ જોયા કરતી. એની કીકીઓમાં એ ટેકરીઓ વિશાળ પહાડોનું સ્વરૂપ લેતી. એ પહાડો પર પડેલી બરફની ચાદર એના નાના બાહુઓને કંપાવી દેતી.

ખબર નહીં કેમ પણ મને એની વાતો નદીમાં તરતા સૂરજના જેવી લાગતી. મારા ખિસ્સામાં છુપાવેલી લખોટીઓના ઝીણા અવાજમાં હું એની એ વાતો સાંભળી શકતો. ક્યારેક વહેલી સવારે પાંદડા પર બાઝેલી ઝાકળ દેખાય તો હું તેને ભરી લેવા માટે કશુંક લેવા દોડી જતો. પણ પાછો આવું ત્યાં સુધીમાં એ તો ઝાકળ ઊડી જતું. હવામાં તરતા પીંછા જેવી એની વાતોને પકડવા હું મથતો રહેતો.  

એ દિવસે તે આગશીની પાળી પર ઉદાસ થઈને બેઠી હતી.

“ચાલ.”, મેં નીચે શેરીમાંથી જ બૂમ પાડી.

તેણે માથું હલાવીને ના પાડી. હું એની પાસે ગયો.

“શું થયું?”

તેણે એક માળા તરફ આંગળી ચીંધી. મને ખબર હતી કે એના ઘરની અગાશીમાં ચકલીએ માળો બાંધેલો. બિલાડીથી બચાવવા એ આખો આખો દિવસ તેની ચોકી કરતી. માળો ખાલી હતો. માળાના ખાલીપોએ એના ચહેરાને પણ સૂનો કરી દીધો હતો. જાણે બધા પંખી એકસાથે ઊડી ગયા હોય અને એ એકલી જ બાકી રહી ગઈ હોય! એણે ઉપર જોયું. એની ટમટમતી આંખો સામે વિશાળ આભ ફેલાયેલું હતું. થોડીવાર એ પોતાની ફૂટું-ફૂટું થતી પાંખોને જોઈ રહી પછી એણે પછી  આંખો મીંચીને એણે ઊંડો શ્વાસ ભર્યો. મારી નોટબુકને મેં એકબાજુ સરકવી લીધી. તેના પાનાં વચ્ચે મૂકેલું પતગિયું બતાવવાનું મેં ટાળ્યું.


“પછી ?”

આ ‘પછી’ ક્યારેય મારો પીછો ન છોડતું અને હું એનો. એની ભોળી આંખો મારી સામે જોઈ રહેતી અને પછી આસપાસ.. જાણે ‘પછી’ ના જવાબને ફંફોસતી હોય. પણ એને ક્યારેય કશું હાથ લાગતું નહીં. કદાચ એને આ ‘પછી’ જરૂરી નહીં લાગતું હોય. 

મારામાં ‘પછી’ વિષે જાણવાની ઇન્તેઝારી હંમેશા રહેતી.  મને આ અકળાવતું – અધૂરા કામ, અડધી પડધી વાતચીત, અલપઝલપ મુલાકાતો. એના વણબોલ્યા સંવાદો સાંભળવાની ધીરજ મારામાં રહેતી નહીં. ક્યારેક એ કશું કહ્યા વિના જતી રહેતી. જેમાં ફરી મળવાનો કોઈ વાયદો મળતો નહીં. એ કહેતી કે એ અધૂરું છે તેથી જીવંત છે. અધૂરી ઘટનાઓ આપણને હંમેશા યાદ રહી જાય છે. વચ્ચેની ખાલી જગ્યાઓમાં આકર્ષણનો અવકાશ છે. મૌન નિ:શબ્દ સંવાદનું ફલક છે.

મારા વિચારોની યાત્રાનો નકશો મારા હાથમાં રહેતો. હું નિશ્ચિતતાનો સમાન સાથે લઈને સફર કરતો. સફર પૂરી થયે મને કશું યાદ રહેતું નહીં. એના વિચારો પતંગિયાની માફક આમતેમ દિશાહીન ઊડતાં રહેતાં. તે ‘પછી’ થી દૂર વિહરતી રહેતી. પણ હવે મારું મન ‘પછી’ નું એક ચોક્કસ આયોજન કરવા લાગ્યું હતું. એ આયોજનના નકશામાં દીવાલો હતી, બારણાં હતા. એક લાંબી સડક હતી જેનાં પર મારી સફળતાની ગાડી વિના અવરોધે દોડી શકે.

