શિવનું કલ્યાણકારી સ્વરૂપ : રુદ્ર – શ્રદ્ધા ભટ્ટ 15


રુદ્ર એટલે સર્વવ્યાપી પરમાત્મા જે દરેક વ્યક્તિના અંતરમનમાં વિરાજમાન છે. ઋગ્વેદનો એક મંત્ર છે – अंतरिच्छन्ति तं जने रुद्रं परो मनीषया। (ऋ.८.७२.३)  [જ્ઞાની મનુષ્ય] તે રુદ્રને (तं रुद्रं) મનુષ્યના અંત:કરણની મધ્યમાં (जने पर: अन्त:) બુદ્ધિ દ્વારા (मनीषया) જાણવાની ઈચ્છા (इच्छन्ति) કરે છે.’ જ્ઞાની લોકો એ રુદ્રને માનવીના અંત:કરણમાં શોધે છે, એટલે કે રુદ્ર એટલે બધાના અંત:કરણમાં રહેલો પરમાત્મા.  રુદ્ર એટલે શિવ – આ પૌરાણિક માન્યતા છે. રુદ્રને શિવ શા માટે કહે છે?

Rudra ShivRatri Aksharnaad
Sketch by Shraddha Bhatt

વૈદિક ધર્મના એક દેવતા છે – રુદ્ર. વેદમાં રુદ્ર નામ પરમાત્મા, જીવાત્મા માટે વપરાયું છે. રુદ્ર એટલે સર્વ શક્તિમાન દેવ – આવો અર્થ ઋગ્વેદ અને યજુર્વેદના શ્લોકો પરથી નીકળે છે. યજુર્વેદમાં તો રુદ્રાધ્યાય નામનો એક આખો અધ્યાય રુદ્રદેવને સમર્પિત છે. રુદ્ર કલ્યાણકારી છે, એટલે જ એ શિવ તરીકે પણ ઓળખાય છે.

અથર્વવેદમાં રુદ્રના લક્ષણો નીચે પ્રમાણે દર્શાવેલા છે –
·         गर्त-सद: – હ્રદયના ઊંડાણમાં રહેનાર. જે હ્રદય રૂપી ગુફામાં રહે છે તે.
·          गुहाहित: –  જેનું સ્થાન બુદ્ધિમાં છે તે.
·          गुहाचर: , गुहाशय: – (गुह्यं ब्रह्म) – બુદ્ધિની અંદર રહેનાર.

રુદ્રના આ બધા અર્થ પરથી એક વાત ફલિત થાય છે કે રુદ્ર એટલે સર્વવ્યાપી પરમાત્મા જે દરેક વ્યક્તિના અંતરમનમાં રહેલો છે. ઋગ્વેદનો એક મંત્ર છે –

अंतरिच्छन्ति तं जने रुद्रं परो मनीषया। (ऋ.८.७२.३) 

જ્ઞાની મનુષ્ય] તે રુદ્રને (तं रुद्रं) મનુષ્યના અંત:કરણની મધ્યમાં (जने पर: अन्त:) બુદ્ધિ દ્વારા (मनीषया) જાણવાની ઈચ્છા (इच्छन्ति) કરે છે.’ જ્ઞાની લોકો એ રુદ્રને માનવીના અંત:કરણમાં શોધે છે, એટલે કે રુદ્ર એટલે જ બધાના અંત:કરણમાં રહેલો પરમાત્મા.

રુદ્ર એટલે શિવ – આ પૌરાણિક માન્યતા છે. રુદ્રને શિવ શા માટે કહે છે તેનું પ્રમાણ મળે છે ઋગ્વેદના નીચે આપેલા મંત્રમાં.

