ટકોરા મારું છું આકાશને : પરિભ્રમણ – હીરલ વ્યાસ 11


કવિતા એ નદી જેવી છે. જેમ નદી જુદા-જુદા ઘાટે જુદી-જુદી લાગે એમ કવિતા પણ દરેક વાચકે જુદી લાગે. કવિતાને માત્ર વાંચવાની નહીં કલ્પવાની પણ હોય! હાથમાં લઈને ઋજુતાથી પંપાળવાની હોય. ને પંપાળતા ક્યારેક એને પાંખો ફૂટે તો એ આપણા અંતરમન સુધી પહોંચી પણ જાય!

પુસ્તકનું નામ – ટકોરા મારું છું આકાશને

લેખક – યોગેશ જોષી

લેખક પરિચય – શ્રી યોગેશ જોષીએ ગુજરાતી ભાષામાં કવિતાઓ, નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ લખી છે. એમણે ગુજરાતી સાહિત્યને ઘણા પુસ્તકો આપ્યા છે. આ પુસ્તકોમાં અવાજનું અજવાળું – કવિતા સંગ્રહ (૧૯૮૪), સમુડી – નવલકથા (૧૯૮૪), મોટીબા – ચરિત્ર (૧૯૯૮), અધખૂલી બારી – વાર્તાસંગ્રહ (૨૦૦૧) નોંધનીય છે. શ્રી યોગેશ જોષીને ઉશનસ પારિતોષિક, ગોવર્ધન ત્રિપાઠી પારિતોષિક, ઘનશ્યામદાસ સરાફ સાહિત્ય પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર, નર્મદ સુવર્ણચંદ્રક, કલાગુર્જરી પુરસ્કાર મળી ચૂક્યા છે. તેમના પુસ્તકો અન્ય ભાષામાં અનુવાદ પણ થયાં છે. ‘ટકોરા મારું છું આકાશને’માં સમાવેલાં કાવ્યો ગુજરાતી ભાષાના સામાયિકો જેવાકે ‘પરબ’, ‘કવિ’, ‘કવિલોક’, ‘કુમાર’, ‘ભૂમિકા’, ‘ગ્રંથવિમર્શ’, ‘અખંડ-આનંદ’ વગેરેમાં પ્રગટ થઈ ચૂક્યા છે.

પુસ્તક વિશે – ‘ટકોરા મારું છું આકાશને’ એ કુલ ૭૮ કાવ્યોનો સંપૂટ છે. કહો કે જાણે જુદા-જુદા કાવ્ય પુષ્પોનો શબ્દ ગુચ્છ! કાવ્યનદીના કિનારે ઊભા રહીએ ને કોઈ ક્ષણે એમાંથી એકાદ ખોબો પાણી લઈએ ત્યારે આવી કવિતાઓની અંજલિ આપણને મળે.

દીવાલ ચણવી કે પૂલ એ તો આપણા હાથમાં છે. ક્યારેક માત્ર ઈંટ ઊપર ઈંટ મૂકીને નહીં પણ મન પર પથ્થર મૂકીને પણ દીવાલ ચણવી પડે છે.

ઈંટ પર ઈંટ મૂકીને
કે પછી
મન પર પથ્થર મૂકીને
દીવાલ ચણાય.
         – આ શ્વાસ તો છે

કવિની કલ્પના તો કવિ જ જાણે! બસ આપણને તો એનાં ચમકારા મળે.

આંબો તો
પાંદડાની આંખોમાં રોજ સૂર્યને આંજે;
મૂળિયાંને અજવાળવા!
મહાભારતનું યુધ્ધ ફાટી નીકળશે તો આંબો
આપણી પડખે રહેશે કૃષ્ણ બનીને.
            – આંબો

આમ તો પ્રતીક્ષા એ કવિતાનો બહુ જુનો વિષય છે. પણ એ વિષય ક્યારેય જુનો થતો નથી. કારણ કે પ્રતીક્ષા એટલે આશા. પ્રતીક્ષા એટલે નાની-નાની યાદોની ગૂંથેલી સુંવાળી રજાઈ. પ્રતીક્ષા પીડા આપે છે પણ મળવાનું સુખ પણ આપશે એવી બાંહેધરી આપતો છૂપો દસ્તાવેજ પણ છે જ. આવી જ એક કવિતા.

