સ્વસ્તિ મંત્ર – શ્રદ્ધા ભટ્ટ 19


આ મંત્રમાં અલગ અલગ પ્રકારે ચાર દેવોની સ્તુતિ કરવામાં આવી છે, પણ છેવટે તો એ ચારેય દેવ એક જ પરમ ચેતનાના અલગ અલગ રૂપો જ છે. ત્રણેય દેવ અને છેલ્લે દેવોના પણ અધિપતિ, એવા પરબ્રહ્મ પરમાત્મા જ સર્વોચ્ચ છે એ સત્ય અહી ફલિત થાય છે. વેદમાં બહુદેવવાદ સાથેનો એકેશ્વર ( એક જ ઈશ્વર) વાદ છે.  એક ઈશ્વર (પ્રત્યેક મનુષ્યમાં  રહેલી પરમ ચેતના) સર્વોચ્ચ સત્તા છે અને તેના અધિપત્યમાં અનેક દેવો છે. 

વેદ એકેશ્વરવાદની અંદર રહેલા બહુદેવવાદને સાર્થક કરે છે. 

ॐ स्वस्ति न इंद्रो वृद्ध-श्रवा:  स्वस्ति न: पूषा विश्व-वेदा: । स्वस्ति न: ताक्षर्‌यो अरिष्ट-नेमि: स्वस्ति नो बृहस्पति: दधातु॥
(ऋ. १/६९/६)

ઋગ્વેદના સ્વસ્તિ  સૂકતમાં આ મંત્ર આવે છે. એટલે જ એને સ્વસ્તિ મંત્ર પણ કહે  છે. સ્વસ્તિનો સંધિ વિચ્છેદ થાય – સુ+અસ્તિ. સુ = શુભ, મંગલ. અસ્તિ = થવું. સ્વસ્તિ મંત્ર કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલાં બોલવામાં આવે છે.

ઋગ્વેદમાં અલગ અલગ દેવતાઓની સ્તુતિ માટેના અલગ અલગ સૂક્તો છે. ऋक શબ્દ ऋच ધાતુ પરથી આવ્યો છે. ऋच નો અર્થ થાય, સ્તુતિ, પ્રાર્થના, જ્ઞાન, પ્રકાશ વગેરે. વેદ શબ્દના અનેક અર્થ નીકળે છે એમનો સર્વ સ્વીકાર્ય અર્થ છે – વેદ એટલે જ્ઞાન. ઋચાઓના માધ્યમથી જ્ઞાન આપનાર મંત્ર એટલે ઋગ્વેદ. 

હવે વાત સ્વસ્તિ સૂક્તની. આ સ્વસ્તિ સૂક્તના ઋષિ ગૌતમ રાહૂગણ છે. દેવતા વિશ્વદેવા છે. સ્વસ્તિ મંત્ર તરીકે પ્રખ્યાત ઉપરોક્ત મંત્રને શાંતિ મંત્ર પણ કહે છે. આ મંત્ર અથર્વવેદમાં પણ મળે છે અને યજુર્વેદના પચ્ચીસમા અધ્યાયમાં ઓગણીસમો મંત્ર છે. 

इन्द्र: – ઇન્દ્ર 
वृद्धश्रवाः – ખૂબ યશસ્વી
पूषा – પોષણ કરનાર 
अरिष्टनेमि – બે નામનું એક વિશેષણ છે આ. अरिष्ट એટલે અભેદ્ય. नेमि એટલે રથના પૈડાનો બહારનો ભાગ.  
बृहस्पति –  જેને બ્રમ્હાનુ જ્ઞાન છે તે. યજ્ઞપતિ 
दधातु – આપો. (કરો)
न : – અમારું 

ખૂબ યશસ્વી એવા ઇન્દ્રદેવ અમારું કલ્યાણ કરો. સર્વ જ્ઞાતા પૂષાદેવ અમારું મંગલ કરો. અભેધ રથ ચક્રવાળા તાક્ષર્ય અમારું કલ્યાણ કરો. બૃહસ્પતિ દેવ અમારું કલ્યાણ કરો.  

