પત્રકારત્વમાં પ્રજાનો વિશ્વાસ ટકાવી રાખવો હશે તો એ માટે શું કરવું જોઇએ એવા સેમિનાર કે વેબિનાર કરવાથી નહીં ચાલે… સીધા પગલાં લેવાનું શરૂ કરવું પડશે. પણ કશું જાણ્યા-સમજ્યા વિના શાના પગલાં લેવાના છે? જાણવું તો પડશે ને કે, આપણે ક્યાં ઊભા છીએ? શા માટે આ સ્થિતિએ આવીને ઊભા છીએ? એ માટે કોણ અને કયાં પરિબળો જવાબદાર છે? આ સ્થિતિ ક્યારથી અને કેવી રીતે આવી?
તો ચાલો… તથ્ય, હકીકત, આંકડા, વિગતો, અભ્યાસ તથા અનુભવને આધારે આખી વાત ચકાસીએ. મૂળ વાત એ છે કે પત્રકારત્વ તેની વ્યાખ્યામાંથી બહાર નીકળી ગયું છે. પત્રકારનો વેશ પહેરીને આવતા લોકો લક્ષ્મણરેખા પાર કરીને સીધા જ વિશ્લેષક, ટીકાકાર, નિષ્ણાત, પ્રવક્તા, આંદોલનકારી, એક્ટિવિસ્ટ વગેરેની ભૂમિકામાં આવી ગયા છે. શું બન્યું છે, ક્યાં બન્યું છે, કેમ બન્યું છે, કેવી રીતે બન્યું છે, કોણ ભોગ બન્યા છે અને કોણ બચી ગયા છે – એવી વિગતો આપવાને બદલે ઘટના માટેના જવાબદારો કોણ છે એ જાતે જ નક્કી કરીને લખવા અથવા બોલવા લાગે છે!
પત્રકારત્વની આ સ્થિતિના ગંભીર પરિણામ આવવા લાગ્યા છે. સૌથી પહેલાં તો મોટાભાગના નાગરિકોને પત્રકારત્વ-મીડિયા ઉપરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે. રાષ્ટ્રવાદને સર્વોપરી ગણતા નાગરિકો નરેન્દ્ર મોદી વિરોધી છાવણીના સમાચાર સ્વીકારતા નથી. એ જ રીતે નાગરિકોનું બીજું જૂથ નરેન્દ્ર મોદી તરફી છાવણીના સમાચારો પર વિશ્વાસ કરતા નથી. તેમના મતે રાષ્ટ્રવાદની વાત કરવી એ જોખમી બાબત છે. આ જૂથે તો એવું પણ સમીકરણ વહેતું કરી દીધેલું છે કે, રાષ્ટ્રવાદ એટલે હિટલરવાદ! અર્થાત રાષ્ટ્રવાદની વાત કરનારા હિટલરના પગલે ચાલે છે અને જો તેમના સમર્થનવાળા રાજકીય પક્ષો સત્તા ઉપર આવે અથવા સત્તા પર રહે તો જેમ હિટલરે યહુદીઓનો સંહાર કર્યો હતો એમ ભારતના રાષ્ટ્રવાદીઓ મુસ્લિમોનો સંહાર કરી દેશે. આ નૅરેટિવ બહુ ખતરનાક રીતે ઊભું કરવામાં આવ્યું છે, એટલું જ નહીં પરંતુ મીડિયાનો એક ચોક્કસ વર્ગ લેખન દ્વારા, ટીવીના પ્રાઇમ ટાઇમ શો દ્વારા તેમજ સાચી-ખોટી વેબસાઇટ લિંકો દ્વારા તેને નિરંતર ફેલાવે છે.
ખેદજનક છે કે, બંને છાવણીના મીડિયા પોતપોતાના પ્લેટફોર્મ ઉપર રહીને એકબીજા ઉપર હુમલા કર્યા કરે છે, અને બંને છાવણીના નાગરિકો સોશિયલ મીડિયા ઉપર આખો દિવસ વર્ચ્યુઅલ-બથંબથા કરે છે. દરેક પક્ષકાર પોતાની વાત સાચી હોવાના દાવા કરતા રહે છે અને પછી છેવટે કોઈ નિષ્કર્ષ ન આવે ત્યારે “ફૅક્ટ ચૅક” નામે નવું તંત્ર કામે લાગે છે. વળી પાછી વાત ત્યાં પણ અટકતી નથી. ફૅક્ટ ચૅકનું પરિણામ જેની વિરુદ્ધમાં આવે તે છાવણી તેનો અસ્વીકાર કરે અને ફૅક્ટ ચૅકને જ ફેક ગણાવી દે. આ સ્થિતિ મારા મતે તો ચિંતાજનક કહી શકાય તેવા પરિમાણથી પણ આગળ વધીને ભયજનક બની રહી છે. ઉભય છાવણીઓ એ હદે આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને આક્રોશ વ્યક્ત કરે છે કે અનેકને ભાષા અને શબ્દોનું પણ ભાન રહેતું નથી.
મુદ્દો એ છે કે, આ સ્થિતિ આવી શા માટે? જવાબ પણ સ્પષ્ટ છેઃ પત્રકારત્વના પતનને કારણે. અથવા કહો કે પત્રકારત્વની વિશ્વસનીયતા તળિયે જવાને કારણે.
જો પત્રકારત્વ સાચા અર્થમાં સંતુલિત રહ્યું હોત તો ખાતરીપૂર્વક કહી શકાય કે આ સ્થિતિ આવી જ ન હોત. દુઃખદ સ્થિતિ એ પણ છે કે હવે તો “સંતુલન” શબ્દનો અર્થ પણ બદલાઈ ગયો છે. સળંગ બે વર્ષ સુધી વિવિધ સમાચાર ચૅનલ ઉપર રાજકીય વિશ્લેષક તરીકે ગયા પછી મને આ પત્રકારત્વના “સંતુલન” ઉપરથી પણ વિશ્વાસ ઊઠી ગયો. અનેક વખત જોયું કે, પૅનલમાં બેસતા પત્રકારો તેમજ રાજકીય સમીક્ષકો માત્રને માત્ર એક જ રાજકીય પક્ષની, એક જ વ્યક્તિની, એક જ ધાર્મિક સમુદાયની ટીકા કરવાને જ “સંતુલન” ગણાવે છે! અને આ માટે આ લોકોએ તેમનાથી વિરોધી વિચારસરણી ધરાવતા પત્રકારો, સમીક્ષકોને સંઘી કહીને બૅકફૂટ પર જવા મજબૂર કરવાનું શરૂ કર્યું.
સમાચાર ચૅનલો શરૂ થયા પછી સ્થિતિ ખૂબ વણસી છે. પ્રિન્ટ મીડિયા હતું ત્યાં સુધી સામાજિક તાણાવાણાને ઓછું નુકસાન થતું હતું કેમ કે એક તો એ સમયે શિક્ષિતોની સંખ્યા ઓછી હતી અને જેટલા શિક્ષિત હતા તેમાંથી માંડ બે-પાંચ ટકા લોકો અખબાર-સામયિક વાંચતા હતા. પરિણામે ધિક્કારનો વાયરસ એટલો ઝડપથી ફેલાતો નહોતો. પરંતુ ટીવી જોવા માટે કોઈ શિક્ષણની જરૂર હોતી નથી. ઑડિયો-વિઝ્યુઅલ મીડિયા સમાજમાં આપોઆપ સારી અને નરસી અસરો કરતું હોય છે.
મુખ્યત્વે મનોરંજનના સાધન તરીકે 90-95 ટકા વસતીના ઘર સુધી પહોંચી ગયેલા ટીવીમાં સમાચાર ચૅનલો શરૂ થયા પછી એક પ્રકારની અદ્રશ્ય રાજકીય તંગદિલી શરૂ થઈ ગઈ. જૂની પેઢીના દાદા કે પિતાને તેમના સમયના રાજકીય પક્ષમાં શ્રદ્ધા હોય છે, તો નવી પેઢીના પુત્ર-પૌત્ર નવા પક્ષના સબળ નેતૃત્વથી આકર્ષાય. અહીં મેં મહિલાઓની એટલા માટે ઇરાદાપૂર્વક વાત નથી કરી કે, ઘર-પરિવારમાં મહિલાઓ કદી રાજકીય ચર્ચા કરતી નથી, અથવા કહો કે સાવ જૂજ પ્રમાણમાં મહિલાઓ ઘરની અંદર રાજકીય ચર્ચામાં ભાગ લેતી હોય છે. તેઓ ખૂબ મહત્ત્વના મતદાર છે અને મતદાનના દિવસે કોઇને પણ પોતાનું મન કળવા દીધા વિના ચૂપચાપ મતદાન કરી દે છે. પરંતુ પુરુષવર્ગમાં પેઢીના તફાવત સાથે રાજકીય વિચારધારાની અપ્રત્યક્ષ તંગદિલી રહે છે. આ તંગદિલી સોશિયલ મીડિયા મારફત આખા સમાજમાં ફેલાય છે.