..અને અચાનક એક દિવસ એ અધરસ્તે જ ઊભી રહી ગઈ. ના, એણે મારો હાથ પકડેલો ન હતો. એ અટકી અને પાછી વળી ગઈ. હું આગળ ને આગળ ચાલતો રહ્યો. મને લાગ્યું કે આગળના કોઈક વળાંકે એ મને જરૂર મળી જશે અને અમે ફરીથી સાથે ચાલવા લાગીશું પણ એવું બન્યું નહીં. મને બધું યાદ આવવા લાગ્યું. એ ની વાતો .. હા, એ જ અધૂરી અધૂરી વાતો.. તેની પતંગિયા જેવી ચંચળ અધુરપના ખુલ્લા છેડાઓનો અંત હું મારામાં ખોજવા લાગ્યો. મને લાગ્યું કે મારે એનો હાથ પકડી લેવો જોઈતો હતો.

એક અરસા બાદ હું ફરી એને મળ્યો. સુંદર સાડીની પાટલીમાં એ પોતાની પાંખો સંકેલીને બેઠી હતી. મને એ ત્યારે પણ બિલકુલ પતંગિયા જેવી જ લાગી હતી. એની ફરકતી આંગળીઓ અને ઉડઉડ કરતી પાંપણો વચ્ચેથી મેં એક જવાબ ચોર્યો હતો. મને ગમતો જવાબ. એની આંખો બંધ હતી અને હું એને મારા ઘરે દોરી લાવ્યો હતો. મને એની રંગીની ગમતી. એની આકાશમાં દોરાતી રંગોળીઓની ભાતને જોઈને હું મુગ્ધ થઈ જતો પણ એનું આમ વેરાઈ જવું મારા ‘પછી’ની નિશ્ચિતતાને અનુકૂળ ન હતું. હું એને ખેચી-ખેચીને ધરતી પર લાવતો પણ તે ઊડણ ચકરડીની જેમ મારાથી છૂટીને ક્યાંક દૂર ઊડી જતી. 

એ હદ પાર જીવતી. શું એ વિરોધભાસ જ આટલાં આકર્ષણનું કારણ હશે? મારું આશ્ચર્ય પૂછતું કે ‘આપણે સાથે કેવી રીતે?’ એની આંખોનું ‘આપણે ક્યાં સાથે છીએ?’ સાંભળીને હું ડરી જતો.

તે મારા ‘પછી’નો હિસ્સો હતી. એવો હિસ્સો કે જેનાં વિના મારા ‘પછી’નું ચિત્ર અધૂરું રહી જાય. એ ‘પછી’ની નિશ્ચિતતાને હું કોઈપણ રીતે જોખમાવા માગતો ન હતો. આ ‘પછી’ નામનું સોનમૃગ મને ગલીએ-ગલીએ ભટકાવતું. પણ મને તેની પાછળ પાછળ દોડવું ગમતું હતું. મોટી મોટી બજારોની સુંદર દુકાનોના શૉ-કેસમાં એ ‘પછી’ સજાવેલું દેખાતું. મારા આગ્રહો એને પણ પરાણે એ દુકાનો પર લઈ જઈને પેલું શૉ-કેસમાં સજાવેલું ‘પછી’ બતાવતાં. એ ખડખડાટ હસી પડતી. એ હસતી ત્યારે એની આંખો બંધ થઈ જતી. મને એનું આમ હસવું ખૂબ ગમતું. હું એ હાસ્યને મારા ગજવામાં સેરવી લેવા માંગતો હતો. હું એને મારી પાસે રાખી લેવા માંગતો હતો. 

“સાંભળે છે?”

“હમ્મ!”

“કાલે મને એક સપનું આવેલું-”, એની પાંપણે પતંગિયું હલ્યું.

“મેં આપણને બંનેને હાથમાં હાથ નાંખીને દૂર દૂર પહાડોની વચ્ચે ક્યાંક ફરતા જોયા. યશરાજ ફિલ્મ્સની કોઈ હિરોઈનની જેમ તું તારી પાતળી શિફોનની સાડીનો પલ્લુ હવામાં લહેરાવી રહી હતી.”, પતંગિયાએ પોતાના બિડાયેલા વિસ્મયની પાંખો ખોલી. 

“તને ખબર છે? તારા પગ તો જમીનને અડકતા જ ન હતા.”, પતંગિયું રંગની છાલક મારીને ઉડ્યું.