કોઈક આવીને
મારા કપાળે હાથ મૂકે.
….
….
….                     
શુક્રના તારાનું અજવાળું
ફરી પાછું
ટ્મટમે શિરાઓના અંધકારમાં.
બસ,
કોઈક આવીને….
કોઈક આવીને

પ્રકૃતિ ચોપાસ છે. કવિ એનો રવ ઝીણવટપૂર્વક સાંભળી શકે છે. અને એટલે જ કદાચ પ્રકૃતિ જેવા વિષય પર લખી શકે છે. પ્રકૃતિ પર થતો અત્યાચાર ‘ચીસો’ બનીને બહાર આવે છે.

ઘર ધોળનારે
ચકલા-ચકલીની ગેરહાજરીમાં
અભરાઈ પરથી
આખોય માળો
નીચે નાખ્યો…
બારસાખે ચોડેલી
લાખડાની ચકલી
ચીસો પાડવા લાગી–
ચીં ચીં ચીં ચી….
       – ચીસો

આપણે બંધાયેલા છીએ સ્થળ સાથે, સમય સાથે, સંબંધો સાથે, ઘર સાથે, બારસાખ સાથે. પણ કવિ તો બારણાની જેમ જ સમય ઉઘાડીને સમયની પાર જવાની વાત માંડે છે. આ કવિતા વાંચીને એમ લાગે કે ક્યારેક આપણે પણ સમયની બહાર જઈને બધું જોઈ શકતાં હોત!

નીકળી ગયો હું
સ્થળ-કાળનીયે
બહાર;
બારણાંની જેમ
આ.. મ
સમય ઉઘાડીને…
   – નીકળી ગયો હું

હબસી કન્યાની નથણી જેવી
અંધારી ત્રીજની ચંદ્રરેખા
હજી ચમકે છે
થીજેલા ઘટ્ટ અંધકારમાં
         – પુરી : સમુદ્ર પર સૂર્યોદય

ઘર સાથે આપણે બંધાયેલાં છીએ, સાથે બંધાયેલી છે અનેક યાદો. અને આ બધી યાદો બને છે ઘરમાં રહેતા માણસોથી. પ્રેમથી ‘આવો’ કહેવું ગમે, ઊભા થઈ બારણું ખોલવું પણ ગમે. બસ જો કોઈ સહેજ બારણે ટકોરા મારી જાય તો. આપણાં દરવાજા એટલા લભ્ય હોવાં જોઈએ કે ખરી પડતું એકાદ પાન પણ ચિંતા કર્યા વગર આવી શકે.

બારીમાંથી
પાન સૂકું
એકદમ
આવી ચડ્યું;
કોક તો
આવ્યું ચલો
મારા ઘરે.
  – મારા ઘરે

આપણે સતત શોધતાં હોઈએ છીએ સુખ, નિરાંત, સમય, આપણો જીવન ઉદ્દેશ. દરેકની પોત પોતાની શોધ છે. દરેક શોધ માટેનો ચોક્ક્સ ઉદ્દેશ કે કારણ પણ છે. જ્યાં સુધી આપણને જે જોઈએ છીએ તે ન મળે ત્યાં સુધી સતત શોધતાં રહેવાનું છે. કવિ પણ યુગોથી કંઈક શોધી રહ્યાં છે. આ કવિતા વાંચતાં લાગે છે કે કવિને શું શોધવું છે એ ખબર છે પણ એ શોધ માટેનો ઉદ્દેશ સ્પષ્ટ નથી.

દરિયો આખોય
મારું વહાણ
ને
આખું આકાશ
મારો સઢ
યુગોથી
શોધુ છું
કેવળ
બે હલેસાં!
  – યુગોથી શોધુ છું

આપણે પ્રકૃતિની સફરે તો ગમે ત્યારે નીકળી શકીએ. અને એ સફરનો આનંદ જ નોખો છે. પણ આ આખી સફર પાછી વળે છે પોતાના ઘર તરફ, પોતાની વ્યક્તિ તરફ.

મન થયું
નિરુદેશે
લાવ,
ફરી આવું થોડું –
પહાડો-નદીઓ-સૂર્ય-ચંદ્ર-તારા
ગ્રહો-ઉપગ્રહો-નક્ષત્રો સુધી…
મારાં ટેરવાં
ફરતાં રહ્યાં
તારી હથેળીમાં.
   – યાત્રા

અન્ય માહિતી – પ્રકાશન વર્ષ ૨૦૧૧, પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ,  પુસ્તક કિંમત – રુ. ૧૨૦

– હીરલ વ્યાસ


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “ટકોરા મારું છું આકાશને : પરિભ્રમણ – હીરલ વ્યાસ