એ ય… સાંભળને, તને કહેવું છે કે… – નેહા રાવલ 10


એ ય… સાંભળને,

તને કશુંક કહેવું છે.

તને ઘણુંબધું કહેવું છે..

તને કહેવું છે કે  જયારે પણ તને કશુંક કહેવા જાઉં ત્યારે તારો ચહેરો મારી આંખો સામે આવે અને મારે જે કહેવું હોય એ જ વાત એ પૂછે! લખતાંલખતાં તારું નામ આવે અને આંગળીઓ ત્યાં જ અટકી જાય. તું સામે હોય ત્યારે તને કશુંક કહેવા જાઉં અને સાથે નજર – અને નજરની સાથે સમગ્ર અસ્તિત્વ ત્યાં જ  થંભી જાય.  તને જોતી વખતે તારી આંખોમાં મારા શબ્દોની માછલીઓ ડૂબી જાય અને પછી તારા સ્મિતના ઝબકારે એને  પાછી પકડવી મુશ્કેલ જ નહિ, અસંભવ બની જાય.

એ ય… સાંભળને,

તારી ગેરહાજરી વિશે તને કૈંક કહેવું છે. તને કહેવું છે કે તારી ગેરહાજરી શબ્દપ્રયોગ જ ખોટો છે. તું મારી આસપાસ, મારા અસ્તિત્વમાંથી ક્યારેય ગેરહાજર હોય છે! હોઈ શકે છે! હવે એ તારા કે મારા હાથની વાત જ નથી રહી. ખરેખર તો મારે તને કહેવું છે કે તું કેટલો યાદ આવે, પણ એ શબ્દ પણ ખોટો લાગે છે. યાદ શબ્દ બહુ દૂર લાગે, જ્યારે હું તારા વિશે કૈક કહું. તો પછી શું કહું? તને કંઈ પણ કહેવા જતા શબ્દો પણ વેરવિખેર થઇ જાય છે.  ફરી એમ થાય કે ઘૂંટવા જ લાગુ. તો જ કદાચ કશું કહેવા જેવું થશે!

ઘૂંટવું – આ ક્રિયા જ કેટલી મઝાની છે. બાળમંદિરમાં હતાં  ત્યારે નવો અક્ષર શીખવવા ટીચર ઘૂંટવા આપતાં ત્યારે હોડ લાગતી, કોનો અક્ષર સૌથી જાડો? એ તો હાથ, પેન અને સ્લેટની વચ્ચે થતી ક્રિયા હતી, પણ આ ઘૂંટવું તો શ્વાસ અને હૃદયના ધબકારા વચ્ચે ઘૂંટાય. ખબર છે તને, આમાં કોની હોડ કોની સાથે છે? આંખો કહે કે હું મારી નજરથી તારું નામ ઘૂંટૂં અને ધબકારા કહે હું કહું મારા લયથી તારા નામજપ કરું.  અને શ્વાસ…! એ તો દરેક આવનજાવન સાથે તને ઇન-આઉટ કરે છે. આ કોઈ પ્રાણાયામની વાત નથી, પણ પ્રાણ અને એના આયામની વાત છે. પ્રાણ પણ હૃદય કે શ્વાસથી અલગ થોડા છે?

એ ય… સાંભળને,

ના. રહેવા દે. એવું કશું જ  ખાસ નથી. આમ તો નાની જ વાત છે. નાની એટલે બહુ નાની. તારી આંખની કીકીની વચ્ચે રહેલા કાળા બિંદુ જેટલી નાની, જેનાથી આખુંય જગત દૃશ્યમાન થાય છે. અને આટલા વિશાળ જગતમાં એટલા આંખની કીકી જેટલા બિંદુની શું વિસાત… છતાં… એ છે તો આપણે દૃશ્યો જોઈ શકીએ છીએ. એ બિંદુ જેટલી આ વાત… તું જીવનમાં છે તો શ્વાસની આવનજાવનને હું જીવન કહી શકું છું. એટલે જ ને…વાત આમ બહુ નાની છે પણ…

એ ય… સાંભળને,

ચલ, જવા દે. એવું તો કશું જ નથી જે આજ સુધી કહેવાયું જ ન હોય. પણ  કદાચ એવું કશુંક હોઈ શકે જે આટલું બધું કહેવાયા પછી પણ બાકી રહી જતું હોય! મને એ જ કહેવું છે. એ  વાત જે દરેક પ્રેમકથા કે દરેક પ્રેમકાવ્યમાં કહેવાઈ ગઈ છે છતાં થોડી બાકી રહી ગઈ છે, એ વાત જે હજારો લાખો વખત ફિલ્માવાઈ ગઈ છે, અને સેંકડો વખત હજુ બાકી છે. એ વાત જે શબ્દોના ઉપયોગ વગર પણ દરેક ભાષામાં લિપી  બન્યા પહેલાથી અસ્તિત્વમાં છે, અને છતાં એની લિપી હજુ પૂરેપૂરી ઉકેલવાની પણ બાકી છે…એ જ વાત..હું કદાચ બહુ સ્પષ્ટ નહિ કહી શકું તો ય તું સાંભળી લઈશને! નહિ લખાયેલા શબ્દોની લિપી ઉકેલી લઈશને!

