સૂર્યને આપણે દેવ તરીકે પૂજીએ છીએ. સૂર્યદેવતા, આદિત્યનારાયણ અને વળી સૂરજદાદાના વહાલભર્યા સંબોધન પાછળ પણ ક્યાંક તો સૂર્યને સૌથી મહત્વનું સ્થાન આપવાનો આશય જ રહેલો છે, ખરું ને? આજે વાત સૂર્યદેવને અનુલક્ષીને. દેવ શબ્દનો વિસ્તાર જાણવો અહીં બહુ જરૂરી છે..
देवो दानाद्, ध्योतनाद् दीपनाद् वा |
નિરુકત સંસ્કૃતના શબ્દોનો ઉદ્ભવ અને તેના અર્થોને દર્શાવતા શાસ્ત્ર નિરુક્તના રચિયતા યાસ્કે દેવ શબ્દનો ઉપર મુજબ અર્થ કરેલો છે. ‘દાન કરનાર, અન્યોને પ્રકાશિત કરનાર અથવા સ્વયં પ્રકાશિત થનાર એટલે દેવ.’
સૂર્ય આ ત્રણેય વ્યાખ્યાને પ્રતિપાદિત કરે છે,એટલે જ એ દેવ તરીકે પૂજાય છે. સૂર્યદેવ એટલે આકાશમાં દ્રશ્યમાન થતો પ્રકાશનો ઝળહળતો ગોળો – આ થઈ સામાન્ય સમજ. આજે મારે વાત કરવી છે સૂર્યના જ એક અલગ સ્વરૂપ વિશે. સવિતૃ (સવિતા) વિશે. સવિતા શબ્દની ઉત્પત્તિ सूङसवने ધાતુ પરથી થઈ છે, જેનો અર્થ થાય પ્રસૂતિ કરવી, જન્મવું, ઉત્પન્ન કરવું અથવા પ્રેરણા આપવી. એ મુજબ સવિતા (સવિતૃ) એટલે પ્રેરણા આપનાર, ગતિ આપનાર એવો અર્થ નીકળે છે. સૂર્યનો પ્રકાશમય પૂંજ સ્વ પ્રકાશથી સમગ્ર સૃષ્ટિને જગાડે છે અથવા તો કહી શકાય કે એની ઊર્જાથી સમગ્ર સુષ્ટિ ગતિમાન થાય છે. એ રીતે સૂર્યનું સવિતા નામ સાર્થક થયું ગણાય. સૂર્યને સવિતૃ તરીકેનું સૌ પ્રથમ સંબોધન મળ્યું છે વેદમાં. વેદની ઋચાઓમાં સૂર્યને સવિતૃ કહ્યો છે. વેદમાં દર્શાવેલા લક્ષણો અનુસાર સવિતા એટલે પોતાના પૂર્ણ તેજમાં પ્રકાશતો સૂર્ય. આ અર્થ સમજવા જેવો છે. પોતાનું તેજ! તમે કહેશો, સૂર્ય પાસે તો પોતીકું તેજ છે જ ને? પછી આમાં સમજવા જેવું શું? પણ અહીં સ્થૂળ અર્થને બદલે સૂક્ષ્મ અર્થ તરફ દ્રષ્ટિ કરીએ તો? વેદ ખરેખર તો ગૂઢ ભાષામાં લખાયેલા ગ્રંથો છે. એટલે દરેક ઋચાનો એક અભિધાર્થ (દેખીતો અર્થ) અને એક લક્ષણાર્થ(સૂચક અર્થ) નીકળે જ! સવિતાના સૂક્ષ્મ અર્થને એક મંત્ર વડે સમજવા પ્રયત્ન કરીએ.

तत् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि।
धियो यो नः प्रचोदयात् ॥ (ऋग् ३ /६२/१०)
સવિતાને અનુલક્ષીને ઋગ્વેદમાં જેટલી ઋચાઓ છે તેમાં બધા કરતાં શ્રેષ્ઠ ઋચા તે આ. સવિતૃ મંત્ર તરીકે ઓળખાતા આ મંત્રને આપણે ગાયત્રી મંત્ર કહીને ય સંબોધીએ છીએ. સવિતાનું સ્તુતિગાન કરતો આ મંત્ર ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ – આ ચારેય વેદમાં સ્થાન પામ્યો છે. આ એક જ એવો મંત્ર છે જેનું ગાન ચારેય વેદ વારંવાર કરે છે. સવિતૃ મંત્રનું મૂળ સ્થાન છે – ઋગ્વેદ. મંડળ ૩, સૂક્ત ૬૨, મંત્ર ૧૦.
ગાયત્રી મંત્રમાં જે અધૂરું રહી જાય છે તે આ –
ૐ ભૂર્ભુવ: સ્વઃ
ૐ – પ્રણવ મંત્ર. પ્રણવનો એક અર્થ થાય – પરમાત્મા.