સમાચાર ચૅનલ આશીર્વાદ પણ છે અને શ્રાપ પણ છે. સમાચાર અને માહિતી માટે આશીર્વાદ ગણાતી ચૅનલો જે સમયે તેના માલિક – સંચાલક કે પછી ચૅનલ હેડની વિચારધારા મુજબ સમાચાર પીરસવા લાગે ત્યારે સમસ્યા સર્જાય. બે પરસ્પર તદ્દન વિરોધી વિચારસરણીની ચૅનલોના ઉદાહરણ સાથે આ વાત સમજીએ. એક છે એન.ડી.ટી.વી. અને સામે છે સુદર્શન ચૅનલ. એનડીટીવી પાસે સનાતન ધર્મ, રાષ્ટ્રવાદ, જમણેરી વિચારધારા કે એ તરફી ભાજપ-સંઘ જેવા પક્ષ કે સંગઠનો વિશે કદી હકારાત્મક કે સારા સમાચાર હોતા નથી. કદાચ વન્સ ઇને બ્લુ મૂન એવું જોવા મળે તો સ્પષ્ટ રીતે એ અપવાદ ગણાય, પણ નીતિગત રીતે આ ચૅનલ આ બધા વિષય કે સંસ્થા કે સંગઠન કે પક્ષ પ્રત્યે તદ્દન નકારાત્મક વલણ ધરાવે છે.
એક પત્રકાર તરીકે મારે એ ચૅનલના આવા વલણને ખોટું ગણવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તે એક પ્રકારે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આથી વિરુદ્ધ સુદર્શન ચૅનલ રાષ્ટ્રવાદ-અતિ રાષ્ટ્રવાદ, ધર્મ-અતિ ધર્મવાદને લગતા સમાચાર આપ્યા કરે છે અને સાથે એવા જ પ્રકારના વિશેષ કાર્યક્રમો પણ બનાવે છે. આ કાર્યક્રમોમાં આવતા લોકો અમુક રાજકીય પક્ષ કે અમુક ધાર્મિક સમુદાય પ્રત્યે ઘણીવાર ઉગ્ર ભાષામાં રજૂઆત કરતા હોય છે. પત્રકારત્વની મર્યાદા ત્યાં પણ ચૂકાય છે.
બંને સામ-સામા છેડાનું પત્રકારત્વ છે, પરંતુ મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે એક ચૅનલના પત્રકારત્વને “અભિવ્યક્તિની સ્વતંત્રતા” જેવા સુગર-કોટેડ શબ્દ સાથે માફ કરી દેવામાં આવે છે, જ્યારે આથી તદ્દન વિરોધી વલણ અખત્યાર કરતી સુદર્શન ચૅનલની વિરુદ્ધમાં કે તેના કર્તાહર્તાની વિરુદ્ધમાં ઘૃણા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. શા માટે ત્યારે અભિવ્યક્તિની એ જ સ્વતંત્રતાનો મુદ્દો ભૂલાઈ જતો હશે? શા માટે સુદર્શન ચૅનલને અને તેના સંચાલકને એક તરફી બુદ્ધિજીવી વર્ગ દ્વારા કોર્ટમાં ઢસડી જવા કે પોલીસ કેસ કરવાની ધમકીઓ આપવામાં આવે છે? જો એનડીટીવીને તેની પોતાની વિચારધારા મુજબ કોઇપણ અહેવાલોને, કોઇપણ પ્રકારની એક તરફી ચર્ચાને પત્રકારત્વ કહેવાનો અધિકાર હોય તો સુદર્શન ચૅનલને બીજી તરફના અહેવાલો અને બીજી તરફની ચર્ચા કરવાનો અધિકાર શા માટે નથી?
યુવા પત્રકારો તથા પત્રકારત્વના વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન તમને સંબોધીને કરું છું. આમ તો તમે બધા સોશિયલ મીડિયામાં નિષ્ણાત છો અને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર નજર રાખતા હશો. છતાં, તમારું ધ્યાન એવા ટ્વિટર ટ્રેન્ડ ઉપર ગયું છે કે નહીં જ્યાં પ્રખર રાષ્ટ્રવાદની વાત કરતા અથવા જેહાદી આતંક વિરુદ્ધ રિપોર્ટિંગ કરતા મીડિયાને જાહેરખબરો નહીં આપવા માટે આંતરરાષ્ટ્રીય જાહેરખબર એજન્સીઓને હાકલ થતી હોય! હા, હકીકતે આવું થયું છે. સામાન્ય મુસ્લિમો પ્રત્યે જરાય ધિક્કાર નહીં રાખતા ઘણા રાષ્ટ્રવાદી મીડિયા જેહાદી આતંક સામે અહેવાલ પ્રસારિત કરે ત્યારે તેમની વિરુદ્ધ અભિવ્યક્તિની આઝાદીના ઠેકેદારો પોતે જ તૂટી પડે છે, અથવા કોઈ જેહાદી ઉશ્કેરાઈને કોઈ રાષ્ટ્રવાદી મીડિયાકર્મીને નુકસાન પહોંચાડે ત્યારે મીડિયામાં ડાબી તરફ બેઠેલા અભિવ્યક્તિની આઝાદીના ઠેકેદારો આંખ આડા કાન કરી લે છે. આવું શા માટે?
શું સંતુલનનો સિદ્ધાંત માત્ર એવું જ કહે છે કે સમાજ અને દેશને નુકસાન કરે એવા જેહાદીઓ અથવા ખ્રિસ્તી ધર્માંતર વિરુદ્ધ ન લખવું કે ન બોલવું? મને લાગે છે કે આને શાહમૃગી નીતિ કહેવાય. સત્ય સામે દેખાતું હોવા છતાં, એક સાચા પત્રકારની જેમ દીર્ઘદૃષ્ટિ રાખીને એ સત્યને ચકાસવાને બદલે આંખ બંધ કરીને માથું જમીનમાં ખોસી દેવું એ શાહમૃગી નીતિ ગણાય.
પત્રકારત્વની મૂળ મુશ્કેલી એ થઈ છે કે મીડિયામાં કાર્યરત 99 ટકા પત્રકારોને, લેખકોને, કૉલમિસ્ટને “સેક્યુલારિઝમ”ના ખરા અર્થની કાંતો ખબર નથી અથવા ખબર હોય તો તેનો સ્વીકાર કરતા નથી! આ સ્થિતિ ઇસ્લામિક દેશો સિવાય દુનિયાભરના પત્રકારત્વની છે. ઇસ્લામિક દેશોમાં માંડ 0.01 ટકા પત્રકારો, લેખકો કે કૉલમિસ્ટ સેક્યુલારિઝમની વાત કરતા હોય છે અથવા તેના વિશે વાત કરવાનો પ્રયાસ કરતા હોય છે. ઇસ્લામિક દેશોના મીડિયા માટે તો સરિયતનું પાલન કરવાનું અનિવાર્ય હોય છે અને એમ ન કરે તો તેમની શી દશા થાય એ તેઓ જાણતા હોય છે! ખેર, મુદ્દો ઇસ્લામિક દેશોનો નથી. મુદ્દો પત્રકારત્વનો છે. સાચા પત્રકારત્વનો છે. જમણેરી વિચારધારાને અપમાનિત કરીને, જમણેરી વિચારધારાને મજાકનો વિષય બનાવીને જેહાદ અને જેહાદી માનસિકતાનો બચાવ કરવો તેને પત્રકારત્વનું નામ કેવી રીતે મળ્યું એ અંગે કોઇએ વિચાર કર્યો છે કદી? કમનસીબે આવા પ્રયાસમાં સમગ્ર પત્રકારત્વ જગતને એ વાતનો ખ્યાલ જ ન રહ્યો કે, જેહાદી માનસિકતાનો બચાવ કરવાના આત્યંતિક પ્રયાસોને કારણે જ પહેલાં મવાળ જમણેરી વિચારધારા અમલમાં આવી જેને પગલે હિંસક જમણેરી વિચારધારાએ પણ પગપેસારો કર્યો.
