સદાય લોકહૈયે વસી જતાં બાળવાર્તાનાં પ્રાણીપાત્રો! – ભારતીબેન ગોહિલ 6


બકોર પટેલ, શકરી પટલાણી, ગલબો શિયાળ, મિયાં ફુસકી, તભા ભટ્ટ, છકો – મકો, અડુકિયો-દડુકિયો, છેલછબો કે સાત પૂંછડીવાળો ઉંદર.. નામ યાદ આવતાંની સાથે જ એ બધાંનાં પરાક્રમોથી ભરપૂર વાર્તાઓ આપણા મન પર કબજો કરી લે! કોણ માને કે આ બધી કાલ્પનિક સૃષ્ટિ હશે! એક સર્જકના મનની ઉપજમાત્ર હશે!

સાત વાગતાની સાથે જ ધરતી પોતાનું કામ આટોપી ઝટપટ ઑફિસેથી ઘરે જવા નીકળી. ટ્રાફિકની ભીડ ગાડીની ગતિ ધીમી પાડતી ત્યારે તેનું માતૃહૃદય નાનકડા દીકરાને મળવા વ્યાકુળ થઈ ઊઠતું. માંડ પહોંચાયું. ગાડીમાંથી ઉતરતાની સાથે જ લિફટની રાહ જોયા વગર હાંફતી હાંફતી બે સીડીઓ ચડી ગઈ. કલ્પના કરતી કરતી કે જેવો બબલુ મને જોશે એવો વળગી જ પડશે!

ઓરડામાં પહોંચી. ઘડીભર ઊભી રહી. આશ્ચર્ય પણ થયું. પોતાની હાજરીની કોઈ નોંધ જ ન લેવાઈ. બબલુ તો નિરાંતે બેઠો બેઠો બારીની જાળી બહાર ઘૂ… ઘૂ઼ુ… ઘૂ઼… કરી રહેલા કબૂતરને એક ધ્યાને સાંભળી રહ્યો હતો! ધરતી તો ઘડીભર પોતાના વ્હાલા દીકરા સામે અને ઘડીભર ઘૂ઼ુ.. ઘૂ… ઘૂ… કરી રહેલા કબૂતર સામે જોઈ રહી!

સાચે જ… બાળકો માટે આ દુનિયા અદ્ભુત વિસ્મય ભરેલી હોય છે. નાનકડી કીડીથી લઈને હાથી સુધીનાં તમામ જંતુઓ, પશુઓ અને પક્ષીઓ બાળકોને ખૂબ આકર્ષતા હોય છે. આમપણ બાળકને પોતાના પરિવાર પછી તરત જ ચકલી, કબૂતર, કાગડા, બિલાડી, ગલૂડિયાં, ગાય જેવાં પ્રાણીઓનો પરિચય થઈ જતો હોય છે. કોઈનું ચીં ચીં, કોઈનું મ્યાઉં મ્યાઉં, કોઈનું ઘૂ..ઘૂ તો કોઈનું બાઉ.. વાઉ..બાળકને ગમે છે. તેનું અનુકરણ કરતાં કરતાં બાળકો ચીં ચીં.. ઘૂ઼ુ.. ઘૂ..જેવા સરળ ઉચ્ચારો બોલતાં પણ શીખે છે.

કદાચ એટલે જ બાળકોને એ બધાં પ્રાણીઓ સાથે પોતીકાપણું અનુભવાય છે.

સ્વાભાવિકપણે જ બાળકોને પ્રિય એવાં આ પાત્રો બાળસર્જકોને પણ પ્રિય હોય છે. અને એટલે તો હાલરડાંમાં, બાળગીતોમાં, બાળવાર્તાઓમાં, નાટકોમાં, ઉખાણાંઓમાં અને જોડકણાંમાં આવાં પ્રાણીપાત્રો રાજ કરતાં હોય છે. તેનાં રંગરૂપ અને બાહ્ય દેખાવ આધારિત, તેની બોલવાની આદતો આધારિત, તેની જીવવાની પદ્ધતિ આધારિત કે તેની ખાસિયતો આધારિત અનેક ગદ્ય પદ્ય રચનાઓથી આપણું બાળસાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં સમૃદ્ધ છે.