त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् |
उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीय मामृतात् || (ऋ. ९/५९/१२ )

ઋગ્વેદના આ મંત્રના ઋષિ વસિષ્ઠ છે, દેવ રુદ્ર છે અને છંદ અનુષ્ટુપ છે. આ મંત્ર મહામૃત્યુંજય મંત્ર તરીકે પ્રસિદ્ધ છે. મૃત્યુથી બચાવીને અમૃત તરફ દોરી જનાર આ મંત્રને મહામંત્ર પણ કહે છે. જેમ ગાયત્રી મંત્ર સાર્વભૌમ મંત્ર છે, તેમ આ મહામૃત્યુંજય મંત્ર પણ સાર્વભૌમ મંત્ર છે. ગાયત્રી મંત્રના દ્રષ્ટા ઋષિ વિશ્વામિત્ર છે, જયારે મહામૃત્યુંજયમંત્રના દ્રષ્ટા ઋષિ વસિષ્ઠ છે. આ બંને આપણી વૈદિક પરંપરાના દિગ્ગજ મહર્ષિઓ છે અને તેમના દ્વારા પ્રણીત આ બંને મહામંત્રો પણ આપણી સંસ્કૃતિના દિગ્ગજ મંત્રો છે.

હવે આ મંત્રનો અર્થવિસ્તાર કરીએ.

त्र्यम्बकं यजामहे – ત્ર્યંબક રુદ્રદેવનું અમે યજન કરીએ છીએ. અંબક એટલે આંખ અથવા દ્રષ્ટિ. દ્રષ્ટિના ત્રણ સ્વરૂપ  છે – આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક. આ ત્રણ પ્રકારની દ્રષ્ટિથી જે સંપન્ન છે, તે ત્રિનેત્ર કે ત્ર્યંબક કહેવાય છે. રુદ્રદેવ આ ત્રણેય દ્રષ્ટિથી સંપન્ન છે. અહીં રુદ્ર અને શિવનો સંદર્ભ સમજો. રુદ્રદેવને અહીં ત્રણ નેત્રોવાળા કહ્યા છે. શિવજીને પણ ત્રણ નેત્રો છે. ત્રીજું નેત્ર શેના માટે? બે નેત્રો તો ચર્મચક્ષુઓ છે, સ્થૂળ આંખો છે. આ બે નેત્રો દ્વારા માત્ર ભૌતિક સૃષ્ટિ જોઈ શકાય. આધિભૌતિક રૂપ એટલે જે પ્રત્યક્ષ છે એ. જે સ્થૂળ રૂપે દેખાય છે તે. આધિદૈવિક એટલે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને એના દિવ્ય સ્વરૂપમાં જોવી તે. આ બંને દ્રષ્ટિ માટે જરૂરી છે સ્થૂળ નેત્ર. પરંતુ જે આ બંનેથી પર છે એનું દર્શન કરવા જોઈએ – તૃતીય નેત્ર. આ નેત્ર છે જ્ઞાનચક્ષુ. આ જ્ઞાન દ્રષ્ટિથી સર્વ કંઈ ગમ્ય બને છે. જે સામાન્ય આંખ માટે અગમ્ય છે, તે આ તૃતીય નેત્ર દ્વારા ગમ્ય બને છે. રુદ્ર કે શિવજી પાસે આ ત્રીજું નેત્ર છે એટલે જ એમને ત્ર્યંબક કહેલ છે.

सुगन्धिं पुष्टिवर्धनम् – જે જીવનમાં સુગંધ અને પુષ્ટિનું વર્ધન (આગળ વધારનાર) કરે છે. સુગંધ શબ્દ દ્વારા ઋષિ શું કહેવા માંગે છે અહીં? અધ્યાત્મના ક્ષેત્રમાં સુગંધ બહુ સૂચક શબ્દ છે. સુગંધ એટલે સુવાસ. જીવનમાં અધ્યાત્મનાં પુષ્પ ખીલે છે, ત્યારે જીવન સુવાસથી મઘમઘી ઊઠે છે. રુદ્રદેવ સાધકના જીવનમાં અધ્યાત્મના પુષ્પો ખીલવનાર છે, જીવનને સુવાસથી મહેકાવનાર છે. રુદ્ર માટે બીજું વિશેષણ છે – पुष्टिवर्धनम्. પુષ્ટિ એટલે સમૃદ્ધિ. ભૌતિક અને આધ્યાત્મિક – આ બંને પ્રકારની સમુદ્ધિનું વર્ધન રુદ્રદેવ કરે છે.

