વાર્તા વિશેના FAQ – એકતા નીરવ દોશી 13


આપ સૌ રસપૂર્વક વાર્તા અને તેનું વિવેચન વાંચવા અહીં આવો છો, મારા લખાણને પ્રેમ આપો છો અને સવાલ પૂછો છો તે બદલ સૌનો આભાર!

આજે વ વાર્તાનો વ કોઈ વાર્તા કે તેનું વિવેચન લઈને નથી આવ્યું પણ આવ્યું છે વાર્તાની થોડી સમજણ લઈને! થોડી સમજણ તમારી અને થોડી સમજણ મારી ભેળવીને વિસ્તારીએ આપણી વાર્તા સમજવાની કળાને.

તો આજનો લેખ છે વાર્તાને લગતા FAQ (Frequently Asked Questions) : વારંવાર ઉઠતા / પૂછાતા સવાલો…

  1. ‘વાર્તા પહેલા પુરુષમાં લખાઈ છે, બીજા પુરુષમાં લખાઈ છે કે ત્રીજા પુરુષમા’. એ શું છે?

પહેલા પુરુષમાં લેખક પોતે જ વાર્તા કહે છે અથવા તો વાર્તાનું એક પાત્ર તમને વાર્તા કહે છે. જેમાં મોટાભાગે એ પાત્રની આસપાસ વાર્તા ફરતી હોય છે. આ પ્રકારની વાર્તાઓમાં મુખ્ય પાત્ર જ કથક હોય છે. કથકની દ્રષ્ટિએ જ અન્ય પાત્ર જોવામાં આવે છે.જેમ કે ,

હું ત્યાં પહોંચ્યો. ત્યાનું દ્દશ્ય જોઈને મારા રૂવાંડા ઉભા થઈ ગયાં. મારા મનમાં થતી ઉથલપાથલ રૂપે મારાથી ત્યાં ફસડાઈ પડાયું.

બીજા પુરુષમાં લેખક તમારી વાર્તા તમને કહે છે અથવા તો વાર્તાના એક પાત્રને તમે કહી વાર્તા કહે છે. જેમાં મોટાભાગે “તું/આપ/તમે” મુખ્ય પાત્ર હોય. આ પ્રકારમાં બહુ ઓછી વાર્તાઓ લખાય છે.  આ પ્રકારની વાર્તા સૌથી સરળતાથી ઉપલબ્ધ છે, ગુજરાત સમાચારની બુધપૂર્તિ “શતદલ”માં નસીર ઇસ્માઇલની કલમે લખાતી વાર્તાઓના રૂપમાં. જો કે તેઓ નામનો ઉપયોગ લગભગ દરેક વાક્યમાં કરે છે, જે બિનજરૂરી છે. આ પ્રકારની વાર્તામાં વાક્ય રચના કંઈક આવી બને. જેમ કે ,

આજનો દિવસ તમારા માટે બહુ મહત્વનો હતો એટલે આજ વહેલી સવારથી જ તમને એક પછી એક શુભેચ્છાઓ મળતી હતી. પણ તમારી પાંચ વર્ષીય દીકરી આવો સવાલ પૂછશે એની તો તમને કલ્પના પણ નહોતી શુભમ.

ત્રીજા પુરુષમાં લેખક અન્ય લોકોની વાર્તા કહે છે. જેમાં મોટાભાગે “તેઓ”ની વાત થાય છે. જેમાં કોઈ એક કથક પણ હોય શકે, જે વાર્તાની શરૂઆત કે અંતમાં જરા વાર માટે આવે. ટૂંકમાં આ પ્રકારમાં લેખક વાર્તાની બહાર હોય છે, તે દરેક પાત્ર વિશે જાણતો હોય છે. આપણને નાનપણમાં કહેવાતી, એક હતો રાજા અને એક હતી રાણી. આ પ્રકારની વાર્તા કહેવાય. આ પ્રકારની વાર્તામાં વાક્ય રચના કંઈક આવી રીતે બને,

રમેશ અને સુરેશ બંને ખાસ મિત્રો હતા. રમેશના ઘરે લક્ષ્મી આળોટે જયારે કે સુરેશના ઘરે બે ટંક ખાવાનું માંડ મળે.

