“હું માસિકમાં બેસતી થઈને મારાં બાપુજીએ વેવિશાળ કરી દીધા. અમે દસ બુનો. એ પણ હવા હોરી. એક ભાઈ હારુ મારી માએ દસ પથરા જણ્યા. પ્રેમ તો માવતર પાસેય ન ભાળ્યો. મારી મા કે’તી કે બીજી બે બુનો તો આવતા પહેલા જ સરગ સિધાવી.”
૧૯૯૦ની સાલમાં હું સ્કૂલમાં હતી. તે સમયે આજે ઉજવાતા વેલેન્ટાઇન ડે, ફાધર્સ ડે, મધર્સ ડે, ડોટર્સ ડે વગેરે જેવા ખાસ દિવસો ઉજવવાનું ચલણ આપણી સંસ્કૃતિમાં નહોતું. અચાનક એનું આગમન થયું અને એ બધાં દિવસોને ઉજવવાનું રાતોરાત વધી ગયું. જો તમે એ બધા દિવસો નથી ઉજવતા કે પછી એ દિવસે શુભેચ્છાઓ પાઠવતા મેસેજીસ નથી કરતા તો તમે ‘જડભરત’ ની કેટેગરીમાં ગણાવ છો. પણ આ બધું ખાસ કરીને શહેરોમાં જોવા મળે છે. હા, ગામમાં વેલેન્ટાઇન ડે એ પગ પેસારો કર્યો છે. પરંતુ અન્ય દિવસો હજુપણ અનટચડ રહ્યાં છે.
આજે મારે વાત કરવી છે વેલેન્ટાઇન ડે વિશે. આમ તો આ દિવસ મનાવવા પાછળ ઘણી વાતો ગૂગલમાં ઉપલબ્ધ છે. એટલે એ વિશે હું કોઈ વાત નહિ કરું. પણ હા એને પ્રેમીઓના દિવસ કહેવાય છે. જો કોઈ છોકરો, છોકરીને પ્રેમ કરતો હોય તો આ દિવસે તે પોતાના પ્રેમનો એકરાર લાલ ગુલાબ આપી કરે છે. એમાં મરો ગુલાબનો થાય છે. છોકરી સ્વીકારે તો ઠીક નહિતર બિચારું મસળાઈને ફેંકાઈ જાય છે. એ દિવસે ગુલાબના ઑન ભાવ બોલાય છે. આજકાલ બદલાયેલા ટ્રેન્ડ મુજબ ગુલાબ સાથે મ્યુઝિકલ કાર્ડ કે મોંઘીદાટ ભેંટ આપવાનો સિલસિલો ચાલુ થયો છે. પણ ગુલાબ તો ખરું જ.
મને એમ વિચાર આવે કે પ્રેમ બતાવવા માટે શું આ બધી વસ્તુઓ આપી દેખાડો કરવો જરૂરી છે? શું લાગણીના બે શબ્દો પ્રેમીઓ માટે પૂરતા નથી? એકમેક પરનો વિશ્વાસ એ પ્રેમ નથી?
ઘણાં ઘરોમાં તો આ દિવસે પત્નીઓ તરફથી રીતસરની કોઈ મોંઘી વસ્તુની માંગણી થતી હોય છે. “જો તમે ફલાણી વસ્તુ વેલેન્ટાઇન ડે એ નહિ આપો તો સાબિત થશે કે તમે મને પ્રેમ કરતા નથી!”
હા, હા.. આ સાચું છે. ઘણી છોકરીઓ પણ સામેથી વસ્તુની માંગણી કરે છે.
“બેબી.. આ આપણો થર્ડ વેલેન્ટાઇન ડે છે. વિ આર સ્ટિલ ટુ ગૅધર.. તો તું મને આ વખતે શું આપીશ? ગઈ સાલની જેમ કંજૂસવેડાં ન કરતો. મને તારા તરફથી રેડ વન પિસ એન્ડ મેચિંગ બ્રાન્ડેડ સેન્ડલ જોઈએ. ઓ.કે.. લવ યુ થ્રિ.. ફૉર.. ફાઇવ.”
આમાં કેટલાય છોકરા બેબીના ચક્કરમાં બાબલા થઈ જાય. અને પછી માયકાંગલા થાય. વિચારું કે આ બધું ક્યાં જઈ અટકશે?
અહીં એક ઘટના મારે ખાસ કરીને વાચકો સુધી પહોંચાડવી છે.
થોડાં સમય પહેલાં મારે એક ગામ બારમાની વિધિમાં જવાનું થયું. તે દરમ્યાન બાણું વર્ષના એક માજી સાથે થયેલી વાતચીત તમારી સમક્ષ મુકું છું.
“માજી.. તમને ખબર છે કે આજે વેલેટાઇન ડે એટલે કે પ્રેમીઓનો દિવસ છે? તમારાં માટે પ્રેમ એટલે શું? સાચો પ્રેમ કોને કહેવાય?” અને એમણે જે જવાબ આપ્યો તે ખરેખર ચોંકાવનારો હતો.