હવે પેલું પતંગિયું એના ખીલેલા વગડાઉં ફૂલ જેવા હોઠ પર આવીને બેઠું હતું. એની આંખો બિડાઈ ગઈ. આજે વર્ષો બાદ ફરી મેં એના કોમળ બાહુઓને કંપતા જોયા. મેં ધીરેથી એનો હાથ પડકી લીધો. મને એ મારી ખૂબ નજીક લાગી. મેં બોલેલું સપનાનું જૂઠ એના ફરકતા હોઠની આસપાસ ક્યાંક ઓસરી ગયું.  

બીજા જ દિવસે હું ‘પછી’ના બજારમાં જઈને બહુ બધા પડદા લઈ આવ્યો. હું આસપાસ ફૂલો ગોઠવવા લાગ્યો જેથી પતંગિયાઓને લાગે કે આ એક બાગ છે. એ સુવાસ લેતી અને પોતાની આંખો બંધ કરી લેતી. હું એની આપસપાસ મારા ‘પછી’ને વણવા લાગ્યો, ગોઠવવા લાગ્યો, સજાવવા લાગ્યો. એની આંખો ખૂલી ત્યારે મારા ‘પછી’ની ખચોખચ વચ્ચે ઊભી હતી.

મને લાગ્યું કે એ ખૂબ હસશે પણ એવું બન્યું નહીં. એ ઊભી થઈ; સામેની બારી પાસે ગઈ. બારી પર લાગેલા પડદાને અડકતા જ તેમાંના તમામ પતંગિયાઓ ઊડી ગયા. એ બેરંગ પડદાને જોતી રહી. એ ધીરે ધીરે ચૂપ થતી ગઈ.


મેં એક કોલાજ બનાવ્યું. શેઇપ આપવા માટે હું એના ફોટોને થોડો થોડો કાપતો રહ્યો. જ્યારે એ દૂધ અને શાકનો હિસાબ કરતી ત્યારે મને એક અજબ સંતોષ થતો. ઈસ્ત્રીવાળા સાથેની એની રકઝકમાં એનું મૌન ક્યાંક ખર્ચાઈ ગયું હતું. હવે ક્યાંય કશું અધૂરું ન હતું. પથ્થરમાંથી હીરો બનાવી હતી મેં તેને. એની અધુરપના ખુલ્લા છેડા આખરે બંધાયા હતા, બિલકુલ એના ઊંચા બાંધેલા વાળની જેમ. એક વગડાઉં ફૂલ મેં ગોઠવેલા બગીચાની શોભા બન્યું હતું. એક પંખી હતું છે મેં લખેલું ગીત ગાતું હતું. હવે એ મારી ‘પછી’ની ફ્રેમમાં બિલકુલ પરફેક્ટ ફિટ હતી. હું ખુશ હતો, સુખી હતો. 


..અને એ દિવસ આવ્યો, છાનાપગે. સવારમાં રજાના દિવસની સુસ્તી હતી. દિવસ ચડયો ત્યારે આંખો પર તડકો પડતાં હું જાગી ગયો. જાગીને જોયું તો આખા રૂમમાં સૂરજના કિરણો પથરાયેલા હતા. મારી ઊંઘરેટી આંખો અંજાઈ ગઈ. આંખો બંધ થતાં કાન સરવા થયા. ધીમા અવાજે ગણગણાતું એક ગીત. પણ મને એ ગમ્યું નહીં. અજવાળા સાથે અનુકૂળ થઈને મેં જોયું તો બધી બારીઓના પડદા ગાયબ હતા. એ પોતાનો કબાટ ઠીક કરી હતી ? ના , એ તો.. એતો સૂટકેસ ઠીક કરી રહી હતી. સૂટકેસ ! મારા ‘પછી’માં આ સૂટકેસ ન હતી.         

મેં એને પૂછ્યું,”આ શું કરે છે?” એનું ગીત અટક્યું નહીં.

મેં એને ધ્યાનથી જોઈ. એણે વાળ કપાવ્યા! ક્યારે? કેટલીય અનિશ્ચિતતા સવાલો બનીને હોઠે ઊભી રહી ગઈ પણ સૌથી પહેલા એને શું કહેવું કે શું પૂછવું – એ સમજ પડી નહીં. સૂટકેસ તૈયાર કરી રહેલા એના હાથની સ્ફૂર્તિ જોઈને મારા મનમાં ફફડાટ થયો. 

“તું.. તું શું કરવાની છે?”, એના હાથ થંભ્યા અને નજર મારી આંખો પર આવીને અટકી.

“આઇ મીન, તું કયા જાય છે? “

“બહાર જઉં છું, થોડા દિવસ માટે.”