આ મંત્રમાં એકસાથે ઇન્દ્ર, પૂષા, તાક્ષર્ય અને બૃહસ્પતિ દેવની કલ્યાણ અર્થે સ્તુતિ કરવામાં આવી છે. દેવો પાસે કલ્યાણની પ્રાર્થના કરવી, તે આ સૂક્તનું કેન્દ્રસ્થ તત્વ છે. ઋષિ અહીં વ્યક્તિગત કલ્યાણ માટે પ્રાર્થના કરતા નથી, અહીં સમગ્ર સમૂહ (न: ) ના કલ્યાણની પ્રાર્થના છે. માત્ર મારું જ નહિ, પરંતુ અમારું સૌનું કલ્યાણ થાઓ, તેવી અભિલાષા અહીં વ્યક્ત થાય છે. વેદમાં બહુદેવવાદ છે, એવી માન્યતા બહુ પ્રબળ છે. હવે આ બધા દેવો વિષે વિસ્તારથી જાણીએ. 

ઇન્દ્ર : આપણે બધા ઇન્દ્ર દેવથી પરિચિત છીએ. ઋગ્વેદમાં ઇન્દ્રનું મહત્વ સૌથી વધુ છે. ઇન્દ્રની સ્તુતિના ૨૫૬ જેટલા શ્લોકો છે. અહી ઇન્દ્ર એટલે સ્થૂળ સ્વર્ગના અધિપતિ દેવ નહી, પરંતુ પ્રત્યેક વ્યક્તિના શરીરમાં બેઠેલો આત્મા જે સંપૂર્ણ સાક્ષીભાવ ધરાવે છે. આપણી સર્વ ઇન્દ્રિય આત્મા એટલે કે ઇન્દ્રને આધીન છે. એટલે જ એને ઇન્દ્રિય કહે છે. આત્મા જ સૌની અધિપતિ છે, એટલે જ ઇન્દ્ર દેવોનો રાજા છે. આત્મા સર્વ શક્તિમાન, સર્વ  વિજયી અને અપ્રતિહત (આ શબ્દ જરૂરી છે – જેને કોઈ હણી ન શકે તેવું ) છે, એટલે જ ઇન્દ્રને પણ સર્વ વિજેતા ગણવામાં આવે છે. અહી ઇન્દ્રને બધાના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે એનો અર્થ એ કે સૌની અજરામર આત્મા સૌ માનવને સાચો માર્ગ દેખાડી એમનું કલ્યાણ કરે. 

પૂષા – પૂષા એટલે પોષણ કરનાર. વળી એને સર્વ જ્ઞાતા પૂષાદેવ કહ્યા છે. પોષણ કરનાર એવા દેવ જે બધું જ જાણે છે. પોષણનો શાબ્દિક અર્થ લઈએ તો શારીરિક રીતે જે પોષણ આપી વૃદ્ધિ કરે એમ થાય. એટલે કે સર્વ મનુષ્યોને અનાજ, ફળ ફળાદી આપી એમના વિકાસમાં વૃદ્ધિ કરનાર દેવ. આ કોઈ એક દેવનું કાર્ય છે જ નહી એ તો સમજાય એવું છે. પણ અહી સીધો અર્થ ન લેતા ગૂઢ અર્થ તરફ નજર કરીએ તો જે પોષણની વાત કરી છે એ છે આત્માનું પોષણ. શારીરિક વૃદ્ધિ માટે તો પ્રકૃતિના બધા તત્વો પોતપોતાની રીતે મનુષ્યોને મદદરૂપ થતા જ હોય છે. પ્રયાસ કરવાનો હોય છે, આત્માની પ્રગતિ  માટેનો.  અહી विश्व वेदा: શબ્દ અગત્યનો છે. જે બધું જ જાણે છે એ કોણ? આત્મા! 