ટૂંકમાં કહીએ તો,

  • પહેલા પુરુષમાં વાર્તાનું એક પાત્ર તમને વાર્તા કહે છે. – “હું”ની લાગણી
  • બીજા પુરુષમાં લેખક પાત્રને તેની જ વાર્તા કહે છે. -“તમે”ની લાગણી
  • ત્રીજો પુરુષમાં જ્યાં લેખક માટે પાત્રો ત્રીજી વ્યક્તિ છે. એટલે કે “તેઓ”
  1. ‘વાર્તા અભિધા છે, લક્ષણા છે કે વ્યંજના છે.’ આ તો વળી શું?

કોઈ પણ વાર્તા કહેવાતી/ લખાતી હોય ત્યારે એ વાર્તાનો કોઈ એક ચોક્કસ સંદેશ હોય છે. એ વાર્તામાં લેખકને કંઈક કહેવું હોય છે. વાર્તા દ્વારા લેખક વાચક સુધી પોતાની કોઈ લાગણી, જોયેલી વ્યથા કે કંઈક અલગ જ વિચાર પહોંચાડવા માંગતો હોય છે. આ પાઠવવાની અલગ-અલગ રીત હોય છે. જેમ કે,

એક લેખક કહે, એ દ્દશ્ય જોઈને હું ડરી ગયો તો બીજો લેખક કહે કે એ દ્દશ્ય જોતાં જ મારા શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું, હું મદદ માટે આજુબાજુ જોઈ રહ્યો તો ત્રીજો લેખક કહે, એ ઘેરાયેલી સાંજમાં જાણે પવન પણ સુસવાટા મારવાનું ભૂલી ગયો હતો, રસ્તા ઉપરની લાઈટના દીવા પણ પડછાયો જોવા માંગતા ન હતાં.

ત્રણેય લેખક વાત તો એક જ કહે છે પણ કહેવાની રીતથી એ વાતની કલાત્મકતા, એને કારણે વાચક સામે રચાતું દ્દશ્ય ફરી જાય છે. અમુક શબ્દો તમને કંઈક અનુભવ કરાવે તો અમુક શબ્દો દ્દશ્ય ઊભા કરી એ વાત સમજાવે તો અમુક શબ્દોમાંથી અર્થ તારવવા વાચકને મથવું પડે.

અભિધા – વાતને સીધે સીધી કહી દેવી. જેમાં વાચકને કોઈ કલ્પનાનો અવકાશ નથી. જેમ કે “ટીના રાહુલને પ્રેમ કરતી હતી.” 

લક્ષણા – વાત વિશે વર્ણન કરવુ. જેમાં વાચક પાત્રની સાથે દોરવાય છે, એ ઇશારાઓથી ખબર પડે કે લેખક શું કહે છે. જેમ કે, “રાહુલને જોતી વખતે ટીનાના હૃદયના ધબકારા વધી જતા, રાત-દિવસ બસ એના જ વિચારોમાં ખોવાયેલી રહેતી.”

વ્યંજના – વાતને કંઈક અલગ રીતે જ મુકવી. જેમાં વાચકો મનગમતા અર્થ કાઢી શકે. અહીં દરેક કથનનો અર્થ જેમનો તેમ લેવાનો હોતો નથી. જેમ કે, “ટીનાને આજકાલ હવાઓમાં ગીત સંભળાતું, ચંદ્ર કાંઈક વધારે મોટો લાગતો હતો, સમય કોઈ એક ચોક્કસ સમય ખંડમાં થીજી ગયેલો લાગતો.”

એક ઉત્તમ કે સંપૂર્ણ વાર્તા આ ત્રણેય અપેક્ષા સંતોષે છે. એક વાર્તા જે દેખીતી રીતે કોઈ સામાન્ય વાત કહેતી હોય, તે લક્ષણો દ્વારા કહેવાઈ હોય પરંતુ જો કોઈ વાચક એમાં ગોતું લગાવવા ઈચ્છે તો એક કરતાં વધારે અર્થ તારવવી શકે. આવી વાર્તાઓમાં નીવડેલા લેખકોમાં જયંત ખત્રી, પન્નાલાલ પટેલ, હિમાંશીબેન શેલત અને મધુરાયે ખૂબ કામ કર્યું છે.