“પણ .. પણ તું પછી નહીં ..આવે તો!”, મેં ઝપટ મારીને એની સૂટકેસમાંથી શિફોનની સાડી ખેચી લીધી.

”સાંભળ, હું પણ થોડા દિવસની રજા લઈ લઉં છું. આપણે સાથે જઈએ. “

“ના, મેં મારું બુકિંગ કરવી લીધું છે. શિમલા સુધીનું.”

એની ખુશી એના ખુલ્લા વાળની જેમ વારંવાર એના ચહેરા પર ધસી આવતી હતી. એ હસતી હતી! પણ એની આંખો .. એની આંખો બંધ કેમ ન હતી? એ ખીલેલું વગડાઉં ફૂલ ફરી એના હોઠ પર આવી બેઠું હતું.  નહીં, નહીં.. આ બધું મારા ‘પછી’ માં ક્યાંય ન હતું. આંખો કેમ બંધ નથી કરતી એ! મારે શું કરવું એ મને સમજાતું ન હતું. પતંગિયાનું એક ટોળું અધીરું બનીને બારી બહાર એની રાહ જોઈ રહ્યું હતું. શું એ મેં બનાવેલી ‘પછી’ની ફ્રેમને તોડીને જતી રહેશે! ના, એ આમ ન જઈ શકે.    

“જો સાંભળ, તારે ક્યાંય જવાનું નથી.”

“એટલે? આ શું..”

મેં એને જોરથી પકડી લીધી. હજારો પતંગિયાઓ એકસામટા ફડફડવા લાગ્યા. 

“અરે, છોડ મને, વાગે છે.”

એણે ધક્કો માર્યો. હું નીચે પડી ગયો. એ મારા હાથમાંથી ફરી છૂટી ગઈ!  દીવાલ પર લગાવેલું મારું કોલાજ જેને મેં કેટલા જતનથી બનાવ્યું હતું! તે તસવીર ધૂંધળી થતાં મારી આંખો બળવા લાગી. મારી પૂરી તાકાત લગાડીને હું ઉઠ્યો. એ કશુંક કહી રહી હતી પણ મારા કાન એ હજારો પતંગિયાના ફડફડાટ સિવાય કશું સાંભળતા ન હતા. આંખો, નાક, મોં .. મારી પીડા પાણી બનીને વહેવા લાગી. એ મારાથી બસ એક હાથ દૂર હતી પણ જાણે માઈલોનું અંતર હોય એમ હું એના સુધી પહોંચતા હાંફી ગયો. મારું મન ફરી બરાડયું – ના, એ આમ મને છોડીને ન જઈ શકે. હું એને પકડવા ફરી આગળ વધ્યો.

મેં જોયું કે એની પીઠ પાછળથી ધીરે ધીરે  બે પાંખો નીકળી. એણે ફરી ધક્કો માર્યો. મારું માથું બારીના સરિયાને અથડાયું. એ સાથે જ પેલાં હજારો પતંગિયા રૂમની અંદર આવી ગયા અને .. અને.. તે એને લઈને ..   


હવે હું મારા ‘પછી’માં એકલો રહું છું, એ નથી. મેં એને શોધવાની કોશિશ પણ નથી કરી. હું મારા ‘પછી’ની નિશ્ચિતતાને છોડીને કે તેનો બોજ લઈને એની સાથે ઊડી નહીં શકું.

હા, હું એને બહુ પહેલાથી જાણતો હતો. જાણતો હતો એના સપનાંને, ઊડી જવાના સપનાંને. 

– પ્રિયંકા જોષી ‘પ્રેમપ્રિયા‘


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “પાંખો – પ્રિયંકા જોષી

  • હર્ષદ દવે

    કલ્પનાસભર કાવ્યમાં પણ ગોપિત વેદના વહે! અહીં શબ્દ મૌનનું ફલક બને છે. દરિયો, પર્વત, પતંગિયું મુક્તિની ઉડી જવાની ઈચ્છા જેવા શબ્દોથી
    કૈંક સર્જન થાય છે…અલપઝલપ ઘટનાઓ સંતાકુકડી રમતી લાગે…જિંદગી ખ્વાબ હૈ, ખ્વાબ મેં સચ હૈ ક્યાં ઔર જુઠ ક્યા, સ…બ સચ હૈ!’ ઉપમાઓથી અલંકૃત અભિવ્યક્તિઓ સુ.જો.ની યાદ અપાવે, તેમના ‘અગતિ ગમન’ની…અહીં પણ એવું જ…