કોઈ ચાલાક બુદ્ધિજીવી આ વાતને એવો ટ્વિસ્ટ આપવાનો પ્રયાસ કરે કે, એ તો “અન્યાય” ને કારણે તો જેહાદ ઊભો થયો છે, તો તેનો જવાબ પણ સાથે જ આપી દઉં કે એ ચાલાકો જેહાદી માનસિકતાના મૂળ વિશે કાંતો જાણતા નથી અથવા જાણવા છતાં શાહમૃગ બની રહેવા માગે છે. સંતુલનના ઓઠા હેઠળ પત્રકારત્વમાં જે શાહમૃગી રમત રમાય છે તેને કારણે જ દુનિયા અશાંતિની આગમાં સપડાઈ છે તેમાં કોઈ બે-મત નથી. આ માટે સંપૂર્ણ તટસ્થ સંશોધન અને અભ્યાસ કરવા હું પત્રકારોને, ઇતિહાસકારોને તથા શિક્ષણવિદોને પડકાર ફેંકું છું. અને હા, આ વાત બિલકુલ પત્રકારત્વ સાથે જ જોડાયેલી છે, કેમ કે પત્રકારત્વના ખભા વિના દુનિયાભરમાં કહેવાતા “અન્યાય”ને પ્રસરવા માટે પગ મળ્યા ન હોત.
આ બાબત યુવા પત્રકારો તથા પત્રકારત્વના વિદ્યાર્થીઓને સમજવા માટે હવે અહીં થોડી વધારે વિસ્તારથી વાત કરું. વિદેશના, ખાસ કરીને પશ્ચિમી દેશોના તેમજ ભારતના અંગ્રેજી મીડિયાની નીતિ-રીતિને જો તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે, દુનિયામાં ક્યાંય ખ્રિસ્તી સમુદાય જેહાદી હિંસાનો ભોગ બને ત્યારે તરત જ આ બધા મીડિયાને આતંકવાદ દેખાઈ આવે છે. તરત જ તેઓ જે તે દેશની સરકારને “સેક્યુલારિઝમ” યાદ કરાવીને ખ્રિસ્તીઓને સંરક્ષણ પૂરું પાડવા અપીલ કરવા લાગે છે. પરંતુ ભારતમાં આવી કોઈ ઘટના બને ત્યારે એ જ મીડિયાવાળા જેહાદીઓના બચાવમાં ઊતરી પડે છે. પત્રકારત્વની એક વિશિષ્ઠ માનસિકતા ધરાવતા લોકો જેહાદીઓનો બચાવ કરવા તથા તેની સામે ભારતની બહુમતીનો વાંક શોધી કાઢવા જૂની ઘટનાઓ તથા ઉપજાવી કાઢેલા નિવેદનો પ્રસારિત કરવા લાગે છે.
જો પત્રકારત્વ સંતુલિત અને સાચું હોય તો બહુમતી સમુદાયની ફરિયાદોની યોગ્ય તપાસ તમામ મીડિયા દ્વારા એક સાથે શા માટે કરવામાં નથી આવતી? શા માટે આસારામ બાપુ માટે પત્રકારત્વનું એક ધોરણ અને કેરળ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ સહિત અનેક જગ્યાએ બળાત્કારના આરોપી પાદરીઓ માટે બીજું ધોરણ? શા માટે પાલઘરની ઘટનામાં ત્રણ સાધુની સામૂહિક હત્યા બાબતે એક ધોરણ અને ગ્રેહામ સ્ટેન માટે બીજું ધોરણ? આ બધા કિસ્સા ઉપરાંત પત્રકારત્વના સૌથી ઘૃણાસ્પદ અને નીચલા સ્તરના ઉદાહરણ તો ત્યારે જોવા મળે છે જ્યારે બળાત્કાર અને હત્યાના આરોપમાં મૌલવીઓ પકડાય ત્યારે પણ રાષ્ટ્રીય સ્તરના અંગ્રેજી અખબારો તેમના હેડિંગમાં “ગુરુ”, “ગૉડમેન” જેવા શબ્દો લખીને તથા હિન્દુ સાધુ લાગે એવા કેરીકૅચર મૂકીને ગેરમાર્ગે દોરે છે. આ બાબત રીતસર બદમાશી અને છેતરામણી છે અને ઘણા નાગરિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એડિટર્સ ગિલ્ડને ફરિયાદ પણ કરી છે, છતાં કોઈ પગલાં લેવાતા નથી.
પત્રકારત્વમાં ધોરણોની અંચાઈ
પત્રકારત્વમાં ધોરણોની આવી અંચાઈ જ ભેદભાવનું કારણ બની છે અને તેણે અંતિમવાદી જમણેરી પરિબળોને જન્મ આપ્યો છે. બાકી સનાતન સત્ય એ છે કે, હિન્દુ વ્યક્તિ કદી અંતિમવાદી હોઈ જ ન શકે. તેને ગળથૂથીમાં જ સમાનતા-સદ્દભાવ શીખવવામાં આવે છે. સનાતની હિંદુ પ્રત્યેક કણમાં જીવ અને શિવ જૂએ છે. સહન થાય ત્યાં સુધી સહન કરવું એ મૂળ સનાતની સ્વભાવ છે. અને છતાં એમાંથી કોઈ – ક્યારેક અન્યાયનું પાણી નાકથી ઉપર જવા લાગે અને પ્રત્યાઘાત આપે ત્યારે આખેઆખું મીડિયા હિન્દુ-આતંકવાદ જેવો શબ્દપ્રયોગ શરૂ કરી દે. જે મીડિયા હિમાલયની ટોચે ચઢી ચઢીને એવું લખ્યા-બોલ્યા કરે કે આતંકવાદને ધર્મ નથી હોતો, એ જ અખબારમાં બાજુમાં જ સમાચાર છપાયા હોય જ્યાં હિન્દુ-આતંકવાદ શબ્દ મોટા અક્ષરમાં લખવામાં આવ્યો હોય…અથવા ટીવી કાર્યક્રમ માટે કપોળ-કલ્પિત હિન્દુ-આતંકવાદનું વિઝ્યુઅલ પેકેજ તૈયાર થાય!
કોમવાદ માટે જમણેરી પરિબળો નહીં, પણ મીડિયા જ જવાબદાર
મારો એવો સ્પષ્ટ આક્ષેપ છે કે, માત્ર ભારતમાં નહીં, આખી દુનિયામાં કોમવાદ ફેલાવા પાછળ જે તે દેશના જમણેરીઓ નહીં પરંતુ એ દેશના મીડિયા જવાબદાર છે. મીડિયા જ સેક્યુલારિઝમના નામે જમણેરીઓના નાનામાં નાના અપરાધને વિશાળ મેગ્નીફાઇઁગ ગ્લાસ મારફત અનેકગણું મોટું સ્વરૂપ આપીને રજૂ કરે છે, પણ લઘુમતીઓના મોટામાં મોટા અપરાધની સામે આંખ આડા કાન કરીને નીકળી જાય છે અથવા સાવ એવી નગણ્ય નોંધ લે છે કે કોઇનું ધ્યાન ન પડે.
મૂળ વાત એ છે કે, દરેક પક્ષકારે જો સાચું પત્રકારત્વ ચાલુ રાખ્યું હોત તો સંતુલનના પ્રશ્નો જ ઉપસ્થિત ન થાત. હું 1989માં પત્રકારત્વમાં જોડાયો ત્યારે મારા તમામ સિનિયર પાસેથી એક જ વાત સાંભળવા મળતી હતી કે, જે ઘટના જેવી બને છે તેને એવી જ રીતે રજૂ કરવી- એ પત્રકારત્વ. ત્યારબાદ એકાદ વર્ષ તો આ વ્યાખ્યા પ્રમાણેનું પત્રકારત્વ જોવા મળ્યું, ગુજરાતમાં અને રાષ્ટ્રીય સ્તરે પણ. પરંતુ 1990 આવતાં આવતાં રાષ્ટ્રીય સ્તરના, ખાસ કરીને અંગ્રેજી અને અમુક હિન્દી અખબારોનો સૂર બદલાવા લાગ્યો. કારણ હતું ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યાની રથયાત્રા. રથયાત્રા વિશે સમાચાર આપવાને બદલે આ અંગ્રેજી અને અમુક હિન્દી અખબારોએ ભય ફેલાવવાનું શરૂ કર્યું. સતત એવી જ વાતો ફેલાવવામાં આવતી કે, આ રથયાત્રા દ્વારા એલ.કે. અડવાણીના રામમંદિર આંદોલનથી લઘુમતી સમુદાય ભયભીત છે. રથયાત્રાને અમુક પ્રમાણમાં મુસ્લિમોનું પણ સમર્થન છે એવા અહેવાલો સ્થાનિક સ્તરે પ્રકાશિત થવા છતાં, ભાજપ પાસે મુસ્લિમોના સમર્થનના ફોટા હોવા છતાં અંગ્રેજી મીડિયાએ એકતરફી ભય ફેલાવવાનું બંધ ન કર્યું. તેનું પરિણામ એ આવ્યું કે સર્વત્ર એકતરફી કાલ્પનિક ભય ફેલાઈ ગયો અને તેનો ગેરલાભ મુસ્લિમ રાજકારણીઓએ ઉઠાવ્યો. અંગ્રેજી મીડિયાના આવા વલણને કારણે એ સમયથી જ પ્રજા બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. 1992ની છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળ ઉપર વિવાદી માળખાના વિધ્વંસને કારણે આ ભયની આગમાં બળતામાં ઘી હોમ્યું.