બકોર પટેલ, શકરી પટલાણી, ગલબો શિયાળ, મિયાં ફુસકી, તભા ભટ્ટ, છકો – મકો, અડુકિયો દડુકિયો, છેલછબો કે સાત પૂંછડીવાળો ઉંદર.. નામ યાદ આવતાંની સાથે જ એ બધાંનાં પરાક્રમોથી ભરપૂર વાર્તાઓ આપણા મન પર કબજો કરી લે! કોણ માને કે આ બધી કાલ્પનિક સૃષ્ટિ હશે! એક સર્જકના મનની ઉપજમાત્ર હશે!

મારો છે મોર, મારો છે મોર,
મોતી ચરંતો મારો છે મોર!

હોય કે,

તું અહીંયા રમવા આવ, મજાની ખિસકોલી,
તું દોડ તને દઉં દાવ, મજાની ખિસકોલી.

જેવાં ગીતોમાં બાળકોનો પ્રાણીઓ પ્રત્યેનો ભાવ જરૂર અનુભવાય છે…આ ભાવ એ બાળકોને સર્જકો તરફથી મળેલી અણમોલ ભેટ ગણી શકાય. ચાલો યાદ કરીએ કેટલાક સર્જકોને જેમના તરફથી બાળકોને આવી ભેટ મળી છે.

ગિજુભાઈ બધેકા.

એક સમર્થ કેળવણીકાર અને એવા જ સમર્થ વાર્તાકાર. તેમણે આપેલા યોગદાનને કારણે “મુછાળી મા” જેવું બિરુદ પામી ગયા. તેમની વાર્તાઓમાં પ્રાણીકથાઓ શિરમોર છે એમ કહીએ તો પણ ખોટું નથી. પ્રાણીઓનાં મોંએ બોલાવેલાં અનોખાં વાક્યો હોય કે જોડકણાં.. બાળહૈયે સદાયે વસી ગયાં છે.

‘સસાભાઈ સાંકળિયા’ વાર્તાના શિયાળભાઈ રોફથી બોલતા હોય,

“સસાભાઈ સાંકળિયા, ડાબે પગે ડામ,
ભાગ બાવા નીકર તારી તુંબડી તોડી નાખું!”

કે પછી ‘આનંદી કાગડો’ પોતાને શિક્ષા થવા છતાં લ્હેરથી ગાતો હોય,

“કૂવામાં તરતાં શીખીએ છીએ, ભાઈ!
કૂવામાં તરતાં શીખીએ છીએ!”

અરે પેલો નાનકડો ઉંદર કેમ ભુલાય? ટોપી સીવી ન દેતા દરજીને ધમકી આપતો હોય,

“કચેરી મેં જાઉંગા, સિપાઈ કું બુલઊંગા,
બડે માર દેઉંગા, તમાસા દેખૂંગા!”

“ભટુરિયાંની વાર્તા” દ્વારા તો કોઈ આવે તો બારણાં ઉઘાડશો નહીં કહેતી બકરી કેટકેટલો બોધ આપી જાય છે! તે કહે છે હું આટલું બોલું તે પછી જ બારણાં ઉઘાડજો..

બારણાં ઉઘાડજો રે એલાં ભટુરિયાં,
તમારી મા આવી રે એલાં ભટુરિયાં,
તમને ધવરાવશે રે એલાં ભટુરિયાં,
તમને ખવરાવશે રે એલાં ભટુરિયાં,
તમને પિવરાવશે રે એલાં ભટુરિયાં.

એ સમયમાં શબ્દો દ્વારા અપાતો પાસવર્ડ જાણે!

આ ઉપરાંત પ્રખ્યાત વાર્તાકાર રમણલાલ સોની દ્વારા રચાયેલ “ગલબા શિયાળ”નું પાત્ર બાળકોની સાથે સાથે મોટેરાંઓને પણ વાંચવું ગમે એવું. ગલબા શિયાળને પોતાની બડાઈખોરી ભારે પડતી હોય છે. એની અવનવી વાતો વાર્તામાંથી મળે છે.

