નૃત્યનિનાદ ૪ : અભિનય એટલે શું? 41


પ્રાચીન મંદિરોમાં કંડારાયેલા સુંદર શિલ્પો જોઈને ક્યારેય વિચાર આવ્યો છે કે એ નાયક કે નાયિકા ચોક્કસ મુદ્રા અને અંગસ્થિતિમાં જ કેમ ઊભા છે? એમ જ કોઈ ચિત્રકાર પણ કૃતિ બનાવે ત્યારે એ ભાવ પણ નિપજાવવા યોગ્ય હસ્તમુદ્રા તથા અંગસ્થિતિનો ઉપયોગ કરે છે. આ બધાં કલાકારો શેના આધારે આટલી પ્રમાણિત રચના કરતા હશે?

અભિનય દર્પણ

આપણને પ્રશ્ન થાય કે વર્ષો પૂર્વે સમાજમાં વ્યક્તિનું કલા પ્રત્યે કેવું વલણ હશે? અત્યારે તો મનોરંજન હાથવગું છે. જૂના સમયમાં આકાશવાણી, દૂરદર્શન, ચલચિત્રો કે દૂરભાષ વગર પણ વ્યક્તિ પોતે પ્રસંગોને અનુરૂપ ખુશી વર્ણવવાની તક શોધી જ લેતી હતી. મનોરંજન મહદ્ અંશે ગાયન, વાદન અને નર્તન સ્વરુપે હતું. નર્તનમાં નૃત્ય અને નાટ્ય બંને કળાઓનો સમાવેશ થાય. આ બંને પ્રસ્તુતિઓ સંપૂર્ણ મનોરંજન સાથે અભિનયને આપણી સન્મુખ લાવે છે. અભિનય એક એવી કળા છે જે ઘણી બધી લલિતકળાઓ જોડે સંલગ્ન છે.

અભિનયનો મહત્તમ ઉપયોગ થાય એવી કળા નાટક છે. આપણે ત્યાં નૃત્યનાટિકા સ્વરૂપ જ વધારે પ્રચલિત હોવાના કારણે નાટ્યકાર માટે નૃત્યનું જ્ઞાન અતિ આવશ્યક હતું. પ્રાચીન ભારતીય નાટકને દ્રશ્ય અથવા પ્રેક્ષ્ય કાવ્ય કહેવામાં આવે છે. તેને રૂપક તેમ જ નાટક પણ કહે છે. પ્રાચીન કાળમાં કહેવાયું છે;

अवस्थानुकृतिर्नाट्यम्
અર્થાત્
અવસ્થાનું અનુકરણ નાટક છે.
તથા
तदुपारोपान्तुरुपकम्
અર્થાત્
રૂપનું આરોપણ રૂપક છે. નાટકને રૂપક કહેવાય.

આમ, અભિનયની ક્રિયા દ્વારા નાટક આપણને  રસાનુભૂતિ સુધી પહોંચાડે છે. અભિનયની ક્રિયાઓ અનુરૂપ ભાવભંગિમા તથા ચોક્કસ અંગસ્થિતિથી અલગ અલગ અભિવ્યક્તિ મળે છે.

પ્રાચીન મંદિરોમાં કંડારાયેલા સુંદર શિલ્પો જોઈને ક્યારેય વિચાર આવ્યો છે કે એ નાયક કે નાયિકા  ચોક્કસ મુદ્રા અને અંગસ્થિતિમાં જ કેમ ઊભા છે? એમ જ કોઈ ચિત્રકાર પણ કૃતિ બનાવે ત્યારે એ ભાવ પણ નિપજાવવા યોગ્ય હસ્તમુદ્રા તથા અંગસ્થિતિનો ઉપયોગ કરે છે. આ બધાં કલાકારો શેના આધારે આટલી પ્રમાણિત રચના કરતા હશે?

શિલ્પકળા હોય કે કોઈપણ લલિત કળા,તે સમયે દરેક માટે નૃત્યનું જ્ઞાન અતિ આવશ્યક હતું. આજે આપણે એક એવા લઘુગ્રંથની વાત કરીશું જેની શિક્ષા પ્રાચીન સમયમાં કલાકારો માટે અતિ આવશ્યક હતી.