લઘુમતી તુષ્ટિકરણ રાજકારણનો વિષય છે. માનવ સમુદાય અને માનવ અધિકારના વ્યાપક સિદ્ધાંતો અનુસાર આવું તુષ્ટિકરણ તદ્દન ગેરવાજબી છે છતાં રાજકીય પક્ષો એવું કરે ત્યાં સુધી સમજાય, પરંતુ મીડિયા એ દિશામાં વળી ગયા છે અને તેના અતિશય ગંભીર પરિણામો આ દેશે ભવિષ્યમાં ભોગવવા પડશે. દરેકે દરેક નાની નાની બાબતોમાં માત્ર એક જ સમુદાયનો પક્ષ લેવો અને બીજા સમુદાયને સતત વિલન ચીતરવો એ પત્રકારત્વ નથી જ નથી. ઘટનાનું રિપોર્ટિંગ કરવું, ઘટનાની પાછળનાં કારણો શોધવાં એ પત્રકારત્વ છે. પરંતુ ત્રીસેક વર્ષથી આ એકતરફી ટ્રેન્ડ વધી ગયો છે.
જે મીડિયા 1990ના અરસામાં જમ્મુ-કાશ્મીરમાં હજારો કાશ્મીરી પંડિતોની કત્લેઆમ અને લાખો પંડિતોની હકાલપટ્ટી સમયે મોઢે-માથે ઓઢીને સૂઈ ગયા હતા એ જ મીડિયા 2015માં એકાદ અખલાકની ઘટનામાં હિમાલયની ટોચે ચઢીને ચીસો પાડે ત્યારે પત્રકારત્વના મૂળભૂતો સિદ્ધાંતનું તીવ્ર અસંતુલન થઈ જાય છે. એનો અર્થ એ નથી જ કે અખલાકની હત્યા ચિંતાજનક નથી અથવા હત્યા થવા છતાં મીડિયાએ શાંત રહેવું જોઇએ. ના, એવું નથી. મુદ્દો અસંતુલનનો છે. મુદ્દો એક તરફ શાહમૃગી નીતિનો અને બીજી તરફ ઓવર રિએક્શન – ઓવર એક્ટિવિઝમનો છે.
1990ની હજારો પંડિતોની કત્લેઆમને જીનોસાઇડ કહેવા જે મીડિયા તૈયાર નથી એ જ મીડિયા 2015માં એક હત્યાને મૉબ લિન્ચિંગ નામ આપીને એક્ટિવિઝમ શરૂ કરી દે છે. અને પછી એ જ મીડિયા એવા સમયે શાહમૃગ બની જાય છે જ્યારે 2018ની 26 જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશના કાસગંજ વિસ્તારમાં તિરંગાયાત્રાએ નીકળેલા યુવાનો ઉપર મુસ્લિમ વિસ્તારમાં પથ્થરમારો અને ગોળીબાર થાય છે જેમાં ચંદન નામના એક કોલેજિયન યુવાનનું મૃત્યુ થાય છે. જે દિવસે બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો એ દિવસની ઉજવણી કરવી તેને પણ આ દેશનું મીડિયા અપરાધની શ્રેણીમાં મૂકી દેતા ખચકાતું નથી. એ તિરંગાયાત્રા ઉપર અનેક મીડિયાએ સવાલ ઉઠાવ્યા હતા પરંતુ કોઇએ મુસ્લિમોને સવાલ કરવાની હિંમત નહોતી બતાવી કે, તિરંગાયાત્રા સામે તમને શો વાંધો હતો અને તેના ઉપર પથ્થરમારો અને ગોળીબાર કેમ કર્યા?
રાષ્ટ્રગીત “વિવાદનો મુદ્દો” માત્ર આ દેશના મીડિયામાં જ બને
રાષ્ટ્રગીત ગાવાનો ઇનકાર કરનારા લોકોને પ્રોત્સાહિત કરે એવું કદાચ એકમાત્ર આ દેશમાં જ બને છે. મુઠ્ઠીભર જેહાદી માનસિકતાના લોકો રાષ્ટ્રગીતને ધર્મનો રંગ ચઢાવીને એ ગાવાનો ઇનકાર કરે છે, અને સેક્યુલારિઝમના નામે મીડિયા એમનો બચાવ કરે છે. આ વલણ રાષ્ટ્રનિર્માણ માટે જોખમી છે. રાષ્ટ્રગીત ગાવાનો ઇનકાર કરવો એમાં કશું ખોટું નથી, પરંતુ તેને ધાર્મિક રંગ આપવો અને એવું કરનારનો બચાવ કરવો એ પત્રકારત્વના કયા સિદ્ધાંત હેઠળ આવે છે તે આજ સુધી સમજાયું નથી.
ભારતનું પત્રકારત્વ ભ્રષ્ટાચારને અપરાધ કેમ નથી ગણતું?
આ પુસ્તક લખાઈ રહ્યું છે એ અરસામાં ભ્રષ્ટાચારના બે કિસ્સા સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં એટલા માટે કે મેઇનલાઇન મીડિયામાં મોટાભાગના મીડિયા હાઉસ આ કેસોની ચર્ચા કરતા નથી કેમ કે તેમાં એક કેસમાં કોંગ્રેસના પ્રથમ પરિવારની સંડોવણીની વાત છે અને બીજા કેસમાં એ પરિવારના અત્યંત વિશ્વાસુની ગુજરાતમાં એક કંપનીના ભ્રષ્ટાચારમાં સંડોવણીના આક્ષેપ છે. જે થોડા મીડિયામાં આ ભ્રષ્ટાચારના સમાચારો આવે છે તેને ગોદી મીડિયા કહીને ધૂત્કારી નાખવામાં આવે છે. અને તેથી અગાઉ કહ્યું તેમ, સોશિયલ મીડિયામાં બંને તરફી પ્રજા વચ્ચે બથંબથ્થી ચાલે છે. આ જ મેઇનલાઇન મીડિયાને બિહારમાં 900 કરોડના ઘાસચારા કૌભાંડમાં ખાસ ચિંતાજનક નહોતું લાગતું. એ જ મીડિયા નેશનલ હેરલ્ડના 5000 કરોડના કૌભાંડમાં શકમંદોને બચાવવા પ્રયાસ કરતા જોવા મળે છે. આ જ મીડિયાને સી.ડબલ્યુ.જી. કૌભાંડની ખાસ ચિંતા નથી, કોલસાની ખાણો કે પછી ટુ-જી કૌભાંડ જોખમી નથી લાગતાં. આ મીડિયાને જે કંઈ વાંધો છે એ આ દેશની મૂળ સંસ્કૃતિ અને તેની તરફેણ કરનારાઓ સામે છે.
