આજનો વિષય એકદમ સામાન્ય છતાં બહુ ખાસ છે! હજુ ચાર દિવસ પહેલાં એટલે કે ૮ માર્ચે આપણે સૌ એ હોંશે હોંશે વુમન્સ ડે ઉજવ્યો. કેટકેટલાં સન્માન સમારંભો કર્યા, પાર્ટીઓ થઈ કે જેમાં આપણે સ્ત્રીઓનાં વખાણ કર્યા અને એમને ભેટ આપી સન્માનિત કર્યા ને એમનાં વિશે બધી જ શક્ય સારી ને આદર્શ વાતો કરી અને એમને એકદમ સ્પેશિયલ ફિલ કરાવ્યું. સાથે સાથે આપણે ખૂબ સરસ, થોડાં અઘરાં, ક્યાંકથી સીધા કોપી પેસ્ટ કરેલાં કેટલાં સરસ મેઈલ અને મેસેજીસ ફોરવર્ડ કર્યા, નહીં?
આપણી આસપાસની સ્ત્રીઓને સેલિબ્રેટ કરવા આપણે કેક લાવ્યાં, એમની સાથે ફરવા ગયા અને પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આપણી આસપાસ કે આપણને ઓળખતી દરેક વ્યક્તિને એવું બતાવ્યું કે સ્ત્રીઓને આપણે કેટલું માન, સન્માન અને પ્રેમ આપીએ છીએ! થવું જોઈએ! એક દિવસ સ્ત્રી માટે શાંતિ કે આરામ અને સેલિબ્રેશનનો હોવો જોઈએ કે જ્યાં બધું જ બિલ્કુલ આદર્શ હોય. બે દિવસ પહેલાં દરરોજ રસોડામાંથી નવરી ન પડતી સ્ત્રીને હાશકારો મળ્યો, દરરોજ ઘર અને ઓફીસ વચ્ચે દોડાદોડી કરીને થાકી જતી એ નારીને થોડો આરામ મળ્યો હશે, એનાં અસ્તિત્વનું, એનાં હોવાનું સેલિબ્રેશન એનાં અંતરને તરબોળ કરી ગયું હશે!
એક સર્વેનાં તારણ મુજબ અંદાજે ૬૦% લોકો સાચાં દિલથી સ્ત્રીને, એનાં અસ્તિત્વને, એની ઈચ્છાઓને સાચે જ ઉજવે છે, એને માન આપે છે! અને બાકીનાં 40% વિશે આપણે ઊંડું નથી ઉતરવું. હવે સવાલ એવો છે કે કેમ આપણે આવું કરવું પડે છે? આપણે લાગણી, પ્રેમ કે ઉમળકા દર્શાવવા માટે કોઈ એક દિવસનાં મ્હોતાજ કેમ બની જઈએ છીએ? શું પ્રેમ કોઈ એક દિવસનો મ્હોતાજ છે? હું તમને પ્રેમ કરું છું, તમને સન્માન આપું છું એ દર્શાવવા માટે કોઈ ચોક્કસ દિવસની મને જરૂર પડે? જો હું તમને ગિફ્ટ આપું તો જ તમે સન્માનિત થાઓ? અને ચાલો આવું કરી પણ દઈએ, પણ કદાચ દરરોજ જેને તદ્દન આ વર્તનથી વિપરીત વર્તન સાથે જીવવાની આદત હોય એ વ્યક્તિનાં માટે શું આ એક દિવસ ખુશી લઈ આવશે? આપણી દરેક વાત, વર્તન અને ઢબમાં જો કોઈ વાત સતત વણાયેલી રહે તો અને તો જ આપણે એને સાચાં અર્થમાં વધાવી શકીએ. ક્યારેય દરેક વ્યક્તિ માટે કોઈ એક ઘટના કે વાત આદર્શ ન હોઈ શકે. એની વ્યાખ્યા દરેક વ્યક્તિ સાથે, સંબંધ સાથે બદલાતી રહે અને જો ન બદલાય તો દરેક સંબંધ સ્થગિત થઈ જવાનો! બધાં જ એકસરખાં સંબંધ, એકસરીખી વાતો અને વર્તણૂકો! મજા ક્યાં આવશે?
