ઓસ જેવી એક સવાર.. – મીરા જોશી 2


એવું તો કાંઈ ખાસ નથી મારા ફોનમાં કે હું પાસવર્ડ રાખું, બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે! આજે અમસ્તું મલકી જવાયું! પાગલ, ફોનનો પાસવર્ડ પણ મારા નામનો રાખ્યો છે તેંં..! એટલા માટે કે તને મારું નામ બહુ ગમે છે. પણ મને તો તું ‘લાલી’ કહે એ જ બહુ ગમે!

હોઠે કવિતા, હાથે કલમ, આખોમાં અશ્રુ જામ છે,
રહી ગયેલું મારા દિલમાં ‘તારું’ જ એક નામ છે!

વહેલી સવારે ફૂલો પર બાઝેલા ઓસ જેવી સવાર જોઉં છું, સુંદર, શાંતિમય, સુખમય…

આજે, આ લખું છું ત્યારે એવું લાગે છે, હવે હ્રદયને ખાલી કરવા માટે મારે હવે કાગળના આધારની જરૂર નથી. તારા સંગાથમાં જન્મોનો થાક, વર્ષોની પીડા, બધી જ નિરાશા ઓગળી રહી છે. ક્યારેક શબ્દોની જરૂર નથી પડતી લાગણીઓ અભિવ્યક્ત કરવા માટે, તો ક્યારેક કોઈક લાગણીઓ જ એટલી તીવ્ર હોય છે કે અભિવ્યક્તિના શબ્દો જ ખરી પડે, ને ક્યારેક શબ્દની પણ પાર નીકળી જતો હોય છે સંબંધ..!

જેની સાથે તમે પ્રયત્ન વિના બાળક જેવા બની જાવ, સાવ અબુધ, બેફીકર, નફકરા, કોઈ શું કહેશે કે આગળ શું થશે એની જ્યાં રતીભર પણ પરવા ન હોય એવા મુક્ત પ્રકૃતિ જેવા સંબધનું શું નામ હોય શકે? જિંદગીના એવા મુકામ ઉપર અનાયાસ આવી જવાય જ્યાં અસત્ય બોલવાનો કે થયેલી ભૂલોનો પણ હ્રદયને ભાર લાગતો નથી, એવી નિઃસ્પૃહ અવસ્થા માત્ર પ્રેમમાં જ જીવાતી હશે? તને મળવા માટે મારે અસત્યનો આધાર લેવો પડે છે, પરંતુ પહેલીવાર મનને એનો રંજ નથી.

બધી જ ઈન્દ્રિયો પોતાનું કામ આપતી હોવા છતાં જયારે તારી સાથે હોઉં ત્યારે જાણે નકામી થઈ જાય ને બધાની જેમ સામાન્ય જિંદગી જીવતી હોવા છતાં એક નવા જ વિશ્વમાં હોઉં એવું લાગે છે. મારી જાતની જાણ બહાર હું એક નવા વિશ્વમાં આવી ગઈ છું! મેચ્યોરીટીની ઉંમરમાં પગલાઓ પાડી દીધા પછી, જવાબદારીના પોટલાઓ ખભા ઉપર મૂકીને ચાલવાનું શીખી લીધા પછી પણ શું આવી બાળક જેવી નિર્દોષ મનોદશા લાવવાનું શક્ય છે? આ સંબંધને જે નામ આપો તે- આકર્ષણ, પ્રેમ, દોસ્તી, અરે બેનામ પણ રાખો છતાં કંઈક એવું જે ક્યાંય નથી, ન પુસ્તકોમાં, ન ફિલ્મોમાં, ન મનોરંજનમાં, ન સ્પર્શમાં, ન ભોગ-વિલાસમાં, એવો અલભ્ય આનંદ મને તારી સાથે મળે છે. જીવનના અગણિત અર્થમાંથી નવો જ અર્થ શોધી લેવાનો આનંદ…!