ભૂ: – પદાર્થ અને ઊર્જા એટલે કે પૃથ્વી લોક
ભુવ: – અંતરિક્ષ લોક
સ્વ: – સ્વર્ગ લોક (આત્મા)
ૐ ભૂર્ભુવ: સ્વઃ – પ્રણવ મંત્ર (ॐ) અને આ ત્રણ શબ્દોથી બને વ્યાહૃતિ. વ્યાહૃતિનો અર્થ થાય વિસ્તાર કરવો, વિશાળ વર્ગને ચોતરફથી આવરી લેવું. વ્યાહૃતિનો બીજો અર્થ છે – ઉચ્ચારણ. અહીં આ વ્યાહૃતિનો અર્થ થાય છે –
ૐ ભૂર્ભુવ: સ્વઃ – પૃથ્વી, અન્તરિક્ષ અને આત્મામાં વિચરણ કરવાવાળા શુદ્ધસ્વરૂપ, ચેતન બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર.
તત્ – તે, તેઓ
સવિતૃ: – સૂર્ય, પ્રેરક
વરેણ્યં – પૂજ્ય
ભર્ગ: – શુદ્ધ સ્વરૂપ
દેવસ્ય – દેવતાનાં, દેવતાને
તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય – તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાને
ધીમહિ – અમારૂં મન અથવા અમારી બુદ્ધિ ધારણ કરે, અમે તેમનું મનન, ધ્યાન કરીએ.
ધિય: – બુદ્ધિ, સમજ
ય: – તે (ઈશ્વર)
ન: – અમારી
પ્રચોદયાત્ – પ્રકાશિત કરે, તેજસ્વી કરે.
ધિયો યો નઃ પ્રચોદયાત્ – તે અમારી બુદ્ધિને સારા કામોમાં પ્રવૃત કરે.
સંપૂર્ણ અર્થ – પૃથ્વી, અન્તરિક્ષ અને આત્મામાં વિચરણ કરવાવાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાનું અમે ધ્યાન કરીએ અને તે અમારી બુદ્ધિને તેજસ્વી કરે.
ઋગ્વેદના સૂર્યસૂક્તમાં સૂર્યદેવની આરાધના છે. સૂર્યના અલગ અલગ સ્વરૂપો વિશેનું વિસ્તારપૂર્વકનું વર્ણન અને પછી માનવજીવનના કલ્યાણ માટેની પ્રાર્થના. ધિયો યો નઃ પ્રચોદયાત્ – સૂર્યદેવ પાસે બુદ્ધિની તેજસ્વિતા માટે કરવામાં આવેલી પ્રાર્થના! સૂર્ય તો અંધારાને ચીરી પ્રકાશ આપે, બાહ્ય સુષ્ટિમાં વ્યાપેલો અંધકાર સૂર્યોદય થતાં વેંત દૂર થાય, પણ બુદ્ધિની તેજસ્વિતાની યાચના સૂર્ય પાસે? જે દ્રષ્યમાન નથી, જેનો ફક્ત અનુભવ જ થઈ શકે છે એવા અંતરમનની સ્થિતિને વધુ સારી બનાવવા સૂર્યદેવ પાસે માગણી કરવામાં આવે છે. શા માટે?
વેદના મંત્રો પ્રધાનત: આધ્યાત્મિક કાવ્યો છે. વેદના મંત્રદ્રષ્ટા કવિ કહેવાયા. કવિ એટલે કવિતા રચે એ તો થયો આધુનિક અર્થ. અહીં કવિ એટલે જે આર્ષદ્રષ્ટા છે, અગમના જાણકાર છે અને કોઈએ ન જોયેલું પારખી શકે છે તે કવિ. આ અર્થમાં ઋષિઓ વેદોના કર્તા કે રચયિતા નથી, પણ દ્રષ્ટા છે. ऋषयो मन्त्रद्रष्टार: (યાસ્ક, નિયુક્તમાંથી) ઋષિઓ તો મંત્રનું દર્શન કરનારા છે.

જે વેદની ઋચાઓ ઋષિઓના હ્રદયમાં પ્રકાશિત થયેલા જ્ઞાનથી ઉદ્ભવી હોય એ ફક્ત કોઈના દેખીતા રૂપનું જ વર્ણન કરે એ વાત માનવામાં આવે ખરી? વેદની ઋચાઓમાં જે તે દેવનું કરવામાં આવેલું વર્ણન એ દરેક દેવના ત્રણ અલગ અલગ રૂપને પ્રસ્તુત કરે છે.
આધિભૌતિક રૂપ – જે દેખાય છે તે. બાહ્ય રૂપ.
આધિદૈવિક રૂપ – બાહ્ય રૂપથી ઉપર ઊઠી દેવસ્થાને સ્થાપિત કરેલું રૂપ. અહીં સૂર્યને ફક્ત એક અવકાશી તેજપૂંજ તરીકે ન જોતાં એને દેવ ગણી એની સ્તુતિ કરવામાં આવે છે એ સંદર્ભ.