આનું કારણ કદાચ રાજકીય પક્ષો અને મીડિયાની, બિઝનેસ ગૃહો અને મીડિયાની, મનોરંજન ક્ષેત્ર અને મીડિયાની એકબીજાને “સાચવી લેવાની” પરંપરા હોઈ શકે! રાજકીય પક્ષો તથા બિઝનેસ ગૃહો દ્વારા જે દિવસથી મીડિયાને દિવાળી ગિફ્ટ અને ઈદી આપવાનું શરૂ થયું ત્યારથી મીડિયા માટે ભ્રષ્ટાચાર ગંભીર મુદ્દો નહીં રહ્યો હોય. પ્રેસ કૉન્ફરન્સમાં રોકડા નાણાનું કવર અથવા કોઈ ભેટ અથવા બંને આપવા ઉપરાંત પત્રકારોને જમાડવાના સિરસ્તાથી કોઈ અજાણ નથી. આ લેવડ-દેવડ કયા સ્તર સુધી પહોંચી શકે એ માત્ર કલ્પના કરવાની રહી. અહીં પત્રકારત્વના મારા આદર્શ હસમુખ ગાંધીને ટાંકીશઃ “ચકોર પત્રકારો તો અખબારમાં પ્રસિદ્ધ થતા દરેક ઇન્ટરવ્યૂ (વિદેશમાં વસતા હીરાના વેપારીથી માંડીને સિનેમાના અભિનેતાના) સાથે એક અદૃશ્ય પ્રાઇસટૅગ ચીપકાડેલું જુએ છે. દરેક તસવીરની કિંમત હોય છે. ક્યારેક કૅશ મળે તો ક્યારેક કાઇન્ડમાં એની કિંમતની ચુકવણી થાય. ક્યારેક ગિફ્ટ કૂપન મળે તો ક્યારેક પૅન્ટપીસ મળે. ગિફ્ટની લાયમાં પત્રકારો લાલચૂડા બની ગયા છે.. યજમાનો તેમની ઉત્તમ ખાતરબરદાસ્ત કરે છે, કારણ કે આ રિપોર્ટરો અખબારની મહામૂલી જગ્યાની ચોરી કરીને વાચકોને ઉલ્લુ બનાવે છે.” (26-01-1989ના રોજ “સમકાલીન” અખબારમાં પ્રકાશિત તંત્રીલેખમાંથી)
મારો પોતાનો એક અનુભવ શૅર કરું. ગુજરાતના ત્રણ મોટા અખબાર પૈકી એક અખબારમાં હું એક્ઝિક્યુટિવ એડિટર હતો. રોજેરોજ તમામ પૂર્તિની જવાબદારી ઉપરાંત મુખ્ય એડિશનના તંત્રીપાને દરરોજ કરંટ અફેર્સ ઉપર એક લેખ આપવાનો થતો. આ શ્રેણી શરૂ કરી તેના પહેલા જ અઠવાડિયામાં એક વિષય મારા ધ્યાનમાં આવ્યો- ભ્રષ્ટાચારનો. ભ્રષ્ટાચારના આંતરરાષ્ટ્રીય રેંન્કિંગમાં ભારતનું સ્થાન સુધર્યું હોવાના સમાચાર હતા. સ્વાભાવિક રીતે તંત્રીપાના ઉપર લેખ માટે આ વિષય એ દિવસે ઉત્તમ ગણાય. મોટાભાગના રાજકીય કૉલમ લેખકો તેમની “કૉલમમાં” જે ઘટના બની હોય તેને જ ગોળગોળ શબ્દોમાં રજૂ કરી દઇને લેખનનો ઓડકાર ખાઈ લેતા હોય છે. આગળ-પાછળ, ઉપર-નીચેની સમીક્ષા કરવાનું “સંતુલન”ના ઓઠા હેઠળ ટાળતા હોય છે. પરંતુ કૉલમ લેખન સંદર્ભે મારી દૃષ્ટિ હંમેશાં એ સમાચારના મૂળને પકડવાની અને તેને આધારે સમીક્ષા કરવાની રહેતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાને એક વર્ષ થયું હતું અને ભ્રષ્ટાચારની બાબતમાં ભારતનું રેંન્કિંગ સુધર્યું હોવાના સમાચાર હતા. સ્વાભાવિક છે કે સરકારના પ્રયાસો વિના આમ અચાનક રેંન્કિંગ સુધરે નહીં. મારા ગહન અભ્યાસને કારણે મને ખ્યાલ હતો દેશના ટોચના ઉદ્યોગપતિઓએ થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે, તેમને હવે બિઝનેસમાં ઘણી સરળતા લાગે છે અને વિવિધ ઉદ્યોગના ક્લિયરન્સ માટે દિલ્હીમાં સાઉથ બ્લૉકના (વડાપ્રધાન કાર્યાલય સહિત મોટાભાગના મંત્રાલયની ઑફિસ સાઉથ બ્લૉકમાં આવેલી છે) ચક્કર લગાવવા નથી પડતા. એ ઉદ્યોગપતિઓએ પોતાની વાતના સમર્થનમાં એમ પણ કહ્યું હતું કે તેમને લગતી મોટાભાગની કામગીરી હવે ઑનલાઇન થઈ જતી હોવાથી દિલ્હીના ચક્કર ઓછા થઈ ગયા છે અને તેમને રાહત છે. મેં આ વાતનો ઉલ્લેખ ભ્રષ્ટાચારના રેંન્કિંગ વિશેના એ દિવસના વિશ્લેષણમાં કર્યો. બીજા દિવસે માલિક-તંત્રીએ તેમની ઑફિસમાં મને બોલાવીને આ બાબતે મારી સાથે આડકતરી રીતે નારાજગી વ્યક્ત કરી. હકીકતે મેં તો દેશના કેટલાક ટોચના ઉદ્યોગપતિઓનો આવો અભિપ્રાય છે એવો જ ઉલ્લેખ કર્યો હતો. મેં મારા તરફથી મોદી સરકારને કોઈ ક્લિનચીટ આપી નહોતી. છતાં એ પછી નોકરી ખાતર હું પણ “સંતુલિત” થઈ ગયો અને મારી એ રોજિંદી કૉલમમાં મોદી સરકારની ટીકા કરવાનું શરૂ કરી દીધું. માલિક-તંત્રીને એ દિવસ પછી આ મુદ્દે મારી સાથે કોઈ ફરિયાદ રહી નહોતી!
ભ્રષ્ટાચારનો મુદ્દો પણ કોમવાદ અને જાતિવાદ અને ધર્માંતર જેવો જ છે. મોટાભાગના મીડિયા હાઉસ રાષ્ટ્રવાદને અતિશય જોખમી ગણે છે, પરંતુ એમને મન કોમવાદ, જાતિવાદ, ધર્માંતર ખાસ ચિંતાજનક મુદ્દા નથી. કેટલાય રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે, એવા અનેક નેતા જેલમાં પણ જઈ આવ્યા છે. દેશના ભૂતપૂર્વ ગૃહપ્રધાન-નાણાપ્રધાન પી. ચિદમ્બરમને ભ્રષ્ટાચારના કારણે જ 2019માં કેદની સજા થઈ હતી. સ્પષ્ટ છે કે આવા અનેક નેતાઓ પાસે પ્રામાણિક આવકના કોઈ સાધન નથી, તેમ છતાં હજારો કરોડોની મિલકત ધરાવે છે – છતાં મોટાભાગના મીડિયા હાઉસને તેની સામે કોઈ વાંધો નથી. કેમ કે આ નેતાઓ મુસ્લિમોની વાતો કરે છે. આવા તમામ રાજકીય પક્ષોના શાસન છતાં મુસ્લિમોની સ્થિતિમાં સાચા અર્થમાં કોઈ સુધારો થયો નથી એવું એ જ સરકારો દ્વારા સ્થાપિત સાચર સમિતિના અહેવાલમાં પ્રસ્થાપિત થયું હોવા છતાં મીડિયાને મન એ બધા પક્ષો સેક્યુલર છે અને તેનાથી વિરુદ્ધ દેશના તમામ નાગરિકને સમાન ગણનાર રાજકીય પક્ષોને આ જ મીડિયા કોમવાદીનું લેબલ લગાવી દે છે!