એ લઘુગ્રંથ નૃત્ય-નાટ્યશાસ્ત્રોમાંનું એક પુસ્તક છે, ‘અભિનય દર્પણ’. જે નૃત્યશાખાના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી છે. આમ તો એનું અધ્યયન કરતાં એવું લાગે છે કે એ લઘુગ્રંથ (હેન્ડબુક) દરેક નૃત્યકાર કે નાટ્યકાર માટે ખૂબ ઉપયોગી હતું અને અત્યારે પણ એનો આધાર લેવાય છે. ભરતનાટ્યમ્ શાસ્ત્રીય નૃત્યપ્રકારના અભ્યાસી આ પુસ્તકને પાઠ્યપુસ્તકની જેમ વાપરે છે. તો કથકનૃત્યના અભિનયભેદ પણ આ પુસ્તક પર આધારિત છે.

woman wearing red and white dresses
Photo by Aneesh S on Pexels.com

અભિનય એટલે શું? અભિ એટલે ‘ની તરફ’, પાસે અથવા સમીપ. નય એટલે લઈ જવું. અભિનય આપણને એક કલાકૃતિના મૂળ વિચારબીજ તરફ લઈ જાય છે કે એ વિશે વિચારવા પ્રેરે છે.  અભિનય સામાજિક સંદેશ આપવાનું સરસ માધ્યમ બની શકે છે. એ ઉપરાંત પણ જીવનમાં અભિવ્યક્તિનું આગવું મહત્ત્વ છે. અભિવ્યક્તિ વગર જીવન નિરસ અને ગૂંચવાડાભર્યું બને. ક્યારેક આપત્તિજનક પણ બની જાય. યોગ્ય સમયે યોગ્ય આવેગને વિવેકપૂર્ણ રીતે રજુ કરવામાં જીવનની કળા છતી થાય છે. એ જ રીતે કળાનું પ્રદર્શન પણ યોગ્ય હોય તો જ દર્શકો કે ભાવકોને મનોરંજન સાથે ભાવસૃષ્ટિમાં ખેંચી જાય છે.

દરેક અભિવ્યક્તિને પોતાનો એક આશય હોય છે અને દરેક અભિવ્યક્તિને પોતાની એક ભાષા હોય છે. આશય અભિવ્યક્તિને બળ આપે છે ત્યારે એ આવિષ્કાર બને છે. આવિષ્કારનો મૂળભૂત હેતુ એ છે કે આશય અનેક લોકો સુધી પહોંચે. પછી એ કોઈ વિચાર, ઉપદેશ કે ઘટના હોઈ શકે. આ રીતે આશય આવિષ્કારથી અભિવ્યક્તિ પામી લોકોના હ્રદય સુધી પહોંચે છે, તેમાંથી રસ ઉત્પન્ન થાય છે. દરેક અભિવ્યક્તિનું શાસ્ત્ર એક છે. જેમ ભાષા બદલાય એમ ચલણ બદલાય, એમ જ માધ્યમ બદલાય, એ પ્રમાણે વ્યાકરણ બદલાય છે. નૃત્યનું વ્યાકરણ છે તોડા, ટુકડા, પલટા, તરાના, મુદ્રાઓ, ભાવ વગેરે.

મનોરંજન ક્ષેત્રે નૃત્ય અને નાટ્ય એ સૌથી પ્રાચીન સાધન છે. નૃત્યમાં શબ્દકલા ઉમેરાઈ, તો બન્યું નાટક. નાટક એક એવો અનુભવ છે કે જ્યાં અનેક કલાઓનો સંગમ થાય છે. નિર્દેશક, અભિનેતા, મંચ વ્યવસ્થાપક, પ્રેક્ષક વિના નાટક થતું નથી. શબ્દો અને અભિનય સાથે આ બધાંનો સહયોગ થાય ત્યારે જ નાટ્યાનુભૂતિ કે રંગાનુભૂતિ થાય છે. આપણાં નૃત્ય- શાસ્ત્રોમાં આ દરેક વાત ખૂબ ઊંડાણપૂર્વક સમજાવાઈ છે. અભિનય દર્પણના અભ્યાસથી ભાવાભિવ્યક્તિના ઘણાં ઊંચા શિખરો સર થઈ શકે છે.