આઝાદી પછીનો બાળસાહિત્યનો યુગ હરિપ્રસાદ વ્યાસ અને જીવરામ જોષીના નામે છે.  હરિપ્રસાદ વ્યાસનો જન્મ વડોદરાની બાજુમાં આવેલ બોડકા ગામે થયેલો. તેઓએ “ગાંડીવ” બાળપાક્ષિકમાં બકોર પટેલની કથાઓ લખી. આ કથાઓ એટલી તો લોકપ્રિય થઈ કે બાળકો, તેનાં માતાપિતા અને વડીલો સૌ કોઈ તેના ચાહક બની ગયાં.

બકોર પટેલ શ્રેણીની વાર્તાઓનું આલેખન વિશિષ્ટ કહી શકાય તેવું હતું. કેમ કે તેનાં તમામ પાત્રો પશુઓ હોવા છતાં તેનાં લક્ષણો સંપૂર્ણપણે માણસોનાં હતાં. બકોર પટેલ ઉપરાંત શકરી પટલાણી, વાઘજીભાઈ વકીલ, ઊંટડિયા ડૉકટર, હાથીશંકર ઘમઘમિયા અને ભોટવાશંકરની અનોખી જ કાલ્પનિક દુનિયા તેઓએ ઊભી કરી હતી.

બકોર પટેલની સૃષ્ટિથી અભિભુત થઈ ગયેલા હાસ્ય સર્જક તારક મહેતા કહે છે કે, “બકોર પટેલ વાંચ્યે તો વર્ષો થઈ ગયાં પણ એની પાત્રસૃષ્ટિ મારી ચેતનામાં એવી ઊંડી ઊતરી ગઈ છે કે મારાં પાત્રો જાણે “બકોર પટેલ”નાં પાત્રોનો માનવ અવતાર ન હોય એવું બીજાઓને લાગતું હોય કે ન લાગતું હોય, મને તો લાગે જ છે!”

કોઈ પાત્રોની વર્ષો પછી પણ આટલી લોકપ્રિયતા અભૂતપૂર્વ સર્જનને આભારી છે.

ભાગ્યે જ એવું બનતું હોય છે કે સર્જક કરતા સર્જન ચડિયાતું થઈ સૌનાં દિલ પર રાજ કરે. બકોર પટેલને આવું સદ્દભાગ્ય સાંપડ્યું છે એ ગૌરવની વાત છે.

ગુજરાત સમાચારના બાળ સામયિક ‘ઝગમગ’માં મિયાં ફુસકી, તભા ભટ્ટ, છકોમકો અને અડુકિયો દડુકિયો જેવા યાદગાર પાત્રો સર્જનાર જીવરામ જોશીનું નામ પણ બાળ સાહિત્યક્ષેત્રે ગર્વભેર લેવાય છે. મજાની વાત તો એ છે કે કાશીવાસ દરમ્યાન તેમને એક દૂબળાપાતળા અને મોજીલા ઘોડાગાડીવાળા અલીમિયાં સાથે દોસ્તી થયેલી તેના પરથી મિયાં ફુસકીનું પાત્ર સૂઝ્યું હતું. આ બધાં પાત્રો દ્વારા બાળકોમાં હાસ્ય, દોસ્તી, એકતા, બુદ્ધિચાતુર્ય અને પરાક્રમોના મૂલ્યો સહજ રીતે જ સ્થાપિત કરવાનું શક્ય બન્યું.

આ સિવાય પણ અનેક પાત્રો બાળસાહિત્યકારો દ્વારા રચાયાં છે, રચાઈ રહ્યાં છે અને ભવિષ્યમાં પણ રચાશે. ત્યારે આ અદ્ભુત દુનિયાથી આપણાં બાળકો વંચિત ન રહી જાય તે માટે સતત પ્રયત્નો કરવા આપણી નૈતિક ફરજ બની રહે છે!