આધ્યાત્મિક રૂપ – જે દ્રશ્યમાન નથી, છતાં જેની અનુભૂતિ થયા વિના રહેતી નથી તે.
ગાયત્રી મંત્ર સૂર્યના આ આધ્યાત્મિક રૂપને ઉજાગર કરે છે. ગાયત્રીનો એક અર્થ થાય, પૃથ્વીથી ઉદ્ભવી સૂર્ય તરફ જતી શક્તિ. બુદ્ધિની તેજસ્વિતા એ દરેક મનુષ્યની આંતરિક બાબત છે. પ્રકાશથી ઝળહળ થતો પૂંજ બાહ્ય અંધકારને દૂર કરી શકે પણ માનવના અંતરમનમાં વ્યાપેલો અંધકાર તો એણે જાતે જ દૂર કરવો રહ્યો! સૂર્યનું સવિતૃ રૂપ આ આંતરિક અંધારાને દૂર કરી ભીતર પ્રકાશ પાથરવા નિમિત્ત બને છે! પોતાના પૂર્ણ તેજમાં પ્રકાશતો સૂર્ય એટલે જ સવિતૃ!
ભૂ: ભૂવ: સ્વ: – પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ, આ ત્રણેય લોકનો પ્રકાશક એટલે સૂર્યદેવ. માનવ વ્યક્તિત્વના ય ત્રણ સ્તર છે – સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આ ત્રણ સ્તર એ પ્રત્યેક માનવમાં રહેલા પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ. સવિતૃમંત્ર આ ત્રણેય લોકને તો સાંકળે જ છે સાથે સાથે પ્રત્યેક માનવીમાં રહેલી આંતરિક ચેતનાને પણ પ્રજ્વલ્લિત કરે છે. ગાયત્રી મંત્રની આ ત્રણ વ્યાહૃતિ બાહ્ય સાથે અંતરનો અને અંતર સાથે અંતરમનનો, અર્થાત્ પરબ્રહ્મ પરમાત્માનો સંબંધ સાધી આપે છે. તાત્પર્ય કે જગતની સાથે ચિત્તનો અને ચિત્તની સાથે સચ્ચિદાનંદનો સંબંધ સાધી આપે છે.
[સંદર્ભ ગ્રંથો – ઋગ્વેદ સંહિતા ભાગ -2, ઋગ્વેદ દર્શન – ભાણદેવ, નિરુક્ત – યાસ્ક]
અંજલિ –
ભૃગુ ઋષિએ શોધેલું સત્ય – વિશ્વનો દરેક માનવી આંતરિક ચેતના ધરાવે છે, જે જ્યોતિ રૂપે દરેકના અંતરમનમાં રહેલી છે. ભૃગુ પરથી એ પ્રકાશમાન ચૈતન્યનું નામ પડ્યું – ભર્ગ:. ભર્ગ: ધારણ કરનાર એટલે જ ભગવાન!
khoob saras.
thank you so much
બાળપણમાં મારાં નાની અમને કહેતાં, “સૂર્ય મોટા દેવ.” એ ચાર ચોપડી ભણેલાં. પણ એમણે કહેલા સાવ સાદા તળના શબ્દોનો શિષ્ટ વિસ્તાર તમે આ લેખના માધ્યમથી કરી આપ્યો. ખરેખર, સૂર્ય – મોટા દેવ.
સવિતૃ માત્ર સૂર્યનો સમાનાર્થી શબ્દ નથી પણ એમને દેવ બનાવતું અલગ સ્વરૂપ છે. વાહ!
સૂર્યદેવની જય સાથે આવા સુંદર લેખ બદલ આભાર.
Thank you.
ઘણી જ સુંદર રીતે સમજ આપી તે બદલ આભાર ને ધન્યવાદ.
Thank you
વાહ, ગાયત્રી મંત્રની સમજ પહેલીવાર વિસ્તારમાં સમજાઈ
Thank you so much.
ગાયત્રીમંત્ર બોલીએ છીએ પણ એનો આટલો ઊંડો અર્થ આજે સમજાયો. ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે.
Thank you so much
બહુ જ સમજવા જેવો સુંદર લેખ. ગમ્યો.
Thank you.
અત્યંત સરળ ભાષામાં સૂર્ય, રવિ, ભાણદેવ વિષે શાસ્ત્રોક્ત સમજણ. સહુએ વાંચવા, સમજવા અને ઉપાસ્ય બનાવવા જેવી વાત જેની અનુભૂતિ થઇ શકે. કરી તો જુઓ…!
ખૂબ ખૂબ આભાર સર.
બહુ સહજ રીતે સમજણ આપી અને આ માસ્તર માલીપા રહેલા સુરજદાદાએ આપેલા અજવાળામાં આ લખાણ લખી રહ્યો છે .
બહેન ,
એક સવાલ .
આપ શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા છો ?
આભાર સર.
શિક્ષણ સાથે સંકળાયેલી હતી. હાલ તો બસ લેખન કાર્ય ચાલુ છે.