અભિનય દર્પણનો અર્થ જોઈએ તો છે, ‘હાવભાવની આરસી’. આ પુસ્તક સંસ્કૃત ભાષામાં, શ્રી નંદિકેશ્વરજી દ્વારા લખાયેલું છે.

શ્રી નંદિકેશ્વરજીનો ઉલ્લેખ લિંગપુરાણમાં મળે છે. એવું કહેવાય છે, કે એમની માતા શૈલદા અંધ હતા. એમણે પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શિવજીની ખૂબ આરાધના કરી. શિવજીના વરદાન રૂપે પુત્ર જન્મ્યો. ખુદ શંકર ભગવાનની સૂચના પ્રમાણે એનું નામ નંદી રાખવામાં આવ્યું. જે પછીથી નંદિકેશ્વરજી તરીકે પ્રસિદ્ધ થયા.

Bharatnatyam Mudra
વિખ્યાત વિદ્વાન ભરતનાટ્યમ્ આચાર્ય અને નૃત્યકાર શ્રી બદ્રી દિવ્ય ભૂષણજી એક મુદ્રામાં.

આચાર્ય નંદિકેશ્વરજીના જીવન-વૃતાંત વિશે વધુ કોઈ માહિતી મળતી નથી. કોઈ વિદ્વાન એમને શિવજીના પ્રમુખ ગણ (તંડુ) હોવાનું કહે છે. જેમણે ભરતમુનિને નૃત્યની શિક્ષા આપેલી. તો અહીં પ્રશ્ર્ન એવો પણ છે કે અભિનય દર્પણમાં તો નંદિકેશ્વરજીએ ભરતમુનિ પ્રત્યે ખૂબ શ્રદ્ધા વ્યક્ત કરી છે. એટલે આવા વિરોધાભાસને લીધે બંને આચાર્યોના જીવનકાળ વિદ્વાનો નક્કી નથી કરી શકતા. એવું અનુમાન છે કે નંદિકેશ્વરજી દસમી કે બારમી શતાબ્દિમાં મધ્ય દક્ષિણ ભારતના વંશાનુગત નાટ્યકર્મી હતા. જેમની એક અન્ય કૃતિ  ભરતાર્ણવ પણ પ્રકાશિત થઈ છે. તેમજ મદ્રાસના પાંડુલિપિ સંગ્રહાલયમાં છે. એમનો એક અન્ય ગ્રંથ તાલ-લક્ષણ પણ ત્યાં સુરક્ષિત છે.


અભિનય દર્પણ  કુલ ત્રણસો ચોવીસ (૩૨૪) શ્લોકોનો એક લઘુગ્રંથ છે. જેમાં શરૂઆત ઈશ્વર પ્રાર્થનાથી થાય છે. તે પછી ક્રમશઃ નાટ્યોત્પતિ, નાટ્યપ્રશંસા, અભિનય ભેદ, નાટ્ય, નૃત્ત અને નૃત્યના લક્ષણ, સભાપતિ, મંત્રી, સભાલક્ષણ, પાત્રના લક્ષણ અને ગુણદોષ, કિંકણી લક્ષણ, અભિનયના અધિષ્ઠાત્રિ દેવીની વંદના, શિર, દ્રષ્ટિ અને ગ્રીવાભેદના લક્ષણ અને વિનિયોગ, અસંયુક્ત અને સંયુક્ત હસ્તમુદ્રાના લક્ષણ અને વિનિયોગ, વિભિન્ન જાતિ, વર્ણ, દેવતાઓની હસ્તમુદ્રાઓ, દશાવતાર હસ્ત, નવગ્રહ હસ્ત, ગતિભેદ, મંડલ, ઉત્પ્લવન, ભ્રમરી અને ચારીભેદનું સુવ્યવસ્થિત નિરૂપણ કરાયું છે.