તાક્ષર્ય – આ દેવને એના વિશેષણથી સમજીએ. अरिष्टनेमि અર્થાત જેના રથચક્રના પૈડા અભેધ છે એવા દેવ. સવિતા સૂકતમાં સૂર્યદેવને સાત ઘોડાવાળા રથમાં આરૂઢ થઈને આવતા કલ્પ્યા છે. સૂર્ય પ્રકાશના દેવ છે. અંધકાર મય રાત્રિને પોતાના તેજસ્વી કિરણો વડે પ્રજ્વલ્લિત કરનાર. એ રીતે જોતા  અહી ઋષિ સૂર્યદેવને   પ્રકાશમય જીવન પ્રદાન કરવા પ્રાર્થના કરે છે. સૂક્ષ્મ રીતે જોતા અહી સૂર્ય નામના  સ્થૂળ ગોળા ની નહી , પણ એ જ્યોતિર્મય ગોળાના પ્રતિક દ્વારા અંતે તો મહાચેતના તરફ જ નિર્દેશ કરવામાં આવ્યો છે. 

બૃહસ્પતિ – બ્રહ્મ જ્ઞાન ધરાવનાર દેવ. બૃહસ્પતિ એ અગ્નિના પ્રતિક તરીકે વપરાય છે. યજ્ઞ કાર્ય બૃહસ્પતિ વિના સંપન્ન થતું નથી. દેવોના પુરોહિત. દેવ ગુરુ. દેવોના અધિપતિ .

આ મંત્રમાં અલગ અલગ પ્રકારે ચાર દેવોની સ્તુતિ કરવામાં આવી છે, પણ છેવટે તો એ ચારેય દેવ એક જ પરમ ચેતનાના અલગ અલગ રૂપો જ છે. ત્રણેય દેવ અને છેલ્લે દેવોના પણ અધિપતિ, એવા પરબ્રહ્મ પરમાત્મા જ સર્વોચ્ચ છે એ સત્ય અહી ફલિત થાય છે. વેદમાં બહુદેવવાદ સાથેનો એકેશ્વર ( એક જ ઈશ્વર) વાદ છે.  એક ઈશ્વર (પ્રત્યેક મનુષ્યમાં  રહેલી પરમ ચેતના) સર્વોચ્ચ સત્તા છે અને તેના અધિપત્યમાં અનેક દેવો છે. 

વેદ એકેશ્વરવાદની અંદર રહેલા બહુદેવવાદને સાર્થક કરે છે. 

આ જ સૂક્તના એક મંત્રના દેવતા વિશેષ રૂપે અદિતિ ગણાય છે. અદિતિ દેવમાતા છે. દેવો પણ તેમના દ્વારા જન્મ ધારણ કરે છે, તે મહાશક્તિ એટલે અદિતિ.

अदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता स-पिता स-पुत्रः ।
विश्वे देवा अदितिः पञ्च जना अदितिर्जातमदितिर्जनित्वम् || (ऋ. १ \८९\१०)

“અદિતિ જ દ્યુલોક છે. અંતરિક્ષ, માતા, પિતા, પુત્ર, સંપૂર્ણ દેવગણ, પંચજન (બ્રાહ્મણ, ક્ષત્રિય,વૈશ્ય, શુદ્ર અને નિષાદ ), ઉત્પન્ન થયેલા અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારા – આ સર્વ અદિતિનું જ સ્વરૂપ છે.”

સર્વવ્યાપી ભગવાન માટે કરવામાં આવતું વિધાન અદિતિ માટે! કહેવાનો અર્થ એ કે અદિતિ એટલે જ સર્વોચ્ચ આદ્યશક્તિ. પરમ ઈશ્વર જેના થકી સમગ્ર સૃષ્ટિ સંચાલિત છે તે. અહીં અદિતિને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલી પ્રાર્થના એ કોઈ ચોક્કસ નામને સંબોધીને કરવામાં આવેલી સ્તુતિ નથી એ સમજવાની જરૂર છે. કહ્યું છે, અદિતિ માતા છે અર્થાત એ જગજનની છે. અદિતિ પિતા છે અર્થાત પરમેશ્વર છે અને અદિતિ પુત્ર પણ છે, અર્થાત અદિતિ માનવીના અંતરતમમાં બેઠેલો અંતરાત્મા પણ છે.