પત્રકારત્વમાં સાચા સંતુલનનો અભાવ છે અથવા એક વ્યક્તિ તથા એક પક્ષ માટે દેશના મોટાભાગના મીડિયાને સૂગ છે તેનાં ઉદાહરણ ઓછાં નથી. આવો એક મુદ્દો છે, ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસની બાબતમાં દુનિયામાં ભારતનું રેંન્કિંગ સુધરવાનો. વડાપ્રધાન નહેરુના સમયમાં બે-પાંચ આઈઆઈટી સંસ્થાઓ શરૂ થવાના અથવા એકાદ ભાખરા નાંગલ ડેમ બનવાના હજુ આજે પણ ગાણાં ગાયાં કરતાં મીડિયા હાઉસ છેક 1981-82 સુધી દેશ લાઇસન્સ રાજની એડી હેઠળ કચડાતો હતો અને પરિણામે દેશ પ્રગતિ માટેનો સુવર્ણ સમય ચૂકી ગયો હતો એવું સ્વીકારતા નથી. એવો સ્વીકાર કરવામાં મીડિયાને એક રાજકીય પક્ષનો ડર લાગે છે. એ રાજકીય પક્ષનો આવો ડર હંમેશા રહ્યો હશે તેનો પુરાવો શોધવા વધારે દૂર જવાની જરૂર નથી. હજુ મે, 2020માં રિપબ્લિક ટીવીના વડા અર્નવ ગોસ્વામી સાથે જે કંઈ થયું તેનાથી દેશ અજાણ નથી. પરંતુ 2014 પછી દરેક પેરામીટરમાં ભારતના રેંન્કિંગમાં સુધારો થયો હોવા છતાં તેની નોંધ લેવાની પણ ડંખીલા મીડિયાની તૈયારી નથી. અહીં સૌથી અગત્યની વાત એ છે કે, જે કોઈ પેરામીટરમાં સુધારો થયો છે તેની જાહેરાત આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ કરી છે, ભારત સરકારે નહીં, અને છતાં મીડિયા એ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા કહેવામાં આવતી વાત પણ સ્વીકારતા નથી. દેશ પ્રત્યેના ધિક્કારનું આના કરતાં મોટું પ્રમાણ કયું હોઈ શકે.
મીડિયા દુશ્મનની સાથે નથી. મીડિયા પોતે જ દુશ્મન છેઃ
25 જૂન, 2020ના રોજ એક ટ્વિટ વાંચ્યું. દેશમાં દલિતના માન-સન્માનને લગતા એક વીડિયોને આધારે કરવામાં આવેલા એ ટ્વિટમાં વર્તમાન શાસનમાં દલિતો પ્રત્યે અત્યાચાર વધી ગયા હોવાના તદ્દન ઉપજાવી કાઢેલા અહેવાલોની ઝાટકણી કાઢીને બે ટૂંકા વાક્ય લખવામાં આવ્યાં હતાં તે અતિશય સચોટ અને સૂચક હતાં – Media is not with the enemy. Media is the enemy. (મીડિયા દુશ્મનની સાથે નથી. મીડિયા પોતે જ દુશ્મન છે). આવું વિધાન લખનાર કોઈ સામાન્ય વ્યક્તિ નહોતી. એ મેડિકલ પ્રેક્ટિશનર ડૉક્ટર છે. ડૉક્ટર માટે પ્રત્યેક દર્દી એક સમાન હોય છે. સારવાર લેવા આવનાર દર્દીના નાત-જાત-જાતિ-ધર્મ જોવામાં આવતા નથી. અને છતાં એક મેડિકલ પ્રેક્ટિશનર મીડિયા વિશે આવો અભિપ્રાય ધરાવતા હોય ત્યારે સમજી શકાય એમ છે કે સ્થિતિ કઈ હદે વણસેલી હશે.
જે વ્યક્તિના વીડિયોને આ ડૉક્ટરે ટ્વિટ કર્યો હતો એ પોતે એક દલિત અગ્રણી છે અને વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન આપતી વખતે તેમણે કહેવાતા દલિત અત્યાચારો વિશે અને તેમાં જમણેરી વિચારધારાના લોકોની કહેવાતી સંડોવણી વિશેના અનેક મીથને રદિયો આપ્યો છે. (આ વીડિયો અહીં https://www.youtube.com/watch?v=spm5k5IrRDw&feature=youtu.be જોઈ શકાય છે)
આભાસી ભેદભાવ – આભાસી અત્યાચારનું પત્રકારત્વ
મુદ્દો એ છે કે, જે મીડિયાએ સામાજિક સંવાદિતા જળવાય અને તેમાં વધારો થાય તેવા અહેવાલ આપવાના હોય, એ પ્રમાણેનું લેખન કરવાનું હોય તેને બદલે સંવાદિતા ખોરવાય એવા પ્રકારના અહેવાલ આપ્યા કરે ત્યારે એવા મીડિયાની ભૂમિકા શંકાસ્પદ બની જાય છે. આ વાત અનેક લોકો અનેક વર્ષથી મીડિયાને સમજાવવા પ્રયાસ કરતા રહ્યા છે, પરંતુ કમનસીબે આવા દરેક પ્રયાસ વખતે મીડિયા એવી દલીલ કરીને પોતાની સમાજ-વિરોધી માનસિકતા છતી કરે છે કે, સમાચાર આપવા એ અમારી ફરજ છે.
યુવાન પત્રકારો તથા પત્રકારત્વના વિદ્યાર્થીઓ, અહીં એ બાબત સમજો કે “સમાચાર આપવા એ અમારી ફરજ છે” – એવું કહેનારા મીડિયા 10માંથી નવ કેસમાં સમાચારની પસંદગીમાં ઘાલમેલ કરે છે-બદમાશી કરે છે. તમે તમારા પોતાના તથા તમારી આસપાસના વાતાવરણ અને દાખલા વિચારો. સાંભળેલા કે વાંચેલા નહીં. પણ અંગત અનુભવ થયો હોય એવા કોઈ દાખલા છે જેમાં કોઈ વર્ગની વ્યક્તિ સાથે અન્યાય થતો હોય? ભેદભાવ રખાતો હોય? મને ખાતરી છે તમે એવા કોઈ કિસ્સા જાતે જોયા નથી. અને છતાં તમારા તેમજ સમાજના મનમાં મહદઅંશે એવી જ છાપ છે કે ભારતમાં જાતિવાદી ભેદભાવ છે અને કોમવાદ છે અને અન્યાય છે અને અત્યાચાર છે. ખરુંને? ભણેલા-ગણેલા સમજદાર લોકોએ શા માટે કદી એ બાબતનો વિચાર નથી કર્યો કે આપણા વ્યક્તિગત જીવનમાં કે આપણી આસપાસ પ્રત્યક્ષ રીતે કશું દેખાતું નહીં હોવા છતાં, કોઈ પ્રત્યક્ષ અનુભવ નહીં થતો હોવા છતાં જાતિવાદી અન્યાય, જાતિવાદી ભેદભાવની છાપ શા માટે છે?
તો આજે એનું કારણ જાણી લો. જૂજ અપવાદોને બાદ કરતાં મોટાભાગના મીડિયા બે પ્રકારના ધ્યેયથી ચાલે છે. એક પ્રકાર છેઃ આર્થિક ધ્યેય. બીજો પ્રકાર છેઃ એજન્ડા. આર્થિક ધ્યેયને મહત્ત્વ આપનારા મીડિયા માટે નાણા સિવાય બીજી કોઈ વિચારસરણી હોતી નથી. નાણા માટે તેઓ ગમે તેવી સનસનાટી ફેલાવતા અચકાતા નથી. આવા મીડિયા જાણતા હોય છે કે રાઈનો પહાડ બતાવવાથી તેમના અખબાર – સામયિકનું વેચાણ થશે અથવા ટીવી ચૅનલની ટીઆરપી વધી જશે, અથવા તો વેબસાઇટની લિંક સોશિયલ મીડિયામાં હજારો લોકો સુધી પહોંચી જશે. વેચાણ વધવાથી અથવા ટીઆરપી વધવાથી સ્વાભાવિક રીતે જ જાહેરખબરો વધુ મળે. બસ, મીડિયા હાઉસનું કામ થઈ ગયું. નૈતિકતા ભલે હાંસિયામાં ધકેલાઈને રડ્યા કરે, સનસનાટી ફેલવનારા મીડિયા હાઉસને તો આર્થિક ફાયદો થઈ જાય છે. એકલ-દોકલ કિસ્સાને આવા મીડિયા જાણે રોજિંદી ઘટનાઓ હોય એ રીતે “પીરસે” છે અને પરિણામે બંને વર્ગને એકબીજા પ્રત્યે ઘૃણા રહ્યા કરે છે, એ ઘૃણાની લાગણી વધારેને વધારે તીવ્ર બનતી જાય છે. આવો સમાજ કદી શાંતિ અને સ્થિરતા અનુભવી શકતો નથી. સત્ય અને પ્રામાણિકતાને આધારે બહુ મોટાપાયે આર્થિક સફળતા નથી મળતી એવી એક સર્વવ્યાપી માન્યતા છે. અને પરિણામે આર્થિક સફળતા મેળવવા પોતાને લોકશાહીનો ચોથો સ્તંભ ગણાવતા મીડિયા પણ નૈતિકતાનો ભોગ આપતા રહે છે. પરિણામે નથી મીડિયાની વિશ્વસનીયતા જળવાતી કે નથી લોકશાહી મજબૂત થતી.