उर्वारुकम् ईव बन्धनात् – કાકડીની જેમ બંધનથી મુક્ત કરો. उर्वारुक એટલે કાકડી. કાકડીની ખાસિયત એ છે કે જયારે તે પરિપક્વ થાય છે ત્યારે જે વેલ સાથે એ વીંટળાઈ હોય છે એના બંધનમાંથી આપોઆપ છૂટી પડીને ખરી જાય છે. ફળ અને વેલને જોડનાર ભાગ સૂકાઈને ખરી પડે અને ફળ વેલથી મુક્ત થઈ જાય છે. કાકડી જેવા ફળની આ રીતે ખરવાની આ આખી પ્રકિયાનો અહીં ઉપમા તરીકે ઉપયોગ થયો છે. ઋષિ વધુમાં કહે છે – मृत्यो: मुक्षीय મૃત્યુના બંધનથી મુક્ત કરો. મૃત્યુના બંધનથી મુક્ત થવા માટે કાકડીની બંધનમુક્તિની ઘટના! શા માટે? કાકડી જ શા માટે? કારણક કે કાકડીની આ બંધનમુક્તિ નિરાયાસ છે, મુક્તિ માટે કોઈ વધારના પ્રયત્નો કરવા પડતા નથી. કકડીને વેલ સાથેના બંધનથી મુક્ત કરવા માટે તેને જોર કરીને તોડવી પડતી નથી. કાકડી આપમેળે જ વેલથી છૂટી થઇ જાય છે. આ મુક્તિ ત્યારે જ શક્ય બને જયારે કાકડી પૂરી રીતે પાકી ગઈ હોય. પરિપક્વ થઇ ગઈ હોય. કાચી કકડીને વેલથી છૂટી પાડવા માટે એના બંધનને પ્રયત્ન પૂર્વક કાપવું પડે છે.

કાકડીની બંધનમુક્તિની ઉપમા દ્વારા ઋષિ સૂચિત કરે છે કે અમારી બંધનમુક્તિ પણ આવી અનાયાસ એટલે કે સહજ હોય. અવસ્થા પરિપક્વ થતાં જ બંધન સહજ રીતે જ ખરી પડે તેમ અમારી બંધનમુક્તિ પણ અનાયાસ અને સહજ હોય.

माडमृतात्  – અમૃતથી (अम्रुतात्) દૂર ન કરે (मा). મૃત્યુથી મુક્તિ માંગીને તરત જ અમૃતથી દૂર ન કરવાની પ્રાર્થના! મૃત્યુથી મુક્તિ એટલે શું? સ્થૂળ અર્થ થાય અમરત્વ માટેની ઈચ્છા. પણ અહીં શબ્દાર્થ ન લેતાં એના ગૂઢ અર્થ તરફ નજર કરીએ તો મૃત્યુથી મુક્તિ એટલે અજ્ઞાનથી મુક્તિ. અજ્ઞાની જીવન એ મૃત્યુ સમાન જ છે માટે ઋષિ કહે છે, અમને આ અજ્ઞાનરૂપી મૃત્યુના બંધનથી મુક્ત કરો. અને એ પણ કઈ રીતે? સહજ, પ્રયત્ન વિના. જ્ઞાન મેળવવું એ ઉદ્દેશ છે, પણ એ ઉદ્દેશ સહજતાથી જીવનમાં વણાઈ જાય તો જ અજ્ઞાનથી મુક્તિ મળે. પરાણે કરેલા પ્રયત્નો અને મન વિના મેળવેલા જ્ઞાનથી પરિપક્વતા ન મળે અને પરિપક્વ થયા વિના અજ્ઞાનથી મુક્તિ ન મળે. અહીં દેહના અમરત્વની નહીં, પરંતુ અમૃતમય જીવનની પ્રાર્થના છે.  