માતા, પિતા અને પુત્ર – આ ત્રણેય સ્વરૂપ અદિતિમાં વિદ્યમાન છે! આનો અર્થ ? અદિતિ શબ્દનો અર્થ સમજતા સમજતા પહેલા વૈદિક સંસ્કૃત અને લૌકિક સંસ્કૃત વચ્ચેનો ભેદ સમજવો બહુ જરૂરી છે. વૈદિક સંસ્કૃતમાં વપરાયેલા શબ્દો ધાતુજ શબ્દો છે. ધાતુજ શબ્દો એટલે જેને કોઈ એક જ નિશ્ચિત અર્થમાં બાંધી ન રખાયા હોય. વૈદિક સંસ્કૃતના શબ્દોના અર્થ માટે યાસ્ક રચિત નિરુકત અથવા તો પાણીણી રચિત વ્યાકરણ મદદરૂપ થઈ શકે. મહાભાષ્યકાર પતંજલિ કહે છે – नाम च धातुमजाह निरुक्ते व्याकरण शकटस्य च तोकम | नैगमरुढि हि सुसाधु (महाभाष्य ३/३/१)

વેદના શબ્દો રૂઢીમા બંધાયેલા નથી. એના એક શબ્દના અનેક અર્થ થાય અને ઘણા બધા શબ્દો એક જ અર્થ દર્શાવતા હોય એવું પણ બની શકે. જેમ કે. અગ્નિ. લૌકિક શબ્દમાં અગ્નિનો અર્થ થાય – જ્વલનશીલ એવી આગ. પરંતુ વૈદિક સંસ્કૃતમાં અગ્નિના ત્રણ અલગ સ્વરૂપો અને ત્રણ અલગ અર્થો વિષે વાત થયેલી છે. અધિભૌતિક – જે દેખાય છે તે સ્વરૂપ. અગ્નિકુંડમાં જવાળારૂપે દ્રશ્યમાન થતું સ્વરૂપ. અધિદૈવિક – અગ્નિને  ઇન્દ્ર વગેરે દેવની જેમ જ એ દેવ તરીકે કલ્પીને એની સ્તુતિ કરવાની વાત. આધ્યાત્મિક – ભૌતિક અને દૈવિક રૂપ સિવાયનું સ્વરૂપ જે દેખાતું ન હોવા છતાં એની હાજરી પ્રત્યેક માનવીના અંતરમનમાં રહેલી છે તેવું સ્વરૂપ.

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ઋગ્વેદ ભાષ્યમાં અદિતિનો અર્થ વિસ્તાર કર્યો છે. अदीना अक्षिणा अखंडिता वा परमेश्वर शक्ति | અદિતિ એટલે પરમેશ્વરની અખંડિત શક્તિ. પ્રકૃતિ (પરમાણુ) અખંડિત છે એટલે પરમાણુને અદિતિ પણ કહે છે. આ જ પરમાણુથી સૂર્ય, ચંદ્ર,અગ્નિ, વાયુ વગેરે પદાર્થ બને છે એટલે જ પ્રકૃતિને (અદિતિને) દેવોની માતા પણ કહે છે. અદિતિ માતા પણ છે, પિતા પણ તે જ છે.

એક ક્ષણ માટે વિચારો કે જે શબ્દના આટલા બધા અર્થો નીકળતા હોય એ શબ્દ કોઈ એક વ્યક્તિ માટે વપરાયેલો હોઈ શકે ખરા? અદિતિ એટલે સ્ત્રી વાચક નામ – આવો અર્થ ઘણા કરે છે અને આ અર્થ પરથી પછી પુરાણોમાં અદિતિને દેવોની માતા તરીકે સંબોધન પણ મળ્યું છે! ઋગ્વેદના જ એક મંત્રમાં કહ્યું છે – અદિતિના આઠ પુત્રો થયા, જેમના સાત પૂર્વ યુગમાં અને આઠમો પુત્ર અન્ય યુગમાં થયો. અદિતિનો ભૌતિક અર્થ લઈને એને  ફક્ત એક સ્ત્રી તરીકે કલ્પીએ તો આ મંત્ર જ બરાબર નથી એમ કહી શકાય! કોઈ સ્ત્રીના પુત્રોના જન્મમાં એક આખા યુગનો ફેર હોઈ શકે ખરા? ખરેખર આ મંત્રમાં પ્રકૃતિના જ અલગ અલગ તત્વની ઉત્પત્તિની વાત કરવામાં આવી છે.   