અહીં ખાસ સ્પષ્ટતા એ કરવાની કે, કોઇપણ પ્રકારના જ્ઞાતિવાદી-જાતિવાદી અન્યાય હોવા ન જ જોઇએ. તેનો બચાવ કરવાનો કોઈ આશય જ નથી. બલ્કે, જ્યારે પણ આવા કોઈ કિસ્સા બને ત્યારે કાયદો (પોલીસ અને ન્યાયતંત્ર) તેમજ સરકારે કોઇપણ જાતની શેહશરમ વિના જવાબદાર આરોપીઓને દાખલારૂપ સજા કરવી જોઇએ જેથી ધીમેધીમે એવા અન્યાય કે ભેદભાવ ખરેખર દૂર થઈ જાય. પરંતુ તેની સાથે સાથે એ પણ થવું જોઇએ કે જે મીડિયા અથવા રાજકીય નેતા અથવા રાજકીય પક્ષ એવી કોઈ ઘટનાને ચગાવીને તેનો ગેરલાભ ઉઠાવવા પ્રયાસ કરે તો તેમને પણ સજા થવી જોઇએ. કમનસીબે આ થતું નથી. મીડિયા આવા કોઈ કેમ્પેઇન ચલાવતા નથી.
બીજો પ્રકાર છે- એજન્ડા. હા, એજન્ડા. વર્ગવિગ્રહનો એજન્ડા. ભારતીય સમાજને વિભાજીત રાખવાનો અને તેના દ્વારા ધર્માંતર પ્રવૃત્તિઓને છાવરવાનો એજન્ડા. આ વાસ્તવિકતા છે અને તેનાથી નથી પોલીસ અજાણ કે નથી રાજકીય પક્ષો અજાણ કે નથી સરકારો અજાણ. આમ તો ધર્માંતરનો એજન્ડા સીધેસીધો મીડિયાનો નથી, પરંતુ ધર્માંતર માટે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેને છાવરવામાં આવે છે અથવા એવી ઘટનાઓ બને ત્યારે જૂજ અપવાદને બાદ કરતાં મોટાભાગના મીડિયા દ્વારા આંખ આડા કાન કરી દેવામાં આવે છે. જો તટસ્થ રહીને જોવામાં આવે તો અનેક મીડિયા હાઉસ નાનામાં નાની, સાવ નજીવી ઘટનાઓને એટલું મોટું સ્વરૂપ આપી દેતા હોય છે કે વાચકો અથવા દર્શકોને એવું જ લાગે કે સાર્વત્રિક અન્યાય અને હિંસાનું વાતાવરણ બની ગયું છે! વાસ્તવમાં આવું હોતું નથી, અને એટલે જ નાની નાની ઘટનાઓને મોટું સ્વરૂપ આપવાને બદલે મીડિયાની વાસ્તવિક ફરજ જાતિ-જ્ઞાતિ વચ્ચે વૈમન્સ ઊભું ન થાય અને થયું હોય તો એ ફેલાય નહીં એ જોવાની હોવી જોઇએ. કમનસીબે જૂજ અપવાદરૂપ મીડિયા જ આવી ફરજ બજાવે છે, બાકી એજન્ડાવાદી મીડિયા ભારત તોડવાની પ્રવૃત્તિમાં લાગેલા છે. આ વાત સીધેસીધી માની લેવાની જરૂર નથી. એ માટે વિદ્યાર્થી તરીકે તમે ડેઝર્ટેશનનો વિષય રાખીને સંશોધન કરી શકો. અથવા યુવા પત્રકાર હોવ તો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરીને સંશોધન કરી શકો. બની શકે તમારું એ સંશોધન તમારું મીડિયા હાઉસ ન છાપે અથવા ટીવીમાં હોવ તો ચૅનલ હેડ એ પ્રસારિત ન કરે, પરંતુ તમે પુસ્તક સ્વરુપે તો તેને પ્રકાશિત કરી જ શકો છો, ખરુંને?
આ સ્થિતિ નહીં બદલાય તો ભારતીય સમાજ હંમેશને માટે તણાવમાં રહેશે, કેમ કે મૂળ ભારતીય કદી આક્રમક કે હિંસક હોતો નથી. હજારો વર્ષથી આ વાત પુરવાર થયેલી છે અને 33 કોટી (કોટી એટલે પ્રકાર) દેવી-દેવતાઓને માનનાર પ્રજા કેટલા હજાર વર્ષથી સાથે રહે છે એનું મૂળ પણ શોધી શકાતું નથી. આર્થિક અથવા સામાજિક કારણોસર ક્યારેક અણબનાવ બન્યા હોય તેને જ કાયમી સ્થિતિ માનીને તેનો પ્રચાર કર્યા કરવાથી આ મૂળ સ્વભાવથી જ સહિષ્ણુ પ્રજામાં ઉશ્કેરાટ વ્યાપી રહ્યો છે. જે વિદ્વાનો અને બુદ્ધિજીવીઓ સતત ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધમાં પ્રચાર કરે છે અને મીડિયા તેને ચગાવે છે તેઓ ખરેખર સાચા અર્થમાં જો વિદ્વાન અને બુદ્ધિજીવી હોત તો “વસુધૈવ કુટુંબકમ્”ની ભાવનાનો આદર કરીને ભારતીય સંસ્કૃતિના ફેલાવામાં મદદ કરી હોત. પરંતુ કમનસીબે એ લોકો તેનાથી તદ્દન ઊંધું કામ કરે છે અને પરિણામે “અહિંસા પરમો ધર્મ” –માં માનનાર પ્રજા “ધર્મ હિંસા તથૈવ ચ” –માં પણ માનવા લાગી. સમગ્ર માનવજાત માટે આ સ્થિતિ યોગ્ય નથી. અને એ માટે મીડિયા સૌથી વધુ જવાબદાર હશે એ હું સ્પષ્ટપણે કહેવા માગું છું.
અહીં જેટલા પણ મુદ્દા કહ્યા છે તે દરેક મુદ્દા પુરાવા સાથે પુરવાર કરી શકાય એમ છે જ, પરંતુ મારે એ કામ યુવા પત્રકારો તથા પત્રકારત્વના વિદ્યાર્થીઓ અથવા સ્વતંત્ર સંશોધકો ઉપર છોડવું છે. એમ કરવાના બે કારણ છેઃ એક તો, સંશોધનને પ્રોત્સાહન મળે અને એમ કરવામાં બીજી અનેક નવી બાબતો પણ જાણવા-સમજવાની તક મળી શકે છે. અને બે, સીધે સીધા પુરાવા આપીને મારે એવી છાપ ઊભી નથી કરવી કે આ પુસ્તક કોઈ ચોક્કસ ઇરાદાથી લખાયું છે. મારે તો એક દિશાનિર્દેશ કરવો છે કે આ જે કંઈ થઈ રહ્યું છે તે પત્રકારત્વના હિતમાં નથી અને એ રીતે વ્યાપક સમાજના હિતમાં નથી.
પત્રકારત્વ એ ઇતિહાસલેખન છે
પત્રકારત્વ એ વાસ્તવમાં ઇતિહાસલેખન છે. ભવિષ્યમાં ક્યારેય પણ કોઇપણ બાબતનું સંશોધન કરવાનું થશે ત્યારે અખબાર, સામયિક અને સમાચાર ચૅનલની જ મદદ લેવામાં આવશે. હકીકતે, ઘણી સદીથી ઇતિહાસ લેખન માટે સમૂહ માધ્યમોનો જ પ્રાથમિક સોર્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
હવે આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતમાં પત્રકારત્વની વર્તમાન સ્થિતિનો વિચાર કરવામાં આવે તો રીતસર ધ્રુજી જવાય છે. એ વિચારીને ધ્રુજી જવાય છે કે રાજકારણીઓની જેમ મીડિયા પણ તુષ્ટિકરણની નીતિ અપનાવીને સમાજના એક સમૂહને બચાવવા તમામ પ્રકારના જૂઠાણા ચલાવે છે, મનઘડંત અહેવાલો તૈયાર કરે છે. એવી જ નીતિ-રીતિ આ બધા મીડિયા સમાજના અન્ય વર્ગને દોષીત ઠેરવવા માટે પણ અપનાવે છે.