અભિનય દર્પણ કહે છે કે  ચિત્રકળા, શિલ્પકળા  અભિનય જોડે અનન્ય રીતે જોડાયેલા છે. વિષ્ણુધર્મોત્તર પુરાણમાં માર્કંડેય ઋષિ વજ્ર રાજાને કહે છે કે ચિત્રકળા હસ્તગત કરવી હોય તો નૃત્યનું જ્ઞાન આવશ્યક છે. પ્રથમ નજરે બંધબેસતું ન લાગે પણ પ્રાચીન યુગમાં મોડેલની વ્યવસ્થા નહોતી. શીખવવાની પદ્ધતિ પણ મૌખિક હતી. ત્યારે શરીરની સ્થિતિ તથા ભાવ સમજાવવા નૃત્યનું સૈદ્ધાંતિક જ્ઞાન મદદે આવતું. નૃત્યમાં શરીરની સર્વ પ્રકારની સ્થિતિઓનું વિશ્લેષણ કરણ અને અંગહાર દ્વારા વર્ણવાયા છે. દા. ત. બોધિસત્ત્વનો પદ્મપાણિનો હાથ વાસ્તવિક ન હોતા નૃત્યમુદ્રા પર આધારિત છે. અજંતાની ગુફાના ચિત્રો બારીકાઈથી જોતાં અભિનયશાસ્ત્રની મોટાભાગની શરીર સ્થિતિઓ જણાઈ આવે છે.

એવી જ રીતે, અભિનય અને શિલ્પકળા પણ પરસ્પર જોડાયેલા છે. ચિત્ર કરતાં પણ શિલ્પમાં તો અભિનયને વધુ સ્થાન મળ્યું છે. આપણાં બધાં દેવદેવીઓ અભિનયનાં વિશિષ્ટ અભંગ, સમભંગ, ત્રિભંગ કે અતિભંગ સ્થિતિમાં જોવા મળે છે. તેમજ નૃત્યસ્થિતિઓનો સીધો ઉપયોગ મંદિરોના શિલ્પોમાં જોવા મળે છે.

પ્રાચીનકાળમાં ભારતીય રૂપકો અભિનય દ્વારા રજુ થતાં જેમાં પણ નૃત્ય સાથે અભિનયનો સંગમ થતો. અભિનય એટલે અત્યારે આપણે અંગ્રેજીમાં ‘એક્ટિંગ’ કહીએ છીએ. જેને અવસ્થાનુકૃતિ કહી શકાય. મહત્ત્વની વાત એ છે કે નૃત્યની મુદ્રાઓ એ સામાન્ય અવસ્થાનું અનુકરણ માત્ર નથી. આ મુદ્રાઓનું રૂપ અને નિષ્પન્ન થતાં અર્થો એક કરતાં વધુ હોવા છતાં અર્થસઘન અને પ્રમાણિત હોય છે. એક નૃત્યકાર માત્ર મુદ્રા, માત્ર અંગસ્થિતિ કે માત્ર ભાવભંગિમાથી અર્થસભર નૃત્ય નથી કરી શકતો. એ બધી જ ક્રિયા એકસાથે અને યોગ્ય રીતે થાય, હ્રદયપૂર્વક ભાવ નિરૂપણ થાય, ત્યારે જ નૃત્યમાં જાન આવે છે.

મુદ્રાનો ઉપયોગ એટલું પ્રાધાન્ય ધરાવે છે કે અભિનય દર્પણના રચયિતા કહે છે.

यतो हस्तस्ततो द्रष्टि यतो द्रष्टि ततो मनः।
यतो मनस्ततो भावो यतो भावोस्ततो रसः।।

અર્થાત્
જ્યાં હાથ, ત્યાં દ્રષ્ટિ, જ્યાં દ્રષ્ટિ ત્યાં મન,
જ્યાં મન, ત્યાં ભાવ, જ્યાં ભાવ ત્યાં રસ.

આ રીતે જ્યાં હાથની ગતિ હોય, તે તરફ નજરની ગતિ હોવી જોઈએ, એ નૃત્યનો મહત્વનો સિદ્ધાંત આપણને જણાવ્યો છે.

આમ, ભારતીય નૃત્યોમાં અભિનય સચોટ ભાવવ્યંજક અને એક્ટિંગના સામાન્ય અર્થ કરતાં ઘણું વિશેષ ગહન અને અર્થપૂર્ણ હોય છે. અભિનયમાં લયબદ્ધ નર્તન, અર્થપૂર્ણ શરીર સ્થિતિનો પ્રયોગ શીખી લેતાં ભારતીય નટને વારંવાર દિગ્દર્શકની જરૂર નહોતી પડતી, નૃત્યની સૈદ્ધાંતિક સમજૂતિ જ એમની મદદે આવતી હતી.