નિરુકતમાં યાસ્ક કહે છે – દિતિ એટલે જેનો અંત છે તે. અદિતિ એટલે જેનો અંત નથી તે, અમર્યાદ, અપરંપાર. બીજા શબ્દોમાં કહીએ તો – બ્રમ્હાંડ. અદિતિ એટલે અનંત કાળ, ચિરકાળ માટે જે સદા વિદ્યમાન છે તેવું તત્વ.

સંદર્ભ –
નિરુક્ત શાસ્ત્ર, યાસ્ક
महाभाष्य, पतंजलि
ઋગ્વેદ દર્શન, ભાણદેવ

બિલિપત્ર

दा એટલે આપવું.  आ- दा એટલે લેવું. આદિત્ય શબ્દ આના પરથી આવ્યો છે. આદિત્ય એટલે તે જેમ આપે છે તેમ લઈ લે છે. અર્થાત, પંચ મહાભૂતનો બનેલો આ દેહ મૃત્યુ બાદ ફરીથી પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય છે.  

— શ્રદ્ધા ભટ્ટ

શ્રદ્ધા ભટ્ટના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘આચમન’ અંતર્ગત ધર્મ અને અધ્યાત્મ વિશેની આપણી પરંપરા અને સમજણને ઊંડાણપૂર્વક પરંતુ બહુ સરળતાથી ચર્ચાની એરણે મુકવાનો પ્રયત્ન છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

19 thoughts on “સ્વસ્તિ મંત્ર – શ્રદ્ધા ભટ્ટ

  • natumodha

    રોજ સવારે યુ-ટ્યૂબ ઉપર સ્વસ્તિ મંત્ર સાંભળવાની ટેવ શરૂ કરી છે. સંસ્કૃતનું સાારું એવું જ્ઞાન છે, એટેલે એ મંત્રોના ઉચ્ચારણમાં અને લખાણની જોડણીમાં કંઈક ખૂટતું હોય એવું જણાય છે. શ્રદ્ધાબેન, તમારો અભિપ્રાય જણાવશોજી.

  • Neha

    અદિતિના પુત્રો વિશે, હજુ થોડી વિસ્તૃત વાત જોઈએ. કઈ રીતે એ પ્રકૃતિ ની વાત છે એ વાત કહો. આટલાથી પેટ ન ભરાયું.

  • Hitesh Thakkar

    Thanks Shraddhaben. We would have chanted this Mantra several times but thanks for allowing us to stop and think on each word and it’s perspective. It gives chance to go to another world of understanding. God bless you.

  • Narendrasinh Rana

    સરસ માહિતી. એક જ શબ્દના અનેક અર્થ હોવાના કારણે ઘણી વાર બીજા નિષ્કર્ષ પર પહોંચાતું હોય છે.

  • hdjkdave

    સનાતન વેદ, સંસ્કૃત ભાષા અને મંત્રો વિશે બહુ જ અગત્યનો, ગેરસમજ અને ભ્રાન્તિમૂલક માન્યતાઓને દૂર કરી સાચી સમજ આપતો અભ્યાસપૂર્ણ લેખ સહુએ અનિવાર્યપણે વાંચવો જોઈએ. મંત્ર અને મંત્ર શક્તિ વિશેની કેવળ ધારણા કે માન્યતા પરથી ધરબાયેલી દૃઢ – ખોટી – સમજણને વૈજ્ઞાનિક, તાર્કિકને સત્યપરક દૃષ્ટિ કેળવવા માટે પણ અત્રે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના પર ચિંતન અવશ્ય કરવું રહ્યું. આપણને સહુને સાચી દિશા દર્શાવનાર લેખિકાનો પરિશ્રમ તો જ લેખે લાગશે. અક્ષરનાદની સમૃદ્ધિ અને શ્રદ્ધેયતામાં વૃદ્ધિ થતી જાય છે…જે ઉત્તરોત્તર વધતી રહે અને વાંચકોનું સર્વપ્રકારે પથપ્રદર્શન કરતી રહે…અસ્તુ.