કમિંગ ટુ ધ રીઅલ પોઇન્ટ કે જેનાં વિશે આજે વાત કરવી છે, એક એવી ઘટના વિશે કે જેણે આપણને સૌને અંદરથી હચમચાવી મૂક્યાં છે. એક એવી દીકરીની, પત્નીની કે માતાની વાત કે જેણે જિંદગીની તકલીફો સામે મોતને હસતાં હસતાં સ્વીકાર્યું. ને આનાં પછી બીજા કેટલાય એવાં કિસ્સાઓ આપણે સાંભળ્યાં. આમાનાં કેટલાં કિસ્સાઓ આપણને સ્પર્શ્યા? કેટલી વાતોએ આપણી અંદર વેદનાની એક ટીસ પેદા કરી? ખબર નહીં! પણ એક વાત બહુ ચોક્કસ છે, આ એકપણ ઘટના આપણને અસહ્ય તકલીફ નથી આપી રહી, જો એવું થયું હોત તો ઘણું બદલી શકાયું હોત. આપણે હંમેશા લાગણીનાં ગુલ્લક, વ્હાલપ, હૂંફ વિશે વાતો કરીએ છીએ, પણ આજે આપણાં સૌનું ગુલ્લક એક ખાલીપો અનુભવી રહ્યું છે. કેમ એવું? કશુંક છે જે ખૂટે છે, જેને ભરવાનું છે, એ પણ છલોછલ વ્હાલથી!
આપણે સૌ ઈંગ્લીશ વિંગ્લીશની શ્રીદેવીને, ચક દે ઇન્ડિયાની ખેલાડીઓને, ક્વિનની કંગનાને અને દંગલની દીકરીઓને સ્વીકારી, વધાવી અને ઉજવી શકીએ છીએ પણ જ્યારે આપણી નજીકની કોઈ સ્ત્રી કોઈ પણ હિંમતવાન પગલું ભરવા તત્પર હોય ત્યારે? શું આપણે એને એ જ ઉત્સાહથી વધાવીએ છીએ? કે આપણે ડરીએ છીએ, શું થશે આગળ? કશુંક અણધાર્યું થયું તો? ભલે એને ના નહીં પાડી હોય પણ ક્ષણભર માટે તો મનમાં ખ્યાલ ઝબકી ગયો જ હશે. ખબર નહીં કેમ પણ અત્યારે આપણે એક એવી ઢબ ઉભી કરી દીધી કે સ્ત્રી એ બધું જ કરી શકે જે પુરુષ કરી શકે, એ પુરુષસમોવડી છે! અરે પણ કેમ! શું જરૂર છે એવું કરવાની? સ્ત્રી ઈશ્વરનું એક અલાયદું સર્જન છે અને એની પોતાની એક હસ્તી છે, અસ્તિત્વ છે. એ એ દરેક વસ્તુ કરી શકવા સક્ષમ છે કે જે પુરુષ નથી કરી શકવાનો. તો પછી એ બે પાત્રોની સરખામણી કેમ? માનવામાં નહીં આવે પણ બોડી શેમિંગ (એટલે કે કોઈ સ્ત્રી કેટલી પાતળી કે જાડી છે તેને લઈને તેની હાંસી ઉડાવવી)ને કારણે લગભગ 48% જેટલી સ્ત્રીઓ ડિપ્રેશનમાં જતી રહે છે! નવી બનેલી માતા પોતાનાં શરીરથી નફરત કરવા લાગે છે, ધીરે ધીરે ડિપ્રેશનમાં સરી પડે છે અને ક્યારેક એ હદે કે એને પોતાનાં જીવવા પર સવાલ ઊભા થવા લાગતાં હોય! અને આપણાં માટે કેટલી સહેલી વાત છે એવું કહી દેવું કે તું કેટલી જાડી કે પાતળી છે કે તું સાવ કેવી દેખાય છે! આપણે કદી આ વાતોને ધ્યાનથી મૂલવી જ નથી અથવા એવું માની લીધું છે કે આવું તો થાય જ!
ઘરની દરેક વ્યક્તિને એક સ્ત્રી હૂંફ આપે છે, સાંભળે છે, સંભાળે છે, સાચવે છે ને સમજે છે. નિરાશા, બીમારીઓ, જીવનનાં ઉતાર ચઢાવો, કઠિન સમય-બધી જ સ્થિતિમાં એક સ્ત્રી મજબૂતીથી ઉભી રહી શકે છે અને એ સમયને પસાર કરી જાણે છે. સાવ નજીવી વાતમાં રડી પડતી સ્ત્રી સમય આવે એક આખા કુટુંબને સાચવી જાણે છે. પિયરમાં કદી કોઈ તકલીફ કે માનસિક ત્રાસમાં ન રહી હોય એ દીકરી પર જ્યારે સાવ નકામી ને તેને તકલીફ આપવા બનાવેલી બોજરૂપ જવાબદારીઓ અને વાતોનો બોજ આવી પડે ત્યારે એ થંભી જાય છે! કેમ કે અટકી જવાનો કે મૂકી દેવાનો કે મેદાન છોડીને જતાં રહેવાનો અધિકાર ક્યારેય સ્ત્રીઓ પાસે નથી હોતો! કે એ સ્વીકારતી નથી, એને ખબર છે કે એનાં ગયાં પછી શું થશે! આખા દિવસનો રસોડાનો થાક, જોબનું બર્ડન, ટ્રાવેલિંગ, બાળકો અને વડીલોની જવાબદારીઓ વચ્ચે સતત પીડાતી અને પિસાતી દરેક સ્ત્રી ફક્ત પ્રેમ ઝંખે છે.
આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પ્રેમ એકમાત્ર અનંત સત્ય અને તાકાત છે. ભલે આ આખી વાત સાવ સાદી અને વર્ષોથી સાંભળેલી ને વાંચેલી લાગે પણ એ જ અત્યારે નરી વાસ્તવિકતા છે. ખબર નહીં કેમ પણ આપણે સૌ કોઈ ને કોઈ સમયે કે સ્થાને આ વાતમાં પાછા પડીએ છીએ. હોઈ શકે કે જે આપણે ધારીએ છીએ કે સમજીએ છીએ એ સાચું હોઈ શકે, પણ એને કહેવાની ભાત પણ એક સ્ત્રીનાં જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. થોડાં વખત પહેલાં જ એક બહેને પોતાની એક નવી એપ લોન્ચ કરી. જ્યારે કોઈએ એમને પૂછ્યું કે તમને આ આખી પ્રક્રિયામાં સૌથી વધુ સાથ કોનો મળ્યો તો એમનો જવાબ સ્તબ્ધ કરી દે તેવો હતો! તેમણે કહ્યું કે મને સૌથી વધુ સાથ મેં આપ્યો છે, મારી આસપાસની દરેક વ્યક્તિ કે મિત્રોને વિશ્વાસ નહોતો કે હું આવું કરી શકીશ. કેટલી વાર મને ના પાડી, પૈસાની જરૂર પડી તો પણ બહાનાં કાઢ્યા પણ મને વિશ્વાસ હતો માટે મેં કર્યું. આ વાત વાંચવામાં જેટલી સહેલી લાગે છે એટલી કદાપિ નથી! વિચારો એ સ્ત્રી પર શું વીત્યું હશે જ્યારે એને દરેક જગ્યાએથી, દરેક વ્યક્તિ પાસેથી નરી નિરાશા સાંપડી હશે? આપણે કોઈની પાંખો કાપીને પછી એની ઉડવાની ક્ષમતા ચકાસીએ તો એ કસોટી જ પાયાવિહોણી છે. પાંજરામાં પુરીને જો કહીએ પક્ષીને કે તું ઉડ, તો એ કેમ શક્ય બને?
હાર્ટ ઓફ ધ ટોક એ જ છે કે જ્યારે આપણે એક સમયે ફક્ત કોઈ સુંદર સ્ત્રી કે પરફેક્ટ ફિગરની સાથે જ એ જ સ્ત્રીનાં શરીર પરનાં સ્ટ્રેચ માર્કને સ્વીકારી શકીએ, જ્યારે શોર્ટ્સ પહેરવાની એની ચોઇસને કોઈ પણ કોમેન્ટ વિના વધાવી શકીએ, એની કશુંક નવું કે આપણાં આદર્શ સ્વીકારેલા(કે થોપી બેસાડેલા) સ્ટાન્ડર્ડસની વિરુદ્ધની શરૂઆતને આગળ ધપાવવામાં એની સાથે ઉભા રહી શકવાની હિંમત રાખી શકીએ તબ હી કુછ હોગા! નહીં તો આજે કોઈ બીજી દીકરી કે જેનાં માટે આપણે ખાલી દુઃખ દર્શાવી રહ્યાં છીએ એ દુઃખ કદાચ આવતી કોઈ કાલે આપણાં ઘરે પહોંચી જશે અને ત્યારે સમય વીતી ગયો હશે!
ગુડ લક એન્ડ બેટર ફ્યુચર ટુ અઝ!!
– આરઝૂ ભૂરાણી
આરઝૂ ભૂરાણીના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લાગણીઓનું ગુલ્લક’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.
સ્ત્રીને સ્ત્રીત્વ અને પુરુષને પુરુષત્વ આપીને ઉપરવાળાએ જે ભેદભાવ ઉત્પન્ન કર્યો છે તેને
સમજવાને બદલે, સ્વીકારવાને બદલે પાંજરું પહોળું પણ નથી થઇ શકતું. કથિતપણે
શિક્ષિત સમાજ આંખ આડા કાન કરે છે. મને તો એ પ્રશ્ન થાય છે કે માનવીમાં વિચારશક્તિ
ન હોત તો! તો મનુષ્ય અન્ય જીવોની માફક કદાચ વધારે સારી રીતે જીવી શકતો હોત. પણ
વિચારશક્તિ મળી છે તો તે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કેમ ન કરે? અજ્ઞાન, અહં અને (ગેર)સમજણ
દૂર થાય તો જ અંધકારમાં સૂર્યોદય થાય અને સઘળું ઝળહળે. તથાસ્તુ!
સમજણ અને શાણપણ તથા અનુભવસિદ્ધ અભિપ્રાય.
ખૂબ ખૂબ આભાર ભાઈ.
ખૂબ સાચી વાત છે ભાઈ.