“પ્રેમ.. કુને કે’વો!’ એના તો દિ’ હોતા હોય?” એમણે મારી તરફ જોઈ અને સહેજ મલકાઈને કહ્યું, “પ્રેમ તો ભગવાને કીધો.. કાન્હો.. રાધા.. એની તોલે માણહ ન આવે લાલી.”
અહીં એક ખાસ વાત નોંધી. એમની આંખે હજુ મોતિયો કે નંબરના ચશ્મા પણ નહોતા. ચૂલે રોટલો ઉતારતા એમણે વાત આગળ વધારી. “હું માસિકમાં બેસતી થઈને મારાં બાપુજીએ વેવિશાળ કરી દીધા. અમે દસ બુનો. એ પણ હવા હોરી. એક ભાઈ હારુ મારી માએ દસ પથરા જણ્યા. પ્રેમ તો માવતર પાસેય ન ભાળ્યો. મારી મા કે’તી કે બીજી બે બુનો તો આવતા પહેલા જ સરગ સિધાવી.”
મારી આંખો ચોંકી ગઈ. ડઝન બંધ દીકરીઓ!
“ગગી.. પસી હોભળ તો ખરી. મેં કોઈ દિ’ એમનું મોંય ભાળ્યું નહોતું. લગન કરી હાહરે આવી. ઇ ઇચ્છા પડે ત્યારે મારી પાહે આવતા. કામ પતાવીને.. હેંડ મારા રામ.. જો એ પ્રેમ કહેવાતો હોય તો હા.. ઈ મને પ્રેમ કરતા હતા.” હું સાંભળતી જ રહી.
“મેંય તૈણ પથરા જણ્યા. ત્યાં મારાં હાહુ એ કહી દીધું.’ વહુ આ ફેર ખોરડાનો વંશજ નૈ દો તો તમારા વળતા પાણી જાણજો. હાત પંથકમાં આ ખોરડું હજીય ઝઘારા મારે છે.. કોઈ તો મળી જ રે’હે.’ જો એને પ્રેમ કહેવાય તો હા મારાં સાસુ મને પ્રેમ કરતા હતા.”
હું એમને અવિરત બોલતી સાંભળતી રહી. બોલતા બોલતા દરેક દ્રશ્યને એ આંખ આગળથી પસાર થતું જોઈ રહ્યા હોય એવું લાગ્યું.
“તૈન છોરીઓ પસી ભગવાને મારી હામુ જોયું. રૂપાળો દીકરો દીધી. એને હરિનો પ્રેમ કહી શકું. નહિતર મારે કૂવો ખોળવો પડત. અમારા જમાનામાં પિયર પાસા જવાનો રિવાજ નહોતો. એ માવતર તરફ નિભાવવો પડતો ફરજિયાત પ્રેમ હતો.”
આ વાત સાંભળી હું આજનો પ્રેમ અને જૂના જમાનાનો કોઈ અપેક્ષા વિનાનો પ્રેમ સરખાવતી રહી.
એમ પણ કહે છે કે જ્યાં અપેક્ષા નથી ત્યાં પ્રેમ કેવો? એમ જોવા જઈએ તો આ વાત પણ મહદઅંશે સાચી છે.
સમય સમયે બધું બદલાતું રહે છે. અને બદલાવું પણ જોઈએ. મેં અહીં ત્રણ પેઢીઓની વાત કરી. જૂની પેઢી કે જેમના માટે પ્રેમ એટલે માત્ર ત્યાગ. પછીની પેઢી એટલે કે મારાં સમયની વાત કરીએ તો તે મુજબ પ્રેમ એટલે ગમતી વ્યક્તિ તરફથી તમને મળતી અપેક્ષિત લાગણીઓ.
જ્યારે હાલના સમયમાં પ્રેમ એટલે ગમતી વ્યક્તિ તરફથી મળતી અપેક્ષિત લાગણીઓ તો ખરી જ એની સાથે પ્રેમને સાબિત કરવા સમયસર પુરી કરવી પડતી માંગણીઓ!
હું એવું જરાય નથી કહેતી કે પેલા જૂના જમાનાના માજીની જેમ જીવન વ્યતીત કરવું જોઈએ. ના, બિલકુલ નહિ. પ્રેમ કરવો જોઈએ અને જેને પ્રેમ કરીએ છીએ એની તરફ ક્યારેક જતાવવો પણ જોઈએ. પરંતુ આ લાગણીઓ મેળવવા માટે તેની ઉપર કોઈ માંગણીઓ હાવી ન થઈ જાય એનું અચૂક ધ્યાન રાખવું જોઈએ.
બિલિપત્ર
“યાર.. આ વખતે વેલેન્ટાઇન ડે કયા દિવસે આવે છે?”
“હું તો પરણેલો છું..”
– શીતલ ગઢવી
બહુ સરસ. વાંચવાની મજા આવી