બિલિપત્ર…

મૂળિયાં અને પાંખો
આપણે આપણાં સંતાનોને બે જ શાશ્વત બાબતોની ભેટ આપી શકીએ. એક તો મૂળિયાં અને બીજી પાંખો!
ચારિત્ર્ય ઘડતરનાં મૂળિયાં અને સ્વપ્નોની પાંખો!

ભારતીબેન ગોહિલના અક્ષરનાદ પરના સ્તંભ ‘અલ્લક દલ્લક’ અંતર્ગત બાળ સાહિત્યનું સુંદર ખેડાણ શરુ થયું છે, સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

વિશેષ : જીવરામ જોષીજી વિશેનો આવો જ એક સુંદર લેખ ટીના દોશીની કલમે ‘બાળસાહિત્યકાર જીવરામ જોષી’ રીડગુજરાતી પર છે.. અહીં ક્લિક કરીને તેને માણી શક્શો..


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “સદાય લોકહૈયે વસી જતાં બાળવાર્તાનાં પ્રાણીપાત્રો! – ભારતીબેન ગોહિલ

  • hdjkdave

    રસરંજન, બાલસંદેશ, ઝગમગ ઉપરાંત ફેંટમ અને મેન્ડ્રેકની કથાઓ વાંચીને હું બાળપણમાં સમૃદ્ધ થયો છું. આ લેખથી હું એ સમૃદ્ધિના સરનામે આંટો મારી આવ્યો. મારા સ્મૃતિ પ્રદેશમાં જીવરામ જોશીની ચાંદાની સફરે જવાનું મન હજી પણ થઇ આવે. મહાસાગરની મહારાણી અને કેપ્ટન નેમોની દરિયાઈ અજાયબ સૃષ્ટિ આજે પણ અચરજ પમાડે તેવી છે. છેલ છબાનાં પાત્રો સાથે એવો ઘરોબો થઈ ગયો હતો કે સ્વપ્નમાં પણ આનંદ આપતાં. ફુસકી મિયાં અને તભા ભટ્ટ માટે હિન્દૂ મુસલમાન જેવી કોઈ બાબત ત્યારે મનમાં નહોતી. શાંતિલાલ ન.શાહના ટારઝનના પરાક્રમો ગુજરાતીમાં વાંચતો ત્યારે એવાં પરાક્રમી બનવાના વિચાર માત્રથી બહાદુર બની જતો. એમ થાય કે આ સમયમાં બાળકોને એ તરફ કેવી રીતે વાળી શકાય. શું એ માટે આધુનિક ઉપકરણો મદદે આવી શકે?

    • BHARTIBEN GOHIL

      પ્રતિભાવ બદલ આભાર સાહેબ.
      ગુણવંત શાહ એક સરસ વાત કહે છે,
      “બાળપણમાં પરીકથા નહીં જામે તો ગઢપણમાં હરિકથા પણ નહીં જામે!” મતલબ બાળપણની આ સમૃદ્ધિ આખી જિંદગીની મૂડી બની રહે છે. આ વારસો બાળકોને કોઈપણ ભોગે આપવો જ રહ્યો.

      આધુનિક ઉપકરણોના માધ્યમથી એક નવો આયામ ઉમેરાયો છે. પહેલા બાળકો વાર્તા સાંભળતાં અથવા વાંચતાં. હવે ઉપકરણોના માધ્યમથી એને જોઈ પણ શકે છે. પરંતુ તેની એક મર્યાદા છે કે બધું તૈયાર પીરસાતું હોવાથી બાળકોની કલ્પનાશક્તિ એટલી વિકસી શકતી નથી. જો માતાપિતા ઉપકરણનો ઉપયોગ કરીને બાળકોને જાતે વાર્તા કહે તો આ મર્યાદા નિવારી શકાય છે.

      વડીલોનો હૂંફાળો હાથ ફરતો જાય અને વાર્તાઓ કહેવાતી જાય એ લ્હાવો સદનસીબ બાળકને પ્રાપ્ત થાય છે!

      • Shraddha Bhatt

        આહા! કેટલું બધું યાદ આવી ગયું. આમાંની ઘણી વાર્તાઓ કહી છે મેં બાળકોને. મજા પડી..