ત્ર્યંબક રુદ્રદેવનું અમે યજન કરીએ છીએ, જે જીવનમાં સુગંધ અને પુષ્ટિનું વર્ધન કરે છે. જેમ કાકડી આદિ ફળો પાકી જતાં બંધનથી આપોઆપ મુક્ત થઈ જાય છે, તેમ તે દેવ અમને મૃત્યુરૂપી બંધનથી મુક્ત કરે, પરંતુ અમૃતથી વિયુક્ત (દૂર) ન કરે.”

મહામૃત્યુંજયમંત્ર અમૃતમય જીવનની પ્રાર્થના છે. રુદ્ર એટલે શત્રુનાશક, રોગનાશક, સંહારક દેવ. આ મંત્રમાં રુદ્રની સ્તુતિ કરેલી છે એટલે જ મોટેભાગે મૃત્યુના ભયનો ઓછાયો આપણા સૌના જીવન પર દેખાવા લાગે ત્યારે આ મંત્રનો જાપ કરવામાં આવે છે. મૃત્યુને હરનાર દેવ એટલે શિવ અથવા રુદ્ર એવી માન્યતાને અનુસરીને મહામૃત્યુંજયમંત્રનો જાપ કરવામાં આવે છે. એક રીતે એ સાચું પણ છે. અપમૃત્યુમાંથી મુક્ત થવા માટેની એક પ્રાર્થના એટલે આ મંત્ર, આ પણ એનું એક  સ્વરૂપ જ છે.

યજુર્વેદમાં આ જ મંત્રનો બીજો ભાગ છે, જે બહુ જાણીતો નથી છતાં આ અમૃતમય જીવનની વાત ત્યાં વધુ ભારપૂર્વક કહેવાઈ છે.

त्र्यम्बकं यजामहे सुगन्धिं पतिवेदनम् |
उर्वारुकमिव बन्धनात् इतो मुक्षीय मामुत: (मा अमुत: )  || (यजु.. ३/६० )

અહીં पुष्टिवर्धनम् ના સ્થાને  पतिवेदनम्  છે. જેનો શબ્દાર્થ થાય, જે પતિની પ્રાપ્તિ કરાવી આપે છે તે (જેની સ્તુતિ કરવાથી યોગ્ય પતિની પ્રાપ્તિ થાય છે તે દેવ, રુદ્ર). मृत्यो: ના સ્થાને इतो છે. મૂળ શબ્દ છે इत: અર્થાત અહીંનું. એટલે કે મૃત્યુલોકનું ક્ષણભંગુર જીવન. मामृतात् ના સ્થાને मामुत: છે. શબ્દ અનુસાર આ મંત્રનો અર્થ થાય –

Sketch by Shraddha Bhatt

“ત્ર્યંબક રુદ્રદેવનું અમે યજન કરીએ છીએ, જે જીવનમાં સુગંધનું વર્ધન કરનાર છે, યોગ્ય પતિની પ્રાપ્તિ કરાવી આપનાર છે. જેમ કાકડી આદિ ફાળો પાકી જતાં બંધનથી આપોઆપ મુક્ત થઈ જાય છે, તે રીતે અમને (પિતાના ઘરના) બંધનથી મુક્ત કરે પરંતુ પતિના ઘર સાથેનો સંબંધ ક્યારેય ન છૂટે.”

આ થયો શાબ્દિક અર્થ. આ મંત્રના શબ્દ पतिवेदनम् નો એક અર્થ થાય, રક્ષણ આપનાર. જે રક્ષણ કરે છે તે. સંરક્ષણ સત્તાનો બોધ કરાવનાર દેવ એટલે કે રુદ્ર. મૂર્તલોકમાં જે અમને રક્ષણ આપે છે એ દેવ અમને આ ભવબંધનથી મુક્ત કરે પંરતુ અમૃત જેવા સ્વર્ગ લોકથી દૂર ન કરે.