આ સંદર્ભમાં હિન્દી ફિલ્મોના ગીત બહુ જ સહેલાં ઉદાહરણ સાબિત થાય છે:

અભિધા –  અગર મૈં કહું મુઝે તુમસે મુહોબ્બત હૈ, મેરી બસ યહી ચાહત હૈ..

લક્ષણા – મુઝે નીંદ ન આયે, મુઝે ચૈન ન આયે …

વ્યંજના – ઝટક કર ગેસુઓ કો ઝુલ્ફો સે મોતી જબ આઝાદ કરતી હો ..અચ્છા લાગતા હૈ…

  1. વાર્તામાં પરિવેશ એટલે શું?

કોઈ પણ વાર્તા કહેવા માટેનું વાતાવરણ ઉભું કરવું એ પરિવેશ છે. જ્યારે અમેરિકાની વાત કરાઈ હોય કે એક નાનકડા ગામ રામપરની. વાચકને ત્યાં ખેંચી જવા. ‘ભર બપોરે’ વાર્તા હોય તો વાચકોને વાંચતી વખતે ગરમી, તરસ, લૂનો અનુભવ થાય તો એક સફળ પરિવેશ ઉભો થયો કહેવાય. કુશળ લેખકો સુંદર પરિવેશ ઉભો કરી શકે છે અને એ પરિવેશ વાર્તાના ગર્ભિત ઈશારાઓ તરફ નિર્દેશ કરતો હોય છે.

શ્રી જયંત ખત્રીની પ્રખ્યાત વાર્તા ‘ધાડ’માં ઉભો કરેલો પરિવેશ જુઓ…

વૈશાખના બપોર સૂકી ધરતીને તાવી રહ્યા હતા, રણનાં મેદાનો પરથી વાતો આવતો ઝંઝાવાતી પવન ધૂળના વંટોળિયાને ડુંગરાની ધાર પર ધકેલી રહ્યો હતો.

  1. પાત્રાલેખન એટલે શું?

કોઈ પણ પાત્રના દેખાવ વિશે અથવા સ્વભાવ વિશે અથવા વર્તન વિશે જણાવવામાં આવે. જે વાંચવાથી વાચક નક્કી કરી શકે કે એ પાત્ર કેવું દેખાતું હશે અથવા તો તે જે-તે વાત ઉપર કેવું વર્તન કરશે અથવા જે-તે પરિસ્થિતિમાં તે પાત્રની વ્યથા શું હશે..

જેમ કે, ” ઊંચો, કદાવર, બિહામણો દેખાય એવો દેહ, સફેદ દાઢી, ઝીણી કટારીની ધાર જેવી તીક્ષ્ણ આંખો, સશક્ત રેખાઓ મંડિત ચહેરો.”  – ધાડમાંથી લીધેલું વર્ણન

આ વાંચતાં જ પાત્રનું રેખાચિત્ર દ્દશ્યમાન થાય છે.

“એમનું મગજ હંમેશાં ખૂબ તેજ ચાલે. યાદશક્તિ તો કમ્પ્યૂટરનેય પાછળ પાડે એટલી. એમના જમાનાનો દરેકેદરેક પ્રસંગ એમને તારીખ-વાર-સમય સાથે દીવાની જ્યોત જેવો ચોખ્ખોચણાંક યાદ હોય. પણ હા, છેલ્લા થોડા વખતથી નજીકના ભૂતકાળની વાતો ભૂલી જાય છે” – મોટીબામાંથી લીધેલું વર્ણન.

આ વાંચતાં જ પાત્રનો દેખાવ નહીં જાણતાં હોવા છતાંય સ્વભાવ સમજાય છે.

“સામાન્ય રીતે બહુ બોલકો એ કોઈ સ્ત્રી સમક્ષ આવી જતા ચૂપ થઈ જતો. પુરુષ હોવા છતાં ય અંધારાથી ડરતો અને કોઈ વાત ઉપર લાગણીશીલ બની રડતો.” – વ વાર્તાના વ માટે લખાયેલું મારું લખાણ.

આ વાંચતાં પાત્રની મનોસ્થિતિ સમજાય છે.