 ભારતવર્ષમાં નાટકો ભજવાતા એ દ્રશ્યકાવ્ય જેવા હતા. જેને અત્યારે આપણે બેલે કે નૃત્યનાટિકા કહીએ છીએ. નાટકમાં શબ્દોનું પ્રધાન કર્તવ્ય, ક્રિયા- પ્રધાન દ્રશ્યોની પ્રસ્તાવના છે. નાટક, એ પ્રયોગધર્મી છે, અને તાત્પર્ય છે પ્રસ્તુતિ. નાટક માટેના જરૂરી તત્વો એકઠા કરી લઈએ જેમકે વેશભૂષા, રંગમંચ વ્યવસ્થા, પ્રકાશ, એ પછી ધ્યાન આપવું પડે છે કે અભિનેતાની ક્રિયા, મુદ્રા અને ગતિરચનાઓ પણ વ્યવસ્થિતપણે સામેલ થયા છે કે નહીં. તો એ વખતે અભિનય દર્પણમાં સમાવિષ્ટ નિર્દેશો ઘણાં જ ઉપયોગી સાબિત થાય છે એવું સ્પષ્ટ છે.

અભિનય વિશેના પ્રાચીન સંદર્ભો લક્ષમાં લઈએ તો તેના વિકાસની કલ્પના કરવામાં તે મદદરૂપ થશે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પ્રેક્ષાનો ઉલ્લેખ થયો છે. પ્રેક્ષા એટલે જોવું, પ્રેક્ષાગાર એટલે નાટક માટેનું સભાગૃહ. પતંજલિએ પણ પ્રેક્ષાની વાત કરી છે. અશ્વઘોષ નાટકમાં તેનો સવિશેષ સંદર્ભ આવે છે. ઉપરાંત હાલસપ્તશતિ  ‘પૂર્વરંગ’ની વાત કરે છે. અવધાનશતક બૌદ્ધ નાટકમાં ‘નટાચાર્ય’ શબ્દ વપરાયો છે. હરિવંશમાં ‘નાન્દી’, ‘વિદૂષક’ , ‘નેપથ્ય’ જેવી નાટકની પરિભાષા વપરાઈ છે. ભાલના નાટકોમાં ચારી, ગતિ જેવા નૃત્યશાસ્ત્રના શબ્દો પ્રયુક્ત થયા છે. મહાકવિ કાલિદાસે માલવિકાગ્નિમિત્રમાં નૃત્ય અને ગીતને ખૂબ જ સુગ્રથિત અને સંયત રીતે વાપરી બતાવ્યું છે. આજે પણ વિક્રમોર્વશીયમ્ નાટક અભિનયની દ્રષ્ટિએ ઉત્તમ ગણાય છે. આ રીતે ‘અભિનય’નો ઈતિહાસ ઘણો જ સમૃદ્ધ છે.

અભિનય દર્પણની તાડપત્ર પર લખેલી કૃતિ આજે પણ દક્ષિણ ભારતના મહત્વના પુસ્તકાલયોમાં સુરક્ષિત છે. ઈન્ડિયા ઓફિસ લાયબ્રેરી, લંડનથી પ્રાપ્ત અભિનય દર્પણની તેલુગુ તથા નાગરી લિપિમાં ઉપલબ્ધ કૃતિઓમાં પુષ્પિકા અંતર્ગત “ઈતિ આંજનેય” લખ્યું છે. જેથી આભાસ થાય છે કે અભિનય દર્પણ આંજનેય સંપ્રદાયથી સંબંધિત છે. જો હનુમંત અને આંજનેય મત એક સમજીએ તો અભિનય દર્પણ હનુમન્ત સંપ્રદાયના પ્રતિપાદક સૂત્રરૂપી અભિનય ગ્રંથ માની શકાય.