જે મીડિયાનું કામ ઘટના જેવી બની છે તેવી રજૂ કરવાનું, જે કંઈ બન્યું હોય તેને ક્રમબદ્ધ લખવાનું હતું – એ જ મીડિયા ઘટનાની પહેલી જ મિનિટથી તેમાં કઈ જાતિ-ધર્મના લોકો સંકળાયેલા છે તેના આધારે જજ બનીને ચુકાદા આપવાનું શરૂ કરી દે છે. આ મીડિયાએ દિલ્હીના બાટલા હાઉસ કેસમાં આમ જ કર્યું હતું, આ મીડિયાએ ગોધરાકાંડ વખતે આમ જ કર્યું હતું. આ મીડિયાએ સમઝોતા ટ્રેન બ્લાટ કેસમાં આ જ કામ કર્યું હતું. આ અને આવા બીજા અનેક કેસમાં સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પછી અદાલતોએ ચુકાદા આપ્યા હોવા છતાં હજુ આજે પણ મોટાભાગના મીડિયાનું એક તરફી વલણ ચાલુ જ છે.
લદાખની ગલવાન સરહદે ચીની દળોની ઘૂસણખોરીના સમયમાં (મે – જૂન, 2020) આમ તો મોટાભાગના મીડિયાએ લશ્કરી દળો તથા સરકારનું સમર્થન કરીને દેશ તરફી વલણ દાખવ્યું હતું, છતાં અમુક મીડિયા તો એવા હતા જ, જે વિરોધપક્ષની ભાષા બોલતા હતા. 2017માં ડોકલામમાં અને 2020માં ગલવાનમાં ચીનની અવળચંડાઈ અને તેમાં ભારત સરકારની કૂટનીતિ તથા લશ્કરી દળોની હિંમતનો વિજય થયો હતો, તેમ છતાં બંને વિવાદ ચાલુ હતા ત્યારે કેટલાક મીડિયા સતત સરકારનું તેમજ લશ્કરનું મોરલ ડાઉન થાય એવા અહેવાલ પ્રકાશિત-પ્રસારિત કરવાનું ચૂકતા નહોતા. આવા ભારતીય મીડિયાને ચીની તેમજ અન્ય પશ્ચિમી મીડિયાના અહેવાલો ઉપર વધારે ભરોસો રહેતો અને તેને ટાંકીને તેઓ ભારત સરકાર વિરોધી એજન્ડા ચલાવ્યા કરતા.
અને એટલે જ અહીં ફરીથી ઇતિહાસનો મુદ્દો આવે છે. ભવિષ્યમાં કોઈ ડોકલામ તથા ગલવાન ઘટનાઓ અંગે સંશોધન કરશે અને તેમના હાથમાં કટ્ટર સરકાર વિરોધી મીડિયાના અહેવાલ આવશે તો એ સંશોધન અને તેનાં તારણોની દિશા કેવી હશે? આ તાજા મુદ્દાઓના ઉલ્લેખ દ્વારા યુવાન પત્રકારો તથા પત્રકારત્વના વિદ્યાર્થીઓનું ધ્યાન દેશની સ્વતંત્રતા ચળવળ, અને સ્વતંત્રતા મળ્યા પછી થયેલા ઇતિહાસલેખન તરફ દોરવા માગું છું. એ ઇતિહાસલેખનમાં બહારથી આક્રમણ કરનારા વિધર્મીઓને મહાન દર્શાવી દેવામાં આવ્યા અને આપણા પોતાના રાજા-મહારાજાઓને એવા વામણા દર્શાવવામાં આવ્યા કે દેશની અત્યાર સુધીની પેઢીઓ રાજપૂત અને મરાઠા રાજાઓને માનથી જોતી નથી. ગુજરાતના કાઠી દરબાર રાજાઓએ કરેલા સંઘર્ષ અને તેમના કલા-વૈભવના વારસાને ચટાઈની નીચે ઢાંકી દેવામાં આવ્યો અને વિદેશી આક્રમણખોરોને મહાન બતાવવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝ નામનો એક બંગાળી વિદ્વાન યોદ્ધો ભારતમાંથી બ્રિટિશ સરકારને ઉખાડી ફેંકવા માટે 43,000 ભારતીયોનું લશ્કર બનાવે અને તેના માટે શસ્ત્ર-સરંજામ મેળવવા જાપાન, જર્મન, રશિયા જેવા દેશોમાં ફરી વળે અને એ સરકારોના સહકારથી ભારતમાં બ્રિટિશરો ઉપર હુમલો કરવા આગળ વધે અને સ્વતંત્રતા મળ્યા પહેલાં જ ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શપથ લે – આવા વ્યક્તિત્વ વિશે બંગાળની બહાર સાવ ઓછા લોકો સુધી માહિતી પહોંચી છે. અને તેમાં યુઝઅલ સસ્પેક્ટ મીડિયા જ છે. વીર સાવરકર, શ્યામજી કૃષ્ણવર્મા જેવા બેસુમાર ક્રાંતિવીરો વિશે આપણા ઇતિહાસનાં પાનાં કાંતો સાવ મૌન રહ્યાં અથવા સાવ નગણ્ય નોંધ કરી દેવામાં આવી. મીડિયાના અપરાધ વિના આવું શક્ય ન બને.
આવું કેવી રીતે થયું હશે? સ્પષ્ટ છે, જે તે સમયે વિદેશી આક્રમણખોરોની તરફેણમાં લખાયું હશે તે સાચવવામાં આવ્યું હશે અને આપણા પોતાના રાજા-રજવાડાં તેમજ બોઝ જેવા બીજા અનેક ક્રાંતિવીરોના પરાક્રમનાં લખાણોનો, તેમના ભવ્ય વારસાનો નાશ કરવામાં આવ્યો હશે. છતાં વાસ્તવિકતા પૂરેપૂરી આવી પણ નથી. ઘણા ઇતિહાસકારોએ ભારતનો સાચો ઇતિહાસ લખ્યો છે, ભારતીય રાજાઓના સાહસ અને હિંમત વિશે પુરાવા સાથે લખ્યું છે, પરંતુ આપણા જ મીડિયાએ એ ઇતિહાસકારોને એક ધર્મના ચોકઠામાં ફિટ કરી દઇને તેમનું મહત્ત્વ સાવ ઘટાડી નાખ્યું. પરિણામે તેમનાં લખાણો વિશે શિક્ષિતો પણ આશંકા કરવા લાગ્યા.
તદ્દન સાચી વાત તો એ છે કે, પત્રકારો અને પત્રકારત્વે જજ બનવાનું હતું જ નહીં. તેમણે તો જે કંઈ બની રહ્યું હોય, જે રીતે બની રહ્યું હોય – તેને માત્ર પ્રજા સુધી પહોંચાડવાનું હતું. એ વાંચીને અથવા જોઇને કેવું અને શું અર્થઘટન કરવું એ નિર્ણય પ્રજાએ પોતે લેવાનો હતો. પણ કમનસીબે ચક્ર ઊંધું ચાલ્યું. પત્રકારો અને મીડિયા હાઉસ પોતે જ જજની ખુરશી પર બેસીને જજમેન્ટલ બની ગયા.
મોડું તો ઘણું થઈ ગયું છે. તેમ છતાં જાગ્યા ત્યારથી સવાર માનીને મીડિયામાં કાર્યરત યુવાન પત્રકારો તથા પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલા અથવા કરવા માગતા વિદ્યાર્થીઓ જેહાદને જેહાદ કહેવાની હિંમત કરશે તથા જમણેરી વિચારધારાવાળા શાસકોની શિક્ષણના ખાનગીકરણ તરફી અન્યાયી નીતિનો પ્રચંડ વિરોધ કરશે તો મને લાગે છે કે 70 વર્ષની ભૂલ સુધરશે અને પરિણામે પત્રકારત્વનો અને તેને પગલે આ દેશની મૂળ સંસ્કૃતિનો સુવર્ણયુગ પરત લાવી શકાશે. બાકી – હરિઓમ.
(“પત્રકારત્વઃ વિશ્વસનીયતાનો પડકાર” પુસ્તકમાંથી સાભાર. પુસ્તક વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.. પુસ્તક પ્રાપ્તિ માટે સંપર્ક અરુણોદય પ્રકાશન, ફોન ૯૬૬૪૯૩૯૪૪૦, સંપાદક અને પ્રકાશક – અલકેશ પટેલ, ૧, ન્યૂ નવદીપ એપાર્ટમેન્ટઑક્સફર્ડ ટાવર પાછળ, ડૉ. વસાવડાના દવાખાના પાસે, ગુરુકુળ સામે, મેમનગર, અમદાવાદ – 380 052 ફોન – 9687619767 / 9925029048)
Pingback: આજનું પત્રકારત્વ તમને કેટલું વિશ્વસનીય લાગે છે? – ReadGujarati.com