મહામૃત્યુંજયમંત્રનો જાપ સમાન્ય રીતે ત્રણ હેતુની સિદ્ધિ માટે કરાય છે. રોગમાંથી મુક્તિ મેળવવા માટે, આપત્તિમાંથી મુક્તિ મેળવવા માટે અને અપમૃત્યુમાંથી મુક્ત થવા માટે. આ બધા જ હેતુ સિદ્ધ કરતો આ  મંત્ર ખરેખર તો અમૃતમય પરમ જીવનની પ્રાપ્તિનો મંત્ર છે. આ મંત્રના જાપથી જીવનની વિધ્ન-બાધાઓ દૂર થાય છે એ તો સાચું જ છે, પરંતુ અ મંત્ર સ્વરૂપત: અને મૂલત: અમૃતમય જીવનનો મંત્ર છે અને એ જ અ મંત્રનો સૂક્ષ્મ અર્થ છે.

~ બિલિપત્ર ~

निराकारमोंकारमूलं तुरीयं। गिरा ग्यान गोतीतमीशं गिरीशं।।
करालं महाकाल कालं कृपालं। गुणागार संसारपारं नतोऽहं।
रुद्राष्टकम्

– શ્રદ્ધા ભટ્ટ

શ્રદ્ધા ભટ્ટના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘આચમન’ અંતર્ગત ધર્મ અને અધ્યાત્મ વિશેની આપણી પરંપરા અને સમજણને ઊંડાણપૂર્વક પરંતુ બહુ સરળતાથી ચર્ચાની એરણે મુકવાનો પ્રયત્ન છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “શિવનું કલ્યાણકારી સ્વરૂપ : રુદ્ર – શ્રદ્ધા ભટ્ટ

  • Hitesh Thakakr

    Thanks on MahashivRatri. Interpretation and manifestation of Mahamrutunjay Mantra is boon came from Mahadev through you. You became instrument of Mahadev/Rudra so that all we get new wisdom. God bless you.

  • Niraj Bhalchandra Adhyaru

    મહાશિવરાત્રી ના મહા પાવન પર્વ નિમિત્તે મહાદેવ ના રુદ્ર સ્વરૂપ અંશ વિશે ખૂબ જ માહિતીસભર અને ઊંડાણપૂર્વક આધ્યાત્મિક સમજ હૃદય પર અંકિત કરતો અતિ સુંદર લેખ… શિવ જ કલ્યાણકારી છે.. ૐ નમઃ શિવાય

  • Hiral Vyas

    મસ્ત. કાક્ડી વાળી વાત તો ખૂબ જ ગમી. મોહ આપોઆપ સહજપણે છૂટી જાય તો પછી મૃત્યુનો ડર પણ ન રહે. સહજ રીતે શિવના ચરણોમાં પહોંચી જવાય.

  • Narendrasinh Rana

    મહામૃત્યુંજય મંત્ર આપણી સંસ્કૃતિનું ઉત્તુંગ શિખર છે. સરસ માહિતીસભર લેખ.

  • hdjkdave

    શિવજી અને શિવ મંત્રોની સરળ સમજ આપતો લેખ રુદ્ર અને કલ્યાણની ભાવનાને જીવનમાં કેટલું મહત્વ છે તે દર્શાવે છે. મહામૃત્યુંજય મંત્ર મૃત્યુને દૂર રાખે છે…તો મુક્તિ શું છે એની સરસ વિભાવના પ્રસ્તુત કરી છે. રુદ્ર પરથી શબ્દ બને છે રૌદ્રનો અર્થ છે રુદ્રને પૂજનાર માણસ…આમ તો ભગવદ્ગોમંડલ માં રુદ્રના 23 અર્થ દર્શાવ્યા છે અને તેના પરથી સાધિત શબ્દો 13 છે. અત્યારે ‘રુદ્ર’ ચાલે છે. આ વાક્યનો અર્થ શોધી જુઓ…!
    શિવજીના શુભાષીશ…તમારા સહુ પર છે. તેમની પ્રેરણા હોય તો જ આ લેખ અહીં વાંચી શકાય…