બહુ નાની જ વાત  છે.  તું સવારે ગાર્ડનમાં ચાલવા જાય અને એક ચોક્કસ છોડ પાસે જે એકબે પળ અટકે છે એ પળ જેટલી જ નાની. એ બે પળના સ્મિત જેવી ચમકિલી, પતંગિયાંની પાંખ જેવી હળવી, આગિયાની આગ જેવી  હૂંફાળી. તારા હોઠ પર રહેલા તલ જેવી નાની…પણ ખબર છે ને, એકસો સોળ ચાંદની રાતો કરતાં એ તલ કેટલો આકર્ષક છે! એટલે જ કહેવું છે કે…

એ ય… સાંભળને,
બસ એટલું જ  કહેવું છે કે…
તું ગમે છે. ખૂબ ગમે છે. તારું ગમવું એટલું ગમે છે કે બધું જ ગમવા લાગ્યું છે. બસ, આટલું જ કહેવું હતું પણ…

जब कभी भी
तुम कहते हो
कहो, क्या कहती हो?
क्या कहूँ?
तुम्हारी आवाज़ सुनने के लिए,
शब्दो के पार उतर कर
अर्थो के परे जा कर
वहां जा पहुँचती हूँ,
जहाँ सिर्फ तुम्हारा स्वर रह जाता है…
न तो रह पाती है उस की बातें,
न ही अर्थ और न ही कोई प्रश्न या उनके उत्तर।
फिर तुम ही कहो,
मैं क्या कहूँ?
जब कभी तुम पूछते हो,
क्या देखती हो?
कैसे कहूँ की –
कुछ देख ही नहीं पाती।
तुम्हारी आँखों के सात समंदर के भीतर कुछ नही देख पाती
क्योंकि
कुछ भी देखने लिए
जगना पड़ता है,
होश में रहना पड़ता है,
खुद को संभालना पड़ता है,
तुम ही बताओ..
तुम्हारी आँखों मे देखने के बाद
मेरे लिए ये मुमकिन है क्या?
तुम अक्सर कहते हो,
कुछ बोलती क्यों नही?
कोई डूबा हुआ,
खोया हुआ,
जो गुम हो चूका है,
वह भला क्या बोल पायेगा?
बस इतना ही…..

‘ એ ય… સાંભળને..’

– નેહા રાવલ

woman reading book
Photo by Joy Deb on Pexels.com

આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “એ ય… સાંભળને, તને કહેવું છે કે… – નેહા રાવલ

  • PARAG GYANI

    શ્રી રામકૃષ્ણના બાળવિવાહ થયા હતા‌. વર્ષો વીત્યા અને એમના પત્ની સામા હાજર થયા પછી રામે એમને પૂછેલું, “તું મને સંસારમાં ખેંચી જવા આવી છે?” એમ અમો પૂછીએ છૈએ, -“આ લેખમાળા અમોને પ્રેમમાં પટકવા લખાઈ છે ?”

  • Hiral Vyas

    એય…સાંભળને… તેં તો પ્રેમની સુંદર અનુભૂતિનું વિશ્વ જાણે આંખ સામે લાવી દીધું! સુંદર.

    • Arohi

      Nice article. Keep doing the good work.

      “તારા હોઠ પર રહેલા તલ જેવી નાની…પણ ખબર છે ને, એકસો સોળ ચાંદની રાતો કરતાં એ તલ કેટલો આકર્ષક છે!”

      These lines are from Gulzar’s timeless song – “Mera Kuch saman” – line is “ एक सौ सोलह चांद की रातें, एक तुम्हारे कांधे का तिल”.

      Please give enough credits to the original writes
      When their lines are used as is. These writers/lyricists
      Spend days and nights to deliver their beautiful lyrics. Let’s respect their work, dedication and imagination.

      • Neha

        આરોહિજી, આ એકસો સોળ ચાંદની રાત એ કોઈની કલ્પના કે ફક્ત એક ગીતના શબ્દો નથી જેના પર કોઈના કોપીરાઈટ હોય, કે જેના બદલ ક્રેડિટ આપવી પડે/ આપવી જોઈએ. પરંતુ હિન્દૂ ખગોળશાસ્ત્ર મુજબ ચંદ્રની કુલ એકસોને સોળ વિવિધ કળાઓ છે. જેનો અર્થ એકસો સોળ પ્રકારની ચાંદની રાતો એમ થાય. ગુલઝારજીએ પોતાના ગીતમાં આનો ઉપયોગ માત્ર કર્યો છે. આ કોઈ એમનો નિજી શબ્દપ્રયોગ નથી. એટલે ક્રેડિટ આપવાનો કોઈ પ્રશ્ન નથી. આટલી ઝીણવટથી લેખ વાંચી, નોંધ લેવા બદલ આભાર.

      • Arohi

        I knew you will not accept it at all. Nothing new, Most of the writers don’t . તમે માત્ર ચંદ્રની કુલ એકસો સોળ કળાઓ નહિ આખી લાઈન જ કોપી કરી છે. ખભા પરનો તલ, હોઠ પર લાવવો એને શબ્દોની ગોઠવણ કહેવાય. શબ્દકોશમાંથી ભારેખમ શબ્દો શોધી શકાય , લાગણીઓ નહિ. “કાંધે કે તિલ” બે પ્રેમીઓ વચ્ચેની નિકટતા બતાવે છે. I hope you understand what I am trying convey.