  1. વાર્તામાં સંઘર્ષ કે પાત્ર-પરિવર્તન શું છે અને શા માટે જરૂરી છે?

વાર્તાનું મુખ્ય ઘટક છે સંઘર્ષ અથવા પાત્ર-પરિવર્તન. કોઈ પણ વાર્તા ખૂબ ભવ્ય ભાષામાં લખાઈ હશે. ખૂબ સરસ વર્ણનો, પાત્રના આલેખન કરવામાં આવ્યા હશે પણ જો અંદર કોઈ ફેરફાર નહીં આવે તો એ વાર્તા વાચકોને રસપૂર્વક પકડી રાખવામાં નિષ્ફળ નીવડશે. જેમ કે,

“એક રાજા હતો. તેને બહુ સુંદર રાણી હતી. પ્રજા સુખી હતી. રાજાને ત્યાં સુંદર કુંવર અવતર્યો અને તે યુવરાજ બન્યો.”

આ પ્રકારની વાર્તા ગમે તેટલી સુરેખ હશે તોય વાચકને કશુંક સરસ વાંચ્યાંનો આનંદ નહીં આપી શકે. પરંતુ,

“રાજાના ઘરે કુંવર અવતર્યો ત્યારે જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી કે કુંવર સોળ વર્ષનો થશે ત્યાં સુધી તેના માથે ઘાત છે.” વાચક  રાજા-રાણી-પ્રજા અને કુંવર અને તેને બચાવવાના સંઘર્ષમાં સાથે જોડાશે. એ જ પ્રમાણે, “કાલ સુધી ડાહ્યો અને આજ્ઞાંકિત કુંવર અચાનક જ મદિરાપાન કરવા લાગ્યો…” અહીં પાત્રનું પરિવર્તન થયું. વાચકને એ પરિવર્તન જાણવામાં રસ પડશે.

તો આ હતા વિવેચન વાંચતી વખતે વાચકોને થતાં સવાલ. આશા છે, અહીં અપાયેલી સમજ વાચક અને નવ-અભ્યાસુને મદદરૂપ નીવડશે. અન્ય કોઈ સવાલ હોય તો જરૂર પૂછશો. આપના સવાલોથી  દરેકને કંઈક શીખવા મળશે.

તો આવીશ આવતી વખતે ફરી એક વિજેતા વાર્તાનું વિવેચન લઈને. ત્યાં સુધી વાર્તાઓ વાંચતાં રહો. ત્યાં સુધી એકતાના એદીઓસ…

— એકતા નીરવ દોશી

બિલિપત્ર

I always try to write on the principle of the iceberg. There is seven-eighths of it under water for every part that shows. Anything you know you can eliminate and t only strengthens your iceberg. It is the part that doesn’t show that’s important – Ernest Hemingway


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “વાર્તા વિશેના FAQ – એકતા નીરવ દોશી

  • હર્ષદ દવે

    વાર્તા લખવા માટે જે સજ્જતા કેળવવી જોઈએ એ જાણવું અને એવી સજ્જતા કેળવવી તેમાં ભાષાકીય જ્ઞાન અને વાચન પણ બહુ જ મદદરૂપ બની શકે. વાચક વર્ગને અનુરૂપ લખાણ હોય તો વધારે અસરકારક બને. જેમ કે બાળકો માટેની વાર્તા, શૈક્ષણિક જ્ઞાન, કિશોરો અને વયસ્કો માટેની કથા કે વાર્તા. વિષયને અનુરૂપ વાત જેમ કે વિજ્ઞાન, ઈતિહાસ, ભ્રમણ, રસિક પ્રસંગ…વગેરે. આ બધી વાતો અહીં અઆરી લેવામાં આવી છે…સરળ, સુગમ અને તરત સમજાઈ જાય તેવા દૃષ્ટાંતો સાથેનો લેખ વાર્તા લેખન તરફ પ્રેરે તેવો છે. અભિનંદન. આભાર.

  • VISHVESH BHAGAT

    Very Nice. Sepecial words attached to Critical Appreciation has been expalined with example. This will definitly help the budding story writes.
    Vishvesh Bhagat

    • ekta doshi

      આપનો આભાર ….વાંચતાં રહેશો અને પૂછતાં રહેશો તો વધારે ગમશે.