શારંગદેવ પણ આ પ્રાચીનતાને માને છે. આ ગ્રંથના અભિનય સંકેત એ વિભિન્ન કૃતિઓ અને સ્રોતોના આધાર પર સંપાદિત છે એવું ‘અભિનય દર્પણ અને ગીત ગોવિંદમ્’ પુસ્તકમાં જણાવ્યું છે. જેનો અનુવાદ શ્રી લક્ષ્મીનારાયણ ગર્ગે કર્યો છે. ભરતાર્ણવના અંશો અભિનય દર્પણમાં આપેલા છે. જેથી એવો ભાસ થાય છે કે ઉત્તરકાલિન નન્દિકેશ્વરે તે પૂર્વકાલિન નન્દિકેશ્વરની કૃતિના અંશો ગ્રહણ કર્યા છે. એક જ પ્રકારના નામવાળા ઘણા ગ્રંથકાર હોવાથી કાળની સમીક્ષા અઘરી થઈ પડે છે. માટે જ ભરત, આંજનેય, નારદ અને નન્દિકેશ્વર વગેરેનો કાળ સદાય વિવાદાસ્પદ રહ્યો છે.

આચાર્ય અભિનવ ગુપ્તના કહેવા પ્રમાણે નન્દિકેશ્વર રસ સિદ્ધાંતના સર્વ પ્રથમ આચાર્ય છે. નૃત્યમાં ભગવાન શંકરના શિષ્ય છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે ‘તંડુ’ ભગવાન શંકરના શિષ્ય હતા. તંડુએ જ તાંડવનો આવિષ્કાર કર્યો અને ભરતમુનિએ તેમની પાસેથી શિક્ષા લીધી. નન્દિકેશ્વરજી એ પોતે જ નંદી? કે એ જ હનુમાનજી? નારદ? કે અન્ય કોઈ આચાર્ય? એ પ્રશ્ન સદાય રહ્યો છે.

નંદિકેશ્વરજીના સિદ્ધાંતોનો પ્રતિપાદિત ગ્રંથ નંદિકેશ્વરકારિકા પર ઉપમન્યુની ટીકા મળે છે. અભિનય દર્પણના નંદિકેશ્વર અને નંદિકેશ્વરકારિકાના રચયિતા પણ એક જ છે કે અલગ, એવી કોઈ સાબિતી મળતી નથી. છતાં પણ એવું કહેવાય છે કે અભિનય દર્પણ એક પ્રાચીનતમ કૃતિ છે. જે પ્રાચીન અને તત્કાલીન નૃત્ય મુદ્રાઓને સૂત્રરૂપમાં પ્રસ્તુત કરે છે.

નૃત્યકાર કે અભિનયકાર એમની પ્રસ્તુતિ વખતે એકેએક ક્ષણે કોઈ વાતને રજુ કરે છે. એ પોતે ખૂબ સંયમપૂર્વક તેમજ વિચારપૂર્વક પોતાની એક એક અંગભંગિમા અને હાવભાવ પ્રયોજે છે. કારણ નાટકમાં કે નૃત્યમાં ઉપન્યાસ કે નવલકથાની માફક વિસ્તારપૂર્વક કથાવસ્તુનું ચિત્રણ શક્ય નથી. દર્શકો સાથે થોડા કલાકમાં જ પૂરો ભાવ, આશય કે પ્રસ્તુતિ પ્રદર્શિત કરવી પડે છે. માટે જ અભિનયમાં લેખન કરતાં પણ વધારે ઠોસ બનવું પડે છે. ઘટના, પાત્ર અને સંવાદ અત્યંત સાવધાનીપૂર્વક પસંદ થાય છે.

આવતા પ્રકરણમાં અભિનય દર્પણની રચના કઈ રીતે થઈ એ વિશે એક રસપ્રદ વાત અને આ ગ્રંથ આજની તારીખમાં પણ નૃત્યશાસ્ત્રના આ  ઉત્તમ ગ્રંથમાં ‘પાત્રમાં પ્રાણ કરી રીતે પૂરાય?’ – એ વિશે શું સૂચનો કર્યા છે, એ જાણીશું.

(ક્રમશઃ)


આપનો પ્રતિભાવ આપો....

41 thoughts on “નૃત્યનિનાદ ૪ : અભિનય એટલે શું?