આટલો નિર્ભેળ આનંદ મારી અંદરથી પણ વહી શકે, એ અશક્યતા પાર કરીને તે મને ચિરંજીવ સુખની ક્ષણો આપી છે. જિંદગીના દરિયામાંથી નિર્દોષ આનંદ ને સુખના મોતી બહાર લાવી તે મારી આંખો સામે ધરી દીધા છે..! કદાચ આ સંબંધનું નામ હોઈ શકે, પરંતુ શબ્દમાં ન બંધાઈ શકે એવી આ અનુભૂતિનું કોઈ નામ ન હોઈ શકે, કોઈ જ નહિ..!

લગાવ..

એવું તો કાંઈ ખાસ નથી મારા ફોનમાં કે હું પાસવર્ડ રાખું,
બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે!

આજે અમસ્તું મલકી જવાયું! પાગલ, ફોનનો પાસવર્ડ પણ મારા નામનો રાખ્યો છે તે..! એટલા માટે કે તને મારું નામ બહુ ગમે છે. પણ મને તો તું ‘લાલી’ કહે એ જ બહુ ગમે!

આમ તો તારી જિંદગીના એક એક ખૂણામાં મારું નામ રોપાઈ ગયું છે, ઘર, મિત્રો, કોલેજ, બધે જ. પરંતુ મારા જીવનમાં તો હજુ તું આ કાગળ સુધી જ સીમિત છે. કેવું કહેવાય નહિ, એક જ સંબંધ ને લાગણીમાં જીવતા બે વ્યક્તિ ને છતાં એમના પોતાના જ સંબંધ વિશે એમના વિચારો, અનુભવો અને અભિપ્રાયો અલગ અલગ..

તારો ઉત્સાહી, હસમુખો ને બોલકો સ્વભાવ ને મારો ઓછાબોલો ને શાંતિપ્રિય. તું ભીડનો જીવ ને હું એકાંતની. તું બધું જ વ્યક્ત કરી શકે, શબ્દો ગોઠવ્યા વિના કે શબ્દોની માયાજાળમાં પડ્યા વિના ને હું શબ્દો મઠારી સજાવીને બોલનારી ને છતાં રહું તો છેલ્લે અવ્યક્ત જ! પરંતુ અવ્યક્ત નથી હું, જો ને કેટલી વ્યક્ત થાઉં છું, અહીં, તારાથી આ કાગળ સુધી!  

મારા હ્રદયના ઊંડાણથી લઈ આ સફેદ કાગળની દુનિયા સુધી વિસ્તરેલો છે માત્ર તું! આ કાગળ જેના કોરા કેનવાસ ઉપર હું તને મારી નજરે દોરી શકું છું, જેની ઉપર હું મારું હ્રદય કોઈની રોકટોક વિના મન ઈચ્છે એમ ઊતારી શકું છું, જેની ઉપર આપણાં ઊગતાં સંબંધની ક્ષણોને જીવંત કરી ચિરંજીવ બનાવી શકું છું!   

હા, ગઈ રાતે ફરી વખત ઊંઘમાંથી જાગી જવાયું, તારી સાથે વાત કર્યા બાદ પણ અડધી રાતે તારા ખયાલો ઘેરી વળે છે. કંઈક બદલાઈ જવાના, કશુંક અધૂરું છૂટી જવાના, આપણા હ્રદયે રોપેલી પ્રેમની શાંતિ સાથે અસંગત એવા આ વિચારો ક્યાંથી આવે છે? પણ તને ઊંઘમાંથી જગાડવાની ઈચ્છા નથી થતી. તારી યાદમાં થતાં આ ઉજાગરા પણ હવે ગમવા માંડ્યા છે!  ને તને યાદ કરતાં કરતાં સવારે જાગું ત્યારે આંખોમાં કોઈ સુંદર સપનું જોયું હોય એમ ફૂલ પર બાઝેલા ઝાકળ જેવી ગુલાબી આંખોથી જાગું છું.

આપણી વચ્ચે જે લાગણીભીનો લગાવ જન્મ્યો છે, એના ચિરંજીવ આયુષ્ય માટે હું રોજ સવારે પરમાત્માને આ સંબંધને ધબક્તો રાખવાની પ્રાર્થના કરું છું…

– મીરા જોશી


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ઓસ જેવી એક સવાર.. – મીરા જોશી